Mariyam Dhupli

Tragedy

2.8  

Mariyam Dhupli

Tragedy

કારણ

કારણ

4 mins
755


" પણ પ્રાજક્તાને નોકરી કરવાની શી જરૂર ?"

" હા, તું સારું એવું તો કમાય છે . "

" અરે પણ પ્રાજક્તાએ પોતાના અભ્યાસ અને નોકરી પાછળ કેટલી મહેનત કરી છે અને હજી કરી રહી છે . "

" લગ્ન પછી ઘરની જવાબદારીજ મુખ્ય હોય છે એક સ્ત્રી માટે . એણેજ જતું કરવું પડે છે . પરિવાર માટે બલિદાન હસતા મોઢે આપે એજ સાચી સ્ત્રી . "


" માફ કરજો દીદી . પણ તમે એટલા માટે આ વાત કરી રહ્યા છો કેમકે તમારા પરિવારે લગ્ન પછી તમને સાથ સહકાર ન આપ્યો . નોકરી છોડવાની ફરજ પાડી . ઘર સંભાળવાની ફરજ પાડી . પણ પ્રાજક્તા પણ એવુજ કરે એ બિલકુલ જરૂરી નથી . મને ગર્વ છે કે મારી પત્ની એના પગ ઉપર ઉભી છે . કાલે ઉઠી મને કઈ થઇ જાય , તો એનું જીવન એ જાતે સંભાળી શકે છે. "

" હમણાં બાળકો નથી એટલે ....એક વાર બાળક આવશે જીવનમાં તો બધી વિચારશ્રેણી ધૂળ ખાઈ ઉઠશે . શું નોકરી કરે તેજ સ્ત્રી આધુનિક હોય ?"


" સ્ત્રી નોકરી કરશે કે ઘર સંભાળશે એને આધારે સ્ત્રી કે એનું પરિવાર આધુનિક પુરવાર ન થાય ,દીદી . જે પરિવારમાં સ્ત્રીને જાતે શું કરવુ છે , ઘર સંભાળવું છે , નોકરી કરવી છે કે બન્ને એકસાથે ...એ નિર્ણય એનો પોતાનો હોય એજ આધુનિકતા કહેવાય . પ્રાજક્તાને બન્ને કરવું છે અને એ કરશેજ ."


" અને મારું શું ? હું આખો દિવસ ઘરે એકલી બેઠી હોવ એની કોઈને કશી ચિંતા નથી . આ ઉંમરે પણ હવે મારે ઘર સંભાળવું પડે તો તારા 

લગ્ન કરાવ્યાનો શો ફાયદો ?"

" બા , મારા લગ્ન પહેલા પણ તું આ ઘર રાજીખુશીએ સંભાળતી હતી . તો હવે આ પાછળહઠ કેવી ? ને તને મદદ કરવા કામવાળી પણ રાખી છે ને . "

" જોયું કેવો જોરુંનો ગુલામ બની ફરે છે. દરેક વાતમાં એનીજ તરફેણ લઇ ઉભો થઇ જાય છે. "

" જો પત્નીના હક અને અધિકાર માટે બોલવું એટલે એના ગુલામ બનવું હોય તો હું ગર્વથી સ્વીકારું છું . હા , હું છું જોરુંનો ગુલામ. "


શયનખંડની બહાર તરફથી આવી રહેલો અવાજ વધુ ઊંચો થયો .

પ્રાજક્તાની આંખો વિહ્વળ થઇ ઉઠી . મનમાં ધ્રાસ્કો પડ્યો . દર રવિવારની જેમ આ રવિવારે પણ વિનોદની બન્ને મોટી બહેનો એમની બાને મળવા આવી હતી . બા માટે એ સોનેરી તક હતી પ્રાજક્તાની ફરિયાદોનો ઢોલ વગાડવા માટે . પણ એ ફરિયાદો પાછળનું તથ્ય ફક્ત એજ જાણતી હતી . આમ છતાં દર વખતની જેમ એ મૌનજ હતી . બંધ ઓરડામાં ગોંધાઈ રહી હતી.

કારણ ?


અલમારી ખોલી એણે ફરી પોતાની ચુપકીદી પાછળનું કારણ બહાર કાઢ્યું . એક લાલ રંગની ડાયરી . ટેવ પ્રમાણે ડાયરીને છાતી સરસી ચાંપી દીધી . મનમાં અનેરી ટાઢક વળી . એ ડાયરીને કારણેજ એ મૂંગે મોઢે બધા અન્યાય સહી રહી હતી . વિનોદ એને સમજતો હતો , સાથ આપતો હતો એટલુંજ પૂરતું હતું . આજે પણ પ્રાજક્તાના બચાવમાં પોતાની બા અને બહેનોની દરેક દલીલનો એ યોગ્ય ઉત્તર આપી રહ્યો હતો . 


ડાયરી ઉપર ફરી રહેલા હાથ લાગણી અને ભાવનાઓથી આછા ધ્રુજી રહ્યા હતા . નિયમિત ઘરમાં થતી લડાઈઓ , બોલાચાલી અને દલીલબાજીઓ એના શાંત અને ઉદાર સ્વભાવથી અત્યંત વિપરીત હતા . ક્યાં પોતાના ઘરનું શિક્ષિત અને પરિપક્વ વાતાવરણ અને ક્યાં આ ઘરનું વાતેવાતે યુદ્ધમાં ઉતરતું સંકુચિત અને રૂઢિવાદી વાતાવરણ ! પરંતુ વિનોદ પ્રત્યેનો પ્રેમ અને માન આ વાતાવરણમાં એક ઓક્સિજન માસ્કનું કાર્ય કરી રહ્યું હતું . આજ સુધી એણે કોઈની પણ દલીલને કોઈ પ્રતિઉત્તર આપ્યો ન હતો . કદી કોઈ વડીલ આગળ અવાજ ઉઠાવ્યો ન હતો . કદી ભાષાની લગામ હાથમાંથી છૂટવા દીધી ન હતી . કદી પોતાની કોઈ પણ ફરજથી પીછેહઠ કરી ન હતી . નકામી બોલાચાલી કે લડાઈ ઝગડાથી એણે હમેશા પોતાની જાતને સાચવીને રાખી હતી . પરનિંદા કે પીઠ પાછળ થતી વાતો એને માટે ફક્ત સમયનોજ નહીં ચરિત્રનો પણ બગાડ હતો . કારણ ? આ લાલ ડાયરી . 


ડાયરીને પ્રેમ પૂર્ણ ચૂમતા પ્રાજક્તાની આંખોમાંથી પાણી છૂટી ગયું .

બહાર તરફથી આવી રહેલા અવાજ વધુ ધારદાર અને તીક્ષ્ણ બન્યા . 

" ઘરમાં પગ મુક્યો ત્યારથી ઘરની શાંતિ જતી રહી છે . આ બધું સંસ્કારોની ઉણપ નહીં તો બીજું શું ? એક શિક્ષક થઇ પિતા પોતાની દીકરીને આવું બધું શીખવાડી સાસરે વળાવે ? કૂવામાં હોય તો હવાડામાં આવે ને ...."


પ્રાજક્તાની રડતી આંખો થીજી ગઈ . હાથમાંની લાલ ડાયરી પલંગ ઉપર મૂકી એણે જોર લગાડી શયનખંડનું બારણું ખોલ્યું . એની આંખો થોડા સમય પહેલા થામેલી ડાયરી કરતા પણ વધુ ગાઢ લાલ હતી . બેઠકખંડમાં ગોઠવાયેલી સભા પ્રાજક્તાના ઊંચા અવાજથી થંભી ગઈ . પ્રાજક્તાનું રૌદ્ર સ્વરૂપ અત્યંત અકલ્પનિય હતું . 


" માફ કરશો . મારા પિતા આજે આ વિશ્વમાં નથી . પણ જતા પહેલા એટલું જરૂર શીખવી ગયા છે કે કદી અન્યના જીવનમાં નકામી તાકજાક કરવી નહીં કે વિઘ્નો બનવું નહીં . હું કદી આપના ઘરે આવી આપના પારિવારિક જીવનમાં ડોકિયું કરતી નથી અને આગળથી આપ સૌ પણ મારા જીવનમાં ડોકિયું ન કરશો એની આશા રાખું છું . અને હા ,મારા સ્વર્ગસ્થ પિતા માટે હું એક પણ નકામો શબ્દ સાંભળીશ નહીં . "


બેઠક ખંડના સન્નાટાને ચીરતી પ્રાજક્તા સીધી પોતાના શયનખંડમાં ધસી ગઈ . પલંગ પાસેના ટેબલ ઉપરથી એણે લાલ રંગની પેન હાથમાં લીધી . પલંગ ઉપરથી લાલ ડાયરી હળવેથી ઉઠાવી . ડાયરી ખોલતાંજ એનું શીર્ષક ચળકતું આંખોમાં વંચાયું . 


' સાસરે જતી દીકરીને ....એના વ્હાલા પપ્પા તરફથી ....'

અગણિત સંસ્કારોથી મઢેલી , સોનેરી સલાહોથી ક્રમબદ્ધ સજેલી ડાયરી જાણે પ્રાજક્તાને હેરતથી તાકી રહી . 


લાલ પેન દ્વારા પ્રાજક્તાએ યાદીમાંની પ્રથમ ક્રમની સલાહ ઉપર ચોકડી બનાવી મૂકી .


પ્રથમ ક્રમની સલાહ આ પ્રમાણે હતી ,


૧ . કદી વડીલો ઉપર અવાજ ઊંચો ન કરવો .


આંખોમાંનું પાણી તો ક્યારનું સુકાય ચૂક્યું હતું .

ધીમે રહી મક્કમ હોઠમાંથી શબ્દોએ માર્ગ બનાવ્યો .

" સોરી પપ્પા . આ સહેલું નથી . કારણ ? ...." 


અને હોઠ ફરી સિવાઈ ગયા ....


Rate this content
Log in

Similar gujarati story from Tragedy