કાયમી વિયોગ
કાયમી વિયોગ
મનમિલાપ બંગલાના પહેલા માળના ઝરૂખામાં બેસી નિનાદ અપલક નજરે આકાશમાં તાકી રહ્યો હતો.કાળા ભમ્મર વાદળોથી ઘેરાયેલાં આકાશમાં ન જાણે કોને શોધી રહ્યો હતો. ત્યાં જ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ. વરસતાં વરસાદની હેલીઓમાં એ પોતાની ખોવાયેલી સુંદર ક્ષણોને જાણે શોધી રહ્યો હતો. ત્યાં જ એના મોબાઈલમાં યાદ ન જાયે, બિતે દિનો કી. રિંગટોન વાગી. એ સફાળો ઊભો થયો અને મોબાઈલ હાથમાં લઈ વાત કરવા લાગ્યો.
નિનાદ વાત તો મોબાઈલમાં કરતો હતો પણ એનું ધ્યાન તો વરસતાં વરસાદ પર જ હતું. શું વાત થઈ રહી છે એ જાણે એના મગજ સુધી પહોંચતી જ નહોતી. સામેની વ્યક્તિને પણ કદાચ એનો અંદાજ આવી ગયો હતો. એટલે એણે ટૂંકમાં વાત પૂરી કરી ફોન બંધ કર્યો. નિનાદ ફરી ઝરૂખામાં આવીને આરામ ખુરશી પર ગોઠવાઈ ગયો. એની બંધ આંખોમાંથી વીતેલો સમય આંસુ બની વહી રહ્યો હતો.
"પ્લીઝ, મને કહેશો કે આ કયો રસ્તો છે ?" એક યુવતીએ નિનાદ પાસે આવીને પૂછ્યું. નિનાદ એને જોતો જ રહી ગયો. સપ્રમાણ દેહયષ્ટિ, સુંદર નાકનકશો, માછલી જેવી સુંદર આંખો, કમર સુધી પહોંચતા રેશમી કાળા વાળ જે પવનથી વારંવાર એના ચહેરા પર આવી પરેશાન કરી રહ્યાં હતાં. "હલો, સાંભળો." યુવતીના ફરીથી થયેલા ટહુકાથી નિનાદ ભાનમાં આવ્યો. ત્યારે એણે જોયું કે એના હાથમાં લાલ સફેદ લાકડી છે અને એણે પર્સમાંથી ગોગલ્સ કાઢી પોતાની આંખોને ઢાંકી દીધી હતી. "ઓહ! આપ..સોરી...હું... તમને.." નિનાદ તતપપ થઈ ગયો.
"હા! બોલો મેડમ, હું તમને શું મદદ કરી શકું ? હા, તમે આ કયો રસ્તો છે એમ પૂછ્યું ને ? આ એમ.જી.રોડ.છે. આપને ક્યાં જવું છે ? હું તમને મૂકી જાઉં ? મારી પાસે કાર છે."
"ના, મારા પર દયા ખાવાની જરા પણ જરૂર નથી. ફક્ત મને એ જણાવશો કે અહીંથી સાંતાક્રુઝ વેસ્ટમાં જવા માટે બસ ક્યાંથી મળશે ?" નિનાદ એના સ્વરમાં રહેલો કડપ પારખી ગયો. એણે એને બસ સ્ટોપ અને બસ નંબરની માહિતી આપી દીધી. દૂર ઊભો રહી એ, એ યુવતીને એકટક જોવા લાગ્યો.
પોતાની પાસે રહેલી બ્લાઈન્ડ સ્ટીકની મદદથી એ નિનાદે જણાવેલા બસ સ્ટોપ પર જઈને ઊભી રહી. થોડી વારે કર્કશ અવાજ કરતી બસ આવીને ઊભી રહી. એમાંના કંડકટરના બોલવાથી પોતાને જરૂરી બસ જ છે એ સંતોષ થતાં એ યુવતી બસમાં ચડી ગઈ.
થોડા દિવસ પછી નિનાદ એના મિત્રો સાથે જૂહુ ચોપાટીના દરિયા કિનારે ફરવા ગયો હતો. ત્યાં એણે ફરી એ યુવતીને જોઈ. એ કદાચ પોતાની સખીઓ સાથે આવી હતી. એમાંની એક સખીનો હાથ પકડી તે દરિયાના પાણીમાં પોતાની ગુલાબી પાનીઓને પલાળી રહી હતી. જાણે એના પાણીમાં ઉતરવાથી એટલા ભાગનું પાણી ગુલાબી થઈ ગયું હતું. નિનાદને પોતાની કલ્પના પર મનોમન હસવું આવી ગયું. "શું, નિનાદ, કેમ હસે છે ?" સોહિલે પૂછ્યુ
ં. "ના, કંઈ નહીં. એમ જ એક જોક યાદ આવી ગયો એટલે." નિનાદે વાત ટાળી દીધી.
ઈસ્કોન મંદિરમાં આજે ખૂબ ભીડ હતી. કોઈ તહેવાર હતો એટલે લોકોની પડાપડી થતી હતી. "ઓહ! જરા જોઈને ચાલો. સુંદર છોકરી જોઈ નથી કે જાણી જોઈને અથડાવાનું ?" નિનાદ જોઈ જ રહ્યો, એ જ યુવતી. "મિસ, માફ કરશો. જાણી જોઈને ધક્કો નથી માર્યો પણ ભીડને લીધે."
"ઓહ! તમે તો એ જ યુવાન છો ને જેણે મને બસ સ્ટોપ બતાવ્યું હતું. સોરી સર, મારો ઈરાદો તમને હર્ટ કરવાનો નહોતો પણ સાધારણ રીતે લોકોની આવી જ માનસિકતા હોય છે એટલે."
"પણ મિસ, તમે તો... તો પછી તમે મને કેવી રીતે ઓળખી ગયાં ?"
"હું સુનયના. કેવું કહેવાય ને ? નામ સુનયના પણ એ નયનમાં જ્યોતિ જ નથી." ભરાયેલા ગળાને જરા ખંખેરી એણે આગળ કહ્યું, "કુદરત અમારા જેવાની એક ઈન્દ્રિય છીનવી લે તો બીજી ઈન્દ્રિયો વધારે મજબૂત બનાવી દે. અમે એક વાર કોઈનો અવાજ સાંભળીએ કે એકવાર કોઈનો સ્પર્શ અનુભવીએ પછી કદી ન ભૂલીએ."
"હું નિનાદ. અહીં નજીકની ઑફિસમાં જ કામ કરું છું અને પૃથ્વી થિયેટરમાં નાના મોટા મ્યુઝિક શો કરું છું. તમે ?"
"હું મૂળ સુરતની પણ મારા શોખને અહીં ખુલ્લું આકાશ મળે એટલે અહીં ગલ્સ હોસ્ટેલમાં મારી બે ફ્રેન્ડ સાથે રહું છું. અહીં નજીકમાં મ્યુઝિક ક્લાસ ચલાવું છું અને સાથે મ્યુઝિકમાં માસ્ટર કરું છું."
"ચાલો, સરસ. એટલે આપણે બંને આમ જોવા જાઓ તો એક જ ક્ષેત્રમાં છીએ. કંઈ પણ કામ હોય તો આ મારું કાર્ડ છે."
એક જ ક્ષેત્રમાં હોવાથી હવે વારંવાર બંનેનું મળવાનું થવા લાગ્યું. નિનાદ પોતાના મ્યુઝિક શોમાં સુનયનાને બોલાવતો. એક બે વખત એને સ્ટેજ પર ગીત ગાવાની પણ તક આપી. એનો મધુર અવાજ લોકોને પસંદ પડવા લાગ્યો હતો. એમના વારંવારના મિલન સ્વરૂપે બંનેના હૃદયમાં પ્રેમના અંકુર ફૂટવા લાગ્યાં હતાં. બંનેને વરસાદની મોસમ એકસરખી પ્રિય હતી. વરસાદના ફોરાં એમના તન સાથે મનને પણ પાગલ કરી દેતાં. વરસાદમાં ભીંજાતાં ભીંજાતાં ગરમ ગરમ મકાઈ ખાવાની મોજ બંને માણતાં. હાથમાં હાથ પરોવી બંને દરિયા કિનારે કલાકો સુધી ટહેલતાં રહેતાં. નિનાદે એની મોટીબેનની સુનયના સાથે મુલાકાત કરાવી હતી. બેન એના મમ્મી પપ્પાને એ લોકોના પ્રેમ વિશે જાણ કરવાની હતી અને...
એક ગોઝારી સાંજે મ્યુઝિક ક્લાસમાંથી પાછી ફરી રહેલી સુનયનાને એક બિગડેલ બાપની ઓલાદે ટક્કર મારી અને લોકો એને હૉસ્પિટલ પહોંચાડે એ પહેલાં તો બંને વચ્ચે કાયમી વિયોગ સર્જાય ગયો. આ વાતને જોતજોતામાં પાંચ વર્ષ વીતી ગયા પણ હજી નિનાદ એ ઘટનામાંથી બહાર આવી શક્યો નથી. વરસાદી માહોલ એને સુનયના સાથેની મિલનની યાદ અપાવે છે અને કાયમી વિયોગ એના સૂના હૈયાને ફરી શૂન્યતાની ભેટ આપી જાય છે.