લગ્નજીવન - 1
લગ્નજીવન - 1
'આ શું રોજરોજની માથાકૂટ! હું તો છૂટું કરવા ઇચ્છુ છું. થાક્યો તારાથી હવે, તારી જોડે ભવિષ્ય કાઢવું મને ઠીક લાગતું નથી. તું તારા ઘરે સારી અને હું..'
રોનક મોટા અવાજે બધાને સંભળાય તેમ તેની વાઈફ ધ્વનિને કહેતો હોય છે. સામે ધ્વનિ ઘરના વાસણો જોરથી પછાડે છે ને તેનો ગુસ્સો વ્યક્ત કરે છે. બૂમો પાડીને બોલે છે,
'અરે નથી રહેવું તારા જોડે ! શું દાટયું છે આ ઘરમાં ? મને શું સુખ આપ્યું ? છેલ્લા સાત વર્ષથી આ ઘરની વહુ છું પણ... જવાદે નહિતર લાબું થઈ જશે !'
રવિવારનો દિવસ છે. શિયાળાની સવાર હતી. વાતાવરણ એકદમ શાંત અને ઠંડુ હતું. ચારેયબાજુ નીરવ શાંતિ હતી અને એવામાં આ ઘોંઘાટ લોકોની ઊંઘને ડિસ્ટર્બ કરતો હતો. ઘણાને મફત મનોરંજન મળતું હતું તો ઘણા ઇગ્નોર કરતા હતા.
એ યંગ કપલના ઝઘડાને કારણે મારી આંખ ખુલી ગઈ. બેડ પરથી ઊભો થયો મોઢું ધોઈને ફ્રેશ થયો. દરવાજેથી પેપર લીધું, બાજુમાં પડેલી દૂધની બોટલ લીધી. ધીમા અવાજે નિત્યક્રમ મુજબ રેડિયો ચાલુ કર્યો ને સંતવાણી સાંભળવાનું ચાલુ કર્યું. દૂધને ગરમ કરવા મૂક્યું ત્યાં સુધી બારી થોડી અડધી ખોલી.. સુસવાટા બંધ પવન વાતો હતો. બે ઘડી ઊભો રહી ગયો ને નીચે જોવા લાગ્યો.
રવિવારના કારણે ઘણી શાંતિ હતી. સામે મીના માસી કચરો વાળતા હતા ને બાજુમાં દવે કાકા તેમની વાઈફ જોડે બેસીને પંચાત કરતા હતા. મારી ક્રોસમાં પેલું કપલ ઝઘડતું હતું. બારી બંધ કરી અને ગેસ ઓફ કરી કોફી બનાવી. કોફી અને પેપર લઈને બાલ્કનીમાં બેઠો. 'ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' ના પાના વાંચતો હતો. કોફીની જોડે બ્રેડ હતી અને ત્રણ બિસ્કિટ! કોફીના ચૂસકા લેતો અને નીચે નજર નાખતો જતો. સામે ફરીવાર પેલું કપલ ઉગ્ર ઝઘડો કરતું હતું.
"જો ધ્વનિ, આજે ફેંસલો થઈ જાય.. હું આગળ વધવા માંગતો નથી. હું ત્રાસી ગયો છું તારા વિચિત્ર સ્વભાવને કારણે. હું કંટાળી ગયો છું, હું માનસિક હેરાન થાઉં છું. મને ખબર હોત તો તારી સાથે લગ્ન કર્યા જ ન હોત!"
"બસ.... બંધ થઈ જા ! હું મારા ઘરે આજે જતી રહું છું. કાયમી ધોરણે જાઉં છું ક્યારેય પાછી નહીં આવું. ગમેતે થાય પણ ધ્વનિ આજે ગઈ હવે પાછી નહીં આવે ! રહેજે તું અને તારી વાહિયાત માનસિકતા"
આ બાજુ મારો કોફીનો મૂડ ખરાબ થઈ ગયો. મને તેમની વાતોમાં રસ પડ્યો. હું તેમની વાત કાન દઈને સાંભળવા લાગ્યો. પેપર બાજુમાં મૂક્યું અને બાલ્કનીમાં ઊભો થયો. તેમના ઘર તરફ જોવા લાગ્યો.. સામે મીના માસી મને જોવા લાગ્યા અને મનમાં ક્યાંક વિચારતા હશે, 'કેવી પંચાત છે આ પુરુષ ને ?'
હું તેમની સામે જોઇને હસ્યો ને મનમાં હું બોલ્યો, ' માસી આજે નીચે પંચાત કરશે, મારી સામેવાળો બીજાના ઘરની વાતોમાં રસ લે છે... એ પણ પુરુષ થઈને !'
