ખાલીપો
ખાલીપો
આરતી એકલી દરિયા કિનારે બેઠી હતી.દરિયાની રેતી જોઈ તેને યાદ આવ્યું આનંદ સાથે તે સુંદર સપનાના ઘર આ રેતીમાં બનાવતી હતી. દરિયામાં ઉઠતી લહરો જોઈ તેને યાદ આવ્યુ હતું, તેના અને આનંદના સંવાદોની મીઠી રમઝટ. તેમની મસ્તી ભરી સાંજની. તેમના પ્રથમ મેળાપની. અને આજે તે આનંદના વિરહમાં આંસુ ઢાળતી હતી. રડતી હતી, ખૂબ દુઃખી હતી.
આજે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ,એટલે કે ગુડીપડવાનો દિવસ આજના દિવસે જ તેના અને આનંદના ગોળધાણા ખવાયા હતા, તે સુરતની સૂરીલી ગુજરાતણ, જ્યારે આનંદ મુંબઇનો મસ્તીખોર મહારાષ્ટ્રીયન. સાંજે તે બંને પહેલીવાર જુહુબીચ પર સાથે ફરવા આવ્યા હતા. આનંદે તેનો હાથ પોતાના હાથમાં લીધો હતો. પહેલો કોઈ પુરુષનો પ્રથમ સ્પર્શ થયો અને આરતીના પુરા શરીરમાં એક મીઠી ઝણઝણાટી.એક સુખદ પ્રેમનો મીઠો અહેસાસ.
અખાત્રીજનાં શુભ દિને તો તેમના લગ્ન પણ સાદાઈથી લેવાયા. સંસાર સુખમાં, આનંદમાં શુરું થયો. લોકડાઉનના લીધે આનંદને પણ વર્ક ફ્રોમ હોમ જ હતું. આરતી તો સુરતી, રોજ નિતનવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી હતી. આરતી, આનંદ સાથે તેના જેઠ જેઠાણી બિપિન અને બિંદુ પણ રહેતા હતા. બિંદુ અને આરતી બંને સહેલી બની ખૂબ સારી રીતે રહેતી. બંને ભાઈઓમાં પણ સંપ સારો હતો. ચારે ખુશી આનંદથી રહેતા હતા.
ત્રણ મહિના પહેલા આનંદની ઓફીસ મુંબઇથી દુબઇમાં શિફ્ટ થઇ ગયી હતી અને આરતી એકલી થઈ ગઈ હતી. પતિનો વિયોગ તેને બહુ સતાવતો હતો. વિચારોમાંને વિચારોમાં સાંજની રાત થઇ ગઈ હતી. આરતી સુનમુન દરિયાકિનારે જ એકલી બેસી હતી.ના જાણે તેને આજે કશાનું જ ભાન ન હતું. એ તો દરિયાની લહેરોમાં પણ તેના આનંદને જ શોધતી હતી. પતિ વિરહમાં આવેલી મનમાં ઓટ હતી, એ ખોટ કેમ પુરાશે ? એવું વિચારતી હતી.
આરતી ઘરે નહીં પોંહચી એટલે બિંદુને ફિકર થવા લાગી હતી.તે તેને વારંવાર ફોન કરતી હતી,પણ આરતી ફોન ઉપાડતી ન હતી. તેને આરતીની ફિકર થવા લાગી. કદાચ આરતીનો ફોન સ્વીચઓફ હશે અથવા સાયલેન્ટ હશે. તેને ખબર ના પડી હોય કે બિંદુ તેને ફોન કરતી હતી. બિંદુને યાદ આવ્યું કે આરતીની પ્રિય જગ્યા જુહુબીચ હતી. તે કાર લઇ ત્યાં આવી. તેણે જોયું કે આરતી દરિયા કિનારે સુનમુન બેસી હતી. બિંદુએ તેને અવાજ આપ્યો પણ તેનું ધ્યાન ન ગયું.જ્યારે તેણે આરતીને ઢંઢોળી તો, એકદમ તે ભાનમાં આવી હતી.
બિંદુએ તેને પૂછ્યું, " શું થયું આરતી ? કેમ આટલી ઉદાસ લાગી રહી તું ? ફોન કેમ ઉપાડયા નહીં ?"
"ભાભી મને ખૂબ એકલું લાગી રહ્યું. મને આનંદની ખૂબ યાદ આવી રહી. મારાથી તેમનો વિરહ સહન નથી થઈ રહ્યો." આરતી રડતાં બોલી.
"હાં, હું સમજી શકું છું, તારો વિયોગ."
"ના ,ભાભી તમે નહીં સમજી શકો. તમારા સાથે તો ભાઈ રોજ રાત્રે હોય . મારો દિવસ તો ગમે તેમ નીકળી જાય , પણ રાત મને બહુ સતાવે જ. આખી રાત પડખાં ફેરવું જ. હું શું કરું ભાભી ?" બોલી આરતી ફરી રડી પડી.
"આરતી , હું તો કાયમ જ એકલી હતી અને છું. તારા ભાઈ સાથે હોઈને પણ સાથે કોઈ રાત્રે નથી. અમે જોજનો દૂર છીએ. હું તને કેમ સમજાવું મારો ખાલીફો ? એ પણ રડી પડી. ચાલ ઘરે.
તે બંને ઘરે ગયા. એ રાતે બિંદુ તો આરતીના રુમમાં સુવા આવી એકબીજાના સહારે બંનેનો ખાલીફો દૂર થયો. બંને બહુ ખુશ થયાં. આરતી અને બિંદુ એકબીજાનો સહારો બની.બંને ખુશ રહેવા લાગી.
એક સ્ત્રીથી વધુ કોણ સમજી શકે, એક સ્ત્રી ને !

