ખોફનાક સફર
ખોફનાક સફર
હું નવો સવો ડોક્ટર અને સરકારી કરારની રૂહે મારે ઈંટરશિપ ચાલતી હતી તેના ભાગરૂપે નશા નિવારણ જાગૃતતાનો કેમ્પ યોજાયેલ હતો, તેમાં થોડું પ્રવચન આપવાનું હતું. તાજેતરમાં અભ્યાસ પતાવી MBBSની પરીક્ષા પાસ કરેલી હતી તેથી ગીરના વાતાવરણમાં મહાલવાની આરામ ભોગવવાની અદમ્ય ઈચ્છા-વસથી સામેથી પોસ્ટિંગ માંગેલું હતું. બાકી હરગિજ, હું કોઈ સમાજ સેવક નહતો. પણ ચઢતી જુવાનીના જોશને આધીન કઈ સારું કરવાની ભાવના ખરી.
ગીરની તળેટીમાં અંતરિયાળ ગામોના સરપંચેના સમૂહે નશા વિરોધી કાર્યક્રમ રાખ્યો હતો અને આગળ જણાવ્યુ તેમ હું પણ સહકારી-સંઘમાં જોડાયો હતો. રવિવારે સવારે કાર્યક્રમ નિયત થયેલો હોઇ, મ્હારે શનિવારની રાત્રિ સરકારી અતિથિગૃહમાં રાત વિતાવવાની હતી. ઢળતી બપોરે, હું જામનગર મેડિકલ કોલેજથી મારી મારુતિ ફ્રન્ટી કાર લઈને નીકળ્યો ત્યારે વાતાવરણ ચોખ્ખું હતું. અઢીકલાક ડ્રાઇવ કર્યું અને જુનાગઢ તાલાલા પહોચ્યો ત્યાં વરસાદનું માવઠું ટપકી પડ્યું. પુનમની સાંજ હતી પરંતુ ચંદ્રનો ઉદય થયો ન હતો,અને ક-મોસમનો વરસાદથી ડરી ગીરની ખીણના સાવજોની ઉપરા – ઉપરી ત્રાડના આવજોએ વાતાવરણને ભયાનક અને ભૂતિયું અને ખોફનાક બનવી દિઘું હતું.
એક ત્રિભેટે, હું કેડી ભૂલ્યો હોઉ તેમ લાગ્યું, ફરી ફરીને એજ જગ્યાએ બે વાર આવ્યો. મારી ગાડીમાં વાયપરન હતા, અને કાચો રસ્તો હતો, તેમજ રસ્તા અંગે કોઈ સાઇન બોર્ડ નજરે પડતું નહતું. વરસાદનું જોર વધતાં, મ્હારે ગાડીની સ્પીડ ઓછી કરવી પડી. એવામાં એકાએક જોયું તો વિક્રમ વેતાલની “ભૂતની વાર્તા”ના પ્રસંગની માફક કે એક છોકરીને પીપલના ઝાડ નીચે સફેદ સાડીમાં વરસાદથી બચવા બેઠેલી હતી. માનવ ધર્મને નાતે મે ગાડીનો કાચ ખોલ્યો અને ઈશારો કરી પાસે આવવા બોલાવી.
કેડમાં તેના બાળક ને લઈ, તે હવે ગાડી પાસે આવી ગયેલી હતી, અને તેનો ચહેરો હવે અસ્પષ્ટ ચહેરો હવે સ્પષ્ટ નજરે પડતો હતો. “ફિયર ફાઇલ્સ”ની “હોરર સ્ટોરી”ની નાયિકાના ખોફ જમાવતી સફેદ કપડામાં આશરે વીસેક વરસની તે યુવતી આવી ત્યારે જોયું તો તેની કેડમાં એક નવ જાત બાળકી સળવળતી હતી, તે બોલી સા’બ, તમારે ઝોડિયા ગામે જવુ સે ને ?.. મે તેના ચહેરાને કાળજીપૂર્વક જો્યો, ડરામણા ચહેરાવારી તે યુવતીની આંખમાં યાચના સભર કરુણાના ભાવ સ્પષ્ટ નજરે પડતા હતા, મે કહ્યું ... 'હા... પણ તને ક્યાથી ખબર પડી..કે મારે...,' મારી વાત કાપતા બોલી. 'ઇ તો આ રસ્તો ભુલામણો છે, અંહી ઘણા લોકો ભૂલા પડે સે, અમને લઈ જશો ? અમારે પણ ન્યા જાવું સે.. ' મ્હારી બોડી લેન્ગ્વેજ ઓબ્જર્વ કરવાની મ્હારી આદતે, તે મહિલાની મુવમેંટ કઈક અંશે અમાનવીય કે યાંત્રિક લાગી. કારણ કે તેની ભાવ વિહીન આંખો મારૂ સ્કેનિંગ કરતી હોય તેમ મને લાગી આવ્યું લાગી.
આખરે “ડરામણા ચહેરાવારી” પણ શરીરે સુડોળ દેહલાલિત્ય ધરાવતી તે યુવતીને, પાછળની સીટનું બારણું ખોલી બેસવા ઈશારો કર્યો. ગાડી ચાલુ કરી આગળ ધપાવી, એક બાજુ વિરાન મલક અને તેમાય ઉપરથી પાછલી સીટની વણ-નોતરી મુસીબત હતી, કારણ કોઈ પણ હોય, તે યુવતીના ગાડીમાં બેસવા સાથે ફ્રન્ટીમાં એર કન્ડિશન ચાલુ થયું હોય તેમ માદક ખુશ્બુ સભર ઠંડક પ્રસરી ગઈ. ધોધમાર વરસતા વરસાદમાં રસ્તો દેખાતો નહતો, અને હાથ ઉપર કોઈ વિકલ્પ પણ નહોતો, માટે તેના ચિંધ્યે રસ્તે મેં એક્સિલરેટર દબાવી ગાડી ભગાવી મૂકી. રસ્તો કાદવથી ખરડાયેલ હોઇ,પાછળ સીટ તરફ જોવાનો અવસર નહતો;તે યુવતી પાછળની સીટ ઉપરથી અન્સારિંગ મશીન માફક સતત, સ..બ હવે ડાબે જમણે, સાચવજો અંહી પાપડી છે, કામચલાઉ નાળુ છે.... કહી રસ્તો બતાવે જતી હતી. હું તેના હસ્તકનો રોબોટ બની ગાડી હાંકે જતો હતો. તેના ફીડબેકના સથવારે મનમાં ઉમટેલ “હોરર”ના ભાવ થી હવે રાહત હતી. વીજળીના કડકાના ગડગડાટે ઉમટેલા ચમકારામાં, રિયર મિરરમાં મ્હારી નજર પડી ત્યારે સાવ ખાલીખમ સીટ જોતાંવેત, મ્હારા બંને પગ એક સામટા ગભરાટમાં દબાઈ ગયા. અને ગાડી આંચકા સાથે ટર્ન લઈ રસ્તા નીચે ઉતરી ગઈ. અચાનક બ્રેક મારવાથી મ્હારું માથું સ્ટિયરિંગ સાથે અથડાતાં તમ્મર આવી ગયા.
થોડીવારે વરસાદની વાંછટે મને કળ વળી ત્યારે એક કર્કશ એક અવાજ કાને પડ્યો આવ્યો, “કાં સાહેબ, શું..થયું ? આટલૂ જલ્દી હાંકવાનું હોય ?” વરસાદનું જોર હજુ ચરમ સીમાએ હતું, અને પવનના સુસવાટા અવાજ કરી વાતાવરણ વધારે બિહામણું બનાવતા હતા. અવાજની દિશામાં પાછલી સીટની બારી જોયું તો ત્યાં, ધૂંધળી આકૃતિ નજરે પડી ! એક નજર વિન્ડ સ્ક્રીનમાથી સૂમસામ રસ્તા ઉપર નાખી મેં ગભરાઈને ગાડી ને રસ્તા ઉપર ચડાવવા ધક્કો દેવા કીધું. તે બોલ્યો, મારે તળેટીએ જવું છે, મને સંગાથે લઇ જવ તો “ધક્કો મારી દઉં, હું તમારી ભેગો તાલાલા આવીશ.” મારો ડર વધ્યો. વધુ વિચારૂ ત્યાં.. તેને પાશવી તાકાતથી કારને કમરથી હડસેલો મારી રોડ તરફ ધકેલવા લાગ્યો. અરે! આ તો એક આંખે કાણીયો, કદાવર, છ હાથ ઊંચી જીવતી ક્રેન જેવો માણસ છે ? મારું માથું ભમવા માડ્યું. પરતું આખરે આંચકા સાથે ગાડી હવે રસ્તા ઉપર હતી. અને જોત જોતામાં,તે એક આંખવાળા “ડરામણા ભૂત” સમાન શ્રીમાન, હવે મારી બાજુનું બારણું ખોલી એક આંખવાળા શ્રીમાન મારી પાસેની સીટમાં રીતસરના કોઈ પોટલું પડે તેમ ભીના નીતરતા કપડે ખાબક્યા.
થોડા સમય પહેલાની માદક સુવાસ અને ઠંડક હવે ગાડીમાં વર્તાતી નહતી, નારાજી.. છુપાવતા...ગાડી ચાલુ કરી રાહતના શ્વાસે મ્હારાથી પૂછાઇ ગયું... બાપા.“ તમે કોણ ?” અને અટાણે આવી બિહામણી જગ્યાએ ક્યાથી... તમે શું કામ કરો..?. તેને ભીનો હાથ મ્હારા બરડે પછાડતા ડરામણાં અવાજમાં ઉત્તર, વાળતા તે ગર્જ્યો , “ હું “ભૂત” છું લોકો મને “ભૂત” કહે છે.” ભયંકર અટ્ટહાસ્ય કરી કહે, “ભૂત” તો ભમતું રહે..તેને કોઈ ડર ના હોય... તેનું કઈ ઠેકાણું પણ નક્કી ના હોય અને રહ્યું કામ... તો “ભૂત શું કામ કરે ? કાંઈ નહીં!” બસ, બિન્દાસ મોજ-મજા કરે.
મ્હારી હવે રજાની “મજા”, હવે ખોફનાક સફરમાં ફેરવાતી જતી હતી હવે મારૂ સમગ્ર ધ્યાન સરકારી અતિથિ ગૃહ પહોચવા માટેનું હતું, જેમતેમ આખરે પહોચ્યો, ત્યાં ગાડીને ધક્કો મારનાર શ્રીમાન હાથ જોડી આભાર માની, ગામના પાદરે ઉતરી અલોપ થઈ ગયા હતા. કમોસમી વરસાદનું જોર ઉતરી ગયું હતું, અને દિવસ આથમી રહ્યો હતો. આથમતા સૂરજના અજવાળે હજુ ક્યાંક દૂર ડુંગરની ટોચે આવેલા છૂટા છવાયેલા સરકારી આવાશોના પતરા સોને મઢયા હોય તેવા ઝળહળતા હતા ! પરંતુ તળેટીમાં તો, વનિયર અને શિયાળોએ લાળી ટાણવાનું ચાલુ કરી “હોરર સીન” જમાવતા હતા. મારી ગાડી અતિથિ ગૃહ પાસે હતી, અને હું ગાડીની બહાર આળશ મરડી કમર ઠીક કરતો હતો, ત્યાં દરવાજે બાંધેલા કુતરો મ્હારામાં કોઈ “જમડું” કે “ડરામણું ભૂત” ભાળી ગયો તેમ જોર-જોરથી મોટા અવાજે રડવા લાગ્યો. કુતરાના આકસ્મિત અવાજે ટેબલ ફેન જેવા પાછળ ફેલાયેલ માથા વારો કરડા ચહેરોવારો એક વ્યક્તિ નશામાં લથડતા પગે અતિથિ ગૃહનો દરવાજો ખોલવા આવી રહ્યો હતો. તેને જોઈ કૂતરો ચૂપ થઈ ગયો, તેનું વિકળાળ દેખાવ જોઈ હું ધ્રુજી ગયો. મ્હારાથી મનોમન હનુમાન ચાલીસા ચાલુ થઈ ગઇ હતી.
હજુ પણ મારી એક નજર તેના બિહામણાં ચહેરા ઉપર મંડાયેલી હતી, તો બીજી નજર કમ્પાઉન્ડની કિસનલાઇટના ફિક્કા ઉજાસમાં ભૂતિયા ઘર જેવા ખંડિયાર ભાસતા અતિથીગૃહની પડાળી પર હતી. ત્યાં પડાળીમાં પણ કોઈ પાછી બીજી નવી “ડરામણી વાર્તા” શરૂ થતી હોય તેમ ટૂંકું ફાટેલું ગંજી અને મેલી ધોતી પહેરેલો એક વૃદ્ધ ખાટલે પડી બીડીના જોર જોરથી કસ ખેંચી ખેંચી ધુમાડાના વાદળ કાઢી વાતવારણને વધારે બિહામાણું બનવી રહ્યો હતો ! તેના ફૂંકેલા બીડીના ધુમાડામાં દૂરથી પણ દેખાતું લાલ તગતગતું બિંદુ એ સળગતી બીડીનું હતું તે જાણવા છતાય, આજેજ એક સામટા એક આંખ વાળા “ભૂતો” કોઈ કારણે મારી પાછળ પડ્યા હોય તેવું લગતું હતું.ક્યારેક વાંચેલી “હોરર સ્ટોરી”, “ખંડેર-નો-ખવીશ” ની વાર્તાએ મારા મગજનો કબ્જો લીધો હોવાથી, મારા કાન પાછળથી પરસેવો નિતારવો ચાલુ થઈ ગયો હતો. આટલું ઓછું હતું ત્યાં તે દારૂડિયાનો રસ્તો આંતરતી એકાએક કાળા સીસમના રંગને પણ ફિક્કો પડતી એક બિહામણી બાઈ રસ્તામાં ઊભી થઈ આવી, અને તેની ફેંટ પકડી બરાડી ઉઠી, ચમ.. લ્યાં, ટેમ..., કે… દી...રાત.. જોયા વગર પાછો ઢીંચી... આવ્યો કે...!, હું વીજ્ઞાનનો વિદ્યાર્થી હતો પણ સ્વભાવે હું બીકણ... ઉપરા ઉપરી કરડા- બીહામણાના સંસર્ગને લઈને કોઈ અગમ્ય બીકથી ઘેરાયેલ હતો. આજની મ્હારી મોજ-મજા અને આરામ માટેની સફર હવે વધુ ખોફનાક બનતી હતી.
વાતાવરણ ને વધારે ભયભીત ભૂતયુ બનાવતું ઘેરું અટહાસ્ય કરી લવારી કરતાં તે નશેરી બોલ્યો, 'ચલ.... હટ રસ્તો મૂક “સવલી”.. સાહેબ ક્યારના ઊભા સે.. દરવાજો ખોલવાદે.... મે ક્યાં કઈ પીધો છે ? આતો બે ઘૂંટનું આચમન કરેલું સે. દરવાજો ખૂલતાં,, ગાડી ને ત્યાં રેઢી મૂકી.. હું ઝટપટ અતિથિગૃહમાં જઇ રૂમમાં ભરાઈ ગયો ત્યાં થોડીવારે અચાનક એક અવાજ આવ્યો, સએબ... એ તો હું સવલી.... કાં સાહેબ, … તમે...શું જમશો... “ શું.. આટલી જલ્દી સુવાનું ?” તે બાઈએ પૂછ્યું.. હું ધ્રુજતો હતો.. આ જીવતી ભૂતાવહથી છૂટકરો ઈચ્છતો હોઇ.. જવાબમા
ં સાદ દીધો... ના બેન મારે... કઈ નથી ખાવું.. થાકેલો છું.. પણ રૂમમાં આખી રાત સળગતું રહે તેવું ફાનસ મૂકીને જજે... સવારે શિરામણ કરીશ." કહી સૂઈ ગયો. સાવ બિસ્માર હાલતની ભૂતિયા મહેલ જેવા અતિથિગૃહ ની ખખડધજ રૂમમાં રાત કેમ વીતાવી તે તો મ્હારું મન જાણે !.
સુરજના કિરણે કહો, કે ગિરિરાજની તળેટીમાં લીધેલો આરામ.. પણ હું ગઈ કાલની ભયાવહ યાદોમાથી પીછો છોડાવી શક્યો હતો !. ગીરની ગાયનું તાજું મલાઇદાર ગરમાં ગરમ દૂધ અને બાજરીના રોટલાનો નાસ્તો પતાવ્યો. મારે જાહેર પ્રોગ્રામ પહેલાં સરપંચ સાથે મીટિંગ હતી. મેં મિટિંગમાં તેઓને આગલી સાંજના મારા ભૂતિયા/ ગૂઢ તત્વનો જગ્યાના સંદર્ભમાં ટૂંકમાં રજુ કર્યો.
મારી કથની સાંભળ્યા પછી છેવાડાના ગામના એક સરપંચ મારી વાતથી ડરી ગયા હોય તેમ લાગ્યું, પરસેવાથી ન્હાઈ ઉઠ્યા હોય તેમ થોડી થોડી ધ્રૂજારી પણ અનુભવતા તેઓએ ધોતીયાના છેડેથી ચહેરા ઉપરનો પરસેવો લૂછતા, બીજા નિવાસી સારપંચોની હાજરીમાં ઉમેર્યું કે ડોકટર સાહેબે કીધેલી વ્યથા સાચી છે, ડોક્ટર સાહેબે અનુભવેલી ગઇકાલની બીના પાછળનું અસલી ડરામણી લોકવાયકા આપણે જાણીશું. મારી જાણમાં બહુજ ચર્ચાસ્પદ ઘટના છે તે હું જાણવું છું.
આ પ્રસંગનો સંબંધ જિંદગી અને મૃત્યુના ચક્રવ્યૂહ સાથે જોડાયેલો છે. મારા બાપુ કહેતા હતા કે, વરસો પહેલા તાલાલાની દક્ષિણે હીરણ નદી પાસેના અંતરિયાળ ગામ નિમ-ભોડામાં ગણ્યા ગાંઠયા માલધારી કુટુંબોની વસાહત હતી. તેમાં અહીં એક વિધવા રામબાઇ અને તેની જુવાન દીકરી ગવલી સાથે રહેતી હતી. રામબાઈ ગામના નાના મોટા કામ કરી ગુજરાન ચલાવતી, તેને માલધારીના કબિલાના સરદારની પૂરી હૂંફ હતી, સમય જતાં સરદારે ગવલીને કબિલાના એક જુવાન ભિખા સાથે તેને વળાવી ત્યારે રામબાઈએ જવાબદરી પતાવ્યાનો શ્વાસ લીધો હતો. પણ નિમ-ભોડા ગામમાં રહેનારી વ્યક્તિઓમાં, “ગવલી” એવી વ્યક્તિ હતી જેણે જિંદગી-જીવતા જીવતા “મૃત્યુનો” સ્વાદ ચાખ્યો હતો. એટલું જ નહીં એવું પણ કહેવાય છે કે તેના આકસ્મિત મૃત્યુ પછી “ગવલી” ચૂડેલ બનીને ગામમાં તેને ખોરડે આવી ઘુમતી રહેતી .
સરપંચે એક વેધક નજર નાખતા વધુમાં કહ્યું, ભાઈઓ સાંભળવામાં ભલે આ બધું તમને એક ટાઇમપાસ માટેની કોઈ “ભૂતિયા મહેલ”ની “હોરર સ્ટોરી” જેવું લાગે, પરંતુ અસલમા મારા બાપુ એ જણાવ્યા પ્રમાણે “ગવલી”ના મૃત્યુ પાછળ એક બેહદ દર્દભરી વાત છુપાયેલી છે. માથે સરદારનું રખોપું હોવાથી,લગ્ન પછી “ગવલી”નો સંસાર આરામથી ચાલતો હતો, તે તેના ભરથાર અને પોતાની માતા સાથે રહેતી હતી. વખત જતાં તેને સારા દિવસો રહ્યા, અને સાતમે મહિને ક-સુવાવડમાં તેની હાલત નાજુક હતી, તેની સારવાર “ગરાડી” નામના ભુવાને ભરૂસે હતી.. અને આખી રાત ઉભડક જીવે કબિલાએ રાહ જોઈ અને આખરે ભૂવાએ હાથ ઉપર કરી લેતા, આખરે, રામબાઈ અને કબિલાના બીજા લોકોએ મૃત-અવતરેલી છોડી, “ગવલી”ને પણ ભરખી ગઈ, તેમ માની સરદારની હાજરીમાં ગામલોકોએ નદી કીનારે જમીનમાં તડબાતોબ દફનાવી દાટી આવ્યા. ડાઘુઓ જ્યારે પડાવે પાછાં ફર્યાં તો ખોરડીમાં પેસતાવેત રામબાઈ અને ભિખાએ “ગવલી” અને તેની નવજાત દીકરીને ખોરડીની ખાટલીમાં સૂતેલા ભળ્યા.
રામભાઇ કઈ વિચારે, ન્યા ગવલી શેરડીના સાંઠા જેમ ઊભી થતાં પોતાની માતાને પૂછયું કે, " અમે જીવતા હતા,તો તમે લોકોએ અમને કેમ જમીનમાં જીવતા દફનાવી દીધા ?" મારી છોડી એ શું તારું બડગેલું હતું.. તો જન્મતાવેત.. તમે ભેળા થઈ “વેત” કરીદીધો.
રામબાઈતો દિઘ્મુઢ થઈ અવધડમાં હતી, તો ગવલીનો ભરથાર ભિખો તેને આમ ફરિયાદ કરતાં જોતાં હેતબાઈ ગયો, હાથે ચૂંટી ખણી અને તે હકીકત જુવે છે સમણું તેની ખરી પણ કરી ! ગવલીને છોકરી સાથે ચૂડેલ બનેલી ભાળી. છળી અંતે તે અન-સન બબડતો બેભાન થયો. અને રામબાઈએ દેકારો બોલાવતા ફરીથી કબિલાવારા આવ્યા અને ગવલી અને તેની છોડી દોરડે બાંધી ભુવાને હવાલે કરી બોલ્યા હવે, ઑ “ ગરાડી” લે આનો હવાલો.. પાકો બંદોબસ્ત કર !. “આ બલા” તારી., આ કાબિલાને હવે આ બલા ના ખપે, અમારા કાબિલાને તેની જરૂર નથી, આથી ભલે “ગવલી” કે તેની છોડી જીવતી હોય, અમારા માટે તો તે બંનેનું કરમ થયેલું હોઈ તેઓ મરેલા છે. તેમ તેની મા અને ગવલીનો ધણી પણ તેમ માને છે. માટે આ લોકોથી પીછો છોડાવવો એજ બધા માટે યોગ્ય છે." ભુવાએ તરત રામબાઈ અને કેટલાક મજબૂત મનના કબિલાના લોકોને સાથે રાખી બીજી વાર ગવલી અને તેની દીકરીને ઊંડે ખાડે દફનાવી માથે મોટા-મસ પત્થર મૂક્યા, પરંતુ બીજી વખતે પણ તે બંને ઊંડા ખાડે દટાયેલ મોતના મોંમાંથી પાછા ખોરડે આવી ગયા. આમ ફરી વાર પણ પ્રયત્ન નિષ્ફળ ગયો. આખોય કબીલો અને ‘ગવલી’ની માતા રામબાઈ, અને તેનો ભરથાર “ભિખો” હવે પરેશાન થઈ ગયા હતા.
આખરે ભુવાએ તોડ કાઢ્યો અને ગવલીને કહ્યું, રે ગવલી... જો....તું જીવતી હોય... તો તારી છોકરી સાથે આ ખાલી કોઠીમાં જઇ બતાવે તો અમે માનીએ કે તું અને તારી છોડી જીવતા છો. ભુવાની વાતોમાં ભોળવાયેલી “ગવલી” ખાલી ઘડામાં કાંકરા ખખડતા હોય તેવા અવાજમાં અટહાસ્ય કરતાં.આખાય ખોરડાને ગજવી બધાને પરસેવે નિતરાવી....બોલી..મેર મૂઆ... ઈમાં શું મોટી વાત.... લે.. “ગરાડી”.. તું પણ પારખીલે. ભુવા.., તારી લીંબુ ફાડ ટગર આંખોથી જોઇ લે. આ અમે કોઠીમાં ગયા કહેતી ગવલી તેની છોડી સાથે સંકોચાઈને કોટીમાં સરકી ગઈ અને પળના વિલંબ વિના ભુવાએ કોઠી ઉપર પથ્થર મૂકી દીધો. તે દિવસ પછી અમુક લોકોમાં “ગવલી’ના નામે બાધા – આખડી ચાલુ થતાં “ગરાડી”ની દુકાન ચાલુ થઈ ગઈ. પણ મોટા ભાગના લોકો આ દર્દનાક શાપિત ઘટનાને મોત પછી આકાર લોધેલી ઘટનાઓને અવગત-જીવના સંદર્ભમાં જોઈ “ગવલી”ના ભૂતને આધાર માનતા થઈ ગયા હતા. કબિલાના લોકો ડરી ગયેલા હોઇ નિમ-ભોડા ગામના પડાવને મનહુશ માનતા થયેલા હતા , તેઓ બધાજ લોકો ઢોર ઢાંખર સહિત પડાવ ઉપાડી બીજે હિજરત કરી રહેવા જતાં રહ્યા.
અવગતે ગયેલી “ગવલી” સાત્વિક આત્મા હતી. તે દી... પછે...ક્યારેક પુનમની રાતે તે મદદ માટે રાહદારી પાસે ક્યારેક ગુહાર લગાવે છે, તેવું મારા બાપુ કહેતા હતા તે વાત આજે સાહેબ તમારી વાતે “ગવલી”ની બીના યાદ આવી ગઈ, બાકી તેઓ એવું પણ કહેતા હતા કે “ગવલી” તો મુશ્કેલીમાં લોકોને રાહ બતાવે છે !, મારા બાપુ સાચું કહેતા હતા. તેનું ઉદાહરણ તમારાથી બીજું કોણ હોઇ શકે. સરપંચની વાતોથી, મારા મનનું સમાધાન થાય તે પહેલા, એક બીજી અકળ બીના મ્હારા માટે રાહ જોઈ રહી હોય તેમ ત્યાં ગામના લોકો આવ્યા અને તેઓ સરપંચને કહેઆ, દરબાર. આ તમારા ડોકટર સાહેબને “આ’ની”, સાથે મોકલોને. તેની માને વીંછી કરડયો છે, ડોસલી ભારે મુસીબતમાં કણસી રહી છે દર્દથી લવારીએ ચડી છે. વિઝિટ ગોઠવીઆપોને દરબાર, સંધાયનું ભલું થાય. મોડુ થશે તો ડોસલીનું ઢીમ ઢળી જાય તેમ સે. ફડકો.. કર... દરબાર. “આસ મોટી છે”.. અને “હથિયાર હાથ છે.”
