કલા
કલા
દવાખાનામાં કપિલ પોતાનો ઊંચો બાંધેલો પગ જોઇને આશ્ચર્યમાં ગરકાવ હતો.
મહાવત તો કહેતો હતો કે, આજ સુધી આ હાથીએ લાખો લોકોને સલામત સવારી કરાવી તો અચાનક ચિંધાડીને મને જોરથી કેમ પછાડી દીધો!
મહાવત સજ્જનને પણ મહાઅચરજ થયું હતું.
અગત ક્યારેય આટલો હિંસાખોર નથી બન્યો. આજે કેમ અચાનક આ કપિલમહારાજને આટલા ગુસ્સાથી પછાડી દીધા હશે?
જિંદગીમાં પહેલીવાર આજ માલિકનો હુકમ ન માનવા બદલ અગત પોતાની જગ્યામાં મનોમન સજ્જનની માફી માંગતો નિરાંતનો
શ્વાસ લઈ રહ્યો હતો.
સજ્જને પોતાની આર્થિક મજબૂરીમાં મને એ ભ્રષ્ટ કપિલને વેચી દીધો. પણ જનમથી એ મને પાળતો આવ્યો એટલે મારા માટે એને એના સંતાન જેવો પ્રેમ મને કાયમ એની આંખોમાં દેખાતો અને મને ખોવાની વેદના એની આંખોમાં અને એના સ્પર્શમાં જણાતો હતો. મને પણ બહુ દુ:ખ થતું હતું. એટલે જ આ કપિલ આવ્યો ત્યારે મને બહુ અજંપો રહ્યો.
હા, મારી એક વાત ક્યારેય સજ્જનને પણ નહોતી ખબર પડી એ કે, જેમ માણસને અમારી બોલી ઉકેલવાની કલા મળી હોય એમ અમારામાંથી પણ કોઇને માણસનું મન વાંચી શકવાની શક્તિ વરી હોય ને! અને એ કલા મારામાં હતી. કપિલે લાલચુ અને કપટી સ્મિત સાથે સજ્જનને ત્યાં પ્રવેશ કર્યો ત્યારે જ મને સમજાઈ ગયું હતું.
એણે મારા પર પહેલાં સવારી કરી. મારી પીઠ પર બેઠો હતો ત્યારથી સમજાઇ ગયું હતું કે,
પોતાની પશુ-પંખીની બોલી ઓળખવાની કલા પર મુસ્તાક આ માણસ કલાના નામે લોકોને છેતરવામાં માહેર છે.
લોકોને ભવિષ્યમાં કઈ મુસીબત આવશે એ બાબત પોપટ શું કહે છે! બિલાડી શું ડાયલોગ બોલે છે! અને એનો ઉકેલ કેટલા ખર્ચામાં પડશે એ કપટ કરીકરીને સારી એવી કમાણી કરે છે.
નગુણો હવે આગળ કપટી વિચારતો હતો કે,
પોપટ-બિલાડીના નામે હવે ધંધો બહુ થયો. હવે નવાં પ્રાણી ઉમેરું તો લોકોને વધુ ઉત્સુકતા જાગશે.
એ મને લઈ જવાનું વિચારતો હતો ત્યાં થાપ ખાઈ ગયો.
સજ્જનનો પ્રેમાળ હાથ અગત પર ફરતો હતો.
શેરડી ખાતો અગતહાથી બહુ ખુશ હતો.
