અમૃત પટેલ સ્વયંભૂ

Drama Romance Thriller

4  

અમૃત પટેલ સ્વયંભૂ

Drama Romance Thriller

કાળજે કોર્યું એક નામ

કાળજે કોર્યું એક નામ

7 mins
589


વરસ સૂકા પર્ણની જેમ ખરતાં રહ્યાં. પુષ્પાનાં મા-બાપની ચિંતા દિવસે ને દિવસે વધી રહી હતી. તેમણે અનેકવાર પુષ્પાને ક્યારેક પ્રેમથી તો ક્યારેક ધાક-ધમકીથી સમજાવી, પણ પુષ્પા તેમની વાત માનવા તૈયાર નહોતી. તે રાહ જોતી રહી.

અને આજે બરાબર સાત વરસ પૂરાં થવા આવ્યાં હતાં. ત્યાં પુષ્પાને ટપાલ મળી.


ટપાલ મળતાં તે બાવરી બની આખા ગામમાં ટપાલ લઈને ફરી વળી. કેટલાં વરસે તેના ચહેરા ઉપર પહેલાં જેવું હાસ્યનું ફૂલ ખીલ્યું !

વરસોના વિરહ બાદ તરસી ધરતી માથે પાણી ભરેલાં વાદળો દેખાતાં હતાં. અત્યાર સુધી માતા-પિતા અને ગામલોકોનાં મહેણાં સાંભળતી પુષ્પા માટે મહેણાં ભાંગવાનો સમય આવ્યો.

ગામમાં આવતી સાંજની છેલ્લી એસ.ટી. બસમાં હેમંત આવવાનો હતો. પુષ્પા શણગાર સજીને ગામના મંદિરવાળા સ્ટેન્ડે આવી ગઈ.

સાંજની આરતીનો સમય થયો. મંદ મંદ પવનની લેરખીઓથી વાતાવરણમાં ઠંડક વર્તાતી રહી. ગરમ 'લૂ' થી ગામ આખું ધખી રહ્યું હતું. આજુબાજુનો ડુંગરાળ પ્રદેશ... ગામને પાદરે ડુંગરની તળેટી ઉપર મંદિર હતું. તળેટી કિનારેથી ભક્તોની હારમાળા ડુંગરો ચડતી દેખાતી. હાઈવે પરથી પસાર થતી એકધારી ટ્રકો, લકઝરીઓ નાનકડાં રમકડાં જેવી દેખાતી... રસ્તાના પ્રવાસીઓ મંદિરમાં વિશ્રામ કરી આગળ વધતા.


રોજ સવાર-સાંજની આરતીમાં ગામનાં ભક્તજનો ડુંગરો ચઢીને પવિત્ર બુલંદનાદે માની સ્તુતિ કરતાં ત્યારે સરસ પવિત્ર વાતાવરણ ઊભું થઈ જતું.

પુષ્પાની નજર હાઈવે પરથી પસાર થતી એક પછી એક બસ તરફ છે. તેને ગામની છેલ્લી બસનો ઇન્તેજાર છે. શહેરમાંથી આવતી આ છેલ્લી એસ.ટી.બસ મંદિરની આરતી શરૂ થયાના સમયે આવી જતી. ગામનાં બધાં પ્રવાસીઓ બસમાંથી ઊતરી આરતીમાં જોડાઈ જતાં. ત્યાર પછી પ્રસાદી લઈને પોતપોતાના મુકામે જતા.

પુષ્પાની છાતી એક અજીબ અનુકંપ સાથે ધડકી રહી છે. તેના ચિત્તમાં એક પછી એક વિચારોની વણઝાર ચાલી રહી છે. તેની સામે હેમંતનો ખિલખિલાટ કરતો ચહેરો તરવરી ઊઠ્યો.

રોજ સવાર-સાંજ ડુંગરામાં ઢોરને ચરાવવા માટે હાથમાં લાકડી લઈને બંને નીકળી પડતાં. ડુંગરાઓ ચડતાં-ઉતારતાં અવનવી રમતો રમતાં. બંને પાકા દોસ્ત. હેમંત કાકા સાથે રહેતો. કાકાની ગાય-ભેંસને ડુંગરામાં ચરાવવા માટે લઈ જતો. પુષ્પા પણ તેની ગાય લઈને નીકળી પડતી. ઢોર ચરાવવાનો કાર્યક્રમ પૂરો થતાં બંને શાળામાં ભણવા જતાં.

હેમંતનાં મા-બાપ તો વારસો પહેલાં ગામમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો તેમાં ઊકલી ગયાં હતાં. હેમંત અને તેનો મોટો ભાઈ તે પછી કાકાના સહારે મોટા થયા. મોટાભાઈને શહેરમાં નોકરી મળતાં તે શહેરમાં ચાલ્યો ગયો અને ત્યાં જ લગ્ન કરી સંસાર વસાવ્યો. વરસે-દહાડે ગામડે આવતો-જતો. કાકાને મદદ કરતો.

હેમંત અને પુષ્પાનાં ઘર એક જ ફળિયામાં હતાં. માટીના ઘર ઘરથી માંડીને અવનવી રમતો બંને રમતાં અને સમય સરતો રહ્યો.

'ચાલને હેમંત, મંદિર જઈએ', હાથમાં નાનકડી લાકડી હવામાં ઘુમાવતી પુષ્પા બોલી.

'ના, મારે આજે નથી આવવું.' હેમંત લેશનનો ડોળ કરી રહ્યો. હેમંત ને ચીડવવા માટે પુષ્પાએ તેની પીઠ ઉપર ધીમેથી લાકડી વીંઝી... ચાલને હેમંત આવું શું કરે છે ? રોજ તો આરતીના સમયે તું આવે છે.'

'જો પુષ્પા, તારે મંદિર જવું હોય તો જા. મારે નથી આવવું. મારે લેસન બહુ છે. તારી સાથે મંદિરે આવું છું અને સવારે મને રોજ સાહેબનો માર ખાવો પડે છે. હેમંત દફ્તરમાંથી નોટ કાઢતાં બોલ્યો. 

'હવે ના જોયો હોય લેસન કરવાવાળો. હમણાં પેલો કાળિયો, મેઘલો... સવલી... બધાં આવીને બોલાવશે તો કેવો દોડી પડ્યો હોય અને મારી સાથે આવતા તને શું ઘા વાગે છે?

'હા... હા... જા તારી સાથે મારે નથી આવવું.' બોલતો હેમંત તેર-ચૌદ વર્ષની પુષ્પા તરફ ગુસ્સાથી જોઈ રહ્યો. તેના ફ્રોકનાં અર્ધા બટન તૂટી ગયાં હતાં. તેના વાળ હવામાં ઉડતા હતા. હવામાં ઊડતા ઝટિયા તે વારંવાર સરખા કરી રહી હતી. 

'સારું; નહીં આવે તો. હવે આવજે મને બોલાવવા. ' વિલુ મોં કરતી પુષ્પા મંદિર તરફ એકલી જવા નીકળી.

'અરે ઉભી રહે પુષ્પા! હું આવું છું. હું તો મજાક કરતો હતો'. બોલતા હેમંત દફ્તરમાં પુસ્તકો ગોઠવી ખીંટીએ દફતર લગાવી પુષ્પા સાથે મંદિર તરફ જવા નીકળ્યો.

સવાર-સાંજ બંને સાથે જ રહેતાં. ક્યારે પુષ્પના નાજુક રુપકડા હાથને પકડીને હેમંત તેને મંદિરની પાછળના ઢાળમાં આવેલી વનરાજી વચ્ચેના ખળખળ વહેતા પાણીના ધરા પાસે લઈ જઈ બંને પથ્થર ઉપર બેસતાં, મંદિરનો પ્રસાદ ખાતાં અને કેટલીય પળો શૂન્યમનસ્ક ચહેરે કાં તો એકબીજા સામે જોઈ રહેતાં- અથવા તો કશા જ કારણ વગર નાના નાના પથ્થરો ધરામાં ફેકતા.. અને પાણીમાં સર્જાતા વર્તુળો જોયાં કરતાં.

ગામની તળેટીમાં મંદિરે રોજ સવારે બંને સાથે જ આરતી ગાવા પહોંચી જતાં. ઉંમર સાથે પુષ્પા ફ્રોકમાં કાયાને ઢાંકતી કિશોરીના મનમાં અવનવા ભાવો સર્જાઈ જતા.

એક દિવસે પુષ્પા વિશદપૂર્ણ હેતાળ નજરે હેમંતને જોઈ રહી. એનાથી ઊંચેરા પડછંદ હેમંત- તે દિવસે મંદિરે સાથે ન આવવાનું કારણ યાદ આવતાં એકાદ ક્ષણ માટે પુષ્પા વિહ્વળ બની ગઈ.


એક સાંજે...

'પુષ્પા, જો પેલો સૂરજ કેવો ધરતીમાં સમાવવા માટે જઈ રહ્યો છે. હવે કેવું અંધારું થઈ જશે! હેમંત પશ્ચિમે આંગળી કરતા બોલ્યો. 

'હા, ચાલ. હવે હું જાઉં છું. મા ઘરે રાહ જોતી બેઠી હશે. પુષ્પાને ઘરની ચિંતા થઈ.

પુષ્પાની ઊછળતી કાયા જોઈને આજે જીંદગીમાં પહેલીવાર હેમંત ને અવની ઉપર ઉતરતાં અંધકારની બીક લાગતી હતી. કિશોરાવસ્થાનો ઉંબરો ઓળંગી યૌવનવયમાં પ્રવેશતી પુષ્પા મંદિરના પ્રાંગણમાં કશુંક બોલી ગઈ હતી- ત્યારથી હેમંતની ચિંતા વધી ગઈ હતી. 

સમયના વહેણ બદલાતાં રમતો બદલાતી રહી. બંને નજીક હોવા છતાં ગામ લોકોની નજરથી દૂર રહેવા લાગ્યાં. 

એકાંત મળતાં બંને ખળખળ વહેતાં ઝરણા પાસે જઈ બેસતા. થોડેક દૂર એ ઝરણું સરીને પાષણ પરથી નીચે મોટા અવાજ સાથે ધોધની જેમ દડતું-

'પુષ્પા... ' હેમંત બોલ્યો.

'શું છે...?'

'આજે તને થયું છે શુ...?'

'કહું...?' આંખો નચાવતી પુષ્પા બોલી.

'હા... ' હેમંત પુષ્પાની વધારે પાસે બેઠો.

'હેમંત... બીજાની વાત મને ખબર નથી. હું તો મારી જ વાત જાણું છું અને તારી આંખમાં મેં જે જોયું છે તે જાણું.' પુષ્પા બોલી. 

'શું જોયું છે?'

'અરે મારા ભોળા મહાદેવ.... હવે આપણી ઉંમર ઢોર ચરાવવાની કે ઘર ઘર રમવાની રહી નથી... ઘર માંડવાની થઈ છે.' પુષ્પાની કમનીય છાતી હાંફવા માંડી. એના ઉર આંદોલનને હેમંત કામુક નજરે જોઈ રહ્યો. અને પુષ્પા હજી કંઈ આગળ બોલે એ પહેલા હેમંત ઊભો થઈને વળગી પડ્યો. એની વિશાળ છાતીમાં પુષ્પાની કાયાને ભીંસી દીધી અને બોલી ઉઠ્યો. 'ખરેખર પુષ્પા તું સાચું કહે છે. હવે આપણી ઉંમર લગ્ન કરવાની થઈ છે.'

'હેમંત...' કહેતી પુષ્પા હેમંતના દેહને જોરથી વીંટળાઈ વળી. કેટલીય પળો સુધીનાં પ્રગાઢ આલિંગનો પછી છૂટાં પડયાં ત્યારે પુષ્પાના નયનો શરમના માર્યાં ધરતી પર ઝૂકી ગયાં અને હેમંત પ્રેમાળ નજરે પુષ્પાને નીરખી રહ્યો.


'ઘર માંડતા પહેલાં કમાતાં શીખવું પડશે...' પુષ્પા નાનકડો પથ્થરનો ટુકડો બીજા પથ્થર સાથે ઘસતા બોલી.

'વાત તો સાવ સાચી છે. પણ એનોય બંદોબસ્ત થઈ ગયો છે. આઈ.ટી.આઈ. પૂરું થવા દે... મોટાભાઈને ટપાલથી જાણ કરી છે. મને પણ તે શહેરમાં ક્યાંક ગોઠવી દેશે. હેમંત બોલ્યો.

અંધકારના ઓળા પથરાવા માંડ્યા. પવનની પાંખે ઝૂલતાં પર્ણોનો અવાજ વાતાવરણમાં તેમજ બે કોમળ યુવાન હૈયાનાં દિલમાં ગુંજી ઊઠ્યો.

નક્કી થયેલા સમયે શહેરથી મોટા ભાઈ આવ્યા. 

હેમંત જ્યારે પુષ્પાની વિદાય લેવા આવ્યો હતો એ સાંજ પુષ્પાના હૈયે આજ પણ અકબંધ છે. પુષ્પાને બરાબર યાદ છે. બંનેનાં હૈયાંમાં આનંદ હતો. આંખમાં શોક હતો. ચહેરામાં વિયોગી જીવનનો લેખ હતો.

'પુષ્પા, તારાથી અલગ થવું એક પળ માટે પણ મને નહિ ગમે. પણ થોડા સમય માટે આપણે આ જુદાઈ સહેવી જ રહી. હું શહેરમાં સેટ થઈ તરત જ તને અહીંથી લઈ જઈશ. ' હેમંત બોલ્યો. 

'હેમંત, શહેરમાં જઇને મને ભૂલી તો નહી જાય ને...?' પુષ્પાની આંખ ભીંની બની.

'અરે ગાંડી, આ શું બોલી? તને મારા પર ભરોસો નથી?' 

'હેમંત, મને શહેર નો ડર લાગે છે.'

'અત્યાર સુધી તો તું જ કહેતી હતી કે કોઈ કામ- ધંધો કરતો થઈ જા; પછી...'

'પણ હેમંત...' પુષ્પના ગળે ડૂમો વળ્યો.

'જો પુષ્પા, તું ચિંતા કરીશ નહિ. હું દર અઠવાડિયે તને ટપાલ લખતો રહીશ. તું પણ મને ટપાલ લખજે એટલે તને એકલવાયું નહિ લાગે.'

તે સાંજે એકબીજાને કોલ આપતાં માની સાક્ષીએ મંદિર બહાર આવેલા પવિત્ર થાંભલે પ્રેમના પ્રતીકરૂપ એક ધાગો બાંધ્યો...

અને આમ, બન્નેનો પ્રેમ અવનવા રૂપ લઈને પોતાની વાટિકાના મનોહર રંગોમાં ફેરવાઈ રહ્યો હતો બરાબર એ જ વખતે હેમંત કોલ આપીને ચાલ્યો ગયો.

દિવસો તે પછીના મહિના... વરસ બનીને વહેતા રહ્યાં. શરૂઆતમાં નિયમિત ટપાલ મળતી રહી. ટપાલમાં હેમંત અવનવી વાતો જણાવતો. પુષ્પા હેમંતની ટપાલ વાંચી શહેરનાં સ્વપ્નોમાં ખોવાઈ જતી...

પણ... 


વરસ બે વરસ અને આમ પૂરાં સાત વરસનો સમયગાળો પૂરો થવા આવ્યો હતો. ધીમે ધીમે હેમંતની ટપાલ આવતી બંધ થઈ ગઈ. પુષ્પાની ટપાલ નો કોઈ જવાબ મળતો નહોતો. જાણે હેમંત હાથતાળી દઈને નાસી ગયો...? ભર્યા ભર્યા સંસારમાં પુષ્પા એકલી થઈ ગઈ. એકલાપણું અનુભવવું એ હળાહળ વિષ પીવા જેવું હતું.

શહેરની માયાવી જાળમાં હેમંત પુષ્પાને જાણે સાવ વિસરી ગયો.

પુષ્પાનાં મા-બાપે પુષ્પાને ખૂબ સમજાવી. પણ તે કોઈની વાત માનવા તૈયાર નહોતી. વિજોગણ બનીને રહી. તેના હૈયાને એક આશા હતી- હેમંત એક દિવસ જરૂરથી આવશે. તેનું વચન તે પાળશે.

અને ખરેખર એવું બન્યું. હેમંતની ટપાલ મળી. આજે સાંજે શહેરની આવતી છેલ્લી બસમાં તે આવવાનો હતો. 


પુષ્પા ની નજર દૂર રસ્તા ઉપર હતી.

મંદિરની ઝાલર વાગી. શંખ ફૂંકાયો. પળવાર પછી આરતી શરૂ થવાની તૈયારીમાં છે.

પુષ્પાનું હૈયું એક એક પળે જોર જોરથી ધબકી રહ્યું છે. તેણે માને પ્રાર્થના કરી.

ત્યાં દૂરથી શહેર તરફથી આવતી એક એસ.ટી. બસ ઉપર પુષ્પાની નજર પડી...

મંદિરમાં આરતી નો ડંકો વાગ્યો ત્યાં જ બસ આવી પહોંચી. એક પછી એક પ્રવાસીઓ ઊતરતા ગયા. પુષ્પાની નજર ઊતરતા પ્રવાસીઓ તરફ મંડાયેલી રહી. ધીમે ધીમે આખી બસ ખાલી થઈ...

' પુષ્પાની આંખમાં આંસુ આવી ગયાં. નિરાશ થઈને તે મંદિર તરફ જતી હતી ત્યાં...'

'પુષ્પા...' બોલતો હેમંત ઘોડીના સહારે બસમાંથી બહાર આવ્યો.

પુષ્પાની નજર હેમંત ઉપર પડતાં જ હૈયાની ખુશીનો પાર ન રહ્યો. એનું જીવતર મોહરી ઊઠ્યું.

'હેમંત...' બોલતી હેમંત ને ભેટી પડી.

મંદિરની આરતી શરૂ થઈ ગઈ હતી... બંને માનાં દર્શન કરવા ગયાં.


હેમંતે શહેરમાં તેની સાથે બનેલી દુર્ઘટનાની વિગતે વાત કરી. ટપાલ નહિ લખવાનું કારણ જણાવ્યું. અને હજુ પણ પુષ્પા તેની રાહ જોઈ રહી છે તેવા સમાચાર મળતાં તે અહીં દોડી આવ્યો હતો.

હેમંતની વાત સાંભળતાં પુષ્પા બોલી, હેમંત, તું અપંગ થઈ ગયો એટલે હું તને છોડીને બીજા લગ્ન કરી લઉં...? તને મારા ઉપર ભરોસો નથી ? હેમંત, મેં તને ખરા દિલથી પ્રેમ કર્યો છે. આ કાળજે તારું જ નામ કોર્યું છે. એક- બે વરસ તો શું હું તારી રાહ જન્મોજન્મ સુધી જોવા તૈયાર છું. હેમંત, આ ઘોડી મારું સ્થાન નહિ લઈ શકે... મારા ખભે હાથ દઈને ચાલો, હું તમારી જીવતી લાકડી છું...'

હેમંતે પુષ્પાના ખભે હાથ દીધો. બંને માના શરણે શીશ નમાવી ધીમા પગલે ગામ તરફ જઈ રહ્યાં... ત્યારે મંદિરેથી માતા મહાલક્ષ્મી બંને ઉપર આશીર્વાદ વરસાવી રહ્યાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama