કેટલી પરિભાષા
કેટલી પરિભાષા
સતત મૌન રહેવાનું. આવું ઈશ્વરે પોતાની સાથે કેમ કર્યું હશે એવી સતત મૂંગી ફરિયાદ નિશા કર્યા કરતી.
પોતાના બહેરા-મૂંગા હોવાનો રંજ હજુ નિશાના મનમાંથી નીકળે એ પહેલાં તેના લગ્ન સંજય સાથે થઈ ગયાં. એ પણ મૌન!
લગ્ન બાદ તેણી વાચા પ્રત્યેના પોતાના અભિગમ પર મૌન -મંથન કરતી. એવું પણ લાગ્યું કે મૌન રહીને જ કદાચ સૌથી વધુ સમજી- સમજાવી શકાય છે!
બહેરાં-મૂંગાં પતિ-પત્ની પર લોકો હસતાં, દયા ખાતાં, મદદ કરતાં, ટીખળ કરતાં પણ કોઈ સમજતું નહીં. વળી પાછું મૌન અકળાવનારું બન્યું.
પોતાના વ્હાલસોયા સુકેતને નિશા બોલીને રમાડી શકતી પણ નહોતી. આ રંજ સાથે રોજ રાત્રે વિચારોમાં ખોવાઈ જતી નિશા આજે પણ જરા મોડી ઉઠી. તેણીએ જોયું કે સુકેત ખુલ્લી બારીએ ઉભો છે. "હમણાં જ ત્રીજા માળેથી નીચે.....",નિશાના પેટમાં ફાળ પડી તેણે દોડીને સુકેતને પોતાની બાથમાં લઈ લીધો.
ચૂમીઓ ભરતી વખતે તેનાં મનમાં પ્રશ્ન થયો કે જો પોતે બોલી શકતી હોત તો.....
બે આંખ આકાશ તરફ એકદમ વિચારશૂન્ય ભાવે મંડાણી.....