ખુશીનો અતિરેક
ખુશીનો અતિરેક
આજે તો પંકજભાઈ અને પ્રેરણાબહેન બહુજ ખુશખુશાલ હતા. અને કેમ ન હોય ! આજે એમનો પાર્થ સી.એ.ની ફાઈનલ એક્ઝામમાં આખા ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો હતો. તેમનું વર્ષોથી પાર્થને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતો જોવાનું સપનું આજે સાચું પડ્યું હતું. અને એથીજ ધર્મપરાયણ એવાં પ્રેરણાબહેને બીજા દિવસે પોતાના ઘરે સત્યનારાયણની કથા- પૂજાનું આયોજન કરી દીધું.
સર્વે મહેમાનોને તેડાવ્યા. સવારથી જ પાર્થ બધી તૈયારીમાં લાગી ગયો હતો, ને પંકજભાઈ આમંત્રિતોનું લીસ્ટ ચેક કરી રહ્યા હતા કે કોઈ રહી નથી જતું ને ! પ્રેરણાબહેને તો આખા ઘરને સાફ કરીને ફૂલોથી તથા બારણે આસોપાલવના તોરણથી શણગારી દીધું હતું.
સાંજ પડીને પંડિતજી પણ આવી ગયા. સર્વે મહેમાનો તથા પાડોશીઓ પણ આવી ગયા હતા. પંડિતજીના મુખેથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા સંપન્ન થઈને પંડિતજીએ એક પછી એક એમ સત્યનારાયણની કથાના પાંચેય અધ્યાય પૂરા કર્યા.પૂજામાં બેઠેલા પાર્થને સૌએ આશીર્વાદ આપ્યા, ને સર્વે મહાપ્રસાદની રાહ જોઈ રહ્યા હતા. મહાપ્રસાદની સાથે નાસ્તામાં બટાકાવડાને ચટણી રાખ્યા હતાં.
નાસ્તો આપવા માટે લાવવામાં આવેલી ડીસપોઝેબલ ડીશો ઉપરના માળે આવેલા રૂમમાં મૂકી હતી,જે લાવવા માટે પંકજભાઈ ઉપરના માળે આવેલા રૂમમાં ગયા. પંકજભાઈ ગયા તે ગયા પણ પછી અડધા કલાક સુધી તે નીચે ના આવ્યા એટલે પ્રેરણાબહેનને થયું, "ચોક્કસ કોઈનો ફોન આવી ગયો હશે ને એટલે જ કદાચ એ વાતે વળગ્યાં હશે. લાવ, હું જ ઉપરથી ડીશો લેતી આવું ." અને પાર્થને બધા મહેમાનોનું ધ્યાન રાખવાનું કહીને એ ઉપર ગયા ને જેવા એ ઉપર ગયા કે તેમણે રાડ પાડીને પાર્થને ઉપર બોલાવ્યો ને રડવાનું ચાલુ કરી દીધું. પાર્થે જોયું તો તેના પપ્પા(પંકજભાઈ) જમીન પર ચત્તાપાટ નિશ્ચેતન અવસ્થામાં પડેલા હતા. એણે ફટાફટ ૧૦૮ બોલાવીને તેના ફ્રેન્ડ યશને બાકીનું બધું સમેટવાની સૂચનાઓ આપી દીધી. એમ્બ્યુલન્સમાં પાર્થ અને પ્રેરણાબહેન પંકજભાઈને લઈને હોસ્પિટલ પહોંચ્યા કે તરત જ ત્યાંના ફરજ પરના ડોકટરે પંકજભાઈને તપાસીને મૃત જાહેર કર્યા. મૃત્યુનું કારણ ખૂબ મેસિવ હાર્ટ એટેક બતાવ્યું.
રે નિયતિ ! ભગવાને એકદમથી આપેલી ખુશીઓ પણ તેના ભક્તો કોઈવાર જીરવી નથી શકતા. બધાના કહેવા પ્રમાણે પંકજભાઈને ખુશીનાં અતિરેકમાં હાર્ટ એટેક આવી ગયો.
