mariyam dhupli

Tragedy

4  

mariyam dhupli

Tragedy

ખોટ

ખોટ

3 mins
404


ધીમે રહી ચાનો કપ એમણે એક હાથ વડે ટેબલ પર મૂક્યો અને બીજા હાથમાંથી ભજીયાની પ્લેટ નજીકમાં ગોઠવી. રસોડામાં કરી આવેલ પરિશ્રમ જાણે પર્વત ચઢવા સમાન હોય એ રીતે વૃદ્ધ શરીર હાંફતું હાંફતું ઉધરસના પ્રહારે ચઢ્યું. 

પીડા આપતા ઘૂંટણને માંડ મહેનતે વાળી તેઓ આરામખુરશી પર ગોઠવાયા. થોડી ક્ષણો આરામખુરશી પર શરીર ટેકવી રાખ્યું. શ્વાસ હેઠો બેઠો કે નજીકના ટેબલ પરથી રિમોટ ઉપાડી સામે તરફ ગોઠવાયેલા ટીવી તરફ ઉઠાવી બટન દબાવ્યા. એક નજર ટીવીના ઉપર તરફની ભીંત ઉપર સુશોભિત ઘડિયાળમાં કરી. નિયમિત પ્રસારિત થતા કાર્યક્રમનો સમય નજીક જ હતો. પ્લેટમાંથી મનમોહક સુગંધ ફેલાવી રહેલા ભજીયામાંથી એક હાથમાં ઊંચકી મોઢામાં પહોંચાડવાનો પ્રયાસ હોઠ નજીક પહોંચતા જ અટકી પડ્યો. 

સોસાયટીના પ્રાંગણમાંથી ગૂંજી ઉઠેલ બાળકોના અવાજ નીચે ટીવીનો અવાજ કચડાઈ ગયો. પણ એ અવાજ કરતા વૃદ્ધ હૈયું વધુ કચડાયું હતું એ વૃદ્ધ ચહેરાના હાવભાવોમાં સ્પષ્ટ પ્રતિબિંબિત થયું. બાળકોના કલરવથી ચહેરાનું તેજ ઉડી ગયું. ધીમે રહી એમણે જમણી દિશા તરફની ભીંત ઉપર દ્રષ્ટિ કરી. પોતાના પતિ, પોતાના જીવનસાથી સાથેનો જીવનપ્રવાસ ભીંત ઉપર શણગારેલી તસ્વીરોમાં દ્રષ્ટિગોચર થયો. ઉંમરના જુદા જુદા પડાવોમાં ખેંચાયેલી એ તસ્વીરોમાં અનન્ય પ્રેમ, હૂંફ અને સંતોષ સહજતાથી ઝીલાયા હતા. વૃદ્ધ આંખો ચશ્માં પાછળથી એક પછી એક યુવાનીથી લઇ વૃદ્ધાવસ્થા સુધીની દરેક તસ્વીરોને બારીકાઈથી તાકી રહી. બધુજ સંપૂર્ણ હતું. ફક્ત એક ખોટ રહી ગઈ હતી. નીચે પ્રાંગણમાં બાળકોનો કલરવ વધુ ઊંચે ઉઠ્યો. વૃદ્ધ ચહેરો મનદુઃખ કરતો ઉદાસીમાં ગરકાવ થયો. બધીજ તસ્વીરમાં ફક્ત બેજ વ્યક્તિઓ હતી. એક પણ બાળક નહીં. 

અંતરની પીડા ધસમસતા આંસુ સ્વરૂપે ચશ્મા પાછળથી સરી પડી. ધીમે રહી વૃદ્ધ ડોકું ડાબી દિશા તરફની ભીંત તરફ ફર્યું. પતિની મોટી તસ્વીર ઉપર ચઢાવાયેલા તાજા ફૂલો એમને મૌન આશ્વાસન આપી રહ્યા. ધ્રુજતા હાથોએ ટીવીના રિમોટ ઉપરનું બટન ફરી દબાવ્યું અને ટીવીનો પડદો ફરી કાળા રંગમાં ફેરવાઈ ગયો. 

એજ સમયે અચાનકથી પ્રાંગણમાં રમી રહેલા બાળકોનો અવાજ ડરીને શાંત થઇ ગયો. બે ક્રોધિત અવાજે જાણે આસપાસના વાતાવરણના બધા અવાજો ઉપર નિયંત્રણ લઇ લીધું. એ અવાજમાં આક્રોશ હતો, ધિક્કાર હતો, બદલાની ભાવના અને સ્વાર્થની પરાકાષ્ઠા હતી. વૃદ્ધ કાન સરવા થયા. બરાડાવાળો સંઘર્ષ ઘરની વાતને અંગત ન રાખી નફ્ફટાઈથી જગજાહેર કરી રહ્યો હતો. 

"આ ફ્લેટ તમારા એકલાનું નથી. એમાં મારો પણ હિસ્સો છે. પપ્પાના અવસાનને એક વર્ષ થવા આવ્યું. મને મારો હિસ્સો જોઈએ છે. આ ફ્લેટ વેચી  દો. મને મારો ભાગ આપી દો. "

"ભાગ આપી દો ? પહેલા તું ભાગ આપ. બાને તું મારા માથે મૂકી ભાગી ગયો. એમનો ખાવાપીવાનો ખર્ચો, ડોકટરના બિલ, દવાઓ, ચશ્મા બધો ખર્ચો મારા એકલાએ વેઠવાનો ?"

"બસ કરો તમે બન્ને. ચૂપ થઇ જાઓ. ગામ આખાની આગળ ફજેતી ન કરો. હવે મને થાક લાગે છે. હે ઈશ્વર ! આવા જીવન કરતા તો..."

સરવા થયેલા કાન આનાથી વધુ જીરવવા તૈયાર ન હોય એમ વૃદ્ધ હાથે તરતજ ટીવીના રિમોટનું બટન દબાવી દીધું. પોતાનો ગમતો કાર્યક્રમ શરૂ થઇ ગયો હતો. રિમોટ દ્વારા ટીવીનો અવાજ વધુ ઊંચો થઇ રિમોટ ટેબલ ઉપર આવી ગોઠવાયું. કાર્યક્રમના અવાજ નીચે બધાજ અવાજ કચડાઈ ગયા. એ કાર્યક્રમમાં ઓતપ્રોત થતા શાંત જીવે પ્લેટમાંથી ચટાકેદાર ભજીયા મોઢાને સ્પર્શયાંજ કે વૃદ્ધ હોઠ ઉપર તૃપ્તિ અને સંતોષવાળું સ્મિત વેરાઈ ગયું. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy