કેસ
કેસ
હું મારી કેબિનમાં અહીંથી ત્યાં ચક્કર કાપી રહ્યો હતો. જુદા જુદા ડોક્યુમેન્ટ હાથમાં લઈ ચકાસવું એક બહાનું જ તો હતું. મારા અંદર મચી રહેલી ધમાલને શાંત કરવાનો એ કદાચ એક પ્રયાસ હતો. મારા ટેબલ પર તૈયાર કરાઈને રાહ જોઈ રહેલા કાગળિયાઓને નજરઅંદાજ કરવા હું મથી રહ્યો હતો. કેબિનની બહાર તરફથી મારો સ્ટાફ મારી બેચેનીને વારેઘડીએ છૂપી નજરે તાકી રહ્યો હતો એની મને જાણ હતી. મને આવી હાલતમાં નિહાળવું એમના માટે સામાન્ય ન હતું.
ગઈ કાલે જ મારા કલાયન્ટનો કોલ આવ્યો હતો.
" હું કેસ પાછો લઈ રહ્યો છું. "
એણે દર વખત જેમ મારી સલાહ માંગી ન હતી. ન કોઈ ચર્ચા વિચારણાને અવકાશ આપ્યો હતો. સીધેસીધો પોતાનો મક્કમ નિર્ણય જણાવ્યો હતો. હું ડઘાઈ ગયો હતો. મારા માટે તો એ એક મોટો શોક હતો. કેમ ન હોય ? હું શહેરનો પ્રખ્યાત વકીલ હતો. મારા નામમાત્રથી સામેવાળો પક્ષ કેસ લડ્યા પહેલા જ હાર સ્વીકારી લેતો. મને હારવાની ટેવ ન હતી, ન પીછેહઠ કરવાની. વ્યવસાયિક જગતમાં જળવાયેલ મારો મોભો અને ગરિમા મને અનન્ય વ્હાલા હતા. આજસુધી કદી એમની જોડે બાંધછોડ કરી ન હતી, ન કોઈને કરવા દીધી હતી.
રહી વાત કેસની. તો મારા પક્ષે કેસ તો એકદમ મજબૂત હતો. હારવાનો શૂન્ય અવકાશ હતો. કેટલી મહેનત કરી હતી ! બધી મહેનત આમ પાણીમાં કઈ રીતે જવા દઉં ?
જ્યારે એ પહેલીવાર મારી કેબિનમાં પ્રવેશ્યો હતો ત્યારે કેવો છંછેડાયેલો હતો ! આંખો ગુસ્સાથી વિફરેલી હતી. ચહેરો લાલચોળ હતો. એના શરીરમાં ઉભરાઈ રહેલું તોફાન નિહાળી એવું લાગતું હતું કે જાણે એના હાથ વડે કોઈની હત્યા થઈ જવાની હતી. મેં માંડમહેનતે એને ટાઢો પાડ્યો હતો. પાણીનો ગ્લાસ હાથમાં આપ્યો હતો ત્યારે એનો હાથ થરથર ધ્રુજી રહ્યો હતો. એના મોઢામાંથી એકના એક શબ્દો પુનરાવર્તિત થઈ રહ્યા હતા. " મને ડિવોર્સ જોઈએ છે, બસ. "
એ પહેલા પણ મેં અગણિત ડિવોર્સ કેસ સંભાળ્યા હતા. મોટાભાગે સ્ત્રીઓ અહીં આવતી. પુરુષપ્રધાન સમાજમાં એમની કથળેલી પરિસ્થિતિ અંગે મને ખરેખર દયા ઉપજતી. પણ આ વખતે મારી આગળ એક પુરુષ હતો. 'પુરુષપ્રધાન' સમાજમાં એને શી સમસ્યા હોઈ શકે એ અંગે મનમાં ઘણી શંકાઓ ઉપજી હતી. એ દરેક શંકા એણે વારાફરતી દૂર કરી હતી. એની જોડે પછી ઘણી મુલાકાતો થઈ હતી અને એ જુદી જુદી મુલાકાતોમાં એણે એના લગ્નજીવનના આવરણો એક પછી એક મારી નજર સામે ઉતાર્યા હતા.
એ વ્યવસાયે એક પ્રોફેસર હતો. પોતાની વ્યવસાયિક કારકિર્દીમાં એ ખૂબ જ પરિશ્રમી અને ધગશ ધરાવતો હતો. પરંતુ લગ્નજીવન શરૂઆતથી જ સંઘર્ષમય રહ્યું હતું. પત્ની અત્યંત અસંતોષી જીવ હતી. એનો સ્વભાવ સ્પર્ધાત્મક હતો. કોઈની ખુશીમાં ખુશ ન રહી શકનારું વ્યક્તિત્વ. આમ તો પ્રોફેસર તરફથી એને ખુશ રાખવા તનતોડ મહેનત થતી. શોપિંગ હોય કે મોંઘી હોટેલમાં જમવું, હરવુંફરવું હોય કે મોંઘી ઘરવખરી, પ્રોફેસર એનો પડ્યો બોલ ઝીલતો. એક આદર્શ પતિની વ્યાખ્યામાં જે કઈ લાક્ષિણકતાઓનો સમાવેશ થઈ શકે એ બધી લાક્ષણિકતાઓ પ્રોફેસર પાસે હતી. પરંતુ કહેવાય છે ને કે જેની પાસે ઓછું હોય એને ખુશ કરી શકાય પરંતુ જેને ઓછું જ પડતું હોય એને કદી ખુશ ન કરી શકાય.
દિવસે દિવસે પ્રોફેસરને અનુભૂતિ થવા માંડી કે એની પત્નીને ખુશ રાખવું લોખંડના ચણા ચાવવા બરાબર હતું. પાડોશના ઘરમાં કે અન્ય સંબંધીને ત્યાં કોઈ નવો સામાન વસાવાય કે પ્રોફેસરના મનમાં ધ્રાસ્કો પડે. ઘરે એ બાબતે ધાંધલ મચે અને પછી ઘર અને મનની શાંતિ માટે છેવટે એવો આબેહૂબ સામાન પ્રોફેસર ઘરે લઈ આવે ત્યારે જીવ છૂટે. પત્નીના મિત્રોના પરિવાર જે જે હોટેલમાં જમીને આવ્યા હોય એની યાદી પત્ની જોડે જ રહેતી અને પછી એ યાદીમાંથી વારાફરતી પ્રોફેસરને પોતાની પત્નીને એ દરેક મોંઘી ફાઈવ સ્ટાર હોટેલમાં ફરજીયાત લઈ જવી પડતી. જોડેજોડે એ પોતાના માતાપિતાને પણ લઈ જતો. જે પત્નીની આંખમાં ખૂંચતું. દર વખતે બંને વચ્ચે એ બાબતને લઈ તકરાર થતી.
"માતાપિતાને આ ઉંમરમાં હું ન લઈ જાઉં તો કોણ લઈ જશે ? "
એવી દલીલો પ્રોફેસરને વારંવાર રજૂ કરવી પડતી. પરંતુ એ દલીલનું તર્ક સામે તરફથી કદી સ્વીકાર પામતું નહીં. ધીમે ધીમે સરખામણીવાળું મનોજગત વધુ ઉગ્ર થતું ચાલ્યું. બે બેડરૂમ અને રસોડાવાળું ફ્લેટ પત્નીનો જીવ રૂંધાવા લાગ્યું.
''થ્રિ બી એચ કે હવે સોસાયટીમાં ઈન કહેવાય."
એવું ન હતું કે પ્રોફેસરને નવું મકાન ખરીદવું ન હતું. પરંતુ જીવનના ખર્ચાઓની સામે એ પોતાના અનુકૂલન જોડે સમયસર એ બાબતે વિચારવા ઈચ્છતો હતો,નહીં કે સામાજિક દબાણ હેઠળ.
" આપણી પાસે રહેવા માટે છત છે. આપણે રસ્તા પર નથી. ''
વાતે વાતે હવે ઝગડાઓ થતા. પત્ની કહ્યું ન થાય ત્યારે આત્મહત્યાની ધમકીઓ આપતી. એટલુંજ નહીં, પ્રોફેસર જો પત્નીના કહ્યા પર ન ચાલે તો જુઠા કેસમાં ફસાવવાની ધમકી પણ આપતી.
" તમને મારી જરૂર ફક્ત ઘરના કામકાજ માટે જ છે ને ? હું મફતની કામવાળી બનીને રહી ગઈ છું. "
જોકે સાચી વાત એ હતી કે પ્રોફેસરે ઘરના દરેક છૂટા કાર્યો જેવા કે વાસણ, સાફસફાઈ માટે નોકર રાખ્યા હતા. પત્નીએ બે સમયના ભોજન સિવાય કશું ખાસ કરવું પડતું નહીં. દરેક સાંજે એ પોતાના માતાપિતાને અચૂક મળવા પણ જતી. પત્નીના ભાઈને શરાબની બહુ લત હતી. એ ઘરનું વાતાવરણ પ્રોફેસરને બહુ ગમતું નહીં. છતાં પત્નીનું માન રાખવા અઠવાડિયામાં એકવાર એ ઘરની મુલાકાત પણ લઈ લેતો. ક્યારેક એ ઘરમાં આર્થિક સંકડામણ સર્જાય ત્યારે પોતાના તરફથી બનતી મદદ પણ કરતો. આ બધું કર્યા છતાં જે માન સન્માનનો એ અધિકારી હતો એ એને કદી મળ્યા નહીં. પોતાના માતાપિતાનું પત્ની દ્વારા થતું અપમાન જાણે 'નેકી કર દરિયામેં ડાલ' કહેવતને સાચે જ સાર્થક કરતું. પ્રોફેસરના ઘરની નાની મોટી દરેક વાતની જાણ સાસરે થઈ જતી. કશું ખાનગી કે ગુપ્ત રાખવું અશક્ય હતું.
એ દિવસે પોતાના મોબાઈલ પરના વ્હોટ્સએપ મેસેજ મને બતાવતા એ શરમથી પાણી પાણી થઈ ગયો હતો. મને મારી આંખો પર વિશ્વાસ આવ્યો ન હતો.
" તમારા જેવા બુદ્ધિશાળી જીવ આવું પગલું કઈ રીતે ભરી શકે ? " મારી હેરતથી ફાટેલી કીકીઓ એને અવિશ્વાસમાં અપલક તાકતી રહી ગઈ હતી.
જવાબ આપતા એનો અવાજ રૂંધાઈ ગયો હતો. આંખમાં ઝળહળ્યા હતા. ગરદન નીચે તરફ નમેલી હતી. હાથની આંગળીઓ એકબીજા જોડે ભીંસાઈ રહી હતી. એના શરીરની ભાષા સ્પષ્ટ સંકેત આપી રહી હતી કે જે થયું હતું એ પ્રકૃતિવશ ન જ થયું હતું. આવેગમાં થયેલી એક ભૂલ માત્ર હતી.
" હું પણ માનવી જ છું. પ્રેમની ભૂખ કોને ન હોય ? અને એ પ્રેમ ઘરમાંથી ન મળે તો માનવી શું કરે ? એમ તો મારી પત્ની એની દરેક ફરજ પૂરી કરતી હતી. પરંતુ ફક્ત ઘરના કાર્યો એ જ સંબંધની ફરજમાત્ર હોય ? સ્નેહ અને હૂંફનું શું ? જયારે પણ અમે સાથે હોઈએ એ ફક્ત મોબાઈલ પકડીને બેસી રહેતી. એના ફેસબુક અને ઈન્સ્ટા એકાઉન્ટને શણગાર્યા કરતી. ઘર અને જીવનની દરેક બાબતોનું સોસિયલમીડિયા પર પ્રદર્શન કરતી. મને એ જરાયે ન ગમતું. એનો મિજાજ કેવો હોય એ એની શૅર થતી પોસ્ટ પરથી તારવવું પડતું. મારા ઘરમાં કઈ રસોઈ તૈયાર થતી એ આખી દુનિયા જાણી જતી. અમે ક્યાં ફરવા ગયા, શું ખરીદી કરી, કોને મળ્યા એ અમારા જીવનની ખાનગી બાબત હોવી જોઈએ કે નહીં ? હું ના પાડું તો મને જુનવાણી વિચારો ધરાવતા માનવીનું બિરુદ મળતું. એટલું જ નહીં, વારેઘડીએ પરિવારની નાની નાની બાબતોના ફોટા અપલોડ કરવાની જયારે મેં સ્પષ્ટ ના પાડી દીધી ત્યારે મને બ્લૉક કરી નાખ્યો. પથારીમાં મારી નજીક બેઠી મારી પત્ની કદી મારી જોડે હતી જ ક્યાં ? એટલે..."
કહેતા કહેતા એની આંખો ઉભરાઈ પડી હતી. ટેક્નોલોજી સાચે જ માનવીય સંવેદનશીલતાના ધજાગરા ઉડાવી મૂકવાની ક્ષમતા ધરાવે છે. એ વાતની મને પાક્કી ખાતરી એ વહેતી આંખોએ એ જ ક્ષણે કરાવી દીધી.
" હું સમજી શકું છું. પરંતુ એનો અર્થ એ તો નથી કે તમે કોઈ સ્ત્રી જોડે ..." આગળનું વાક્ય ઉચ્ચારવાનું મેં ટાળ્યું.
મોબાઈલના પડદા પરના મેસેજ વાંચતા મને થોડું વિચિત્ર અનુભવાયું. પરંતુ શરમ અને સંકોચ મારા વ્યવસાયમાં મને પોસાય નહીં. પ્રોફેસરના કોઈ અન્ય સ્ત્રી જોડેના એ દરેક અંગત મેસેજનો હું શબ્દેશબ્દ નફ્ફટાઈથી વાંચી ગયો. " શું તમારા એ સ્ત્રી જોડે કોઈ શારીરિક સંબંધ ..." ફરીથી મેં વાક્ય અધૂરું જ છોડી મૂક્યું. "
મને અવિશ્વાસમાં તાકતી પ્રોફેસરની આંખોમાં સ્પષ્ટ નકાર હતો. આમ છતાં ચોખવટ કરતા એણે ધીમે રહી ગરદન પણ નકારમાં હલાવી દીધી.
" અમે કદી મળ્યા પણ નથી. ફક્ત મેસેજ..." એણે પણ મારું અનુકરણ કરતા વાક્ય અધૂરું જ છોડી દીધું. ધીમે રહી અચકાતા હાથે એણે પોતાનો મોબાઈલ મારા હાથમાંથી લઈ ગેલેરીમાં કેટલાક ફોટાઓનું ફોલ્ડર ખોલ્યું. મોબાઈલ ફરી મારા હાથમાં આવ્યો. ફોલ્ડરમાંના ફોટાઓએ મારા હોશ ઉડાવી મૂક્યા. એમાં પ્રોફેસરની પત્ની એક નહીં, બે નહીં, ત્રણ જુદા જુદા પુરુષો જોડે હતી. એ ફોટાઓ જુદા જુદા સ્થળોના હતા. હોટેલમાં જમતા, ગાડીમાં ફરતા, સિનેમાની બહાર, ગાર્ડન વિસ્તારમાં તો કેટલાક હાઈવેના સુમસાન માર્ગો ઉપર. જે એંગલથી ફોટાઓ લેવાયા હતા એ જોતા સ્પષ્ટ અંદાજો આવી જતો હતો કે એ ફોટાઓ ચોરીછૂપે ખેંચવામાં આવ્યા હતા.
" આઈ કાન્ટ બીલીવ ધીઝ ! કોઈ પણ પુરુષ આ સહન કઈ રીતે કરી શકે ? " મારા મોઢામાંથી અનાયાસે ઉદગાર સરકી પડ્યો. "શું આ ફોટાઓ વિશે તમે કોઈને માહિતી આપી છે ? "
એણે ફરી નકારમાં માથું ધુણાવ્યું. હું સમજી ગયો. પત્નીના અફેરથી અંદરોઅંદર ભીંસાયેલા પ્રોફેસરે ફક્ત બદલો લેવાની ભાવના જોડે કોઈ અન્ય સ્ત્રી જોડે ચેટિંગ કરી હતી. આમ છતાં એનો અપરાધભાવ એને અંદરથી ડંખી રહ્યો હતો.
" એક વાત સમજાતી નથી. તમારા આ મેસેજ તમારી પત્નીના હાથમાં કઈ રીતે આવ્યા ? " મારી મૂંઝવણ શબ્દોમાં ઉમટી પડી.
" હું ઊંઘતો હતો ત્યારે એણે મારા મોબાઈલ જોડે છેડછાડ કરી હતી. "
" તો પછી આ ફોટા ? " મેં જાસૂસ જેવી નજર પ્રોફેસર પર નાખી.
" મેં પહેલેથી એને મારા પ્રાઈવેટ ઈમેલ પર ફોરવર્ડ કરી દીધા હતા. "
મેં હકારમાં ગરદન હલાવી.
" ઈન ધેટ કેસ, બહુ ડરવાની જરૂર નથી. તમારી પત્નીએ આ ચેટિંગના આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પણ એ જાણતી નથી કે કોઈના મોબાઈલ જોડે છેડછાડ કરવી એ કાયદાકીય ગુનો છે. ઓન ટોપ ઓફ ધૅટ, એના પોતાના અફેર રહી ચૂક્યા છે. જેના પુરાવાઓ તમારી પાસે છે. એણે ફક્ત તમારા અફેર અંગે ફરિયાદ નોંધાવી છે. એને ડિવોર્સ નથી જોઈતા. કારણ કે એના ઘરની આર્થિક પરિસ્થતિ નબળી છે અને તમારી પાસે ગવર્મેન્ટ જોબ છે. જે આરામની જિંદગી તમારા ઘરે એને મળે છે એ એને જતી કરવી નથી. હા, હવે એ મોટા મકાનની માંગ બળપૂર્વક કરી રહી છે. તમારા વતી થયેલી એક નાનકડી ભૂલનો આશરો લઈ. શી ઈઝ ક્લિયરલી બ્લૅકમેલીંગ યુ. જો કે કાયદો સ્પષ્ટ છે. પત્નીના માથે છત આપવી તમારી ફરજ છે. જે તમે અદા કરી છે. તમને કોઈ પણ નવું મકાન લેવા વિવશ કરી શકે નહીં. વારંવાર આત્મહત્યાની જે ધમકીઓ એ આપી રહી છે એ સાફ દર્શાવે છે કે એ કાનૂનથી માહિતગાર નથી. આત્મહત્યાની ધમકી આપનાર વ્યક્તિને જેલ થઈ શકે છે. આ બધાથી ઉપર તમે એનો દરેક ખર્ચો જેમ કે જમણ, વસ્ત્રો, શોપિંગ, હોટેલ, આઉટિંગ, ડોમેસ્ટિક હેલ્પથી લઈ મનોરંજન સુધી પ્રમાણિકતાથી ઉઠાવો છો. આમ છતાં અલગથી દર મહિને ત્રણ હજાર રૂપિયા પણ આપો છો. ટૂંકમાં કહું તો તમારો કેસ ખૂબ જ મજબૂત છે. જરાયે ડરવાની જરૂર નથી. તમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. જઈ આવો. મારો અનુભવ કહે છે કે તમારે ફક્ત પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. કદાચ લખાણમાં માહિતી આપવી પડે તો આપી દેજો. જો મહિલા આયોગ સંડોવાયું હશે તો એ પણ બંને પક્ષને સમજાવવાનો પ્રયાસ કરશે. તમે મને જે માહિતી પૂરી પાડી છે એ માહિતી શબ્દેશબ્દ પૂરી પાડજો. મને નથી લાગતું કે મને ત્યાં આવવાની પણ કોઈ જરૂર છે. એકવાર આ પોલીસ ફરિયાદનો સામનો થઈ જાય કે હું ડિવોર્સ કેસ ફાઈલ કરી દઈશ. એ માટે મને જે ડોક્યુમેન્ટ્સની જરૂર હશે એ અંગે ઈમેલ કરી દઈશ. તમે એમ જ સમજી લો કે ડિવોર્સ મળી જ ગયા. નાઉ ઈટ્સ ઓનલી અબાઉટ ફ્યુ લીગલ ફોર્માલિટીઝ. ધેટ્સ ઓલ. ઓકે ? "
એ દિવસે મારી કેબિનમાંથી બહાર નીકળતા એના ચહેરા પર અતુલ્ય હાશકારો છવાયેલો હતો. જાણે કોઈ બહુ વજનદાર વસ્તુ ખભેથી હટાવી લેવામાં આવી હોય એમ એનું શરીર હળવું ફૂલ બની બહાર નીકળ્યું હતું. કોઈ ડરામણું સ્વપ્ન નિહાળ્યા બાદ હકીકતમાં પરત આવતા જે રાહત મળે એવી જ રાહત એના શરીરના દરેક અંગોમાંથી છલકાઈ રહી હતી.
જે દિવસે મેં કોલ કરી કેસની સૂનવણીની તારીખ અંગે માહિતી આપી હતી એ દિવસે તો જાણે 'હી વોઝ ટોપ ઓફ ઘી વર્લ્ડ'. એના અવાજમાં જીતનો અનેરો રણકાર હતો. લાંબા સમયથી પાંજરામાં કેદ પંખી જાણે આકાશમાં ઊડી રહ્યું હતું. વારંવાર એ મારો લાખ લાખ આભાર માની રહ્યો હતો. હું પણ ઘણો ખુશ અને તૃપ્ત હતો. એ આનંદ વ્યવસાયિક સફળતા કરતા વિશેષ હતો.
પણ ખબર નહીં, બે અઠવાડિયામાં એવું તે શું બન્યું કે એને કેસ પાછો લઈ લેવો હતો ? કોઈ એવી સ્ત્રી જોડે કઈ રીતે સંબંધ આગળ વધારી શકે ? એક એવી સ્ત્રી જોડે જે સંબંધના નામે વેપાર કરી રહી હતી. એકતરફી સ્વાર્થમાં પોતાના ફાયદાઓ સાધવામાં વ્યસ્ત હતી. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે જેને કોઈ રેખા દેખાતી ન હતી. પોતાની અનેક ભૂલો મોટા હૃદયે માફ કરી દેનાર અને સમાજમાં એની આબરૂ જાળવી રાખનાર પતિની એક ભૂલને પકડી એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પણ જે અચકાઈ ન હતી ? મને સાચે જ પ્રોફેસર પર હવે ભારોભાર ઘૃણા ઉપજી રહી હતી. કેવો પુરુષ હતો એ ! સ્વમાન નામનો શબ્દ શું એના જીવનના શબ્દકોશમાં હાજર જ ન હતો ? એનો કેસ લેવા બદલ મને જાત પર જ રીસ છૂટી રહી હતી.
" મે આઈ કમ ઈન ? " કેબિનના બારણે પડેલા ટકોરાએ મને સચેત કર્યો. હું તરત જ ખુરશી પર ગોઠવાઈ ટેબલ પર ગોઠવાયેલા કાગળિયાઓમાં વ્યસ્ત દેખાવાનો ડોળ રચી રહ્યો. એ સીધો સામેની ખુરશી પર આવી ગોઠવાયો. ઓરડામાં થોડી ક્ષણો સુધી વિચિત્ર મૌન જળવાઈ રહ્યું.
" ડોક્યુમેન્ટ્સ તૈયાર છે ? ક્યાં સાઈન કરવાની છે ? "
મેં સીધા કાગળિયા એની દિશામાં ધપાવી મૂક્યા. પેન એટલી બળ જોડે એ કાગળિયાઓ પર ગોઠવી કે મારા અંતરમાં સળવળી રહેલી અગ્નિનો એને ખ્યાલ આવી ગયો.
" જ્યાં ચોકડી બનાવી છે એ દરેક જગ્યાએ. "
હું એને વીંધતી નજરે તાકી રહ્યો હતો અને એ મારી જોડે નજરનો સંપર્ક સહેતુ ટાળી રહ્યો હતો. મેં જ્યાં જ્યાં ચોકડીઓ કરી હતી એ દરેક જગ્યાએ કાગળિયાઓમાં એની સહી એણે કરી નાખી. નક્કી થયેલી ફી મારા ટેબલ પર ચૂપચાપ ચેક સ્વરૂપે આવી ગોઠવાઈ.
" થેન્ક યુ. " ફક્ત બે જ શબ્દોમાં પોતાને સમેટી વાર્તાલાપથી બચવા એ કેબિનના દરવાજા તરફ આગળ વધી ગયો.
મારા અંદરની બેચેની અસહ્ય બની કટાક્ષમય લહેકામાં બહાર છલકાઈ ઊઠી.
" કેવા પુરુષ છો તમે ? આવી સ્ત્રી જોડે તમારું આખું જીવન પસાર કરવા તૈયાર છો ? "
એણે ધીમે રહી નમેલી ગરદન જોડે કેબિનનો દરવાજો અર્ધો ઉઘાડ્યો. એની નજર કેબિનની બહાર રાહ જોવા સજ્જ થયેલા સોફા પર જડબેસલાક હતી.
" બે અઠવાડિયા થવા આવ્યા છે. એ બરાબર ઊંઘી શક્યો નથી. જમવાનું પણ છોડી દીધું છે. મિત્રો જોડે રમતો નથી. એનો ચહેરો તદ્દન ઉતરી ગયો છે. હું એને આ હાલમાં જોઈ શકતો નથી. "
મારી નજર ખુરશી પરથી જ કેબિનની બહાર તરફ આવી ડોકાઈ. અર્ધા ખુલેલા દરવાજામાંથી મને સોફા પર ગોઠવાયેલો સાત વર્ષનો છોકરો દેખાયો. એની આંખો રડીરડીને સૂઝેલી દેખાતી હતી. એની નજર સામે કોઈ ભયાવહ ભય ચક્કર કાપી રહ્યો હતો. એના હોઠ સ્મિત જોડેનો સંપર્ક વિસરી ચૂક્યા હતા.
" તમે ઈચ્છો તો આપણે કસ્ટડી માટે કેસ કરીશું. બધા સંજોગો તમારા પક્ષમાં જ છે. તમારી સરકારી નોકરી છે. આર્થિક રીતે તમે જ એની જવાબદારી વધુ શ્રેષ્ઠ રીતે નિભાવી શકો છો. તમારી પત્ની વારેઘડીએ આત્મહત્યાની ધમકીઓ આપે છે. એના ઘરે એના ભાઈને શરાબની લત છે. જે બાળકના માનસિક વિકાસ માટે જોખમકારક સાબિત કરી શકાશે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે બાળકને પણ એની ઈચ્છા પૂછવામાં આવે છે. એને તમારી જોડે રહેવું હોય તો કોર્ટ એ ઈચ્છા અનુસાર જ નિર્ણય લેશે. " દરવાજા સુધી પહોંચી ગયેલા ગ્રાહકને પરત બોલાવવા મેં એક અંતિમ વ્યવસાયિક યુક્તિ અજમાવી જોઈ.
એણે ગરદન ધીમે રહી મારી દિશામાં ફેરવી. આજે એ ચહેરો પહેલા દિવસે કેબિનમાં પ્રવેશેલા ચહેરાથી અત્યંત ભિન્ન દેખાઈ રહ્યો હતો. આ ચહેરામાં આક્રમકતાની નાની સરખી બુંદ પણ ન હતી. આંખોની ભ્રુકુટી અત્યંત સપાટ હતી. શ્વાસ સામાન્ય હતા. નજરમાં ઊંડાણ ભરેલી દિવ્ય શાંતિ વ્યાપેલી હતી.
એણે એક ક્ષણ ધીરજથી મને નિહાળ્યો અને ફરી નજર કેબિનની બહાર નીકળી ગઈ.
" પણ એને એના મમ્મી અને પપ્પા બંને જોઈએ છે. "
આટલું કહી એ કેબિન છોડી ગયો. દરવાજો બંધ થઈ ગયો. હું તરત જ બેઠક છોડી ઊભો થઈ ગયો. કેબિનનો દરવાજો મેં ધીમે રહી ઉઘાડ્યો.
" મમ્મીને લેવા જઈએ ? " પ્રોફેસરના પ્રશ્ન થકી છોકરાના ચહેરા ઉપર ખુશીનું પૂર ઉમટી આવ્યું. એનો નાનકડો ગોળમટોળ ચહેરો હર્ષથી પુષ્પ સમો ખીલી ઉઠ્યો. સામે ઊભેલા પ્રોફેસરને એણે એક ચુસ્ત આલિંગન આપી દીધું. પ્રોફેસરે એને હેતથી ગોદમાં ઉઠાવ્યો અને પ્રોફેસરના ચહેરા ઉપર ચુંબનનો વરસાદ વરસ્યો. દુનિયાનો સૌથી ધનવાન માનવી હોય એવા હાવભાવો પ્રોફેસરના ચહેરા પર ફરી વળ્યાં અને ધીમે ધીમે બંને બાપદીકરા મારી નજર આગળથી અદ્રશ્ય થઈ ગયા.
" વ્હોટ એ મેન ! "
મારા મોંમાંથી સહજ નીકળી આવેલા ઉદગાર જોડે કેબિનનો દરવાજો બંધ થઈ ગયો.
જીવનમાં પહેલીવાર કેસથી પીછેહઠ કરવાનો વિચિત્ર હર્ષ મનમાં રેલાઈ આવ્યો અને હું અન્ય કેસ જીતવાની તૈયારી કરવા કામે વળગી ગયો.
