ખટકો
ખટકો
સુરેશ અને સીમાના લગ્ન પ્રેમ લગ્ન ન હતા. બંનેની પ્રેમની પરિભાષા જ એવી કે જોનારને ઈર્ષા જ થાય. સીમાના નણંદના લગ્ન લેવાયા. કન્યાદાન સુરેશ અને સીમાએ કર્યું હતું. ત્યારે એમની સહેલીઓએ સોનાની વીંટી ભેટમાં આપી હતી. સીમાના નણંદ વીંટી લગ્નમાં સાથે લઈ ગયા ન હતા. એમણે સમજદારી દાખવી કે બીજો પ્રસંગ આવે ત્યારે આપજો.
સીમાએ એક દીકરીને જન્મ આપ્યો. એ દીકરી આઠેક મહિનાની થઈ ગઈ. એક દિવસ નણંદની ઘરે પ્રસંગ આવ્યો.
સીમાના સસરા બધો દાગીનો ઘરે લાવ્યા હતા. પેલી ભેટમાં મળેલ વીંટી ગાયબ હતી.
લોકર રૂમમાં શું થયું એની કંઈ જ ખબર પડતી ન હતી.
સીમાના સાસુએ બધો દોષનો ટોપલો સીમા પર ઢોળી દીધો. હવે શું કરવું ? સુરેશ સીમા સામે જોતો રહી ગયો., પણ બોલી ન શક્યો કે સીમા એવું ન કરે. સીમાએ રંગેચંગે પોતાની નણંદને પરણાવી હતી. એ વીંટી લઈ લેવા જવું કામ ન કરે.
સીમા વિચારમાં હતી કે મારા પતિ કેમ કંઈ બોલ્યા નહીં. પોતાના લગ્નને છ વરસ હમણાં પુરા થઈ જશે. છતાંય ...... આ કેવો પ્રેમ ! વિચારોનું ઘોડાપુર ચાલુ જ હતું. યંત્રવત કામ પણ કરતી હતી. સાસુનું પણ સાંભળતી હતી.
આજે એને થોડા મહિનાઓ પહેલાંનો દાગીનો મુકવા જવાનો દિવસ યાદ આવી ગયો. સાસુના કહેવાથી અલગ અલગ રૂમાલમાં બે નાના ડબામાં દાગીનો બાંધીને આપ્યો હતો. બાંધતી વખતે ખુબ વિચારતી હતી કે આ જવાબદારી કોઈ દિવસ નહીં ને આજે કેમ મને સોંપી ! પોતાને કંઈ ખબર ન પડી. પોતે સારા વિચારોને લીધે શંકા મનમાંથી કાઢી નાખી. પોતાની જવાબદારી ખુશીથી નિભાવી. સાસુ બાજુમાં જ સુતા હતા. સુતા સુતા જ એમણે કહ્યું એ મુજબ રૂમાલમાં ડબા બાંધી દીધા હતા. હકારાત્મક અભિગમને કારણે એ ખુશ હતી. વળી, બધો દાગીનો પોતાના પિયરનો જ હતો. સાસરીના ઘરનાં ચેન બંગડીને આ નણંદની વીંટી એટલું જ હતું.
આજનો સમય:-
સીમાના સાસુ બોલ્યે જ જતા હતા કે મારી દીકરીની વીંટી સાડા ત્રણ હજારની ખોઈ નાખી. હવે તમે લઈ દેશો ત્યારે ખબર પડશે. સીમાએ મનમાં જ વિચાર્યુ કે નણંદને લગ્નમાં દસ તોલા કરાવ્યુ એ ન દેખાયુ ને આજે ખાલી એક વીંટી...... આંખમાં આંસુ આવી ગયા. આખી રાત કચકચ ચાલુ હતું. સુરેશે પિતાજીને ખાનગીમાં કહ્યું કે એની મેળે સવારે પાછા બેંકે ગયા. ઘરે આવ્યા ત્યાં સુધી સીમાને ખબર ન હતી કે પિતાજી બેંકે ગયા હતા. એ તો ખિસ્સામાંથી વીંટી કાઢીને આપી ત્યારે સીમાને ખબર પડી. સૌથી વધારે ખુશ સીમા હતી. વીંટી ખોઈ નાખવાનું આળ ઉતરી ગયું. લગ્નમાં જવાનો સમય થઈ ગયો.
બધા નીકળતા જ હતા કે સીમાના સાસુ બોલ્યા સીમા, વીંટી કદાચ પંદરસો રૂપિયાની હશે. એટલે પંદરસો રૂપિયા રોકડાનું કવર પણ આપજો. સીમા સાસુ સામે જોતી રહી ગઈ. સુરેશ સીમા સામે જોતો હતો. બધુ સરસ રીતે થઈ ગયું.
સીમાએ સુરેશને કહ્યુ કે તમે મારી સામે જોતા હતા. હું મમ્મી સામે એટલે જોતી રહી કે જે વીંટી ખોવાઈ ત્યારે સાડા ત્રણ હજારની હતી. એ જ વીંટી મળી ત્યારે પંદરસો રૂપિયાની થઈ ગઈ !