દવે કાકા બાલ્કનીમાં ટોવેલ સુકાવવાના બહાને આવ્યા ને મારી સામે જોયું. મને ઇશારામાં કહ્યું, "આજે ગેમ ઓવર !" પછી દાંત કાઢીને હસવા લાગ્યા.
મેં સામે કહ્યું, "ગેમ ઓવર ભલે થાય.. પણ આપણે પંચાત નહીં કરવાની ! હું તેમની સામે ડબલ દાંત કાઢીને હસવા લાગ્યો."
મીના માસી અમને બેયને જોઈને સાવરણી મૂકી નીચે રહેતા સુધા માસીને રાડો પાડવા લાગ્યા. સુધા માસીએ સાંભળ્યું નહીં એટલે અંદર જતા રહ્યા. હું પાછો મારી જગ્યાએ બેઠો અને ફોન હાથમાં લીધો. દવે કાકા પણ અંદર જતા રહ્યા.
હું ફોનમાં ઇન્સ્ટા, વોટ્સએપ, એફ બી, સ્નેપ્સ બધી એપ્સમાં આંટો મારી આવ્યો. અડધો કલાક વીત્યો હશે, ધીરેધીરે લોકોની અવરજવર ચાલુ થઈ. સૂરજના આછા કિરણો આવવા લાગ્યા. વાહનોનો શોર સાથેસાથે નાના છોકરાવનો અવાજ આવવા લાગ્યો. જોડે, કૂકરની સીટી, ટીવી પર વાગતા મોટા અવાજે ગીતો, ક્યાંક ભજનો વગેરે અવાજ આવવા લાગ્યા.
હું અંદર ગયો.
આજે રવિવાર હતો માટે કોઈ કામ હતું નહીં. એટલે નવરો થઈને અહીંત્યાં ફર્યા કરતો. રેડિયો બંધ કરીને ટીવી ચાલુ કર્યું. જુના ગીતો મોટા અવાજે વગાડવાના ચાલુ કર્યા. બીજી બાજુ હું ઘરની સાફ-સફાઈ કરવા માંડ્યો. એક હાથમાં ઝાડું ને બીજા હાથમાં ઝાપતિયું... બધે સાફ કરવા લાગ્યો.
દીવાલ પર લાગેલી ફોટોફ્રેમ ધૂળ ખાતી હતી. એને સાફ કરવા લાગ્યો. સાફ કરતા એક ફ્રેમ મારી આંખ સામે આવી ગઈ. હું એ ફ્રેમ જોઈને સ્થિર બની ઊભો રહી ગયો. મારી આંખ એકીટશે એ ફ્રેમને જોયા કરતી. એવામાં કુમાર શાનુંનું સેડ, દિલને હલાવી લેનાર મસ્ત ગીત વાગવા લાગ્યું. મારા હાથમાંથી ફ્રેમ પડી ગઈ ને હું ત્યાંજ બેસી પડ્યો. એ ફ્રેમના તૂટેલા કાચમાં મને એનો સરખો ચહેરો નહીં પણ મારી ભૂલ દેખાતી હતી.
એવામાં મારા ઘરનો દરવાજો જે છેલ્લી ત્રણ મિનિટથી ખખડતો હતો. ટીવીનો વોલ્યુમ ધીમો કરી દરવાજો ખોલ્યો. સામે રોહન ઊભો હતો. હું એકદમ અવાક બની ગયો ને તેની સામે અચરજથી જોયું. રોહન સીધો ઘરમાં આવી ગયો અને મારી સામે ઊભો રહી ગયો.
"હું મદદ માંગવા આવ્યો છું. આખીય સોસાયટીના સૌથી હોશિયાર તમે છો અને તમે એજ્યુકેટેડ છો. મારે મદદની જરૂર છે મને માત્ર દસેક મિનિટ આપો !" રોહન એકી શ્વાસે બોલી ગયો.
મેં સાવરણી નીચે મૂકી, ફ્રેમના કાચની સામે જોયું. પછી રોહનને બેસવા કહ્યું. હું તેની સામે બેઠો ને માંડીને વાત ચાલુ કરી.
મને ખબર હતી નહીં એ શું પૂછવા આવ્યો હતો અને હું શું કહેવાનો હતો ? પણ, અમુક ઘટનાઓ ભૂતકાળમાં લટાર મારવા લઈ જવાની છે. મારે પણ એ ભૂતકાળમાં જવાનું છે. મારી સાથે આવજો એ ભૂતકાળની લટારમાં...
(ક્રમશ:)

