Leena Vachhrajani

Fantasy

4  

Leena Vachhrajani

Fantasy

ખજાનો ખુશીનો

ખજાનો ખુશીનો

4 mins
267


આલાપ પોતાના નિર્ણયમાં મક્કમ હતો. બાપદાદાની મસમોટી હવેલીમાં જન્મથી વીસ વર્ષનો થયો ત્યાં સુધી દાદાજી પાસે હવેલી વિશે અસંખ્ય વાતો સાંભળી ચૂક્યો હતો. હવેલીની પરીકથા જેવી વાતો આખા ગામમાં ચાલતી રહેતી. મા કહેતી,“એ પરણીને આવી ત્યારે બાજુવાળી દાદીસા એને કહેતી કે,તારા સાસરાં બહુ પૈસાવાળાં હતાં. અત્યારેય પૈસો તો છે જ પણ ત્યારે તો ઊંટ પર કાઠલાં ભરીભરીને સોનું તારા સસરાને આવતું. તમારા લોકોની પેઢી ચાલતી. વ્યાજે ધીરધારનો ધંધો એટલો જોરમાં ચાલતો કે તારાં સાસુજી નવલખો હાર પહેરીને ફરતાં. પણ પછી અચાનક બધો ખજાનો ગાયબ થઈ ગયો. દાદાજી કોઈ વાર ઉદાસ અવાજે કહેતા, મારા ગયા બાદ ખજાનો કોણ શોધશે? અહીયાં આંગણામાં જ એ દટાઈ ગયો છે. એ માટે દાદાજી જંગલમાં જઈ જઈને નાગમણિ શોધવા પાછળ લાખો રુપિયા ખર્ચતા રહેતા. પણ કાંઈ ન વળતું અને એમ ને એમ ઘર ઘસાતું ચાલ્યું.”

અને આલાપ આ બધી દંતકથા મા પાસેથી નાનપણથી સાંભળતો આવતો. બાપુસા તો બચપનમાં જ ક્યાંક ચાલ્યા ગયેલા. આજ સુધી આલાપ દાદાજી અને મા એની પ્રતિક્ષામાં રાતની રાત જાગતાં વહેતાં રહેતાં. ધીરે ધીરે આલાપના મનમાં ખજાનો શોધવાનું એક ભૂત સવાર થવા લાગ્યું. 

એ ચોવીસ કલાક, જાગતાં-સૂતાં એક જ વિચારમાં મગ્ન રહેવા લાગ્યો. હવેલીની આગળ મોટી બગીચી હતી એમાં મુકેલા ઝૂલા પર બેસીને ચોતરફ નજર દોડાવતો કે ક્યાંક છૂપા ખજાનાનું દ્વાર મળી આવે. એવી જ એક સાંજે આલાપ બગીચીમાં ટહેલતાં જમીન પર પગથી થપથપાવીને તપાસી રહ્યો હતો કે કાંઈ સોનાની ખણખણાટ સંભળાય! ત્યાં તો જમીનના એક ટુકડામાંથી ધૂમાડો નીકળ્યો અને જોતજોતામાં આલાપની સમક્ષ શક્તિમાન ખડો થઈ ગયો. આલાપ આભો બનીને હજી તો કાંઈ બોલે એ પહેલાં એ જ ધૂમાડામાંથી મહાન ફિલોસોફર, વિચારક, વિદ્વાનરામાનૂજ પણ પ્રગટ થયા.

શક્તિમાને પોતાના પ્રભાવશાળી અવાજમાં આલાપને કહ્યું,“કેમ આટલી ચિંતામાં છે? તું જ્યાં પગ ઠપકારી રહ્યો છે એની નીચે અમારું બંકર છે જ્યાં અમે આરામ કરીએ છીએ. બોલ અમને કેમ યાદ કર્યા?”

આલાપ હજી હક્કાબક્કા હતો. રામાનૂજ બોલ્યા, “વત્સ, તારી તકલીફ જણાવ. અમે તને કોઈ મદદ કરી શકીશું.” 

આલાપે માંડીને બંને મહાનુભાવને બધી વાત કરી. “અને.. મારે ખજાનો જોઈએ છીએ. બસ એ જ વિચારે મારું મગજ અસ્તવ્યસ્ત રહ્યા કરે છે.”

અને આચાર્ય રામાનૂજે પોતાની અગમવિદ્યાનું સંધાન કર્યું. પછી શક્તિમાનને કહ્યું, “દોસ્ત, બે વસ્તુ મને દેખાય છે.” 

“આચાર્ય , મને જણાવો. ક્યાંથી શું મળશે? હું કોઈ પણ રીતે એ મેળવીને રહીશ.”

બંને વચ્ચે કાંઈક ચર્ચા ચાલતી જોઈને આલાપથી ન રહેવાયું,“અરે મને તો જણાવો. શું તકલીફ નડી રહી છે?”

“આલાપ, બે વાત આચાર્યની અગમદ્રષ્ટિ જણાવે છે. પહેલી વાત આ જમીનમાં ખજાનો ક્યાં છે! અને બીજી બહુ મહત્વની પણ અત્યાર સુધી તમારા કોઈની નજરમાં કેમ નથી આવી એ નવાઈ અમને બંનેને લાગી રહી છે.”

“બીજી વાત શું શક્તિમાન? આચાર્ય તમને શું દેખાઈ રહ્યું છે?”

“જો આલાપ, આચાર્યને તારા બાપુસા વિશે કોઈ સંકેત મળી રહ્યા છે.”

અને આલાપનો અવાજ ધ્રૂજી ગયો. “બા..પુ..સા..!”

“હા આલાપ પણ બેટા આ બેમાંથી કોઈ પણ એક જ ખજાનો તને અમે આપી શકીએ એવી કુદરતની શરત છે.”

આલાપ બે હાથે માથું પકડીને હિંચકે બેસી ગયો. એક તરફ આખી સાત પેઢી તરી જાય એટલો ખજાનો મળવાની તૈયારી તો બીજી તરફ જેને પોતે ક્યારેય જોયા નહોતા એ બાપુસા.

પંદર મિનિટ બાદ આલાપ બંને મહાનુભાવ તરફ બે હાથ જોડીને ઉભો રહ્યો હતો,“શક્તિમાન અને આચાર્ય બહુ મુંઝવણ બાદ મને મારા લોહીએ ખેંચી લીધો. મને મારા બાપુસા લાવી આપો. એ મારા માટે અને મારા દાદાજી અને મા માટે અમૂલ્ય ખજાનો છે.”

આચાર્યે આલાપની પીઠ થપથપાવતાં કહ્યું કે,“મને તારી પાસે આવી જ આશા હતી વત્સ.”શક્તિમાને પોતાનો પરચો બતાવવાનું શરુ કર્યું. આચાર્ય રામાનૂજે આંખ બંધ કરીને પોતાની વિદ્યા દ્વારા શક્તિમાનને આલાપના બાપુસા જ્યાં વસી ગયા હતા એ સ્થળનો માર્ગ બતાવ્યો એ પ્રમાણે શક્તિમાન હવાઈમાર્ગે ઉપડ્યા. 

સાત સમુંદર પાર વસી ગયેલા લખલૂટ પૈસા કમાઈને એશોઆરામની જિંદગી જીવતા આલાપના બાપુસાને શક્તિમાને એના ભૂતકાળની યાદ અપાવી. દૂર દેશમાં એમનો પરિવાર એમની પ્રતિક્ષામાં હિજરાય છે એ વાત કરી. અને આમ જવાબદારીથી ભાગવું, પોતાના પરિવારને રઝળતો મુકવો એ કોઈ સારું કામ નથી એ સમજાવીને એને પોતાની સાથે દેશ પરત લાવીને આલાપની સામે ખડા કરી દીધા. 

આલાપ સ્તબ્ધ હતો. તો એની સામે ઉભેલા બાપુસા પણ પોતાના લબરમૂછીયા દીકરાને જોઈને મિશ્ર લાગણીમાં વહેતા ચાલ્યા.

એટલામાં હવેલીના અંત:પૂરમાંથી મા અને દિવાનખંડમાંથી દાદાજી દોડીને બહાર આવ્યા. પોતાના દીકરાને અને પોતાના પતિને જોઈ બંને શૂન્યમનસ્ક બનીને તાકી રહ્યા.

બાપુસા દાદાજીને ચરણસ્પર્શ કરવા આગળ વધ્યા. દાદાજીએ એમને ગળે વળગાડી લીધા,“ક્યાં હતો બેટા? તારી પાછળ અમારી શું હાલત છે એ જોઈ?”

“હા બાપુ, મને માફ કરી દો. યુવાનીના કેફમાં પગ પર ઉભો રહીને બતાવી દેવાની જીદમાં હું ઘર છોડીને ગયો. પછી ઘણી વાર વિચાર પણ આવતો કે મેં ગૂનો કર્યો છે પણ પરત આવવાની હિંમત નહોતી.” 

મા ની સામે બાપુસા હાથ જોડવા ગયા પણ મા એ હાથ પકડીને ગળગળા અવાજે કહ્યું,“હવે અમારો ખજાનો મળી ગયો છે. તમને ક્યાંય જવા નહીં દઉં.”

આલાપે અને આખા પરિવારે શક્તિમાન અને આચાર્ય રામાનૂજનો આભાર માન્યો. પરિવારને ખુશીનો ખજાનો આપીને બંને ભલા ફરિશ્તાઓ પોતાના આવાસે જવા રવાના થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy