કોણ છે એ ? ભાગ -2
કોણ છે એ ? ભાગ -2


"પાટીલ, શહેરમાં થયેલી બે બાળકોની હત્યાના કેસમાં બીજો કોઈ સબુત મળ્યો ?" ઇન્સ્પેક્ટર ઘોડબોલે પાછલા દિવસોમાં બનેલી એ ચકચારી ઘટનાના ફોટા જોતા બોલ્યા.
"ના, સર આજે બપોરે 11:30એ ડૉ. દેસાઈ ફોરેન્સિક રિપોર્ટ લઈને આવશે. મરનાર બાળકોની સ્કૂલમાં તપાસ કરી તો તેઓ બંને હોશિયાર હતા અને બાળકોની ઉંમર ખુબ જ નાની છે એ જોતા એ તો નથી લાગતું કે કોઈ દુશ્મની હોઈ ને આ ઘટનાઓ......"
"હા, સર બંનેના માતા-પિતા પણ નોકરિયાત છે એટલે એ પણ....."
"હા જ્હોન, અને મને તો ઘાનું નિશાન જોઈ આશ્ચર્ય થયું. ગળાના ભાગે આટલું નાનું કાણું કઈ રીતે, આટલી પાતળી તો કોઈ બૂલેટ નથી હોતી. એક કામ કરીએ, જૂની ફાઈલો તપાસીએ કોઈ સબુત હાથ લાગી જાય તો... અત્યારે તો આપણે સંપૂર્ણ દિશાશૂન્ય છીએ."
આશરે એકાદ કલાક થઇ ગયો હતો પણ ઇન્સ્પેક્ટર અને તેમના સાથીઓને કોઈ રસ્તો મળતો ન હતો.
"ઘોડબોલે.....ઘોડબોલે, આ તો તું જબરો કેસ લઇ આવ્યો.... " પોતાના પરમ મિત્ર ઘોડબોલેના નામની બૂમ પડતા ડૉ દેસાઈએ પોલીસ સ્ટેનશનમાં પ્રવેશ કર્યો.
"યાર, એ જ તો આ કેસમાં તો મારુ પણ મગજ સુન મારી ગયું છે. પાટીલ ડૉ અને મારા માટે ચા મંગાવ. હા તો દેસાઈ, શું આવ્યું તારા રિપોર્ટમાં ?"
"યાર, એવા હથિયારનો સુરાગ મળ્યો જેને કોઈ હથિયાર ગણી જ ન શકે. જેના વડે બાળકો પોતાનું ભવિષ્ય બનાવે ખબર નહિ એના વડે હત્યા ! "
"શું બોલે દેસાઈ? કઈ સમજાતું નથી."
" અરે હું એમ કહું છું કે હથિયાર પેન્સિલ છે."
"પેન્સિલ ?" ઘોડબોલે, પાટીલ અને જ્હોન ત્રણેયના મુખ પર આશ્ચર્ય હતું.
"હા. મને પણ નવાઈ થઇ હતી. મેં પહેલા તો છેદ માપ્યું જે ઘણું નાનું હતું. ત્યારબાદ એ માપની બુલેટની ઘણી તપાસ કરી ઓનલાઇન મારા સંપર્કોમાં પણ એવી કોઈ બુલેટ હજી નથી. ત્યારબાદ મને થયું કે કોઈ ચીંધી વસ્તુ હોઈ શકે જેમકે સ્ક્રુ કે સ્ક્રુ કાઢવાનું પેચિયું પણ એ પણ તુક્કા જ નીવડ્યા. પછી મેં બને બાળકોનું ગળું તપાસ્યું જ્યાં છેદ હતો તો તેમાં પેન્સિલની તૂટેલી અણી ફસાયેલી મળી. એટલે તારણ આવ્યું કે હથિયાર પેન્સિલ છે."
"પણ એક પેન્સિલથી આટલો ઘાતક ઘા ? એમાં તો બહુ તાકાત લાગી હશે ને ?"
"હા તાકાત પણ અને ઝડપ પણ. વાર એટલો ઝડપી હતો કે બાળકોનો શ્વાસ રુંધાઈ ગયો હશે તેથી ચીસ પણ ન નીકળી તેમના મોંમાંથી. તદ્દન અશક્ય લાગે તેવી ઘટના છે. ગુનેગારે શા માટે આ બાળકોને શિકાર બનાવ્યા અને એથી પણ પહેલા તેને વાર કઈ રીતે કર્યો, પાટીલ બે સવાલ છે."
હજી તો તમામ લોકો હથિયાર વિશે વિચારી રહ્યા હતા ત્યાં જ ટીવી પર સમાચાર ચાલ્યા.......
"બ્રેકીંગ ન્યૂઝ..... સારીકાંઠા અને મોટાંઓવારાને જોડતા પુલ પર એક એઝેડ કંપનીની પેન્સિલ લઇ જતી નાની ટ્રક બેકાબુ બની અને અથડાતા તે ટ્રક ચાલાક સાથે નદીમાં પડી. અન્ય બીજા વાહનો સાથે અથડાતા તેમાં સવાર લોકો પણ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં. મૃત્યુઆંક 10
ને પાર."
"આ શું છે ? પેન્સિલ તો જાણે શહેરમાં મોતનું તાંડવ મચાવી રહી છે." જહોનથી બોલ્યા વિના ન રહેવાયું.
આખરે એક પેન્સિલ હથિયાર કેમ બની રહી હતી ? અને અહીં શું આ તાંડવ અટક્યું હતું ? આ જ સવાલો લગભગ ઘોડબોલે અને તમામના મગજમાં હતા.
(ક્રમશઃ)