Mariyam Dhupli

Drama Romance

4.5  

Mariyam Dhupli

Drama Romance

લાઈફ ઈઝ એ ..

લાઈફ ઈઝ એ ..

9 mins
629


અમિતે રાંચી માટે ગાડીનો દરવાજો ખોલ્યો, સચ એ જેન્ટલમેન ! એ પહેલેથીજ એવો હતો. કોલેજ સમયથી જ. અત્યંત શિસ્તબદ્ધ અને મહેનતી. અભ્યાસમાં પણ હંમેશા આગળ. એમ ને એમજ યુનિવર્સીટી ગોલ્ડ મેડલ થોડી મેળવાય ? રાંચી જાતે એક સામાન્ય એવરેજ વિધાર્થીની હતી. પણ એનો સ્વભાવ, એની સાદગી અને એની મધુરતા અમિતને કેવી આકર્ષતી ! જેટલું હોય, જેવું હોય એમાં ખુશ રહી શકવાની શક્તિ કહો કે ધૈર્ય અમિતને રાંચી તરફ આકર્ષતી ભાવનાઓમાંની મુખ્ય ભાવના હતી અને એની જોડે થયેલા લગ્ન પાછળનું મુખ્ય કારણ.

તો એ સંતોષ જ કઈ રીતે બંનેનાં ડિવોર્સનું કારણ બની ગયો ?

રાંચીએ સીટ બેલ્ટ બાંધ્યો. અમિત બીજે તરફ ડ્રાઈવિંગ સીટ તરફનો દરવાજો ખોલવા ઉપડ્યો. રાંચીની નજર ગાડીના આગળના પારદર્શક કાચમાંથી ચોરીછૂપે એને નિહાળી રહી. આજે પણ એ એટલોજ આકર્ષક લાગતો હતો. જેટલો કોલેજકાળમાં કે લગ્નમંડપમાં લાગી રહ્યો હતો. એનું ઊંચું કદ, સુડોળ શરીર અને સુંદર વાળ. રાંચીએ એક નજર સાઈડ મિરરમાં નાખી. એમાં પોતાનો ચહેરો શોધવા મથામણ કરી. પ્રતિબિંબ સુંદર હતું. આજે પણ બંનેની જોડી એકસાથે પ્રભાવશાળી લાગતી હતી. નહીં?

અમિત ડ્રાયવીંગ સીટ ઉપર ગોઠવાયો. સીટ બેલ્ટ બાંધ્યો. ઘણા વર્ષો પછી એના આટલા સમીપ બેસવાનો મોકો મળ્યો હતો. એના શર્ટમાંથી આવી રહેલ રાંચીના ગમતા પર્ફયુમની મહેક એને વધુ આકર્ષક બનાવી રહી હતી.એ આકર્ષણને છૂપાવવા રાંચીએ પોતાના વાળની લટ સરખી કરતા બારીનો કાચ નીચે કર્યો.

તાજા ગુલાબની સુગંધથી આખી ગાડી મહેકી ઊઠી. રાંચીના ચહેરાના તદ્દન સામે રજૂ કરવામાં આવેલા દસ ગુલાબ એની મંત્રમુગ્ધ કરી નાખતી સુગંધ જોડે અમિત અને રાંચીને થોડી ક્ષણો માટે એ જૂની પણ યાદોમાં આજે પણ મહેકતી સ્મૃતિઓમાં સફર કરાવી લાવી. અમિતનું પ્રોપોઝલ, લગ્નના ફેરાઓ અને પ્રેમની અવિસ્મરણીય રોમાંચક ક્ષણો. કેટલું બધું બંનેની નજર ઉપર એકીસાથે સમાન ભાવ જોડે તરી આવ્યું. થોડા સમય માટે બંને એકબીજાની આંખોમાં ઊંડા ઉતર્યા.

" મેડમ. તાજા છે. ખરીદી લો ને. મારી માં બીમાર છે. દવા ખરીદવાની છે."

બારી તરફથી અંદર ડોકાયેલા એ હાથ રાંચીને આજીજી કરવા લાગ્યા. પંદર વર્ષની એ ગરીબ છોકરી જાણતી પણ ન હતી કે પોતાની જીવનકથા દ્વારા એણે અજાણ્યે કેટલાક ઘા તાજા કરી નાખ્યા હતા. પ્રેમ અને રોમાન્સની ક્ષણ ભંગ થઈ ગઈ. રાંચીની આંખો વર્તમાનના ભાર જોડે ઢળી પડી અને અમિતની નજર જોડેનો સમ્પર્ક ત્વરિત તૂટી ગયો. પોતાના પર્સમાંથી ૧૦૦ રૂપિયા કાઢી રાંચીએ એ ગરીબ ફૂલ વેચનારી યુવતીના હાથમાં થમાવ્યા અને એ રંગબેરંગી ફૂલ રાંચીના હાથમાં સુગંધ પ્રસરાવતા શોભી ઉઠ્યા. પૈસા મળતાજ યુવતી રીતસર દોટ મૂકી ગાડીથી દૂર જતી રહી. 'કદાચ દવા ખરીદવા' રાંચી એ મનોમન વિચાર્યું જ કે અમિતે ગાડી હાંકવાની શરૂઆત કરી.

રાંચીએ ફૂલોની સુવાસ પોતાની શ્વાસોમાં ઉતારી. પડખે ડ્રાઈવિંગ કરી રહેલા અમિતે ચોરીછૂપે એને નિહાળી. ફૂલો કરતા પણ વધુ સુંદર એ લાગી રહી હતી. હંમેશાની માફક.

રાંચીની નજર અચાનક એના ઉપર આવી પડી. ચોર ચોરી કરતા રંગે હાથ પકડાયો હોય એવા હાવભાવો જોડે અમિતે આગળના કાચમાંથી નજર સ્થિર કરતા ડ્રાઈવિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. રાંચીને પણ ઓકવર્ડ લાગ્યું. શું કરવું એ ન સમજાતા આખરે એણે બારીની બહાર નજર સ્થિર કરી. સિનેમાઘર પસાર થયું અને એની દ્રષ્ટિ આગળ લગ્ન જીવનની હુંફાળી યાદો પોપકોર્ન જેમ ફૂટી પડી. શરૂઆતમાં તો બધુજ કેટલું વ્યવસ્થિત હતું. સ્વપ્ન જેવું. રાંચીનું તો ફક્ત એકજ સ્વપ્ન હતું અમિતના મકાનને ઘર બનાવવું. અને એ માટે પોતે લગ્ન પછી નોકરી પણ છોડી દીધી હતી. એને જીવન જેટલું આપે તેમાંજ સંતોષ હતો. જીવને પ્રેમ આપ્યો, એક ઘર, બે સમયનું ભોજન. બસ એનાથી વધુ એની કોઈ અપેક્ષા જ ક્યાં હતી ? એ જીવનને પ્રેમ કરતી હતી, નિસ્વાર્થ પ્રેમ. એની દરેક ક્ષણ જોડે એને ગળા ડૂબ સ્નેહ હતો. કોઈ ફરિયાદ જ ન હતી. સવારે વહેલા ઉઠી અમિત માટે નાસ્તો તૈયાર કરવો, ઓફિસ લઈ જવા માટેનું ટિફિન તૈયાર કરવું. અમિતના ઓફિસ જતાજ ઘરના કાર્યો, સાફસફાઈ, રસોઈ, સગવડ, લોન્ડરીમાં ખુશી ખુશી એ પરોવાયેલી રહેતી. બપોરે જમ્યા પછી ટીવી ઉપર પોતાના ગમતા ધારાવાહિકો નિહાળતી. પછી અર્ધો કલાક ઊંઘી જતી. સાંજે એક નાનકડી વોક ઉપર જતી અને આવીને સાંજ માટે તાજું જમણ તૈયાર કરતી. અમિત ઘરે આવે એટલે એની જોડે ગુણવત્તાયુક્ત સમય પસાર કરતી. રાત્રે કોઈ ગમતી ફિલ્મ સાથે જોઈ બંને થાકીને નિધાળ એકબીજાના સ્નેહસભર સાનિંધ્યમાં કેવા સહેલાઈથી ઊંઘી જતા. ઈટ વૉઝ હર ડ્રિમ લાઈફ. 

પણ સ્વપ્નો હંમેશા સાથ આપતા નથી. અને જયારે એ તૂટે છે ત્યારે હૃદયની જોડે સંબંધોને પણ લોહીલુહાણ કરી મૂકે છે.

સંધ્યાના જીવનમાં આવ્યા પછી બધુજ બદલાઈ ગયું. અને સૌથી વધુ અમિત. ધીરે ધીરે એ કામ તરફ વધુ ઢળવા લાગ્યો. ઓફીસને જ એણે બીજું ઘર બનાવી મૂક્યું. ઘરમાં હાજર હોય તો પણ ગેરહાજર. એનું માથું હંમેશા ફાઈલો અને લેપટૉપમાંજ વ્યસ્ત રહેતું. જીવન જોડે જાણે કોઈ વિચિત્ર સ્પર્ધા શરૂ કરી મૂકી હતી. એનો પગાર દિવસે દિવસે વધી રહ્યો હતો. પ્રમોશન ઉપર પ્રમોશન મળી રહ્યા હતા. પણ એને સંતોષ જ ક્યાં હતો ? એને તો હજી વધુ જોઈતું હતું. જાણે કે જીવનને નિચોડીને એનો બધોજ રસ એને ભેગો કરી લેવો હતો. એ બધી ભાગદોડ પછી પરિવાર માટે આપવાનો સમય..... 

અચાનક ગાડીને બ્રેક લાગી અને રાંચીના વિચારો અટકી પડ્યા. ટ્રાફિકના હોર્નથી એ સતર્ક થઈ વર્તમાનમાં પરત થઈ.

અમિતે ડ્રાઈવિંગ સીટ ઉપરથી પાછળની સીટ ઉપર નજર કરી.

" આર યુ ઓલરાઈટ ?"

પાછળની સીટ ઉપર ગોઠવાયેલી સોળ વર્ષની યુવતીના ચહેરા ઉપર થાક વર્તાઈ રહ્યો હતો. એ થાક વચ્ચેથી પરિશ્રમે એણે એક મીઠું હાસ્ય આગળ તરફ મોકલાવ્યું.

" ચિંતા ન કરો. હું ઠીક છું."

યુવતીના શબ્દોથી રાંચીનું મન રાહત પામ્યું. એણે હાથમાંના ગુલાબ પાછળની સીટ તરફ લંબાવ્યા અને યુવતીએ પ્રેમપૂર્વક થામી એની સુવાસ માણી.

ટ્રાફિક વિખેરાયું. અમિતે ગાડી આગળની દિશામાં હાંકી. ગરમ તાપમાનને પીગળાવતા વરસાદના છાંટાઓ ગાડીના કાચ ઉપર ઝરમર કરતા ભેગા થવા લાગ્યા. ગાડીનું વાઈપર કચ કચ કરતું એ પાણીના ટીપાને વેરવિખેર કરી અમિતને આગળ તરફનું વર્તમાન દ્રશ્ય જોવા માટે મદદ કરવા લાગ્યું. પરંતુ એ વાઈપર રાંચીને ભૂતકાળના દ્રશ્ય તરફ ખેંચી ગયું. એ બપોરે પણ એવોજ વરસાદ વરસી રહ્યો હતો. ટીવી ઉપર રાંચીનું ગમતું ટીવી સિરિયલ પ્રદર્શિત થઈ રહ્યું હતું. સંધ્યા પોતાના રમકડાંઓ જોડે રમી રહી હતી. અમિત બેગ લઈ ઘરમાંથી નીકળવા માટે તૈયાર હતો. રાંચીની આંખોમાં અગનજ્વાળા હતી.

" હમણાજ પંદર દિવસ માટે તું બેંગ્લોર જઈ આવ્યો. ને હવે રાજકોટ ?"

" રાંચી, તારે તો ખુશ થવું જોઈએ. આ'મ પ્રોગ્રેસિંગ..."

"પ્રોગ્રેસ્સ? તારો બધોજ સમય તારી નોકરીને મળે છે. ને હું ને સંધ્યા...."

