કચરો
કચરો


શોભના નામ હતું એનું પણ આજે એ ખુબ જ ક્ષોભ અનુભવી રહી હતી. શું કરવું અને શું નાં કરવું એની એને સમજ પડતી ન હતી. બિલકુલ કીંકર્તવ્યમૂઢ બની ગઈ હતી. બનાવ જ એવો બન્યો હતો કે એ એના વિષે કઈ વિચાર કરી શકે એમ ન હતી. જેટલી વાર એ દ્રશ્ય એને યાદ આવતું હતું એટલીવાર એના હૃદયને વલોવી નાખતું હતું. હતી એટલી હિંમત ભેગી કરીને એ આલીશાન બંગલામાંથી બહાર નીકળી.
બંગલાનું નામ “અમી વિલા” હતું પણ શોભનાને એ આજે ઝેર જેવો લાગતો હતો. એની ઝૂંપડીની આસપાસ વાળાઓને જ્યારે એ વાત કરતી કે હું અમદાવાદના હૃદય જેવાં વિસ્તાર ના બંગલા અમી વિલામાં કચરા પોતું કરું છું એવું બોલીને એ ગર્વ અનુભતી, આજે એ બધો જ ગર્વ ઓગળીને સાબરમતીમાં વહી ગયો હતો.
શોભના આજે બે પ્રકારના વિચાર કરતી હતી એક તો હું પોતે સાબરમતીમાં વહી જાઉં યા તો પછી મારા ખરાબ બનાવને સાબરમતીમાં વહાવી દઉં. આવા વિચાર કરતી હતી એ જ સમયે એને એક ગીત સંભળાયું “ સ્વચ્છ ભારત કા ઈરાદા કર લિયા હમને” આ ગીત ડોર ટુ ડોર કચરો લેવા આવતા ટ્રેકટરમાં વાગતું હતું. આ ગીતે શોભનાને એક તાકાત આપી કે ખરાબ વિચારને સાબરમતીમાં વહાવી દઉં. આ ટ્રેક્ટર ચાલક એની ઝૂંપડપટ્ટીમાં રહેતો શૈલેશ હતો. હજી તો એ હાથ કરે એ પહેલાં તો શૈલાએ ટ્રેકટર ઉભું રાખી દીધું, એ ઝડપ કરીને એની બાજુની સીટ પર બેસી ગઈ.
શૈલાનું ટ્રેક્ટર જે રીતે ચાલતું હતું એના કરતાં વધારે ધડાધડ વિચાર શોભનાને આવતા હતા.એના વિચારોને બ્રેક મારતો શૈલાનો અવાજ આવ્યો “ શોભના તને ક્યાં ઉતારું, મારે છેક પીરાણા રોડથી આગળ જાવાનું” શોભના મનમાં ને મનમાં બોલી મારે પણ કચરો નાખવા જ જવું છે.
શોભના બોલી, તું તારે ચલાયે રાખ આજ તો વળતાં જ ઉતરવું છે. શૈલેશને પણ આશ્ચર્ય થયું,કારણકે અઠવાડિયા માં ચાર –પાંચ વખતતો મળતાં હતાં પણ શોભનાએ આવી રીતે જવાબ આપ્યા ન હતા. જયારે પણ મળતાં ત્યારે યુવાન હૈયાં ખીલી ઉઠતાં,શોભનાને શૈલેશની ઘણી વાતો ગમતી પણ શૈલા એ ક્યારેય એનો ગેરલાભ ઉઠાવ્યો ન હતો.
આજના દિવસનો અમી બંગલો એનો બધો જ ગેરલાભ ઉઠાવી ગયો, એ મુદ્દો એના મન-મગજ નો પીછો છોડતો ન હતો. અમી બંગલોમાં એ છેલ્લા ચાર વર્ષથી કચરા -પોતાનું કામ કરતી હતી પણ એને આવું ક્યારેય બનશે એવું તો વિચાર્યું પણ ન હતું.
આજે એ સવારે નવ આસપાસ કાયમના સમય મુજબ પોતાના રોજીંદા કામ માટે અમી બંગલો પહોચી ગઈ હતી.જેવી એ બેડ રૂમમાં કામ કરવા પહોચી કે એને કોઈએ મજબુત અને વિકરાળ હાથોથી ઝકડી લીધી. આ ખરાબ કામ કરવાવાળા હાથ શેઠાણીના પિતાના હતા, તેઓ સાઈઠ વર્ષના વિધુર હતા. આજના દિવસે શેઠાણી અને એમનો નવ વર્ષનો દિકરો બહાર ગયાં હતાં. રાક્ષસ ઘરમાં એકલો જ હતો. શોભના પણ ઘરમાં એકલી હતી અને ડોસા ઉપર નીચ વૃતિ સવાર થઇ ગઈ હતી.
શોભનાએ છૂટવાના ઘણા પ્રયાસ કર્યા પણ ડોસો એનો કચરો ઠાલવ્યા પછી જ શાંત પડયો.એ જેમ તેમ કરીને બહાર ભાગીને આવી.
હવે એ પણ વિચારી રહી હતી કે ડમ્પિંગ સ્ટેશના બાથરૂમમાં એ ડોસાનો કચરો સાફ કરીને પછી જ ઘેર જશે. આટલા વિચારોં કરતાં સુધીમાં આખા શહેરનો કચરાનો ઢગ એને દેખાવા લાગ્યો. આટલા બધા કચરા કરતાં પણ શોભનાને ડોસાની વિકૃતિનો ઢગલો મોટો લાગતો હતો.
શૈલેશ છેક ઉપરના ભાગે જઈને કચરો નાખી આવ્યો, આ બાજુ શોભના ટ્રેકટરમાંથી ઉતરીને બાજુમાં આવેલા બાથરૂમમાં ગઈ એ પણ ડોસાની વિકૃતિ અને એની મજબુરીનો કચરો સાફ કરીને આવી ગઈ !