એક પ્રેમ આવો પણ હોય
એક પ્રેમ આવો પણ હોય
દોસ્તી એક એવો સંબંધ છે જે માણસ પોતે બનાવે છે, નહીંતર બાકીના બધા સંબંધો તો જન્મથી જ બની જાય છે. પણ મિત્રતા એક એવો સંબંધ છે જે સગો ન હોવા છતાં સગા કરતા પણ વધારે સંબંધ નિભાવી જાય છે. જો મિત્રતા સાચી હોય તો સાચી મિત્રતા એક વિશ્વાસપાત્ર અને નિષ્ઠાવાન સંબંધ છે. મિત્રતા કોઈ ઉમર જાત અને માણસના પદ પર સીમિત નથી હોતી. સાચી દોસ્તી કોઈપણ પ્રકારના લાલચ વગર એકબીજાનું ધ્યાન રાખે છે. સાચો મિત્ર ફાયર બ્રિગેડની જેમ હોય છે. દોસ્તીના પ્રમાણ ઉપનિષદ અને પુરાણોમાં પણ પ્રાપ્ય છે. આજના સમયમાં રીઅલ ફ્રેન્ડની જગ્યાએ રીલ ફ્રેન્ડ વધી ગયા છે. ફેસબુક પર હજારો મિત્ર જેના હોય એના વાસ્તવિક જિંદગીમાં એકપણ મિત્ર ના હોય એવું પણ બને. ખરેખર તો મૈત્રી બારમાસી અસ્તિત્વનો ઉત્સવ જેને ઉજવવા માટે નો કોઈ દિવસ ન હોય એમાં તો જીવન સમર્પિત હોય. વાત કરવી છે એક એવા પ્રેમની જે ઉમર જાત જન્મોના બંધનોથી પર છે.
મીનાક્ષી અને પ્રણવ શાળેય મિત્રો. સેન્ટ ઝેવિયર શાળામાં ભણતા હોવા છતાં ગાઢ મિત્રતાના કોઈ અણસાર નહિ. પ્રણવ અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી એટલે એ મેડીકલમાં ગયો અને એમ.ડી પૂર્ણ કરી શહેરનો જાણીતો મનોચિકિત્સક બની ગયો અને મીનાક્ષી ટ્યુશન ટીચર બની. વીસ વર્ષ જિંદગીના એણે બાળકોને શિક્ષિત અને દિક્ષિત કરવામાં ખર્ચી નાખ્યા. પ્રણવ અમેરિકા સ્થિત લીના સાથે પ્રણયમાં ચકચૂર બની પ્રભુતામાં પગલા પાડ્યા અને લક્ષ્યના પિતા બનવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું. સમય વહેતો રહ્યો. બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત થઈ ગયા. સમયનું ચક્ર ફરતું રહ્યું. સોશ્યલ મીડિયા થકી ફરી એકવાર પ્રણવ અને મીનાક્ષી મિત્રો બન્યા.
પ્રથમવાર વર્ષોબાદ પ્રણવને જયારે મીનાક્ષી મળવા ગઈ ત્યારે પ્રણવ સેનેટના ઈલેકશનમાં વ્યસ્ત હતો. તે દિવસે પ્રણવને જોઈને મીનાક્ષી અંજાઈ ગઈ. એક ડોક્ટર હોવા છતાં કલીનીકમાં પિયાનો વગાડતો હતો. મીનાક્ષી વિચારી રહી કે એક માનસિક રોગનો જાણીતો ડોક્ટર જિંદગીને કેવી સરસ રીતે માણી રહ્યો છે. બધા જ ક્ષેત્રમાં નિષ્ણાત હતો પ્રણવ નાટકમાં
તો અભિનયના અનેક પારિતોષિકો પ્રાપ્ત કર્યા હતા. મનોમન હું ખુશ છું કે મારો પ્રણવ આટલો મહાન વ્યક્તિ છે. અને મીનાક્ષી પ્રણવને મળીને અભિભૂત થઈ નીકળી ગઈ. સમય વીતતો ગયો અને એક દિવસ મીનાક્ષીના નજીકના સંબંધીને માનસિક તકલીફ થતા પ્રણવ પાસે ફરીથી મીનાક્ષી આવી અને એની સારવારથી સંબંધી સારા થઈ ગયા. ત્યારબાદ ફરીથી મીનાક્ષીના નણંદની દીકરી ને તકલીફ થઈ ત્યારે ફરીથી મળવાનું થયું અને આ વખતે પ્રણવનું અલગ રૂપ જોવા મળ્યું. પ્રણવને દારૂ પીવાનું વ્યસન થઈ ગયું હતું. પ્રણવને જોઈને થયું કે એક ડોક્ટર પોતાના અંગત દુઃખને કેવી સિફતથી સંતાડે છે. અને મીનાક્ષી એ સીધું એક દિવસ પૂછી લીધું તારી જિંદગીમાં શું દુઃખ છે. તારી આવી હાલત કોણે કરી ? એણે મારો હાથ પકડી કહ્યું," હું ધીરે ધીરે મોત તરફ મારી જાતને ધકેલું છું. જીવનમાં કોઈ ઉત્સાહ મકસદ નથી. કોના માટે જીવું ? શા માટે જીવું ? મારો ઉપયોગ જ લોકોએ કર્યો છે.જીવનની સમી સાંજે જોવીતી ઝખ્મોની યાદી...બહુ થોડા પાનાં જોઈ શક્યો કેટલાક અંગત અંગત નામ હતા. મિત્રો માત્ર દારૂ પીવા પૂરતા જ સીમિત રહ્યા. પૈસા લઈને મને મુર્ખ બનાવ્યો. આ શરાબ જ માત્ર મને વફાદાર છે. અને હું મારી જિંદગીનો અંત વધારે પડતા શરાબથી લાવી દઈશ.અને મીનાક્ષીના ખભે માથું મુકીને રડવા લાગ્યો. અને મીનાક્ષી એ એની પીઠ પસવારી ને પ્રણવને શાંત કર્યો. મીનક્ષીએ કહ્યું, " પ્રણવ પોતાના માટે તો સૌ કોઈ જીવે પારકા માટે હવે તું જીવ હું તને સાથ આપીશ મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. લોકોને હજુ તારી જરૂર છે. તારા જ્ઞાન, અનુભવની જરૂર છે. સાચો આનંદ આલ્કોહોલમાં નથી પણ વર્કોહોલિક બનવામાં છે. હું તારી સાથે જ છું. મા બની માતૃ પ્રેમ આપીશ,બહેન બની બહેન નો પ્રેમ આપી તારી રક્ષા કરીશ, પત્ની બની પ્રેરણા આપીશ, પ્રેયસી બની નિ:સ્વાર્થ પ્રેમ કરીશ.જયારે પરસેવાનો રૂપિયો પર-સેવામાં વપરાશે ત્યારે જીવન સફળ અને ધન્યથી જશે" અને મીનાક્ષી એ જગતને પ્રેમ કરવાનો અલગ જ અંદાજ આપ્યો. એમનો પ્રેમ જોઈ સૌ કોઈ બોલી ઊઠે છે કે" એક પ્રેમ આવો પણ હોય !