Dilip Ghaswala

Abstract Inspirational

3  

Dilip Ghaswala

Abstract Inspirational

કવિરાજ ઉદયન

કવિરાજ ઉદયન

5 mins
196


રાષ્ટ્રિય કળા કેન્દ્ર, સુરત આયોજિત ઉદયન ઠક્કરની કવિતા આધારિત "ઉડ્ડયન" કાર્યક્રમનું આયોજન વજુભાઈ ટાંક હોલમાં થયું હતું. કાર્યક્રમની શરૂઆત રૂપીનભાઈ પચ્ચીગરના આવકાર પ્રવચનથી થઈ હતી. તેમણે મહેમાનોને આવકાર આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કળા કેન્દ્ર એક એવી સંસ્થા છે કે જેણે કળાના તમામ ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિ કરી છે. અને કળાના તમામ ક્ષેત્રે નામના કાઢી છે. અને રાષ્ટ્રીય કળા કેન્દ્ર કોઈપણ કળાના કલાકારને મંચ પૂરું પાડે છે. રૂપીન ભાઈએ સંસ્થાનો કાર્ડિયોગ્રામ સુપેરે રજૂ કર્યો હતો. અને સંસ્થાની વિસ્તૃત માહિતી આપી હતી. સભાના પ્રમુખપદે મૂર્ધન્ય સાહિત્યકાર, નાટ્યકાર, કવિ, લેખક અને પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર હતા. કાવ્ય ગોષ્ઠિની શરૂઆત ઉદયન ઠક્કરે કરી હતી. ઉદયન ભાઈની કવિતાનું નાટ્ય પઠન નાટ્યાત્મક રીતે વિવિધ રસાળ અને મનોહર શૈલીમાં ઉત્કર્ષ મજમુદાર તેમજ કપિલ દેવ શુક્લના નિર્દેશન હેઠળ સુરતના નામી નાટ્ય કલાકારો દ્વારા કાવ્ય પ્રસ્તુતિ કરી હતી. યામિની વ્યાસ, સોનલ વૈદ, શૌનક પંડ્યા, વૈભવ મુકેશ દેસાઈ, ધરતી ચીનોય, નીરજ ચીનોય, ભરત ભટ્ટ, ભરત ભાવસાર, નવ્ય નંદી શાહ, અને ત્વિશા શાહ, તથા ડૉ હેમા શુક્લ જેવા માતબર નાટ્ય કલાકારોએ તખ્તા પર ઉદયન ભાઈની કવિતાઓને જીવંત બનાવી હતી. રૂપીન ભાઇએ સિતાંશુ ભાઈ , ઉદયન ભાઈ અને ઉત્કર્ષ મઝુમદારનો વિશિષ્ટ રીતે વિસ્તૃત પરિચય આપ્યો હતો. સિતાંશુ ભાઈનું અને ઉદયન ભાઈનું સન્માન રૂપીન ભાઇએ કર્યું હતું. ઉત્કર્ષ મઝુમદારનું સન્માન નૈનાક્ષીબેન વૈદ્યએ કર્યું હતું. નાટ્ય કલાકારોનું સન્માન હેમંત માવાવાલા, યામિની વ્યાસ, નરેશ કાપડિયા, દિલીપ વી ઘાસવાલા, મુકુંદ કિનખાબ વાળા, શંકર પટેલ વગેરે દ્વારા થયું હતું. જાણીતા નાટ્ય કલાકાર, સંગીતકાર ગાયક અને ખૂબ જ લોકપ્રિય એવા ઉત્કર્ષ મજમુદારે ઉદયન ઠક્કરની કવિતાનું નાટ્યાત્મક ઢબે પઠન કરી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતાં. એમણે "ફેન્સી ડ્રેસ" કવિતાનું પઠન કરતી વખતે બાળ સહજ ભાવો આબેહૂબ વ્યક્ત કર્યા હતા. "બાળપણ પહેરીને મરણ ને છેતર્યું" એ પંક્તિ તો ચોટ વાગે એ રીતે રજૂ કરી. શૌનક પંડ્યા અને નવ્ય નંદી શાહે "કુટુંબ" કાવ્ય રજૂ કર્યું હતું. બાળ કલાકાર નવ્ય નંદી અને પીઢ કલાકાર શૌનક પંડ્યાની જુગલ બંદીથી લોકોને ખુબ મઝા આવી હતી. નવ્ય નંદી સુરતની ઉભરતી ને પાંગરતી પ્રતિભા છે એ સિદ્ધ કરી દીધું.

"મારા જીવનમાં આવેલી સ્ત્રીઓ.." નું પઠન ભરત ભટ્ટ, વૈભવ દેસાઈ અને શૌનક પંડ્યા એ અત્યંત રસભરી શૈલીમાં કાવ્યની નાટકીય પળોને જીવંત કરી હતી. "કેટલા વર્ષે મળ્યા છે લાવને લાગણીઓનો ગ્રુપ ફોટો પાડી દઉં!!!!" પંક્તિએ તો વાતાવરણને મહેકાવી દીધું હતું. "વાર્તા" શીર્ષક કાવ્ય રજૂ કર્યું હતું સોનલ વૈદ્ય કુલકર્ણી અને ભરત ભાવસારે. સોનલ વૈદ્ય એમની નાટ્ય પટુતાથી અત્યંત ભાવવાહી સ્વરે અને ભરત ભાવસારની લાક્ષણિક રીતે આ "વાર્તા" કાવ્ય જીવંત થયું હતું. "કોણ ઉઘાડશે બારણાં ?"દ્વારા ઉદયન ઠક્કરની કવિતામાં સહજ પ્રવેશ કરાવ્યો હતો. "મણીબેન પટેલ" કાવ્યની પ્રસ્તુતિ ભરત ભટ્ટ, ભરત ભાવસાર અને યામિની વ્યાસે સરસ રીતે કરી હતી. આ કાવ્યમાં સરદાર પટેલની દીકરી મણી બેનની વ્યથા અને કથા અદભુત રીતે વણી લીધી હતી. "મારે ગામડે આવો ભેરુ" ની પ્રસ્તુતિ ધરતી ચિનોય અને યામિની વ્યાસે કરી હતી. હૃદયને વલોવતી કાવ્યની આ પ્રસ્તુતિએ બધાને કાવ્યના રસમાં તરબોળ કરી દીધા. ત્યારબાદ લોકલાડીલા કલાકાર ઉત્કર્ષ મજમુદારે "પુસ્તક એલરજી" પર્ સરસ વાચિકમ દ્વારા કાવ્ય રજૂ કર્યું હતું. "અમૃતલાલ નામક કાવ્યની છીંકો નથી આવતી પણ ઊબકા આવે છે આ પંક્તિ એ સરસ અસર ઊભી કરી. "રામની અને રમતા રામની જિંદગી બદલી નાખી" પંક્તિએ દાદ મેળવી. મનહર છંદની કવિતાને નાટકીય ક્ષણો વડે શણગારીને મનભાવન પ્રસ્તુતિ કરી હતી.ત્યારબાદ "વરદાન" કાવ્યની રજૂઆત ત્વીશા શાહ, વૈભવ દેસાઈ, ધરતી - નીરજ ચિનોઈ એ ખૂબ જ અદભુત રીતે રજૂ કરી હતી અને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. આ કાવ્યે પ્રત્યેક પ્રેક્ષકોના દિલમાં અનેરું સ્થાન જમાવ્યું હતું. "પૃથ્વીને છાયો આપવા પારેવા એ પાંખો ફેલાવી..." પંક્તિ અદભુત અસર મૂકી ગઈ. "ફાતિમા કુળની ચીઠ્ઠી" ની રજૂઆત ધરતી - નીરજ ચિનોય એ શાબ્દિક સહજ અભિનયથી જીવંત કરી હતી . રૂખમાં બાઈની ઉકિત કાવ્યની રજૂઆત ડૉ હેમા શુક્લ, વૈભવ દેસાઈ, અને ભરત ભાવસારે કરી હતી. હેમા શુક્લ એ રુંખમા બાઈની વ્યથાને આબેહૂબ રજૂ કરી વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું. સમગ્ર કવિતાઓને નાટ્ય નિર્દેશનથી શણગારીને તેમની ગૂંથણી ગુજરાતના દિગ્ગજ નાટ્ય કલાકાર દિગ્દર્શક લેખકશ્રી કપિલદેવ શુક્લ એ ખૂબ જ કલાત્મક રીતે કરી હતી. નાટ્ય દિગ્દર્શનના અનુભવોને મેઘ ધનુના રંગો વડે રંગીને મંચના અવકાશ પર કલાકારોને ઉદયન ઠક્કરની કવિતાઓનું સાહિત્યિક ઉડ્ડયન સફળ રીતે કરાવ્યું હતું. ત્યારબાદ ઉદયન ભાઈ એ "ઉડ્ડયન" કાર્યક્રમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ ફૂલદાનીના પુષ્પોની માફક સતત મહેકતો રહ્યો જેનો શ્રેય રાજન ભટ્ટ અને કપિલ દેવ શુક્લ ને આપું છું. તમે નહી બોલો પણ તમારી કવિતાને બોલવા દો કહી એમણે એમની કવિતાઓ રસ નીતરતી શૈલીમાં રજુ કરી ને લોકોના મનને મનોહર રીતે તરબતર કરી દીધા હતા. ત્યારબાદ પદ્મશ્રી સિતાંશુ ભાઈ એ એમના વક્તવ્યમાં ઉદયનની કવિતાઓને બિરદાવી હતી. એમણે સરસ્વતી મા ને યાદ કરી ને ખૂબ જ મૃદુ ભાષામાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે દિલ ખોલીને ઉદયનની કવિતાને બિરદાવી હતી. એમણે જણાવ્યું કે ઉદયનની ચમત્કૃતિ ભરેલી કવિતાની સરાહના થવી જ જોઈએ.. વેર વિખેર એકાંતમાંથી ઉદયનની કવિતા જન્મે છે. જલ્દી હાથમાં આવે એવો આ કવિ નથી. મનહર છંદ પર્ ઉદયનનું પ્રભુત્વ ખાસુ છે. દલપતરામની કવિતા સાથે એમનું કાવ્ય કર્મ ને જોડ્યું હતું. ચાતુર્ય અને ચબરાક ભરી એમની કવિતા ભાવકને રસ તરબોળ કરી દે છે. શાશ્વત ભાવોના દર્શન થાય છે એમની કવિતામાં. એમની કવિતામાં લયનો ઠાઠ વર્તાય છે. ડોન વસાઈના મનહર છંદના લય સાથે કાવ્યની એમણે પ્રસ્તુતિ કરી હતી. ભાવકે કવિતા સાથે સમય કાઢીને શબ્દોનું રસ પાન કરવું જોઈએ. વક્રોક્તિ સભર કાવ્યના પ્રત્યેક શબ્દને રસાળ શૈલીમાં સિતાંશુ ભાઈ એ સમજાવ્યું હતું. જાતને કેળવીશું તો જ ગુજરાતી ભાષાના કાવ્ય વૈભવને માણી શકીશું. ઉદયન એ સરળ રીતે સમજમાં ન આવે એવો કવિ છે. એના કાવ્યના સૂક્ષ્મ ભાવોને પારખવા જાતને સજજ કરવી પડે. છાણાંના દેવતાને કપાસિયાની આંખો પેહરાવે છે ઉડ્યનની આ કવિતાઓ. સિતાંશુ ભાઈએ રિલ્કેની કવિતાને યાદ કરીને ભાવકોને રસ તરબોળ કર્યા હતા. "રાવણ હથથો" કાવ્ય સંગ્રહના નામને ચરિતાર્થ કરતા તેમના કાવ્યોને એકાંતમાં બેસીને આત્મસાત કરવાની હિમાયત કરી હતી. મર્મને ભેદીને એમની કવિતામાંથી પસાર થવું જોઈએ. "વોર એન્ડ પીસ" નામનું ઊર્મિ કાવ્ય રજૂ કર્યું હતું ગઝલના પરિવેશમાં રજૂઆત કરી હતી. સર્જકતાને ઉજાગર કરતી કવિતાનો નિર્દેશ કર્યો છે. ઉદયન ઠક્કરની કવિતાને કવિત્વ સભર શબ્દોથી નવાજી હતી. અને અંતે તેમણે સુરતમાં આવીને ભાવક સાથે સંવાદનો સેતુ રચાવી દેવા માટે રાષ્ટ્રીય કળા કેન્દ્ર,સુરત નો અને કપિલદેવ શુકલનો આભાર માન્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્ણિમા શાહે ખૂબ જ રસાળ શૈલીમાં કર્યું હતું. નૈનાક્ષી બેન વૈદ્યએ એમનું પોતાનું પુસ્તક ઉદયન ભાઈ, સિતાંશુ ભાઈ અને ઉત્કર્ષ મઝુમદારને ભેટ કર્યું હતું અને આભાર વિધિ આટોપી હતી. નૈનાક્ષી બેને ગુજરાતી તખ્તાના પ્રાણ અને શ્વાસ સમ નાટ્ય દિગ્ગજ શ્રી પ્રવીણ જોશીના કાવ્યને સ્મરણ પટ પર્ મૂકી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

આદમી પોત પોતાની શૈલીએ...

જિંદગી છુપાવવા એક બુરખો રાખતો હોય છે..

તેમ નાટક મારા જીવન પર નો બુરખો છે..

જીવનનો બોજ નાટકના ઝિંદાદિલ..

બુરખાએ ઉપાડી લીધો છે..

અને હવે તો..

બુરખો ખુદ ભૂલી ગયો છે

કે પોતે બુરખો છે..

કે સાચે જ મારો ચહેરો !


Rate this content
Log in

Similar gujarati story from Abstract