લગ્નદિવસની ઉજવણી
લગ્નદિવસની ઉજવણી
અઢાર વર્ષની હેમુની વાત સાંભળીને કમળાબેન તો વિચારમાં પડી ગયા. કે શું આવું પણ થઈ શકે ? હેમુ સાથે ઘણી બધી દીકરીઓ આલ્બમ બનાવવા માટે કમળાબેનના ઘરે આવતી.
સવારના ચાર વાગ્યામાં કમળાબેન ઊઠી જાય અને હસબન્ડ રાજેશભાઈના બિઝનેસમાં મદદ કરવા આલ્બમ બનાવવાની તૈયારી શરૂ કરી દે.
રાજેશભાઈ, કમળાબેન અને બે દીકરીઓ આમ હસતું રમતું સુખી કુટુંબ. કમળાબેન બધું ઘરનું કામ જાતે જ કરતાં. ઉપરાંત દીકરીઓને ભણાવવામાં, કહો કે ઉછેરવામાં કશી કચાશ રાખી ન હતી. પોતે બારમું પાસ ન હતા પણ રાજેશભાઈનો સંસાર સ્વર્ગથી પણ શ્રેષ્ઠ બનાવવામાં પાછીપાની કરી ન હતી.
આજે સવારના પહોરમાં હેમુએ જિદ કરી, દીદી હવે તો તમારે સ્માર્ટફોન વાપરવો જ જોઈએ. કમળાબેન કહે કે દીકરી મને એ ફતૂર ન ફાવે. હેમુ અને બીજી દીકરીઓ બોલી ઊઠી, “તો આજે હડતાલ. અમે આજે કામ કરવાના જ નથી, વળી આવતીકાલે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ છે.”
ત્યાં તો રાજેશભાઈ ઓફિસે જવા રવાના થતા થતા કમળાબેન અને બધી દીકરીઓની વાત સાંભળી ગયા. બધાને આવજો કહી ને મનમાં નક્કી જ કરી લીધું કે દીકરીઓને વાત સાચી છે. આજે ઓફિસે જતા પહેલા હું કમળા માટે સ્માર્ટ ફોન લઈ જઈશ અને સરપ્રાઈઝ આપીશ.
બીજે દિવસે સવારે કમળાબેનના હાથમાં સ્માર્ટફોનનું બોક્સ આપ્યું અને કહ્યું કે આજે તારા માટે સરપ્રાઈઝ ગીફ્ટ લાવ્યો છું. નવાઈ પામીને કમળાબેને બોક્સ ખોલ્યું અને જાણે અવાચક બની ગયા.
થોડીવાર તો ફોન સામે જોઈ રહ્યા પછી હેમુ સામે જોઈને કહે, “આ હું કેવી રીતે વાપરું ? મને કંઈ ખબર નથી પડતી. રાજેશભાઈ હેમુને સૂચના આપીને કહ્યું કે, “આ સેટ કરી દેવાનું કામ તમારું.”
હેમુએ કહ્યું, “ચિંતા ન કરો અંકલ, તમે બંનેએ એકબીજા માટે જે સંઘર્ષ કર્યો છે, એની અમને જાણ છે જ.”
ફટાફટ હેમુએ ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, વ્હોટસએપ અને બીજી ઘણી બધી એપ્સ ડાઉનલોડ કરીને કમળા બેનને ફોન વાપરતા શીખવી દીધું, અને એ શીખવા પાછળ જે સંઘર્ષ કમળાબેને કર્યો તે જાણીને રાજેશભાઈ ખૂબ જ આનંદમાં આવી ગયા.
ત્યાર પછીના બે વર્ષમાં રાજેશભાઈને બિઝનેસ દસ ગણો થઈ ગયો. આજે રાજેશભાઈ અને કમળાબેનની પચીસમી લગ્નતિથિની ઉજવણીનો કેક પંદરસો માણસોની હાજરીમાં કાપી રહ્યા.

