Mariyam Dhupli

Drama Inspirational Thriller

3  

Mariyam Dhupli

Drama Inspirational Thriller

'ક્લાસ વેડિંગ '

'ક્લાસ વેડિંગ '

9 mins
14.2K


"કોલેજથી સીધી ઘરેજ આવી જજે. લગ્નમાં જવાનું છે."

મમ્મીનો કોલ કપાયોને હું મોઢું લટકાવી બસની બારીમાંથી બહાર તરફ નિહાળી રહી. એક વિચિત્ર અણગમો ફરી એકવાર મનને દૂણાવી રહ્યો. બે અઠવાડિયા પહેલા જ તો એક લગ્ન -સમારંભમાં હાજરી આપી હતી. આજે ફરીથી નવી ફેશન પરેડ, નવી ઔપચારિકતાઓ, નવો દેખાવ, નવું અનુકરણ!

ખબર નહીં કેમ સમાજના કહેવાતા ' ક્લાસ વેડિંગ' મારી આત્મા માટે અસ્થમા જેવી પ્રતિક્રિયા સર્જાવી મુકતા. એ આર્થિક જાહોજલાલી અને બિનજરૂરી પ્રદર્શનો જોઈ મારા શ્વાસો રીતસર ગૂંગળાઈ જતા. પાણીની જેમ પૈસા ઉડાવતા એ લગ્ન સમારંભો જોઈ મને તમામ મધ્યમ વર્ગીય અને દલિત વર્ગના લોકો તરફ અનન્ય સહાનુભૂતિ અનુભવાતી. એમના હૃદયની પરિસ્થિતિ પેલી પ્રખ્યાત સાહિત્યની પંક્તિઓ સાથે જાણે તદ્દન બંધબેસતી ન હોય ?

'એક શારજહાંને બનાકે હસી તાજ મહલ

હમ ગરીબોકી મહોબ્બ્તકા ઉડાયા હે મઝાક.'

અમારું પરિવાર પણ આમતો મધ્યમ વર્ગીય શ્રેણીમાંજ સમાવેશ પામતું. પણ આર્થિક આંકડાઓને આધારે સમાજે નિર્ધારિત કરેલી શ્રેણીમાં પાછો મધ્યમ વર્ગ પણ બે વિભાગમાં વહેંચાય ગયો છે. ઉચ્ચ મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ. પ્રામાણિક પણે ગણતરી માંડીએ તો અમારા પરિવારને નિમ્ન મધ્યમ વર્ગમાં જ આવરી શકો.

પિતાજીની એક દુકાનમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી અને મમ્મી ઘરેજ થોડું સિવણ ભરત કરીને પિતાજીને ઘરેથીજ આર્થિક ટેકો પૂરો પાડતી. હું એમની એકની એક દીકરી. મારા ભણતરમાં કોઈ કમી ક્યાંય ન રહી જાય એની કાળજી બન્ને બારીકાઇ અને ઝીણવટપૂર્વક દાખવતા. ઘણીવાર કહ્યું કે હું પણ અભ્યાસની જોડે કોઈ નાની નોકરી પાર્ટ ટાઈમ શોધી લઉં તો થોડી આર્થિક મોકળાશ રહે. પણ બન્ને કોલેજનો અભ્યાસ પૂરો થાય પછીજ નોકરી કરવા દેવાની હઠ લઇ બેઠા હતા કે જેથી મારો સમય અને ધ્યાન સો ટકા મારા અભ્યાસમાંજ રોકાણ પામે .

આમતો અમારું નાનકડું પરિવાર પોતાના નાનકડા ફ્લેટમાં મોજથી, પ્રેમથી, એકબીજાના સાથ સહકાર અને એકબીજા પ્રત્યેની કાળજી અને સ્નેહ જોડે કોઈ પણ તાણ, ચિંતા કે ફિકર વિના શાંતિથી જીવન પસાર કરી રહ્યું હતું. ઘણું બધું હતું અને ઘણું બધું ખૂટી પણ રહ્યું હતું. પણ અમારી બધાની નજર જે હતું એની ઉપર વધુ કેન્દ્રિત હતી. જે ખૂટતું હતું એ સહિયારી રીતે અવગણિત બની જીવનના ખૂણામાં પડ્યું રહેતું. પણ ક્યારેક આવાજ કોઈક સામાજિક પ્રસંગે એ પોતાના મૌન ખૂણામાંથી બહાર નીકળી થોડું ડોકિયું કરીજ લેતું અને એ સમયે એની અવગણના અશક્ય બની રહેતી.

ઘરમાં કોઈ લગ્નની કંકોત્રી આવતી કે મમ્મી અને પિતાજીના ચ્હેરા ઉપર બદલાતા હાવભાવો મારી યુવાન આંખોથી છુપા ન રહી શકતા. મોઢેથી કોઈ ગણતરી ન થતી છતાં બન્નેની નજરો હિસાબ-કિતાબના આંકડાઓ માંડી પડતી. લગ્નમાં પહેરવાના વસ્ત્રોથી લઇ આર્થિક વ્યવહારના દરેક દાખલાઓ અમારા શાંત ઘરના વાતાવરણને થોડા દિવસો સુધી ધીરગંભીર રંગમાં ઢાળી દેતા .

એ કંકોત્રી ન હોય જાણે કોઈ બારુદનો સ્વરવિહીન ધડાકો!

એમાં પણ મમ્મીનું બધુજ ધ્યાન એમના કામ ઉપરથી હટી મારા માટે કોઈ નવા વસ્ત્રો ખરીદવાજ પડશે, એની જોડે મેચિંગ ઘરેણાઓ, મોજડી બધુજ વસાવવું પડશે એ વાર્તાલાપ પરજ આવી અટકતું.

'ક્લાસ વેડિંગ'ની કંકોત્રીઓ ઉપર છપાઈને આવતું ' નો ગિફ્ટ બોક્સ પ્લીઝ ' તો પાછું બળતામાં ઘી હોમવાનું કાર્ય કરતું . કાગળમાં લપેટેલી ભેટ વ્યક્તિની હેસિયતને સમાજની વચ્ચે આબરુપુર્વક ઢાંકી લેતી પણ કચેરીની જેમ મંડપના આગમનના સ્થળેજ ઉઘરાણી કરવા અને લગ્ન સમારંભ માણવા માટેની ફી ઉઘરાવવા બેઠા વ્યવહારુ ધંધાદારી જીવો આપણી આબરૂ ન લઇ બેસે એ માટે એક નિશ્ચિત રકમ ઘરેથીજ નક્કી કરી નીકળવાનું એજ સુરક્ષિત. મમ્મી અને પિતાજી તો એ માટે લગ્નના થોડા દિવસો પહેલાજ પોતાની એક અંગત ખાનગી મિટિંગમાંજ આર્થિક વ્યવહારના એ ફરજીયાત આંકડાઓ નિર્ધારિત કરી લેતા. એ નિર્ધારિત આંકડાઓની અસર ત્યાર બાદ આખો મહિનો ઘરના બજેટ ઉપર આડઅસર ઉપજાવશે એ માટે અમે બધાજ માનસિક રીતે તૈયાર રહેતા અને પોતપોતાની રીતે પોતાના ખર્ચાઓ ઉપર કેંચી ફેરવવાની પણ પૂર્વ તૈયારી દાખવતા.

આવા લગ્નમાં સૌથી મોટો અણગમો તો મંડપની અંદરના વાતાવરણથી ઉદ્દભવતો. સમાજના લોકો વચ્ચે ઘરની આબરૂ જાળવવાના મમ્મીના સામાજીક તાણના પરિણામ સ્વરૂપ મારા શરીર ઉપર ચઢાવવામાં આવતા ભારેખમ વસ્ત્રો, વજનદાર દાગીનાઓ અને ઊંચી એડીની પગને સુઝાવી મુક્તી મોજડીઓને કલાકો સુધી સહેવાની એ સામાજીક સજા કરતા તો કદાચ ફાંસીની સજા વધુ આરામદાયક. એકજ ક્ષણમાં સમાપ્ત!

આટલું ઓછું નહીં હોય તેમ બધાની ઔપચારિક વાતો અને અપ્રાકૃતિક હાવભાવોને સહન કરવાનું પણ ફરજીયાત. બે લોકો ભેગા મળે ને હંમેશા ત્રીજી વ્યક્તિની વાત થતી હોય ! પારકી પંચાત અને 'ગોસિપ' એટલે દરેક સામાજીક મેળાપને જોડતી કડી, એ નિહાળી સાચેજ આત્મા ખીન્ન થઇ ઉઠે. મારો આધ્યાત્મિક જીવ ત્યાંથી ઉડી ઘરે આતુરતાથી રાહ જોઈ રહેલ મારા કોઈ પુસ્તક પાસે પહોંચી રહેવા તરફડી ઉઠે. એમ પણ અન્યના જીવનમાં માથું ઘાલવાની જગ્યાએ એક સુંદર પુસ્તકમાં માથું ઘાલવુંજ વધુ ઉચિત.

ઉપરથી નીચે સુધી તમારા શરીર ઉપર ફરતી નિર્ણાયક નજરો એક્સરેની માફક તમારા વસ્ત્રો અને બાહ્ય શણગાર ઉપર વેધક રીતે ફરી વળે અને તમારો બાહ્ય દેખાવ તમારો સામાજીક મોભ્ભો અને સામાજીક સ્તર નક્કી કરી આપે.

વિચાર,વાણી અને વર્તનની જગ્યાએ તમારા વસ્ત્રો, તમારી ભેટ અને તમારા ઘરેણાઓ અનુરૂપ તોળાઈને એના વજન પ્રમાણે તમારા માન, સન્માન અને આદરનું વજન નિશ્ચિત થાય. દેખીતી રીતે એ ભૌતિક ત્રાજવામાં અમારા પરિવારને હિસ્સે વજન થોડું ઘટીજ પડતું.

મમ્મીનો સામાન્ય દરજ્જાનો પહેરવેશ ક્યારેક મૌન મશ્કરીનું નિશાન બનતું ત્યારે મારો ક્રાંતિકારી જીવ સપાટીએ આવી જતો. પણ મમ્મી દરેક વખતે એના પણ ઠંડુ પાણી રેડી નાખતી. એની આંખો સીધીજ મારી આંખોને ચેતવણી ફેંકતી.

'તળાવમાં રહી મગરમચ્છ જોડે દુશમની કેવી? આખરે આજ સમાજમાં આપણે રહેવાનું છે. સમાજને આપણી નહીં પણ આપણને સમાજની જરૂર છે.'

મારી આધ્યાત્મીક આત્માની ચીસ મારા મનમાં દબાઈ રહેતી, 'આપણે નહીં તો સમાજ ક્યાંથ? સમાજ માનવ જીવનની સગવડતા માટે રચાયો હતો કે અગવડતા માટે? '

એજ લટકેલા મોઢા જોડે આખરે હું ઘરે પહોંચી. જયારે કોઈ અણગમતું કાર્ય પાર પાડવાનું હોય ત્યારે શરીર કેટલું નિરુત્સાહી અને આળસુ અનુભવાય! મારા નીરસ શરીરને જોતાજ મમ્મી વરસી .

"જલ્દીથી તૈયાર થઇ જા એટલે નીકળીએ ..."

"પપ્પા?"

"એ નથી આવવાના. ફક્ત આપણે બે ...."

દર વખતના નિયમ પ્રમાણે મમ્મીએ ઓરડામાં મારા વસ્ત્રો, ઘરેણાં અને મોજડી તૈયાર રાખ્યા હશે એ વિચારે મારા નિર્જિવ પગલાં ઓરડા ભણી ઉપડ્યા.

પણ નજરે કશું ચઢ્યું નહીં એટલે ઓરડામાંથીજ મારી રાડ ગુંજી ...

"મમ્મી શું પહેરવાનું છે?"

"જે તને ગમે એ ....."

મમ્મીનો ઉત્તર મારી શ્રવણ ઇન્દ્રિયો સ્વીકારવા તૈયારજ ન હતી . એ કઈ રીતે શક્ય હોય? જે મને ગમે એ? ફરીથી એકવાર મમ્મીના ઉત્તરની પ્રમાણભૂતતા ચકાસવા મારી ગરદન ઓરડાના બહાર ડોકાઈ રહી.

"જે મને ગમે એ???"

"હા, પણ જરા ઉતાવળ કર હવે.."

અરે વાહ! મને તો જાણે લોટરી લાગી હતી. ઉત્સાહ જોડે અલમારીમાંથી મારો ગમતો એમ્બ્રોઇડરી વાળો ડ્રેસ, મારી ગમતી આરામદાયક સપાટ મેચિંગ મોજડી અને મારી પ્રિય નાની બુટ્ટીઓનાં સેટમાંથી સમાન રંગની બુટ્ટી શોધી હું ઝડપથી તૈયાર થઇ ગઈ. ખુબજ હળવો 'નો મેકઅપ લુક' વાળો સાદો મેકઅપ મારા હળવા પહેરવેશ જોડે તદ્દન સુંદર રીતે દીપી ઉઠ્યો. પર્સ ઉઠાવી હું સીધી મમ્મી પાસે પહોંચી. મારા દેખાવ અંગેની એમની ભાવિ પ્રતિક્રિયા મારા મગજમાં તદ્દન સ્પષ્ટ હતી. મમ્મી પણ તૈયાર થઇ ચુકી હતી. મારા આશ્ચર્ય વચ્ચે મારા પહેરવેશને જરાયે મહત્વ ન આપતા એણે ઘરનું તાળું વાંસી દીધું.

ઓટો લઇ અમે નીકળ્યા. સાંજનો સમય હતો એટલે ટ્રાફિક પણ ખાસ્સું એવું હતું. ટ્રાફિકની વચ્ચે મમ્મીએ રસ્તામાં એક જગ્યાએ ઓટો અટકાવી. મને ઑટોમાં જ રાહ જોવાનું કહ્યું. લગ્ન સમારંભનો સમય થઇ ગયો હતો. આવા કટોકટી સમયે એ ઇલેક્ટ્રોનિક શો રૂમમાં શા માટે ગઈ?

દર વખતે લગ્ન સમારંભમાં હાજરી આપવા પહેલા મમ્મીના વર્તનમાં જોવા મળતી ગભરામણ, ચિંતા અને તાણ આજે હાજર ન હતા. એકદમ નિશ્ચિત અને શાંત જીવે બધી પૂર્વ તૈયારીઓ એણે આટોપી હતી. વળી આમ શૉ રૂમમાં નિરાંતે લટાર મારવા પણ નીકળી પડી હતી.

આ શું થઇ રહ્યું હતું? આ ચમત્કાર કેવો? જે કઈ પણ કારણ હોય મારી આધ્યાત્મિક આત્મા મમ્મીને નિરાંતે નિહાળી અતિ સંતુષ્ટ અને પ્રસન્ન થઇ ઉઠી હતી.

થોડાજ સમયમાં મમ્મી એક રેડિયો ખરીદી શોરૂમમાંથી બહાર આવી .

રેડિયો આ સમયે? ને એમ પણ ઘરે તો આવડો મોટો એફ .એમ . રેડિયો છે. મારી નજરના પ્રશ્નો પામી ગયેલી મમ્મીએ એ રહસ્ય પરથી પણ પરદો ન ઉઠાવ્યો. ઓટો આગળ વધી અને મારી જિજ્ઞાષા પણ .

પાંચ મિનિટમાંજ અમારી ઓટો એક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોલ પાસે આવી ઉભી. લોકોનો મેળાવડો ખાસ્સો એવો હતો. આટલી બધી ભીડ? ઑટોમાંથી નીચે ઉતરતાંજ મારી દ્રષ્ટિ હોલના બારણે લટકતા બેનર ઉપર પડી.

'વિશ્વાસ ચંદ ચેરીટેબલ ટ્રસ્ટ સમૂહ લગ્ન સમારંભમાં આપનું સ્વાગત છે.'

સમૂહ લગ્ન?

મારા ખભે મમ્મીનો હાથ ટેકાયો અને આખરે એમણે રહસ્ય ખોલ્યું:

"આજે સુધાના લગ્ન છે."

હું ચમકી. વાહ સરસ સરપ્રાઈઝ!

સુધા દસ વર્ષની હતી ત્યારથી એની બા જોડે અમારા ઘરે આવતી. એની બા વાસણ માંજતી હોય ને સુધા મારી જોડે રમતી હોય બાળપણની એ મીઠી મધુર ક્ષણો આંખો સામે તરી આવી. સુધા મારા માટે કદી પણ કામવાળીની દીકરી હતીજ નહીં. ફક્ત એક સહ -આયુ મિત્ર. કદાચ મમ્મી અને પિતાજીએ કેળવેલા સંસ્કારોનીજ એ અભિવ્યક્તિ હતી. ઉંમરની જોડે એની બાની વધેલી માંદગીઓ ના પરિણામ સ્વરૂપ ધીરે ધીરે એણેજ વાસણ માંજવાની જવાબદારી ઉપાડી લીધી અને એક સમયે હું પણ મારા કોલેજના અભ્યાસમાં પરોવાઈ ગઈ.

મમ્મીના હાથમાંનો રેડિયો હવે એક તાર્કિક ભેટમાં પરિણમી ગયો. સુધાને જૂના ફિલ્મી ગીતો ખુબજ ગમતા. ઘરે એ વાંસણ ધોતી હોય કે ઝાડુ ફેરવતી હોય ત્યારે મમ્મી એના માટે એફ .એમ. લગાવી દેતી અને હોંશે હોંશે સુધા પોતાના કાર્યો સમાપ્ત કરી નાખતી.

આજે એના લગ્ન પ્રસંગે દુલહનના વસ્ત્રોમાં સજેલી મારી બાળપણની મિત્રને હૃદયથી અભિનંદન પાઠવ્યા. અમારા આગમનથી સુધા અને એની બાના હય્યામાં ઉભરાઈ ગયેલા માન- સન્માનને મારી આત્મા સ્પર્શી શકી. સુધાની બા તો અમારા આદર સત્કાર માટે કેટલી દોડાદોડી કરી રહી! માન પૈસાથી થોડી ખરીદાય, એતો સાચા હ્રદયો તરફથી તદ્દન મફતમાં ખુશીથી મળતી ભેટ!

મમ્મી એ ભેટમાં આપેલા રેડિયોથી સુધાની આંખોમાં વ્યાપેલા ભેજને હું સ્પષ્ટ જોઈ શકી. એ ભેટ આપતી વખતે મમ્મીના ચ્હેરા ઉપર પણ શૂન્ય -નિમ્નતા કે શૂન્ય -લગુતાગ્રન્થિ હતી. ચ્હેરો સંતોષથી ચમકી રહ્યો હતો. આજની ભેટ અન્યની અપેક્ષાઓને આધારે નહીં પોતાના મનની લાગણીઓના આધારે પસંદગી પામી હતી.

આખા હોલમાં મારી દ્રષ્ટિ ફરી રહી. અહીંતો આવી પચાસ સુધાઓ હતી. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે યોજાતા આવા સમૂહ લગ્નો કેટલા ગરીબ પરિવારો માટે ખુશીઓની ભેટ લઇ આવતા હશે, એ વિચારથીજ સમાજ પ્રત્યે પહેલીવાર મારા ક્રાંતિકારી હય્યામાં અનન્ય ગર્વ અને માન ઉદ્દભવી રહ્યા. લગ્નના વસ્ત્રોથી લઇ જમણ સુધીનો સમગ્ર આર્થિક ખર્ચ ટ્રસ્ટ દ્વારા ઉપાડી લેવામાં આવ્યો હતો .

અહીં બહુ મોંઘેરા મંડપ ન હતા. હાઈ કલાસ કેટરિંગ સર્વિસ ન હતી. જમણની જાહોજલાલી કે છપ્પનભોગ ન હતા. ટાંટિયા વાળી જમીન ઉપર બેસી પીરસાઈ રહેલા સાદા દાળ, ભાત અને ફરસાણ ખાઈ રહેલ દરેક માનવી એક સમાન દરજ્જાનો હતો અને એક સમાન માન - સન્માનનો અધિકારી.

અહીં કોઈના વસ્ત્રો કે પહેરવેશનું ઊંડું પરીક્ષણ કરતી વેધક નિર્ણાયક દ્રષ્ટિઓ ન હતી. બધુજ સરળ હતું, પ્રાકૃતિક હતું. દરેક હાસ્ય પારદર્શક અને દરેક હાવભાવો બનાવટ -વિહીન.

લગ્ન માણીને હોલની બહાર નીકળી રહેલા મારા અને મમ્મીના હય્યાઓ આનંદ વિભોર હતા. આજે તો લગ્ન માણવાની મજામાં ઘરે રાહ જોઈ રહેલા મારા પુસ્તકને પણ હું વિસરી ગઈ હતી.

હોલની બહારથી જ ઓટો મળી ગઈ. ઓટોમાંથી ફરીથી મારી નજર પાછળ છૂટી રહેલ સમૂહ લગ્નના હોલ ઉપર જઈ પડી અને મારી આધ્યાત્મિક આત્મા આનંદમગ્ન થઇ બોલી ઉઠી.

'વ્હોટ એ ક્લાસ વેડિંગ! સમાજ ખરેખર માનવજીવનની સગવડતા ખાતર જ રચાયો છે.'


Rate this content
Log in

Similar gujarati story from Drama