લાલુ - એક ગરીબ યુવાન - 1
લાલુ - એક ગરીબ યુવાન - 1
એક મોટું શહેર. કોઈને કોઈની પડી નથી. રાતનો સમય છે. વાહનોની અવર-જવર એટલી વધારે કે બસ બધાને ક્યાંક ને ક્યાંક પહોંચી જવું છે. કોઈ ખુશખુશાલ, કોઈ દુઃખી કોઈ ઉદાસ, કોઈ નિરાશ, કોઈ ખીજથી ભરેલ, કોઈ ઝનૂની, કેટલાય આવા માનવ સ્વભાવના રંગોને જોતું આ શહેર જાગે છે. રસ્તો વિચારે છે કે મને જાણે પરાણે ઢસડીને લઈ જાય છે કે વાહનને હું મુકવા જાઉં છું. જરા પ્રેમથી ચલાવતા હોય તો, આ એકસાથે બધો બોજ મારા હૃદય પર ઘસરકો કરી જાય છે. ત્યાં તો એક વાહનનું ટાયર ઘસાતા ઘસાતા રોકાય છે. પંચર પડયું કે આવી બ્રેક મારી ? એક ગાડી અચાનક જ ઊભી રહી. રસ્તાના જેવા જ વિચારો એક વૃધ્ધ યુગલ કરે છે. પણ કયાં ?
ગાડી ચલાવનાર આમ તેમ જુએ છે. કંઈક શોધતો હોય એવું લાગે છે. વાતાવરણે પલટો માર્યો. એકદમ અંધારું તો હતું જ. ત્યાં ઓચિંતો પવન ફૂંકાવા લાગ્યો. પહેલો વરસાદ ધૂળની ડમરીઓ સાથે તૂટી પડ્યો. પહેલો ગાડીચાલક મુંજાયો. એકદમ જ વીજળી થવા લાગી. ગાડીચાલકને વીજળીના પ્રકાશમાં એક બહું મોટું ઘર, બંગલા જેવું દેખાયું. ખુબ વિચાર કરી ગાડી ત્યાં જ મૂકી ચાલતાં-ચાલતાં પેલા ઘરની દિશામાં આગળ વધ્યો. વીજળીના ચમકારામાં મક્કમ ડગલાં ભરતો આ યુવાન છે કે પૌઢ ?
**
આ જ બંગલા જેવા લાગતા ઘરનાં એક રૂમમાં એક અત્યંત વૃધ્ધ યુગલ વાતો કરે છે.
બા: બાપ રે ! આ રાત તો બહુ ભેંકાર લાગે છે.
દાદા: જાણે કોઈને લેવા જ આવી છે.
બા : જલ્દી સવાર પડે તો સારુ.
દાદા: રાતનો સમય તો હવે જામે છે, ને તું સવાર પડવાની વાત કરે છે.
બા: ઉંમર વધે એમ નીંદર પણ ઘટે.
દાદા: હા તો વાતો કર, મને પણ ક્યાં નીંદર આવે છે.
દાદા ઊભા થાય છે, નાની ડબરી જેવું પોતાની પત્નીને આપે છે. બા તો ડબરી જોઈને ખુશ થઈને કંઈક બોલવા જતા'તા ત્યાં જ બારી..
બારીમાં સળિયા નહી ને કોઈક રૂમમાં ઘુસી ગયું. બંને હેબતાઈ ગયા. આવનાર આગંતુક ડરાવવા લાગ્યો. જે હોય એની માંગણી કરવા લાગ્યો. દાદાએ પાણી પી ને શાંત થવા કહ્યું. પણ સાંભળે કોણ ? બા એ એક સોનાનો ચેન પહેર્યો હતો. સોનાનો હોવાથી ચમકયો. વીજળીના ચમકારમાં ચમકયો હોવાથી આગંતુકે વીજળીવેગે બારી બંધ કરી.
એની ચાલ જોઈ દાદાએ કહ્યું કે તું યુવાન છો. આવા કામ શીદ કરે છે ? યુવાનનું મગજ અત્યારે ખુબ જ ગરમ હતું. વરસાદમાં પલળીને આવ્યો તોય ઠંડો ન થયો. સોનાના ચેન સિવાય કંઈ ન મળતા ધુવાંપુવા થઈ ગયો. દાદા કંઈ બોલે એ પહેલા તો છરો દાદાના પેટમાં પરોવી દે છે. મગજ ગરમ ને કલેજુ ઠંડુ.........બા એને ડબરીમાંથી ઢોકળાં આપે છે. યુવાન વધારે ગુસ્સે થઈ જાય છે. દાદાના પેટમાંથી છરો કાઢીને બા ને મારે છે. બંને લોહીમાં પડ્યા છે, પણ જીવ જતો નથી. બંનેને જાણવું છે કે અમને માર્યા કેમ ? ભગવાન પાસે આવું મૃત્યુ તો અમે નો'તા માંગતા ને ? યુવાન ભાગવા જાય છે, પણ દાદા એનો પગ પકડીને પાડી દે છે. જેવો નીચે પડ્યો કે મગજ ચાલ્યુ.મને જવા દો, મને જવા દો. દાદાએ કહ્યુ કે જતો રહેજે, ખાલી કહેતા જા કે અમને કારણ વગર કેમ માર્યા ? ચોરી કરવાથી જ તારુ મન ભરાતું હોય તો સામેની થેલીમાં એક સોનાની ઘડિયાળ છે. લેતો જજે. મારી પરસેવાની કમાણી છે, ચોરીની નહી.
યુવાન ધ્રુસકે -ધ્રુસકે રડી પડ્યો. ઊભો થઈને બાને પરાણે ઢોકળું ખવડાવ્યું ને પાણી પીવડાવ્યું.પાછો દાદા પાસે બેઠો. દાદાએ કહ્યુ કે નીતિથી જિંદગી જીવજે. જો તું આજે પકડાઈ જઈશ તો ફાંસી ને ન પકડાઈ તો નવા શહેરમાં નવી જિંદગી શરુ કરજે,આજની ગોઝારી રાત ભૂલી જજે. હવે દાદાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બા એ કહ્યુ કે બેટા, સારું છે કે અમારે કોઈ સંતાન નથી. હા, હોત ને તારા જેવું થાત તો.....
યુવાન : રડતાં -રડતાં આવડાં મોટા ઘરમાં એકલાં ?
બા : આ તો ઘરડાઘર છે.
યુવાન: ઓહ ! મને ખબર હોત તો હું ન આવત. મને એમ કે આવડા મોટા ઘરમાંથી કંઈક એવું મળી જશે કે બીજા શહેરમાં જઈ નવી જિંદગી શરુ કરીશ.
બા: એ તો તું કરી જ શકીશ. અમે તને જે ઘડિયાળ આપીએ છીએ એ સોના સાથે અસલી હીરાની છે. કંઈક નાનો મોટો ધંધો શરુ કરજે. આ તારી છેલ્લી ચોરી હોવી જોઈએ. અમે તો ખર્યા પાન હતા ને ખરી ગયા. તું જા. યુવાન ધ્રુસકે ચડી ગયો. દાદાએ પાણી માગ્યુ. યુવાન તરત પાણી પાયું. બા એ ઇશારાથી થેલી બતાવી. યુવાને થેલી લઈને અંદર જોયું તો જમુનાજીની શીશી. યુવાને બા-દાદાને જમુના પાન કરાવ્યું.
દાદાએ બાને કહ્યુ કે જો દીકરો આવ્યો ને છેલ્લી ઘડીએ પાણી પાવા. આપણને સંતાન નો'તા તો શું ખોયું ?
બા એ કહ્યુ કે હા, આ ઘડી માટે જ દીકરો જોતો હતો. હવે મને કંઈ અફસોસ નથી.
યુવાનને સંબોધન કરતા દાદાએ કહ્યુ ભાગ લાલુ ભાગ સવાર થવા આવી પોલીસ આવશે તો પકડાઈ જઈશ. અમે ઉપર જઈને ઈશ્વરને કહેશું, તને એક મોકો આપે.
યુવાને રૂમમાં રહેલ કાનુડાની છબીને પ્રણામ કર્યા. બા-દાદાને પગે લાગી લોહીથી ખરડાયેલ હાથે આવજો કર્યુ. બીજા હાથે ચેન અને ઘડિયાળ ખિસ્સામાં મુક્યા. બા-દાદાએ અંતિમ શ્વાસ લીધા.
સવાર પડવાની થોડીક વાર હતી. ગાજતો રસ્તો સુમસામ હતો. ભારે હૃદયે ગાડી પાસે આવ્યો. સીધો રેલ્વે સ્ટેશન ગયો. સાફ સુથરો તો પાણીથી થઈ ગયો પણ અંતરના દાગ કયા પાણીથી સાફ થશે ? પાપી આત્માને ન ગંગા જમુનાના નીર પવિત્ર કરી શકશે કે ન પોતાના આંસુ. પસ્તાવારૂપી ઝરણું એકાંતમા વહાવી આખી જિંદગી શુદ્ધ થવાની કોશિશ કરશે. લાલુ નામ દાદાનું આપેલ હોવાથી હવે કોઈ પૂછશે તો કહેશે લાલુ......
**
આ બાજુ સવાર થઈ તો પણ નાસ્તામાં બા - દાદા ન આવ્યા. એટલે બાજુના રૂમમાં રહેતા કનુભાઈએ દરવાજો ખખડાવ્યો. અંતે દરવાજો તોડવાનું નક્કી કરતા હતા ત્યાં તો પાછળના ભાગમાં બારી ખુલ્લી છે, એવી ખબર પડી. સવારમાં ચાલવા નીકળેલ મનુભાઈ બારીથી અંદર આવ્યા ને દરવાજો ખોલ્યો. બધા તરત અંદર આવવાનું કરતા હતા પણ મનુભાઈએ બધાને રોક્યા. સંચાલકે પોલીસને ફોન કર્યો. થોડી વારમાં પોલીસ આવી ગઈ. હવે તપાસ ચાલુ થશે પણ લાલુ પકડાશે નહી.
બા - દાદાના આશીર્વાદ લઈને નીકળ્યો છે ને !
હવે આવતા અંકે જોઈશું કે લાલુના જીવનમાં શું વળાંક આવે છે ? ધારાવાહિક નથી છતાં પાત્રો એકબીજા સાથે સંકળાયેલ હોવાથી તમને બધાને વાંચવાની મજા આવશે.
ક્રમશ:

