Kalpesh Patel

Drama Inspirational Thriller

5.0  

Kalpesh Patel

Drama Inspirational Thriller

કરજદાર -૧

કરજદાર -૧

5 mins
2.4K


બાજવા સ્ટેશનના યાર્ડમાં લાંગરેલી માલગાડીની બોગીમાં રોજની જેમ આજે હીરા કોલસા વીણવા થેલો લઈને ગઈ ત્યારે, તે કટાયેલી ખખડધજ બોગીમાં એક ગોરા વાનવાળી નવજાત બાળકી તેને મળી આવે છે. હીરાની ખાલી ખિસ્સાવાળી ચોલી હેઠળ એક દમદાર દિલ ધબકતું હતું, તેણે એકલે હાથે કેટલીયે મથામણ અને પોલીસની દરમ્યાનગીરી સામે લડત આપીને તે બાળકીને, આખરે પોતાના શરણે લઈ બાજવા સ્ટેશનના યાર્ડના કિનારે આવેલ વસાહતમાં લઈ ગઈ. હીરા તો કુંવારી હતી પણ તેની પાસે માંની મમતાની ખોટ નહતી. તેણે સ્ત્રી સહજ કરુણાથી, “તેની મેલી ઘેલી ચુનરીને દૂધમાં બોળીને તે બાળકીના હોઠ વચ્ચે મૂકી, તે દિવસથી હીરાની ચુનરીના તાંતણા લંબાઈ ગયેલા. હવે તે બોગી સફાઈ ઠેકેદાર રહેમાન ભાઈની કાચી ઓફિસથી આખા બાજવા સ્ટેશન પસાર કરી ,ડંકા માસ્ટરની કચેરીમાં,તેમજ સાંધાવાળાની કેબીનો પાર કરી, સવાર સુધીમાં તો છેક રેલ્વે કોલોની સુધી લંબાયા”

દિલની અમીર હીરાને મન આ બાળકી રાણીથી કમ ન હતી એટ્લે બાળકી આખાય સ્ટેશન વિસ્તારમાં રાણીના નામે લાડકી બનેલી, સ્ટેશન ઉપર ભીખ માગતા છોકરાઓના સામ્રાજ્ય વચ્ચે તેનું બાળપણ હોવા છતાય , તે નોખી હતી. હીરાએ એક દિવસ તેના હાથમાં કોલસો પકડાવીને કટાયેલ બોગીની દિવાલો પર રાણીને ચિત્રો દોરતા શીખવાડે છે, અને રાણીની જીવન સફરને યથાયોગ્ય પાટો મળે છે.

બાળક વગરની હીરાની કોરી રહી ગયેલી મમતાને રાણી શ્રાવણ માસના સરવરિયા માફક હીરાના દીલને અવિરત ભીંજવે છે. ભોળી હીરા, તેને ઉછેરીને મોટી કરે છે અને રાણી હંમેશા હીરાને “મોટી” કહેતી અને ક્યારેય મા નથી કહેતી. લોહીના સબંધ કરતાં દૂધમાં જબોળેલી ચુનરીનો સબંધ ગાઢો થતો જતો હતો અને રાણી હીરાને માં થી જરા પણ ઊતરતી નથી માનતી. ….બાળપણના અગિયાર વર્ષ. રહેમાનભાઇની વસાહતમાં વહેતા રહે છે દરમ્યાન રહેમાનભાઇની દીકરી જુબેદા અને મા વગરના મનુ પાસેથી પાસે રહીને લખતા-વાંચતા શીખેલી રાણી ,હવે બગડી ન જાય એ ડરેથી વડોદરા શહેરમાં કોઈની પાસે મોકલવાનો વિચાર હીરાને આવતા તે રહેમાનભાઇ પાસે તે અંગે અરજ કરે છે.

રહેમાનભાઇ રાણીને રોયલ ટી હાઉસનાં માલિક મુસા ભાઈને ત્યાં મોકલી આપે છે. રાણીના ધર્મ વિષે અજાણ મુસાભાઈના પત્ની મરિયમ તેને તેઓના સ્વાભાવિક ‘ખોરાક’ થી અલગ રાખે છે. આમ રાણીનો મરિયમ સાથે માસીનો એક અલગ સ્નેહનો તાંતણો બંધાય છે. રોયલ ટી હાઉસનો કારીગર હસમુખનો દીકરો રાજેશની સાથે સયાજીરાવ આર્ટ સ્કૂલમાં રોજ સાથે જતાં આવતા રહેવાથી અને બહારની સાંપ્રત દુનિયામાં હરતા –ફરતા રહેવાથી રાણીની જિંદગીમાં આવા અનેક લોકો એકમેક થઈ ગયેલા હોવાથી, વાસ્તવમાં તેને રાણી બનાવે છે. મુસાભાઈની રોયલ ટી હાઉસમાં કામ અને રાજેશ સંગ ભણતર- અને મરિયમ માસી પાસેથી જીવન જીવવાની રીતની શીખ મેળવે છે. રોજબરોજના નાના નાના બનાવો સાથે જીવતી રાણીને જિંદગી પાઠ ભણાવે છે.

આ દરમ્યાન રાણીની જિંદગીમાં કેટલાક સૂક્ષ્મ સંવેદનો ઉદભવે છે. મુસાભાઈના ટી હાઉસના કારીગર હસમુખના દીકરા રાજેશની હૂંફે સમય ક્યારે વિતતો ગયો તેનો ખ્યાલ ન રહયો. રોયલ ટી હાઉસમાં કપ-રકેબી ધોવાના કામની શરૂઆત કરીને રાણી લહેજત દાર ચા બનાવવાની હથોટી હસ્તગત કરે છે. પરંતુ હીરાએ તેના હાથમાં પકડાવેલ કોલસો તેનો કેડો મૂકતો નહતો. રાણીની જિંદગીમાં હીરા – કોલસો – માલગાડીની અંધારી કટાયેલી બોગી અને હવે મુસાભાઈ – મરિયમ માસી અને હસમુખ બાપા અને અલબત્ત રાજેશ, બધા એકમેક સાથે સંકળાયેલા હતા. શહેરની ઝાકજમાળમાં પણ રાણીની આંખ ખુલ્લી રહેતી અને બાળપણમાં તેણે કોલસાથી દોરાયેલા ચિત્રોને મનમાં જીવતા કરી તેમાં રંગ પૂરતા શીખી ગયેલી.

કાલની રાણી નામની છોકરી કાળ ક્રમે મોટી થતાં સુધીમાં ખૂબ સારી આર્ટ ડિરેક્ટર બને છે ને ફિલ્મની સાઇટ સર્ચ દરમ્યાન એજ રેલ્વે વસાહતમાં આવે છે જ્યાં તેનું બાળપણ વીત્યું છે. ફિલ્મની કથા વસ્તુ અને તેના સંવાદો અજાણતા તેની પોતાની જિંદગી સાથે એકમેકમાં ઓતપ્રોત થતાં હોવાથી ફિલ્મી વાર્તાની પાત્રતાની જલદતા રાણીના માનસ પટલ ઉપર અંકાઇ ચૂક્યા હતા.

માણસજાતને ‘પીડા’ શબ્દ પીડતો હોય છે. .પીડામાંથી ક્યાં તો વેદના જન્મે ક્યાં તો પસ્તાવો કે ખેદ. પીડા શબ્દનો જીવનમાં પગપેસારો વધતો જાય તો એ વેદના –દુ:ખ આપ્યા કરે છે અને જો એને જીરવીને જીવી જાણીએ તો એ પીડામાંથી પસ્તાવો જન્મે છે. રાણી આજે પણ પોતાને માફ કરી શકી ન હતી. તે પોતાને ઈશ્વર ની ગુનેગાર માનતી હતી, દસ દસ વરસનાં તડકા છાંયડા દરમ્યાન કયારેય વસ્તીમાં આવી નહતી કે હીરાને મળી નહતી.

લંચ બ્રેકમાં રાણી વર્ષોની પ્યાસ બુઝાવાં હીરાને ખોરડે જવા વિચારે છે, સિનેમાની ઝાક ઝ્માળ અને આગળ પાછળ ફરતા પત્રકારો અને ફોટોગ્રાફરના લશ્કર શું વિચારશે તેની ચિંતા છોડી તે બેધડક ચાલી નીકળે છે. સમયના વહેણ અને અને લાંબી લચક ગાડીમાં મ્હાલી, રાણી આખરે હીરા પાસે પહોચી ત્યારે તેને ઓળખવા વારુ કોઈ ન હતું. ધીમેથી પતરાંની ઓરડીનું ખખડધજ બારણું ખોલ્યું સાથે બાલ્ય અવસ્થામાં કોલસાથી દોરેલા ચિત્રો જોતાં વેત, મનમાં અત્યાર સુધી ધરબી રાખેલી વરસો જૂની યાદો અને લાગણીનું ઘોડા પૂર ઊમટ્યું. તેણે જોયું તો લોખંડની પટી વાળા ખાટલે હીરાને સૂતી પડેલી જોઈ. પતરાંનાં દરવાજાનો બેસૂરો અવાજ સાંભળી, તેની નજર રાણી ઉપર પડી અને બોલી ઊઠી આવી ગઈ ગગી, સારું થયું. . તું આવી, હું તારી રાહ જોતી હતી. આ સાંભળતા રાણીનું અંતરમન, તેને ઝ્ંઝોડીને અલગ દુનિયામાં લઈ જતાં તે ભાંગી અને રોઈ પડે છે અને તેનું મન અનુકંપાથી ભરાઈ જાય છે !

હીરાએ ભોગવેલો પોતાની ‘કમી’ નો અહેસાસ તેમજ તેની માનસિક વ્યથા, અને તેનામાં રહેલી પાલક સંતાનનાં પ્રેમ માટે વલખતી સ્ત્રી ને જોઈતું મળતું હોઈ, હવે તે આનંદમાં હતી. હીરાની પરિચિત અને મૂક નજરોથી રાણીના દિલમાં તેના નિર્મળ પ્રેમની પુરાણી યાદો ફરી જીવંત થઈ. પરફોર્મિંગ આર્ટના અભ્યાસ દરમ્યાન હીરાની તમામ યાદોને કોરાણે રાખી ચૂકી હતી.પરંતુ આજે પહેલી નઝરમાં તેને હૈયે ધરબાયેલી સૂરીલી યાદોના તાર ફરી ઝણઝણી ઊઠયા. હીરાએ ત્યાં સુધી સ્વસ્થતા મેળવી લીધી હતી. કોણીના ટેકે ઊભી થઈ, પટીના લોખંડનાં ખાટલા નીચેથી તેની કટાયેલી પેટી ખોલી તેને ફંફોસી સિગારેટનાં પતરાનો ડબ્બો કાઢ્યો તેમાં રાખેલ એક કપડાંનાં બટવામાંથી એક ચમકતું કાળાં દોરામાં પરોવેલું લોકેટ કાઢ્યું અને રાણીને ગળે પહેરાવી બોલી, ગગી, હું અભાગી તારી કરજદાર છું, આજે હવે તારા કર્જથી, હું મુક્ત બની છું. હું તારી ગુનેગાર છું. મે તને બોગીમાં ભાળી ત્યારે આ તારે ડોકે હતું. પણ મારી એકલતા ભરી જિંદગીમાં તું મારો સહારો બનશે તે આશાએ કાઢી લીધેલું, તેમજ તે દિવસોમાં રેલ્વેની ચાલીમાં આઠ બૈરાં પેટે હતા અને આંઠેયને ઘેર ઉંવા- ઉંવાનાં આવજો સાથે ઘોડિયાં ગુમતાં હતા. આ અફાટ દેશમાં તારી જનેતા ક્યાં હોઇ શકે તેના ચક્કરમાં હું પોલીસને પાડવા માંગતી ન હતી અને આ છૂપાવેલી હકીકત મને દિવસ રાત કનડતી હતી. મારી ગગીનું મન મોટું છે, તે મને માફ કરશે જ.. ચાલ બોલ તું શું ખાઈશ ?

ના. . મોટી તારે મન ખાટું નથી કરવાનું, તેમ કહેતા ગળામાં પહેરાયેલું લોકેટ જાટકાં ભેર ખેંચીને છૂટ્ટો ઘા કરે છે અને બોલે છે, મોટી, મારે મારી તે જનેતાનો ખપ નથી, જેને જન્મ આપતાં વેત ત્યજી કોલસા ભેળા બળવા છાંડી મૂકી હતી. મારી સાચી જનેતા તો તું જ છે. સ્ટેશન પર મળેલી અનાથ છોકરીને મોટી, તારાં થકી અનેક ‘નાથ’ મને મળેલા છે અને તેઓએ મારા જીવનમાં અનેક મીઠી અર્થસભર લાગણીઓ અને સૂક્ષ્મ સંવેદનાઓની લહેર વરસાવી છે તેનું કર્જ મારા ઉપર ઓછું નથી. હકીકતમાં તો મોટી... હું જ તારી કરજદાર છું.              

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama