કરવા-ચોથ
કરવા-ચોથ
મારા લગ્નને બાર વર્ષ થઈ ગયા છે. સગાઈ પછી હું અને મારા પતિ ધૈવત ફોન પર ખૂબ વાતો કરતા હતાં. એક બે વાર તે મારા શહેરમાં આવ્યા તો મુલાકાતો પણ થઈ. લગ્ન પછી અમે હોંગકોંગ, મકાઉ ફરવા પણ ગયા હતાં. ઘણી મજા કરી હતી. તે દિવસો મારા કેટલા સારા હતાં પણ આજે, તે બધી વીતી ગયેલી વાતો છે. મારી જિંદગી તે પછી એક રૂટિન બનીને રહી ગઈ છે. લગ્નના છ મહિના પછી મને જાણ થઈ કે ધૈવત ખૂબ જ સીધો અને સરળ વ્યક્તિ ખરો પરંતુ તે રોમાંટિક નથી.
હું હંમેશા ફિલ્મો જેવું વૈવાહિક જીવન જીવવા માંગતી હતી .. કેટલીક સરપ્રાઈઝ.. કેટલીક રોમાંટિક પિરિઓડિકલ આઉટિંગ. પાર્ટી ... પરંતુ રોજિંદા જીવનથી ઉબાઈને મનના આવેગને સંતોષવા ફોન ચેટિંગના રવાડે ચડી. મારો પતિ સરળ સ્વભાવનો કદી ગુસ્સો ન કરે તેવો "સીધી વાત" કરનાર સાલસ અને મારે દસ વર્ષની સ્માર્ટ અને સમજદાર પુત્રી આશ્લેષા હતી. જીવન જીવવા માટેની બધીજ સગવડ હાથવગી હતી, પરંતુ છેલ્લા દોઢેક વરસથી દુષ્યંત ઓન-લાઇન મિત્ર બનીને મારા જીવનમાં આવ્યો અને પછી બધું બદલાઈ ગયું હતું.
હું મારી દીકરી અને પતિની ગેરહાજરીમાં દુષ્યંત સાથે કમ્પ્યુટર પર ઘણી ચેટ કરતી અને તેની સાથે વાત કરવાનો એક મોકો પણ છોડતી નહીં. મને લાગતું કે મારા જીવનની દરેક વાત જ્યાસુધી દુષ્યંત સાથે શેર ના કરું ત્યાં સુધી મારી દરેક ખુશી અધૂરી હોય તેમ લાગતું.
અમારી મિત્રતા એ મુકામ ઉપર હતી કે બંનેને એકબીજા સાથે વાત કર્યા વગર ચાલતું નહીં આમ દરરોજ વાત કરવી એ બંને દિનચર્યાઓનો અભિન્ન ભાગ હતો. દુષ્યંતની પણ આવી જ સ્થિતિ હતી. ઘણું કરીને હું ધૈવતના ઓફિસ જાય પછી કે દીકરી સ્કૂલે જાય પછી વાત કરતી હતી. આશ્લેષા ક્યારેક કોમ્પુટરની વેબ હિસ્ટ્રી જોઈ મને પૂછતી મમ્મી આ દુષ્યંત કોણ છે? ત્યારે હું મુઝાતી અને " મને શું ખબર ' એવો જવાબ આપી તેને શાંત કરતી, આથી વધારે શું કહેવું તે સૂજતું નહીં.
સમય અનુસાર આશ્લેષા વહેલી મેચ્ચ્યોર હતી તેને થોડો ખ્યાલ આવી રહ્યો હતો કે હું કઈક ખોટું કરીને છુપાવું છું, હું કંઈક કરી રહી છું જે મારે ના કરવું જોઈએ, આશ્લેષા રોષમાં ઘણી વાર તેની મુશ્કેલી વ્યક્ત કરતી પણ મારા પ્રત્યેના સ્નેહને લીધે ચર્ચા વધારતી નહિ.
તે દિવસે પંદરમી ઓગસ્ટ હતી, હું રસોડામાં ઉપમા અને કોફી બનાવતી હતી ધૈવત હજુ બેડરૂમમાં હતો અને આશ્લેષા ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતી હતી ત્યાં મારા ફોન ઉપર " દિલ પુકારે , આરે ..આરે " રિંગ ટોનનું ગીત રણક્યું" અને મને તરતજ ખ્યાલ આવી ગયો કે ફોન દુષ્યંતનો છે, ડ્રોઈંગ રૂમમાં પહોચું તે પહેલા ફોન મારી દીકરીના હાથમાં હતો, મારૂ દિલ ધડકતું હતું, સારું હતું કે ફોન નંબર મારા ફોનમાં સેવ કરેલો રાખ્યો ન હતો તેથી ફોનના સ્ક્રીનમાં દુષ્યંતનું નામ નહતું, હું ઝડપથી ફોન લઈને બાલ્કનીમાં પહોચી ગઈ, કેમ છે ,? બસ તારો અવાજ સાંભળવાની ઈચ્છા થઈ એટ્લે લગાવી દીધો, "ઑ મજનૂ , તારી જૂની રેકર્ડ વગાડ નહીં ! મને કહે કે, તે આજે કેમ ફોન કર્યો?" તને ખબર હોવી ઘટે, કે આજે રજાનો દિવસ છે અને ધૈવત અને આશ્લેષા બંને ઘરે જ છે… આવી રીતે વાત કરવી તેમની હાજરીમાં મારા માટે મુશ્કેલ બનતી હોય છે, "મે રઘવાટમાં તેને કીધું .
માઈ સ્વીટ હાર્ટ, મારાથી હવે વધુ વિરહ સહન નહીં થાય. હું તને મળવા માગું છું માટે આવતા અઠવાડિયે જયપુર તને મળવા આવી રહ્યો છું. તો તું મારા માટે ત્યાં જયપુરમાં કોઈ હોટલમાં રૂમ બુક કરાવજે અને બસ હોટેલના રૂમમાં તું અને હું બંને એકલા હોઈશું બીજું કોઈ નહીં, દિલ ખોલીને મળશું, દુષ્યંતે તેના દિલની વાત મન ખોલીને કરી.
"હોટલ ? ,ના ભાઈ ના હું તને હોટેલમાં મળવા કેવી રીતે આવી શકું ? તો પછી આપણે ક્યાં મળશું? હું ફક્ત તને મળવા માટે મુંબઈથી જયપુર સુધીના૧૦૦૦ કિલોમીટરના અંતરે મળવા આવી શકું,તો તું તારા શહેરની હોટલ સુધી પણ ના આવી શકે, કેવી વાત છે ?
હું, દુષ્યંતના પ્રેમાળ શબ્દોમાં ખોવાઈ ગઈ., અને ખ્યાલ ન રહ્યો કે આશ્લેષા ડ્રોઈંગરૂમમાથી બહાર આવી મારી પાછળ ઊભી હતી. મે તેને જોતાં દુષ્યંતને કીધું "ઠીક છે, હું પછીથી વાત કરીશ," અને પછી ફોનને ડિસ્કનેક્ટ કર્યો.
"કોનો કોલ હતો મમ્મી ?" આશ્લેષાએ મને પૂછ્યું.
મે જવાબમાં કીધૂ,
"તે… તો મારી ફ્રેન્ડનો ફોન હતો."
અને ફોન લઈને રસોડામાં ગઈ અને નાસ્તો બનાવવા લાગી.હું તે દિવસે રસોડામાં ભલે કામ કરતી હતી,પણ દિલો-દિમાગ સાથે મુંબઈમાં દુષ્યંત પાસે પહોંચી ગઈ હતી. હૃદય જોરથી ધબકતું હતું. હું પણ તેને રૂબરૂ મળવાની આશામાં ઘણા સમયથી સળગી રહી હતી. હવે ક્યાંથી, ક્યારે અને કેવી રીતે મળવું તે નક્કી કરવાનું હતું અને તેમાં અટવાઈ ગઈ હતી.
જ્યારે કોઈ મન-ગમતી વ્યક્તિ જીવનમાં આવે છે, ત્યારે તે વ્યક્તિને ખબર હોતી નથી કે શું થશે ? અને તે અજાણી વ્યક્તિ ચુપકીથી હૃદયની એટલી નજીક પહોચી જાય છે કે તેના સિવાય બીજું સૂજતું નથી.
આમ, જુવો તો મારા જીવનમાં કોઈ કમી નહોતી. ધૈવત સરળ પતિ જે તેની જરૂરિયાતનો પૂરો ખ્યાલ રાખતો હતો, પરંતુ જ્યારથી દુષ્યંત ઓન લાઇન મિત્ર બનીને મારા જીવન આવ્યો પછી બધું ઉલટું થઈ ગયું.
હું મારી દીકરી અને પતિથી છુંપાઇને કમ્પ્યુટર પર ઘણું ચેટિંગ કરતી અને કોલ પણ કરતી. જ્યાં સુધી મારી દરેક વાત દુષ્યંત સાથે વહેંચાય નહીં ત્યાં સુધી મને કઈક અધૂરપ લાગતું, દુષ્યંત પણ મારી નાનામાં નાની વાત ધીરજથી સાંભળતો, અને સકારાત્મક પ્રતીભાવ આપતો. મારી ઢગલાભેર ખુશામત કરતો, તે મારા દિલ ને ગમતું. હું જાણતી હતી
કે હું કોઈની પરણેતર છું અને એક બાળકીની માતા છું, છતાં મને જાણે દુષ્યંતની વાતોનું રીતસરનું વળગણ થઈ ગયેલું હતું.
પંદરમી ઓગસ્ટનો રજાનો દિવસતો વીતી ગયો, અને બીજા દિવસે બપોરે, મે મન બનાવી લીધું અને દુષ્યંતને ફોન લગાવ્યો ,"દુષ્યંત , હું જીવનમાં જે પડાવે છું, જ્યાં હું ખૂબ જ ભયભીત છું અને તારી સાથે "સીધી વાત" કરું છું ... હવે હું આ ડર સાથે જીવવા માંગતી નથી." મારા મગજમાં કે તારાં મનમાં કોઈ ખામી નથી, તો હોટલમાં શું કામ તને મળું ? તું મારા ઘેર આવ હું તને મળવા માટે હોટલમાં નહીં આવું અને હું તને મળવાની તક ગુમાવવા માંગતી પણ નથી. "
મારી વાત સભળી દુષ્યંત હડબડી ગયો, તે બોલ્યો, તું શું બોલી રહી છે તેનું ભાન છે તને ?.તારો પતિ, ધૈવત અને દીકરી આશ્લેષા શું કહેશે.? એમાં શું? આ ઘર મારૂ નથી? મારે કોઈ મિત્ર ના હોઇ શકે? મે તેને કીધું જે થવાનું હશે તે થવા દે ,જોઇ લેવાશે, પણ તું જ મારે ઘેર આવ.
"મને વિચાર કરવા માટે થોડો સમય આપ," મને બીક લાગે છે.
મે તેને કીધું તું તો મોટા ઉપાડે રોજ કહેતો હતો કે તારાં એક ફોન થી હું તને મળવા દોડી આવીશ, હવે શું થયું? તું મળવા માટે પાછીપાની કરે છે તું મને હોટેલમાં બોલાવીને મારો ગેરલાભ ઉઠાવવા માંગતો હોય તેમ લાગે છે,ત્યારે દુષ્યંતે કીધું ના તેવી વાત નથી, હું તારો ખ્યાલ રાખીને તારે ત્યાં આવતા ડરું છું .
હું ૨૫મી તારીખે સવારે આવું છું તારે ઘેર , ખુશ ને હવે એડ્રેસ લખાવ.
છેલ્લા કેટલાક સમયથી હું વિચારી રહી હતી કે હું ધૈવતને કહી દઉ કે હું જુદી રહેવા માંગુ છુ.. અને છેવટે મે આજે રાત્રે જમતી વખતે હિમ્મત કરી એકી શ્વાસે ધૈવતને કહી દીધુ..
ધૈવતે મારી તરફ જોયુ અને બોલ્યો - કેમ ?
મે કહ્યુ - હું થાકી ગઈ છુ રૂટિનથી... મારૂ "મન" સહારો જંખે છે.
તેણે ડાયનિંગ ટેબલ ઉપરથી થાળી અને વાડકીઓ એકત્ર કરવા માંડી. કોઈ જવાબ ન આપ્યો તેથી મારો ગુસ્સો વધી ગયો. તે થાળીઓ મુકીને મારી સામે બેસી ગયો .. તે બોલ્યો - શુ કરુ કે તુ મને છોડીને જવાનો વિચાર ન કરે..
હવે ઠીક છે --- મે વિચાર્યુ.. અને કીધું ....મારા એક સવાલનો જવાબ આપો.. મને ઠીક લાગશે તો હું મારો નિર્ણય બદલી નાખીશ. મારો સવાલ એ છે કે જો કોઈ તળાવમાં વચ્ચે ખિલેલુ કમળ તને લાવવા માટે કહું અને તને ખબર હોય કે તેને લાવવામાં તારો જીવ જતો રહેશે તો પણ ધૈવત તું એ કમળ લેવા જઈશ ?
સવાલ સાંભળીને ધૈવતે જે કહ્યુ તેનાથી મારુ દિલ ડૂબી ગયુ.
તેણે કહ્યું તે તને હું યોગ્ય સમયે કહીશ.
દસ દિવસ ક્યાં વીતી ગયા તેનો ખ્યાલ ના રહ્યો. મારા મનમાં એક તરવરાટ હતો, હું અને દુષ્યંત આટલા સમયથી ચેટિંગ કરતાં હતાં પણ દુષ્યંતે કદી મારો ફોટો માગ્યો ન હતો. હું તેનો ફોટો માગતી, તો તે કહેતો ફોટાને શું કરવાનું? આપણાં તો દિલના સબંધ છે, રૂબરૂ મળીશું ત્યારે એક બીજાને જોઈશું તે રોમાંચક રહેશે.
આશ્લેષાથી આ દિવસોનો મારો ઉમંગ છુપો ન રહયો, મમ્મી શું વાત છે ? બહું ખુશ માં રહે છે ને આજકાલ કઈ ?, મે કીધું ૨૫ મીએ મિત્ર આવવાના છે,અમે ઘણા સમય પછી મળવાના છીએ.
પચીસમી તારીખે સવારે જ્યારે હું ઉઠી તો જોયુ તો ધૈવત ઘરમાં નહોતો.. ટેબલ પર એક ગ્લાસ નીચે એક કાગળ દબાયેલો હતો. એ ધૈવતે મારા માટે લખીને મૂક્યો હતો..
ધૈવતે લખ્યુ હતું.....મારી વાહલી અર્ધાંગિની , હું તારું માંગેલું કમળ લેવા નહી જઈ શકું ! કારણ કે હું જાણુ છુ કે તને મારી જરૂર પડવાની છે ... ડગલે ને પગલે ...બજારમાંથી સામાન બદલીને લાવવામાં મારી મદદની જરૂર પડશે.. જે રીતે તુ લેપટોપ અને મોબાઈલનો પાસવર્ડ ભૂલી જાય છે, તેને ફરીથી અનલોક કરવા માટે તુ મને શોધીશ.. મોલમાંથી ખરીદી કરી પાછી આવીશ તો ગરમ પાણીનુ ટબ લઈને આવવા માટે મને બૂમ પાડીશ.. કાર પાર્કિંગની રસીદ ભૂલી જતા...તારી પ્રેશરની દવા યાદ કરાવવા અને ઘરમાં બધાનો જન્મદિવસ યાદ અપાવવા માટે પણ તો મારે રહેવુ પડશે...
હા, પરંતુ જો આવો કોઈ મળી જાય, જે તારા માટે આ બધુ કરી લે, તો મને જણાવજે. હું જરૂર તારું માંગેલું કમલ લેવા તળાવની વચ્ચે જરૂર જઈશ.
મારી આંખોમાંથી આંસુ ટપકીને કાગળ ભીનો કરવા માંડ્યા. આગળ વાંચતી ગઈ તેમ મને ગળે ડૂમો ભરાવા માંડ્યો, "ધૈવતે લખ્યું હતું .. .. જો તને મારી વાત ઠીક લાગી હોય .. તો તું તારો નિર્ણય બદલી દે, મને તું જે સ્વરૂપમાં છે તે સ્વરૂપમાં સ્વીકાર્ય છે, તારાં વગર હું અધૂરો છું.
એટલામાં ડોર બેલ રણકી, હું ઉતાવળથી દરવાજો ખોલવા ગઈ .. અને ડોર ગ્લાસમાં જોયું તો કોઈ પીઠ બતાવીને હાથમાં નાની એર બેગ સાથે ઊભેલું હતું. મે દરવાજો ખોલ્યો, દરવાજાના ખૂલવાના અવાજ સાથે, તે વ્યક્તિએ મને એક બોક્સ આપ્યું, "ટુ માય સ્વીટી, ફ્રોમ દુષ્યંત, વિથ લોટ ઓફ લવ". બોક્સના વજન અને આકર્ષક પેકિંગ જોઈ રહી હતી અને વધારે હું કઈ સમજુ તે પહેલા તે આગંતુક મને ભેટી પડ્યો .. તે ધૈવત જ હતો. અને મનમાં ફાસ્ટ રિવાઇન્ડ અને ફાસ્ટ ફોરવર્ડ થતાં, "શું બન્યું હતું" અને "શું બની રહ્યું છે" તેનો ખ્યાલ ક્ષણમાં મને આવી ગયો.
એટલાંમાં આશ્લેષા પણ આવી ગઈ, બોલી, લો મોમ હું તમારા મિત્ર માટે ગરમા ગરમ ફાફડા જલેબી લઈ આવી છું, ધૈવતે બાજી સંભાળી અને બોલ્યો બેટા, મમ્મીના મિત્રનો પ્રોગ્રામ મુલતવી રહ્યો છે, તે હવે આજે નથી આવવાના….ચાલો આપણે ઠંડા થાય તે પહેલા ખાઈ લઈએ.
હું મારા આંસુ લૂંછીને હળવીફૂલ થઈ ગઈ. આજે નિયત સમયથી પહેલા," કરવા-ચોથ" ઉજવાઈ રહી હતી !