Leena Vachhrajani

Thriller

4  

Leena Vachhrajani

Thriller

કેસ સોલ્વ

કેસ સોલ્વ

5 mins
258


આખું જગત ભયભીત હતું. કેટલાય મહિનાઓથી એક નરી આંખે ન દેખાય એવો વાયરસ સમગ્ર માનવજાતને ભરડામાં લઈને ક્રુર અટ્ટાહાસ્ય કરતો ઘૂમી રહ્યો હતો. વિશ્વના દરેક દેશ પોતાની પ્રજાને બચાવવા ઝઝૂમી રહ્યા હતાં. તબીબ જગત કેટલાય ઉપાય શોધીશોધીને માનવસેવા માટે તત્પર હતાં. વૈજ્ઞાનિકો બીજી બધી શોધખોળ એક તરફ મુકીને આ મહામારીને નાથવા રસી અને દવાના પ્રયોગમાં વ્યસ્ત હતાં. દરેક સરકાર કડક પગલાં લેતી જતી હતી.

આવા કપરા સંજોગમાં જાગૃત નાગરિકો પણ આગળ આવ્યા હતાં. અને પોતાના શહેર, મહોલ્લા, સોસાયટીઓમાં જાતજાતના માધ્યમ દ્વારા બિમારી વિશે સજાગ પગલાં લેવા રહીશોને તૈયાર કરી રહ્યા હતાં. એમાં ચાચા ચૌધરી અને સાબૂ બંને પાછળ કેમ રહે ?

બંને પોતાની સોસાયટીમાં વારંવાર રહીશોને હાથ ધોવાની, માસ્ક વગર બહાર ન નીકળવાની, સોશિયલ ડિસ્ટન્સ પાળવાની, વયસ્ક અને વડીલ નાગરિકોનું ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ ફોન દ્વારા, પત્રિકાઓ દ્વારા વહેંચતા રહેતા. સોસાયટીમાં કેટલાક એમને સાથ આપતા તો કેટલાક વિઘ્નસંતોષી ચાચાની વાતનો વિરોધ કરીને મજાક ઉડાવતા. સાબૂને તો ઘણા જેમતેમ કહી દેતા તોય બંને પોતાની ફરજ બજાવતા રહેતા. 

છેલ્લા પંદર દિવસમાં ફરી વાયરસે માથું ઉંચક્યું હતું. રોજના હજારો કેસ સામે આવવા લાગ્યા હતાં. ચાચા ચિંતિત હતાં. એમણે જોરશોરથી પોતાનું સેવાકાર્ય વધારી દીધું. સરકારે મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ નાખી દીધો. એનું પાલન કરવા જનતાને અપીલ પણ કરવામાં આવતી. 

ચાચા અને સાબૂ વધુ સતર્ક થઈ ગયા. રાત્રે કોઈ બહાર જાય નહીં એની તકેદારી રાખતા. છતાં એક સવારે બંનેની નજર સામે પંદર નંબરના બંગલાની સામે એકસો ચાર આવી. પીપીઈ કિટ પહેરેલા ત્રણ ડોક્ટર અંદર ગયા અને થોડી વારે બહાર આવીને એમણે જાહેર કર્યું કે અંદર રહેતા પરિવારના બે લોકો વાયરસનો ભોગ બન્યા છે. સોસાયટીમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. સરકારી ખાતામાંથી પંદર નંબરની સામે નોટિસ લાગી ગઈ. ઘરને સીલ કરી દેવામાં આવ્યું. ચાચા અને સાબૂ દુ:ખી હતાં. આટલી બધી સતર્કતા હોવા છતાં આમ કેમ બન્યું ? આપણી કઈ ખામી રહી ગઈ ? અને બહુ વિચારોને અંતે આ કોની બેજવાબદારી છે એ જાણવા શેર લોક હોમ્સનો સંપર્ક કરવામાં આવ્યો. ગોગલ્સ ચડાવેલો, અપ ટુ ડેટ સુટ પહેરેલો ડિટેક્ટિવ હાજર થઈ ગયો. એણે તાકીદે સોસાયટીની વિગતોની ચાચા અને સાબૂ સાથે ચર્ચા કરી. અને એમની રણનીતિ વિશે વાત કરી. બધી વિગત જાણ્યા બાદ ડિટેક્ટીવે એક યોજના બનાવીને એના પર અમલ કરવાની તૈયારીમાં પડ્યા. 

ધીરે ધીરે સોસાયટીમાં ચક્કર મારતા મારતા એક વાત ધ્યાનમાં આવી કે બધા જ રહીશો બહુ શિસ્તબધ્ધ રીતે સૂચનાઓનું પાલન કરતા હતાં પણ પંદર નંબરવાળા પરિવારની હિલચાલ બહુ શંકાસ્પદ હતી. એ પરિવાર કોઈ સાથે હળતોભળતો નહીં. સોસાયટીના રહીશ સાથે, વોચમેન સાથે, કામવાળા સાથે બહુ કડકાઈ અને ઉધ્ધતાઈથી વર્તન કરતો પરિવાર કાયમ અલગ અતડો રહેતો. 

હવે શેર લોક હોમ્સ અને ચાચાનો પ્લાન અમલમાં મુકાયો. પંદર નંબરના બંગલા પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી. એ પરિવારને ઘરકેદ કરવામાં આવ્યો હતો તો પણ એ ઘરમાંથી રોજ બપોરે બાર વાગે એક માણસ બહાર જતો દેખાયો. 

ચાચાને ગુસ્સો આવવા માંડ્યો,“સર, જોયું ? કુછ તો ગડબડ જરુર હૈ.”

“યસ મિ. ચાચા ચૌધરી યુ આર રાઈટ.”

અને સાબૂને પંદર નંબરની ચોકીદારી કરવા બેસાડીને ચાચા અને ડિટેક્ટિવ બંનેએ એ માણસનો પીછો કર્યો. લગભગ શહેરના મધ્ય ચોકમાં આવેલા બજારથી એ માણસ ડાબી બાજુ વળી ગયો અને સીધો રસ્તો પકડીને શહેરની બહાર નીકળી ગયો. હવે બંને જાસૂસના કાન ઊંચા થઈ ગયા. એમણે પોલીસતંત્રને જાણ કરી અને મદદ કરવા બોલાવ્યું. 

ત્યાં સુધી એ માણસ શહેરની બહાર નીકળીને એક ખંડેર તરફ ગયો. બંને પાછળ જ હતાં. ત્યાં પહોંચીને જોયું તો એક કાળા રંગની મોટી વાન ઊભી હતી. પેલા માણસે પોતાના ચહેરા પરનો માસ્ક હટાવ્યો અને..ચાચા સ્તબ્ધ થઈ ગયા. “અરે અરે અરે! જીવનરામ ?”

“એ કોણ ?”ડિટેક્ટીવે પૂછ્યું.

“અરે પંદર નંબરવાળા દાદા. પણ એ અહીં શું કરે છે ?”

ત્યાં કાળી વાનમાંથી એક જાડિયો ઉતર્યો. અને જીવનરામને ભેટી પડ્યો. 

બંને હોંશિયાર જાસૂસોને વધુ અચરજ થયું.“અરે ! આ શું નવી વાત છે ?”

અને બંને દોડીને પેલા બંને પાસે પહોંચી ગયા. 

“જીવનરામ ! આ શું ચાલી રહ્યું છે ?”

જીવનરામ પહેલાં તો ચાચાને ઓળખી જ ન શક્યા પણ પછી તરત ધ્યાન ગયું.“ચાચા તમે અહીયાં ? અને આ સાબૂને બદલે કોણ ?”

“આ જગતના મશહૂર ડિટેક્ટિવ શેર લોક હોમ્સ છે. આપણી સોસાયટીમાં આટલી તકેદારી રાખવા છતાં કેસ આવ્યો એટલે અમે એમને બોલાવ્યા છે. પણ તમારી આ શંકાસ્પદ વર્તણૂક સમજાતી નથી. તમે ઘરની બહાર કેમ નીકળ્યા ? તમારા ઘરમાં તો કેસ છે.”

“ના ભાઈ ના અમારા ઘરમાં કોઈ કેસ નથી. આ મારો ભાઈ છે. એ વર્ષો બાદ મને મળવા આવ્યો છે પણ મારા દીકરાને એ ગમતું નથી. અમારી વચ્ચે પહેલાં મતભેદ હતાં પણ એમ કાંઈ એક લોહીના સંબંધ તૂટી થોડી જાય ? પણ અમારા પરિવારવાળાએ એને ઈગો બનાવી દીધો અને અમને વિખૂટા પાડી દીધા. અમે બે ભાઈઓ જિંદગીના આ પાછલા તબક્કામાં એકબીજા વગર રહી નથી શકતા એટલે અમે જ યોજના બનાવી. મેં ડ્રામાકંપનીવાળાને બોલાવીને ડોક્ટરનો રોલ કરાવીને પરિવારમાં પોઝિટીવ કેસ છે એમ જાહેર કર્યું અને પછી હું ઘરની વસ્તુઓ લેવાને બહાને બહાર નીકળું છું. એવી જ રીતે મારો ભાઈ એના પરિવારને ઘરમાં પૂરીને અહીં આવે છે. અમારા બેયના પરિવારને સમજાવવા અમારા માટે બહુ અઘરું હતું એટલે અમે આ ગેરકાયદેસર રસ્તો કાઢ્યો.”

અને પહેલી વાર શેર લોક હોમ્સને ગુનો ન કરતા ગુનેગારને મળવાનું થયું. ચાચા ચૌઘરી પણ લાગણીશીલ થઈ ગયા.“અરે જીવનરામ, તમે મને કહ્યું હોત તો કોઈ ઉકેલ લાવવાનો પ્રયાસ કરત ને!”

“ના ચાચા મારા પરિવારની પ્રતિષ્ઠા બહાર મૂકવાની મારી તૈયારી નહોતી.”

અને બે જાસૂસ જીવનરામને લઈને સોસાયટીમાં પાછા ફર્યા. પંદર નંબરના બંગલામાં ત્રણ જણાને જતા જોઈ સાબૂ પણ નવાઈ પામતો એમની સાથે જોડાયો. જીવનરામના આખા પરિવારને બેસાડીને ચાચાએ આખી વાત માંડી. શેર લોક હોમ્સે કહ્યું,“મેં જગતના મોટા મોટા કેસ સોલ્વ કર્યા છે. હજારો ફેમેલીને મળ્યો છું. લોકોના માનસનો સમજું છું. તમારા પિતાજી અને કાકા જેવા લાગણીશીલ અને સરળ લોકોને તમે સમજો તો તમારો પરિવાર ફરી એક થઈ જશે. આવા સંબંધો આ દેશમાં જ જોવા મળે છે કે જ્યાં બે ભાઈ મળવા માટે કાંઈ પણ કરી શકે છે.”

અને જીવનરામના દીકરાએ ફોન જોડ્યો. બધાને આશંકા પડી કે કોઈ અયોગ્ય પગલું ન ભરાય ! “હલ્લો !”સામેથી ફોન ઉપડ્યો.

“હલ્લો જગતરામકાકા ? હું પરાગ. પ્રણામ કાકા.”

અને પછી ચાર આંખો વહેતી રહી. વાતો થતી રહી. ચાચા અને ડિટેક્ટીવ શેર લોક હોમ્સ એક કેસ અલગ રીતે સોલ્વ કરવાના આનંદ સાથે પોતપોતાના કામમાં લાગી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Thriller