Tirth Shah

Romance Tragedy

4  

Tirth Shah

Romance Tragedy

લગ્નજીવન - ૩

લગ્નજીવન - ૩

5 mins
376


(આપે પાછળ જોયું તે મુજબ, હું રોહનને આખીય વાત કહું છું. અંતે હું તેનાથી એક રાઝ છુપાવું છું.)

એ ફ્રેમને ફરી દીવાલ પર લટકાઈ, કાચ ડોલમાં નાખી દીધા. એ દીવાલ પર લાગેલી અન્ય ફ્રેમને પણ સાફ કરી. એક ફ્રેમ બહુ જૂની હતી. તેની ધૂળ રોજ સાફ કરતો હતો. એ ફ્રેમ પણ સમય સાથે વૃદ્ધ બની ગઈ હતી. તેનો કાચ ઝાંખો પડી ગયો હતો ને અંદરનો ફોટો પીળો પડી ગયો હતો.

એ બપોરે હું સુઈ ગયો. સાંજ થવા આવી, વહેલું અંધારું થવા આવ્યું હતું. લોકો ઘરમાં પુરાવા લાગ્યા હતા. એટલામાં ડોરબેલ વાગી, સામે જોયું તો.. રોહન અને ધ્વનિ ઉભા હતા. બેય હસતા હતા અને રોહનનો હાથ ધ્વનિની કમર પાસે અને ધ્વનિનો હાથ રોહનના બીજા હાથમાં હતો. બેય ને અંદર આવકારો આપ્યો અને અંદર આવ્યા. તેમના મોઢા પરથી લાગતું હતું બેયનો ગુસ્સો ઊડી ગયો છે અને ફરીવાર એકમેકના બની ગયા છે.

એ અંદર આવ્યા ને મારી સામે બેઠા. હું તેમની પ્રતિક્રિયા સમજી ગયો હતો. રોહન સીધો ઊભો થયો અને મારા હાથને પકડીને બોલ્યો, "વાહ લવ ગુરુ.. મારી નાવને ડૂબતી બચાવી દીધી. આજે હું એ નાવનો ખલાસી બની ગયો અને નાવને આગળ લઈ જાઉં છું. મેં તમારી દરેક વાત ધ્વનિને કરી, તમારા પ્રેમ અને તમારી ફરજ બધું જાણ કર્યું. ધ્વનિને તેની ભૂલ અને મને મારી ભૂલ સમજાઈ ગઈ. મેં તેની માફી માંગી અને હું કાલે તેને ફરવા લઈ જવાનો છું. સામે એણે મને પ્રપોઝ કર્યું અને તેની ભૂલને યાદ કરી રડવા લાગી.

અમે બેય ખુશ છીએ અને અમે કાયમ ભેગા રહીશું. આ પ્રેમમાં આજથી વધારી થશે, આ લગ્નજીવનમાં આજથી વધારી થશે. ધ્વનિ મને પગે લાગી અને બોલી, "તમારા વાઈફ આવે ત્યારે અમે ફરી આવીશું ! આવા સુંદર વિચારોવાળા પતિની વાઈફ પણ કેટલી સુંદર હશે ! મારે મળવું છે."

હું કશુ બોલ્યો નહીં અને તેના માથે હાથ મૂકી દીધો. રોહન ફરી ઊભો થયો અને મને ગળે લાગ્યો.

"થેંક્યું સર! મારી મેરેજ લાઈફને સુધારવા માટે. મારી લવ લાઈફને પાછી લાવવા માટે." 

ધ્વનિ મારી સામે રસોડામાં પાણી લેવા ગઈ. પાણીના ગ્લાસ લઈને બહાર આવી અનવ તરતજ મને પૂછ્યું, "કેટલા સમયથી બહાર છે તમારી વાઈફ ? ઘરની હાલત જોઈને લાગે છે એ ઘણા ટાઇમથી નથી. "

હું ધ્વનિની સામે જોવા લાગ્યો. રોહને ધ્વનિને ઇશારામાં કીધું 'આવા સવાલ ના પુછાય ?'

ધ્વનિથી રહેવાયું નહીં અને મને ફરી પૂછ્યું, "શુ નામ છે વાઈફનું ?"

મેં પાણી પીધું અને બારી બહાર જોયું. સાંજની રાત થવા આવી હતી, વાતાવરણ એકદમ ઠંડુ હતું. ગ્લાસ મુક્યો અને મેં કીધું,

"એનું નામ કિરણ, એ હાલ તેના પિયર ગઇ છે અને હમણાં ત્યાં રોકાવાની છે. એટલે ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. સ્ત્રી ઘરમાં ન હોય તેની જાણ એક સ્ત્રીને પડી જતી હોય છે. જો કોઈ પુરુષ ઘરમાં ન હોય તો કાંઈ ખબર પડતી નથી. કિરણ છેલ્લા ત્રણ મહિનાથી ત્યાં છે. "

ધ્વનિ હાથ દઈને સાંભળતી હતી. એણે મને ફરી સવાલ કર્યો.

"તમારું લગ્નજીવન સુખી હતું ? તમે અમને લગ્નજીવનમાં તારી લીધા પણ તમારું લગ્નજીવન સફળ હતું ? "

રોહન વચમાં બોલ્યો અને ધ્વનિને ચૂપ કરાઈ. રોહન અને ધ્વનિ ઊભા થયા અને બહાર નીકળ્યા. ધ્વનિ જતાજતા બોલી, 'એ દીવાલ પર લાગેલી ફ્રેમની ધૂળ એ સાબિત કરે છે.તમારું જીવન સફળ નથી.'

મેં દરવાજો બંધ કર્યો. એ દીવાલની ધૂળને જોવા લાગ્યો. બારી બંધ કરી અને સોફા પર આડો પડ્યો. સોફાને અડીને આવેલા ટેબલ પર મારો હાથ અથડાયો એને કારણે ત્યાં મુકેલી અમારા લગ્નની એ સાચવેલી ફ્રેમ ફટાક કરતી તૂટી ગઈ. સીધી નીચે પડી અને કાચના ટુકડા... હું ઉભો ના થયો. ત્યાં આડો પડી રહ્યો અને મનમાં બોલ્યો, "કાચ તૂટવાથી સારા શકન થાય છે. સારા શકન થઈ ગયા, મારા કારણે એક પ્રેમી જોડું તૂટતા બચી ગયું. એ જોડું વિખેરાતાં બચી ગયું, એ જોડું લગ્નની જોડમાં બંધાઈ ગયું. "

ભલે મારી એ મારા હૃદયમાં સ્થાન બનેલી ફ્રેમ તૂટી ગઈ. એ ફ્રેમ ભલે તૂટી પણ, કોઈના લગ્નની ફ્રેમના તૂટવી જોઈએ. હું એ સોફા પર આખો દિવસ પડ્યો રહ્યો. એ રાતે ઠંડી લાગતી હતી પણ ઓઢયા વગર સુઈ રહ્યો. મને એ વાતે ઠંડી લાગતી નહીં કેમકે મારા કારણે એક યુગલ બચી ગયું. ભલે, મારુ યોગદાન ઓછું હોય પણ બચી ગયું એ યુગલ.

સવારે ઉંઘમાં ઊભો થયો અને ધ્યાન બહાર નીકળી ગયું. એ કાચ મારા પગમાં સીધો ઘુસી ગયો. લોહી નીકળી ગયું, રાડ નીકળી ગઈ અને કિરણ નામ મોઢામાંથી નીકળી ગયું. ગમેતેમ કરીને કાચ ભેગો કર્યો અને પગે પાટો બાંધ્યો. એ કાચને ફરી ડોલમાં નાખ્યો.

દવે કાકાને જાણ થતાં મને પૂછવા આવ્યા. વાતવાતમાં રોહન અને ધ્વનિની વાત નીકળી.

"એ યંગ કપલતો ફરવા નીકળી ગયું. સારું થયું એ બચી ગયું, નહીંતર છૂટાછેડા થાત અને સુખી સંસારનો માળો આખોય વિખેરાઈ જાત ! "

મેં દવે કાકાને કીધું, "સુખી લગ્નજીવનમાં અડચણો ઘણી આવે પણ સામનો કેવીરીતે કરવો આપણા હાથમાં છે. મેં તેમની મદદ નથી કરી પણ મારા જીવનની એ અમૂલ્ય વાતો કહી. એ અમૂલ્ય વાતો તેમને સારી લાગી અને તેમનો માળો સચવાઈ ગયો. "

દવે કાકાએ જતા મારા ખભે હાથ મુક્યો અને બોલ્યા, "તું પોતે છૂટાછેડા લઇ ચુક્યો છે એ વાતની જાણ કરતો નહીં. ભલે તારો માળો આ લગ્નજીવનમાં સંપૂર્ણ નાશ પામ્યો છે પણ એમના માળાને એ નાશ થવા દેતો નહીં. એ વાતની જાણ કયારેય કરતો નહીં અને થવા દેતો નહીં."

મેં દવે કાકાને ખભે હાથ મુક્યો. એમની સામે હસ્યો અને બોલ્યો, "કાકા.. છેલ્લા સાત વર્ષથી એકલો છું, એ વાતની જાણ કોઈને નથી તો પછી એ નવા આવેલાને કોઈ હિસાબે જાણ ન થાય. અને જાણ થશે તો એમને સમજાવનું કેવી રીતે આગળ ટકવું ? હું તો મારા જીવનમાં આગળ વધી ગયો પણ બહુ એકલો છું. આ ફ્રેમ મારો સહારો છે. હવે તો ફ્રેમ પણ તૂટવા લાગી છે અને હું પણ તૂટવા લાગ્યો છું."

મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. કિરણનો ચહેરો મને દેખાવા લાગ્યો. દવે કાકા જતા રહ્યા. એ ફ્રેમ પાસે ગયો અને આંસુ લૂછીને એ ફ્રેમને તાકતો રહ્યો. એ ફ્રેમને તાકતા મને યાદ આવ્યો મારો એ સાત વર્ષ પહેલાનો કાળ. મારી આંખ સામે કિરણ ઘર છોડીને જતી રહી. એ રવિવારના દિવસે મોટો ઝઘડો કર્યો અને મને કાયમી છોડીને જતી રહી. હું તેની વાટ જોતો ઊભો રહ્યો પણ એ વાટ ખૂટી નહીં. હું તેને એટલો ચાહતો એ બધી ચાહત ભેગી કરી અને ચાહતના ટુકડા કરીને જતી રહી. એની યાદ પેટે માત્ર ફ્રેમ રાખી જે મને તેની યાદ અને તેના હોવાનો અહેસાસ કરાવતા. હવે ધીરેધીરે ફ્રેમ તૂટવા લાગી છે અને એની યાદો પણ મારા હૃદયથી ખસવા લાગી છે.

એ દિવસે ઓફીસ ગયો નહીં અને બારીએ બેસી રહ્યો. કિરણની રાહમાં સાત વર્ષ કાઢ્યા હવે ખબર નહીં કેટલા કાઢવાના છે ? બહુ લગ્નજીવનની ડાહી વાતો કરી પણ, હું પોતે ગાંડો સાબિત થયો.

"તારી યાદના સહારે ફ્રેમને તાકતો રહ્યો,

તારી યાદના સહારે તારા જીવને ચાહતો રહ્યો."

મનમાં એક વાતે સંતોષ થયો કે 'એ પ્રેમી જીવ છુટાછેડાના વાવાઝોડામાં જીવતા રહી ગયા અને બચી ગયા. હું એ વાવાઝોડાને સમજી શક્યો નહીં અને વચમાં પડી ગયો.

આજે રોહનના ત્યાં બેબીનો જન્મ થયો છે અને નામ કિરણ રાખ્યું છે. એ કિરણ નામ કાને આવતા હું ખુશીમાં નાચી પડ્યો.

છેવટે મને અહેસાસ થયો કે, મારું પણ લગ્નજીવન સફળ થયું.


Rate this content
Log in

Similar gujarati story from Romance