પ્રેમ તો સુરેશ સીમાને ઘણો કરતો હતો, પરંતુ મા- બાપને સાચી વાત સમજાવી ન શકે તો શા કામનું ? સવાલ ઘણાં હતા. સ્વમાનનાં ભોગે પણ સીમા પોતાના લગ્ન અને ઘર સાચવતી હતી. પોતાના માતાપિતાને પણ ક્યારેય વાત ન કરી. જેમ જેમ વરસો પસાર થતા ગયા તેમ તેમ સીમા સુરેશને વધારે જ પ્રેમ કરવા લાગી. સુરેશ પણ હવે સીમાના ત્યાગ,સમજદારી, સમર્પણ અને પ્રેમ સમજતા હતો. બંનેને પ્રેમની પરિભાષાએ મજબૂત બંધનમાં બાંધી રાખ્યા હતા.
સીમાની દીકરી વર્ષોની સાથે મોટી થતી ગઈ.
આવા ઘણાં પ્રસંગો સીમાને દુઃખી કરતા ગયા. મનમાં શુળ ભોકાંતુ કે દરવખતે સ્ત્રીઓએ જ શા માટે સમજવાનું ? ઘર બચાવવા સમાધાન કરવું સારું છે. સમાધાનના જ સાચુ સુખ છે, પરંતુ વધારે પડતું સમાધાન જિંદગી બની જાય તો......જો કે સુરેશ અને સીમાના લગ્નજીવનમાં બંને પ્રેમ પણ એટલો જ મજબૂત હતો. એટલે જ મોટું દુ:ખ પણ નાનું લાગતું હતું.
આમ, બધા સુખી છે. સીમાના સાસુ સીમાને બરાબર ઓળખી ગયા છે. ગમે ત્યારે ગમે તેમ બોલે છે, મા-બાપ વિશે પણ સંભળાવે છે. સીમા જાણે છે કે મારા સાસુ મગજથી બીમાર છે. ફરિયાદ કરવાથી શું લાભ થાય ? મારું કોણ સાંભળે ? સુરેશ પણ મગજના ડૉક્ટર પાસે મમ્મીને લઈ જવાની હા પાડતો નથી. આ કેવો પ્રેમ !
અત્યારે સીમાને સારી વહુની દરેક ફરજ નિભાવતા નિભાવતા છવ્વીસ વરસ થઈ ગયા. સીમાની સહન કરવાની આદત, ઈશ્વર પરની શ્રધ્ધા અને સીમાનો પતિ પ્રત્યે અગાધ પ્રેમથી સુરેશ પ્રગતિના પંથે આગળ ને આગળ જ વધતો જાય છે. આજે સુરેશ સીમાને કહે છે કે હું તારા વગર અધૂરો છું. તારી મહેનત અને વિશ્વાસથી હું સફળ થયો છું. મેં આજ પછી આપણું જીવન તું કહે એમ જીવવાનું નક્કી કર્યું છે. તું મારું અભિમાન, ગૌરવ તું જ છો. તારા પગલાથી આ ઘર સુખી સમૃધ્ધ છે. મને તારો પ્રેમ સમજાય છે, અનુભૂતિ પણ થાય છે. બસ, મને પ્રેમ વ્યક્ત કરતાં આવડતું નથી. આજે કહું છું. મને ભલે વાર લાગી પણ મોડું નથી થયું.
સીમાની આંખોમાં આંસુ તગતગે છે. સુરેશ વ્હાલથી પૂછે છે કે કુકી શું થયુ ? સીમાને વર્ષો પહેલાની ઘટના યાદ આવી જાય છે. વીંટી ખોવાયાનો પ્રસંગ- એ ખટકો આજે મનને હલાવી ગયો. સીમાએ કહ્યુ કંઈ જ નથી થયું. બંને પ્રેમથી ભેટી પડ્યા. બંનેની પ્રેમની પરિભાષા અલગ જ હતી.
ત્યાં તો સાસુનો અવાજ આવ્યો ‘ચા‘ બની કે નહીં સીમા ? સુરેશનું મોઢું પડી ગયું કે સીમા સાથે વધારે સમય ન મળ્યો. સીમા હસતા મોંએ ચા બનાવવા ગઈ. ચા ઉકળતી હતી. ‘ચા‘ માં ઉભરો શમી જાય એમ સીમાએ પણ મનને શાંત કરતા શીખી લીધું હતું. પોતાને અનહદ અને અપાર પ્રેમ થયો હતો પતિથી. સીમાને પોતાનું લગ્નજીવન સફળ બનાવવું હતું. આજે સુરેશના શબ્દોથી લાગ્યું કે હવે એમને મારા પ્રેમની સાચી કિંમત સમજાય ગઈ છે.
એક ખટકો જીવન બદલી શકે છે. સીમાએ એને પોતાના જીવન પર હાવી ન થવા દીધો. સમયાંતરે આળસ મરડીને એ જુનો ખટકો ઊભો થશે તો પણ એની સામે બંનેની પ્રેમની પરિભાષા જરૂર જીતી જશે.
સુરેશે મનાલી ફરવા જવાની ટિકિટ સીમાના હાથમાં આપતા કહ્યું કે આપણી લગ્ન તિથિ આવે છે તો જઈશું ને ? સીમા પણ ખુબ ખુબ ખુશ થઈ ગઈ.

