કોણ છે એ- ભાગ 7
કોણ છે એ- ભાગ 7
"દેસાઈ , લાકડા વિશે કોઈ ખાસ માહિતી મળી ?" ઇન્સ્પેક્ટર ઘોડબોલે ડૉ. દેસાઈને ફોન રણકાવતા બોલ્યા.
"હા, આ આફ્રિકાનું બૉંબાબ લાકડું છે , જે તેની મજબૂતી માટે અને ફાયર રેઝિસ્ટન્ટની ગુણવત્તાને માટે વિશ્વભરમાં વખણાય છે. ખુબ જ કિંમતી છે, આફ્રિકા આ લાકડાની દુનિયાભરમાં નિકાસ કરી ખુબ પૈસા કમાય છે, કોંગોના જંગલોમાં તેના અનેક ઉંચા ઝાડ છે."
"ઓ.કે , તો એમ માનીને ચાલીએ કે આ સ્મગલિંગના ધંધાને કારણે કોઈ દુશ્મની થઇ હશે અને એને જ એઝેડ કંપનીના માલિકો સાથે બદલો લેવા આ બધું કર્યું ? " ઘોડબોલેએ તરત જ નિર્ણય પર પહોંચતા કહ્યું.
"હા પણ અને ના પણ, તને હથિયાર યાદ છે એ ફૂંકણી ?"
"હા તો ."
"કોઈ સ્મગલર ફૂંકણી કેમ વાપરે હત્યા માટે ?"
"હા એ પણ બરાબર છે."
"ઘોડબોલે બીજું કે આ લાકડાનો વિસ્તાર કોંગોના જગલો છે અને હથિયાર પણ ત્યાં વસતા આદિવાસી વ્યક્તિઓ ઉપયોગ કરે તે છે એટલે......"
"એટલે શું દેસાઈ ?"
"વળી એ લોકોની એક માન્યતા બહુ વિચિત્ર છે. ત્યાંના આદિવાસી લોકો આ જંગોલના અમુક વિસ્તારમાં વ્યક્તિના જન્મ સમયે એક વૃક્ષ રોપે છે અને જયારે તે મૃત્યુ પામે ત્યારે તેની સાથે તે વૃક્ષને પણ કાપીને તેના લાકડા સળગાવી દે છે, જીવનપર્યત દરેક વ્યક્તિ પોતાના જન્મ સમયે રોપેલ તે વૃક્ષને ઉછેરે છે. જેથી તેઓનું ભાવનાત્મક જોડાણ આ વૃક્ષો સાથે હોય છે, આ ત્યાંની પ્રથા છે."
"હા , એ બધું બરાબર પણ એનો આ કેસ સાથે શો સંબંધ ?"
"ઘોડબોલે, મને લાગે છે કે આ એ જ વૃક્ષોના લાકડા છે ત્યાંની સરકાર પણ એ વૃક્ષો પર અધિકાર નથી કરતી અને જો કોઈ એ વૃક્ષોના લાકડા કાપીને સ્મ્ગ્લ કરતુ હોય તો તે આ આદિવાસીઓની પ્રથા વિરુદ્ધ છે."
" એટલે દેસાઈ તું એમ કહેવા માંગે છે કે કોઈ આદિવાસી વ્યક્તિએ આ હત્યાકાંડ કર્યો હશે પોતાની પ્રથા બચાવવા ?"
"હોઈ શકે."
"એટલે હવે એ વ્યક્તિને શોધવી રહી પણ હું સ્મગલર્સોની પણ પૂછપરછ કરીશ જ . " ઘોડબોલે અને દેસાઈએ ચાની ચુસ્કી લીધી આખરે આજે તેમને આ અંધારિયા કેસમાં કોઈ પ્રકાશ દેખાયો હતો.