નાનકડી સંધ્યા રમવાનું છોડી ડરેલી આંખે માતાપિતાના ઊંચે ઉઠેલા અવાજો સાંભળી રહી હતી.

" તો આ બધું હું કોના માટે કરું છું ? તમારા બંનેના વર્તમાન અને ભવિષ્યને સુધારવા માટે જ ને ? " અમિતનો હાથ અકળાઈને એના કપાળ ઉપર ફર્યો.

" ના, આ બધું મને નથી જોઈતું. તારી લાલચ મારા અને સંધ્યાના નામે ન ચઢાવ."

" મને મારા બાળકના ભવિષ્યની ચિંતા છે. જો હું પણ તારી જેમ નોકરી છોડી ઘરે બેસી જાઉં.... "

રિમોટ ટેબલ ઉપર મૂકી રાંચી શીઘ્ર ઊભી થઈ ગઈ.

" હા, બેઠી છું હું ઘરે. કારણકે મને ફક્ત ચાર દીવાલોથી ઘેરાયેલું એક મકાન નથી જોઈતું. જ્યાં આવો, જમો, ઊંઘો ને સવારે ફરી નીકળી જાઓ. ઈટ્સ નોટ એ ગેસ્ટ હાઉસ. અહીં મારે જીવન જીવવું છે. તારી જોડે, સંધ્યા જોડે. નાની નાની દરેક ખુશીઓની ક્ષણો બનાવવી છે, શણગારવી છે. પણ એ ત્યારેજ શક્ય હોય જયારે તું ઘરે હાજર હોય. શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ.. "

" તો તું શું ઈચ્છે છે ? કામકાજ છોડી ઘરે પડ્યો રહું. તારી જેમ. "

" વ્હોટ. હું ઘરે........ વ્હોટ એવર......અમિત હું એટલુંજ કહીશ કે આપણી પાસે જેટલું છે એટલું બહુ છે. આનાથી વધારે ભેગું કરી શું કરીશ ? અમારું વર્તમાન સુધારવા તું અમારા વર્તમાનમાંથી જ ગેરહાજર હોય તો એનો શો અર્થ ? "

અમિતની અકળામણ પરાકાષ્ઠાએ પહોંચી.

" આ જે તારી જીવન ફિલોસોફી છે ને એ પુસ્તકમાંજ શોભે. સાદું જીવન, સાદા વિચારો. આ બધું પુસ્તકમાંથી જન્મી પુસ્તકમાંજ સમાપ્ત થઈ જાય છે."

એજ સમયે ટીવી ઉપર પ્રદર્શિત થઈ રહેલા ટીવી સિરિયલની અંદર એક રોમેન્ટિક ગીત પ્લે થયું. બંને કલાકારો પ્રેમની એ ક્ષણમાં એકબીજાની અત્યંત નજીક આવી ગયા. અમિત ગુસ્સામા લાલચોળ રાંચીનો હાથ પકડી એને ટીવી નજીક ખેંચી ગયો. 

" આમાં તું જુએ છે ને વાસ્તવમાં જીવન એટલું સહેલું નથી હોતું. લાઈફ ઈઝ એ બિચ્ચ......"

એ 'બિચ્ચ' શબ્દ ઉપર અમિતે જે રીતે ભાર મુક્યો હતો અને એ શબ્દ ઉચ્ચારતી સમયે જે હાવભાવો એના ચહેરા ઉપર હતા એ રાંચી માટે સહનશીલતાની પરાકાષ્ઠા હતી. એ એજ સ્થળે કેટલા સમય સુધી ઊભી રહી ગઈ હતી. અમિત બેગ લઈ નીકળી ગયો હતો. સંધ્યાએ ધીમે રહી એનો હાથ પકડતા પૂછ્યું હતું ,

"મમ્મી શું થયું ? " એની નાનકડી આંખોમાં ડરના ઝળઝળ્યા હતા.

" કઈ નહીં , બેટા. લેટ્સ ગો. વી આર ગોઈંગ." રાંચીના ચહેરા ના હાવભાવોમાં દ્રઢ મક્કમતા હતી.

રાજકોટથી અમિત પરત થયો ત્યારે ઘરમાં ન તો રાંચી હતી, ન સંધ્યા.

અમિતે ઘણા પ્રયાસો કર્યા. રાંચીને સમજાવવા, મનાવવા. પણ એ પોતાના માતાપિતાના ઘરેથી પાછી પરત જ ન થઈ. એ પોતાના નિર્ણયમાં અડગ રહી. પિતાના અવસાન પછી એકલી રહેતી એની બાએ પણ એને ઘણી સમજાવી જોઈ. પણ એ ટસ થી મસ ન થઈ. ડિવોર્સ માટે એણે આગળથી દસ્તાવેજ મોકલાવ્યા. અમિતથી રાંચીનો એ અહંકાર ન સહેવાયો અને એણે પણ લાબું વિચાર્યા વિના જ સહી કરી નાખી. સંધ્યાની કસ્ટડી માટે ધારતે તો એ કોર્ટ કચેરીના દરવાજા ખટખટાવી શક્યો હોત. એને પૈસાની ક્યાં કોઈ કમી હતી ? એ પરિસ્થિતિમાં સમસ્યા રાંચીને પડખે હોત. એણે ફરીથી શરૂ કરેલી નોકરીની આવક તો ઘર ખર્ચમાંજ નીકળી જતી. વકીલની અધધધ ફી એની આર્થિક ક્ષમતાથી તદ્દન બહારની વાત હતી. પરંતુ અમિતે પરિસ્થતિને ત્યાં સુધી પ્હોંચવાજ ન દીધી. એ જાણતો હતો કે આ બધામાં સૌથી વધુ આડઅસર સંધ્યાના નિર્દોષ મનોજગત ઉપર થાત. એમાં એનો શું વાંક હતો ? એને કઈ વાતની સજા ? નવ વર્ષની બાળકીને પિતા કરતા માની વધુ જરૂર હોય. પરિપક્વ થશે ત્યારે જાતેજ નિર્ણય લેશે. એને કોની જોડે રહેવું છે. બળજબરીએ બાળકનો પ્રેમ ન જ મેળવી શકાય. ફક્ત બાળકનોજ નહીં...... 

એણે જવા દીધા બંનેને પોતાના જીવનમાંથી. મુક્ત કરી દીધા જાણે પંખીઓને. અને પોતે એકલતાના પાંજરામાં કેદ થઈ રહી ગયો.

ગાડીને ફરી બ્રેક લાગી. પાછળ બેઠી સંધ્યા થોડી વિહ્વળ થઈ ઊઠી. ટ્રાફિકની વચ્ચે ગાડી જે સિગ્નલ ઉપર આવી ઊભી હતી એ સિગ્નલ જાણે એના પરિવારનું ભવિષ્ય નક્કી કરવાનું હતું. સિગ્નલ લીલું થશે અને ગાડી આગળ વધશે. આગળ બે જ માર્ગ હતા. ડાબી તરફનો રસ્તો રાંચીના ઘર તરફ જતો હતો અને જમણી તરફનો રસ્તો અમિતના ઘર તરફ. સંધ્યાનું મન ઈચ્છી રહ્યું હતું કે ગાડી જમણી તરફ વળે અને એ પણ રાંચીને સાથે લઈ. એને પોતાના માતા અને પિતા બંનેની જરૂર હતી. પરંતુ નિર્ણયતો રાંચી પર અવલંબિત હતો. સિગ્નલ લીલું થયું ને અમિતે સીધું રાંચીની આંખોમાં જોયું. બંને આંખો મળી અને અમિતનો પ્રશ્ન શબ્દોમાં ઢળ્યા વિનાજ નજરોની ભાષા થકી રાંચી સુધી પહોંચી ગયો. રાંચીની આંખો સ્થિર હતી. એ સ્તબ્ધ હતી. પાછળ રાહ જોઈ રહેલ ગાડીઓએ એકી સાથે હોર્ન માર્યો. એ ઘોંઘાટથી એને પરિસ્થિતિનું ભાન થયું. એના જવાબની રાહ જોવાઈ રહી હતી.

અમિતને સંબોધતા રાંચીએ એટલુંજ કહ્યું ,

" યુ વર રાઈટ અમિત. તે સાચુજ કહ્યું હતું. લાઈફ ઈઝ એ......"

આગળનો શબ્દ એનાથી ઉચ્ચારાયો નહીં. પણ નિર્ણય સ્પષ્ટ હતો. અમિતે ખુશીથી એક નજર પાછળ તરફની સીટ ઉપર નાખી. સંધ્યાનો બધોજ થાક જાણે પીગળી ગયો હતો. એના ચહેરા ઉપર પણ અમિતના ચહેરા ઉપર વ્યાપેલા હાસ્યનુંજ જાણે પ્રતિબિંબ હતું. પાછળ વાગી રહેલા હોર્નના ઘોંઘાટને પ્રત્યાઘાત આપતી અમિતની ગાડી આખરે જમણી દિશામાં એના ઘર તરફ ઉપડી. રાંચી અને સંધ્યાને લઈ, પોતાના પરિવારને લઈ.

એજ સમયે અમિતનો મોબાઈલ રણક્યો. એણે ગાડી એક તરફ કરી કોલ ઉપાડ્યો.

"યસ."

" ઓકે."

" આવતીકાલે હું લઈ જઈશ." 

"થેન્ક્સ."

કોલ કપાયો અને ગાડી ફરી આગળ વધી. અમિતે કોલ વિશે રાંચીને માહિતી આપી.

" હોસ્પિટલથી હતો. પેપર વર્ક પૂરું થઈ ગયું છે. આવતી કાલે પાક્કી રસીદ મળી જશે."

એ સાંભળતાજ રાંચીના જીવમાં જીવ આવ્યો. બધુજ અમિતે સંભાળી લીધું હતું. જયારે સંધ્યાનો હાર્ટ વાલ્વ લીકેજ હોવાની માહિતી મળી હતી ત્યારે તો એ ભાંગીજ પડી હતી. પોતાની નોકરીના સાધારણ પગારમાંથી લાખોનો ઈલાજ શક્ય ન હતો. સગા સંબંધીઓ ફક્ત ઔપચારિકતા નિભાવવી જ જાણતા હતા. આર્થિક મદદ માટે કોઈ આગળ પણ આવ્યું ન હતું. બીજો કોઈ વિકલ્પ પણ હાજર ન હતો. અમિતને જયારે જાણ કરી તો એ દોડતો ભાગતો સંધ્યા પાસે પહોંચી ગયો હતો. શહેરની સૌથી પ્રખ્યાત હૃદયની હોસ્પિટલમાં એણે ઈલાજ શરૂ કરાવ્યો. હાર્ટ વાલ્વ બદલવામાં આવ્યો. સદભાગ્યે ઓપરેશન સફળ રહ્યું અને આજે ઘરે જવા ડિસ્ચાર્જ પણ મળી ગયું. આ આખી ઈમરજન્સી દરમ્યાન અમિતે પોતાની દીકરી માટે પાણી જેમ પૈસા વહાવી દીધા. બધાજ બિલ સમયસર ચૂકવી દીધા. રાંચીએ વર્ષો પહેલા અમિતને પ્રશ્ન કર્યો હતો, "આટલું બધું ધન ભેગું કરી શું કરીશ ?" હોસ્પિટલમાં તૈયાર થઈ ગયેલી લાખોની પાક્કી રસીદ એ પ્રશ્નનો ઉત્તર બની ગઈ હતી. 

ઝડપથી ઉત્સાહ સભર અમિતના ઘર તરફ ઉપડી રહેલી કારની પાછળની સીટ ઉપર પોતાની દીકરી સહીસલામત, સુરક્ષિત અને સ્વસ્થ બેઠી હતી.

જો અમિતે યોગ્ય સમયે આર્થિક મદદ કરી ન હોત તો.........

આગળ વિચાર વધારવાની હિંમત રાંચીમાં ન હોય એ રીતે એ મક્કમ હાવભાવો જોડે આગળના કાચમાંથી પસાર થઈ રહેલો માર્ગ નિહાળી રહી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama