ખાલીખમ ઓરડા 'ને ઉભરાતું હૈયું
ખાલીખમ ઓરડા 'ને ઉભરાતું હૈયું


નિશાંત પહેલેથી જ બધું જાણતો હતો છતાં, કદાચ સ્વીકારવું એને માટે શક્ય નહોતું બનતું. વળી એણે તો બીજે પોતાનું પાકું કરી લીધું હતું અને એ ચાલુ પણ હતું. તો પણ પચ્ચીસ દિવસ પછી પણ એ દિવસમાં એક વખત તો આવી જ જતો અને થોડો સમય રોકાતો પણ હતો. સામાન્ય રીતે હવે અંદર આવવાની કોઈને પરમિશન ન હતી પણ હું નિશાંતને તો વર્ષોથી જાણું, મિત્ર છે મારો, વળી હું જાણતો હતો કે એ કેમ આવે છે! પછી શું કહી રોકું એને? હું જાણતો હતો કે અંદર હવે જોવા જેવું કંઈ જ નથી તો પણ...
મારે શું છે? બારણા બંધ હોય કે તાળા મરેલા, આપણે તો ચોકી કરવાની એટલે કરવાની જ. અંદર શું છે શું નહીં એની સાથે કોઈ લાગણી નહીં, બસ નિષ્ઠુર બનીને રખેવાળી કરતા રહો. મને થોડા જ વર્ષો થયેલા પણ એ, વીસ વર્ષથી અહીં નોકરી કરતો હતો. હવે તો એ પણ પચાસ પંચાવનનો તો થયો જ હશે.આ ઉંમરે નવી નોકરી શોધવાની? કોણ લેશે? ફાવશે? કેટલા મળશે? આવા કોઈ સવાલ કે ચિંતા હતી જ નહીં, એને તો દુઃખ એ વાતનું હતું કે અહીંથી નોકરી છૂટી ગઈ હતી.
બે માળનું આવડું મોટું મકાન જેમાં કેટલાય ઓરડા અને કેટલાય ખાટલા... દોઢસો જણા હતા જ્યારે છેલ્લે મેં જતી વખતે ગણેલા. નામ વૃંદાવન પણ વર્ષોથી આ વૃંદાવન વૃદ્ધાશ્રમ નામથી ઓળખાય. નિશાંતને તો વીસ થયેલા પણ આ વૃદ્ધાશ્રમને બેતાલીસ વર્ષ થયેલા, સ્નેહસ્મૃતિ ટ્રસ્ટનું આ ભગીરથ કાર્ય ગયા વર્ષે અટકી પડ્યું. ફંડની ખેંચતાણ મુખ્ય મુદ્દો હતો. અને એટલે શહેરમાં ચાલતા બીજા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટ જીવનસ્મૃતિ ટ્રસ્ટના સંચાલકોએ દરમ્યાનગીરી કરી આખા વૃદ્ધાશ્રમનો કારભાર પોતાના હાથમાં લઈ લીધો. એ જગ્યા બહુ મોટી અને વળી ઘણી દૂર પણ, એટલે બે જગ્યાએ વૃદ્ધાશ્રમ ચલાવવું પોસાય નહીં. એટલે વૃંદાવન અહીં રહ્યું પણ વૃદ્ધો ત્યાં ગયા. અને અમારા જેવા અહીં રહી ગયા. વીસ વર્ષથી જેની લાગણીઓ એ વ્યક્તિઓ સાથે જોડાઈ હોય જેને દરરોજ જુએ, એ ઓરડા જેને રાત દિવસ સાફ કર્યા હોય, એ હવા જેની તાજગી અને કરુણતામાં શ્વાસ લીધા, એ બારીના કાચ જેને તાપ અને વરસાદમાં બંધ કર્યા, એ ખાટલા જેના પર કોઈને રડતા, કોઈને હસતા, કોઈને છેલ્લા શ્વાસ લેતા તો કોઈને મરતા જોયા, એ કાગળો જેની રાહમાં એ વૃધ્ધોને ઝુરતા જોયા... એના વગર કદાચ નિશાંત રહી ન્હોતો શકતો અને એટલે જ એ દરરોજ આવતો એ ખાટલા, એ બારી, બારણા, કાગળો અને ખાલી ઓરડા જોવા.
છેલ્લા ચાર દિવસથી નિશાંત આવ્યો નથી પણ.. કદાચ એ...!!