લાઈબ્રેરી
લાઈબ્રેરી


“થોડાં પુસ્તક-થોડા શબ્દો,
થોડો તડકો-થોડો છાંયડો,
થોડા સૂર-એક સરગમ,
કાશ ઘરનો એકાકી એ ખૂણો મને પાછો મળે!"
પ્રતિષ્ઠિત લેખક કમલે સોશિયલ મિડિયા પર પોતાના નવા પુસ્તકની જાહેરાત કરતાં ચાર પંક્તિની પોસ્ટ મૂકી.
અને દસ મિનિટમાં બસો લાઈક્સ આવી જતાં એના ચહેરા પર એક જીતનું સ્મિત ફરકી ગયું.
સામે સુવ્યવસ્થિત લાઈબ્રેરીમાં ગોઠવાયેલાં પોતાનાં નામનાં પુસ્તકો દેખાતાં હતાં. એને અડીને જ ત્રણ કાચની છાજલી પર અસંખ્ય એવોર્ડ ગોઠવેલા હતા. એક ઘમંડભરી નજર ચોતરફ ફેરવીને સામે ગોઠવાયેલી ખુરશી પર પડેલી કોરાં પાનાની થપ્પી પર કમલે વટભેર મુક્કો માર્યો. મોબાઈલમાં એક નંબર ડાયલ કર્યો.
“હરમિત તું તો છવાઈ ગયો. હજી તો નવલકથા બહાર નથી પડી અને ઈન્ક્વાયરી આવવા માંડી છે.”
તરત જ મનમાં એક ઉપાલંભ ઉગ્યો. એક મીંઢું હાસ્ય એના ચહેરા પર પ્રગટ્યું.
“અલબત્ત મારા નામે છવાયો.. તને પૈસા પહોંચી જશે.”
લાઈબ્રેરીમાં બેઠેલાં પુસ્તકોને અફસોસ થયો.
“અરેરે! સારા નામે પ્રકાશિત થવાનો આનંદ હોત. આવા જૂઠ્ઠા, કપટીના નામે આપણું અસ્તિત્વ બહુ ખટકે છે.”
એક નિ:સાસો નાખીને લાઈબ્રેરી હંમેશની જેમ મૌન થઈ ગઈ.