કોડવર્ડ
કોડવર્ડ
"આ અત્યંત ગોપનીય બાબત લીક ન થવી જોઈએ. કોડવર્ડ "ગુલાબનું ફુલ લબકે કે ઝબકે" છે." પોલીસકર્મીઓ સાદા વેશમાં શોપિંગમોલમાં નજર રાખવા દાખલ થયા. મોલની બહાર કેટલાક છુટક વસ્તુ વેચતા ફેરિયામાં જ ડોન વેશપલટો કરીને બોમ્બબ્લાસ્ટ કરવાની પેરવીમાં છે એવી બાતમી મળી હતી.
બે પોલીસ ઓફિસર સાદા વેશમાં સાવધાની સાથે ફેરિયાઓની આસપાસ ફરતા ધીમેથી ગણગણતા રહ્યા,"ગુલાબનું ફુલ લબકે કે ઝબકે " એક રમકડાંની લારી પર ઊભેલો ફેરિયો જરાક ચોંક્યો.
એક ઓફિસરની નજીક ખસતાં ધીરે બોલ્યો, બાદલ, તું અહીયાં કેમ ? ડોન બેવકુફ નથી. સહેજ ગંધ આવી જતાં ટારગેટ ફેરવી નાખ્યો છે તે યાદ નથી ? હવે મેટ્રોસ્ટેશન પર બ્લાસ્ટ કરાશે.
હાથકડી પહેરાવેલા ડોનને મીડિયા સામે પ્રસ્તુત કરતા ડી.આઈ.જી. બોલ્યા, મિશન "ગુલાબનું ફૂલ લબકે કે ઝબકે" એક્સ્ટ્રીમલી સક્સેસફુલ રહ્યું. અને પોલીસવાનમાંથી હાથકડી પહેરાવેલા પોલીસઓફિસરને બહાર લાવતાં સન્નાટો છવાયો. બસ, આ ઓફિસરે કોડવર્ડ એટલો સરળતાપૂર્વક શોધી કાઢ્યો એમાં એ ડોન સાથે મળેલા છે એ સમજાઈ ગયું.