સરપંચના મૂક ઇશારે હું ઊભો થયો અને બોલ્યો, સરપંચ તમે પણ ચાલોને સાથે કહેતાં મેં ગાડી સ્ટાર્ટ કરી ત્યારે સરપંચ કહે, ”સાહેબ, તમે ફી ન લેતા, તે હું તમને આપીશ. ગરીબ છોકરો છે, પણ ખૂબ પરગજુ“નબાપો’ છે. બિચારો કાંઈ કામ કરતો નથી. અમે ગામના લોકો તેને ભમતો “ભૂત” કહીએ છીએ.” મે પાછળ સિટમાં નજર નાખી તો – ક્યારેક ખાડે થી ઉગારનાર “ભૂત” તો ક્યારેક “ગવલી” તો નજરે પડતી હતી.
એન્ટિ-પોયઝનનું ફર્સ્ટ એઇડનું ઈંજેકશન દર્દીને આપી, નશાબંધી શિબિરનું પ્રવચન પતાવી પરત ફરતા લગભગ ત્રણ વાગી ચૂક્યા હતા. સરપંચ તેમણે ઘેર જમવા આગ્રહ કરતાં હતા, પણ હું જેમ જેમ ભુલયેલી ભૂતાવળને ભૂલવા મથતો હતો તેટલી વધારે મ્હારા મનને વળગતી હતી, “ફરી કોઈ વાર”...મે સરપંચને નમ્રતાથી જમવા માટે “ના” કહી. હું ઉપરા ઉપરી ઘટેલી ઘટનાઓથી માનસિક બીમાર થઈ ગયો હતો. પરંતુ મન ને સ્વસ્થ કરી, ઇન્ટરનેટ ઉપર “પેરાનોર્મલ પ્રવૃત્તિ’ વિભાગમાં આવી ગૂઢ શક્તિઓની ઉત્પત્તિ અને સમન વિષેના વાંચેલા અઢળક લેખ યાદ કરી “ગવલી”નો તોડ વિચારતો હતો. મને મુદ્દલ ચેન પડતું નહતું અને, “વગર મોતે મરેલા” ને કેવીરીતે ઉગારું તે દ્વિઘામાં ત્યાથી સીધો જામનગરનો રસ્તો પકડી. પાછો ગઇકાલના “ત્રિભેટે” પહોચ્યો. અને ગાડીનો દરવાજો ખુલ્લો રાખી પીપળે જઈ બોલ્યો, રે “ગવલી” હાલ.. મ્હારી સાથે, લઈ લે.. તારી છોડીને પણ ભેળે. હું તને તારે ખરે ઠેકાણે પહોચડવા આવ્યો છું. કહી પાછું જોયા વગર ગાડીમાં બેઠો ત્યારે, ફ્રન્ટીમાં ફરીથી એર કન્ડિશન ચાલુ થયું હોય તેમ પરિચિત માદક ખુશ્બુ સભર ઠંડક પ્રસરી ગઈ.
હવે મારી ગાડીને ક્યાં જવાનું છે તે ખબર હોય તેમ ફટાફટ મારતી ઝડપે જામનગર આવી, લખોટા તળાવ પાસે આવેલા બાલા હનુમાન મંદિરના” પ્રાંગણ ગાડી ઊભી રહી ત્યારે દાદાને દરબારે ચરણે શીશ ઝુકાવી, હું જ્યારે પાછો મેડિકલ હોસ્ટેલે આવ્યો ત્યારે ઝોડિયા ગામના માર્ગમાં ત્રિભેટે ભેટી પડેલ “ભૂત” હવે ઉતરી ગયું હોય તેમ લાગતું હતું. “ડરામણા ચહેરાવારી ગવલીનો ચહેરો હવે સૌમ્ય બની સ્મિત રેલાવી રહ્યો હતો એટલે મ્હારા માટે એક આનંદની સફર “ખોફનાક સફર” નીવડી હોવા છતાં જન-સહકાર માટે કામ કરવાનો હૈયે સંતોષ હતો.