કાળજાનો કટકો
કાળજાનો કટકો
સફેદ સ્કર્ટ, લાલ ટૉપ, ભરાવદાર શરીર અને છુટ્ટા વાળમાં સજજ ખુશ્બુ કોલેજમાં સૌના આકર્ષણનું કેન્દ્ર હતી. ખુશ્બુ ભણવામાં પણ હોશિયાર હતી. ખુશ્બુના પિતા રાજેશભાઇ માટે તે તેમનું અનમોલ રત્ન હતી. ખુશ્બુનાં મમ્મી પપ્પાની ઈચ્છા તેને ડૉક્ટર બનાવવાની હતી. જયારે ખુશ્બુ અભિનેત્રી બનવાના સપનાં જોતી.
તે કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારે તેની મુલાકાત તેનાથી અલગ જ્ઞાતિના અજય સાથે થઈ. અજય ઊંચો દેખાવડો યુવક હતો. બંનેના યુવાહૃદયો ધડકવાં લાગ્યાં. તેઓ એેકબીજાનો સહવાસ ઈચ્છતા. થોડાં મહિનામાં તો બંનેનો પ્રેમ તમામ મર્યાદાઓ ઓળંગી ગયો. ખુશ્બુ અજય સાથે મુંબઈ જવાના તથા અભિનેત્રી બનવાના સપના જોવા લાગી. અજયે તેને મોડલિંગથી શરૂઆત કરવા સમજાવ્યું. તે ખુશ્બુને સ્ટુડિયોમાં લઇ ગયો જયાં તેણે ખુશ્બુના બિભત્સ ફોટા પણ પડાવ્યા.
થોડાં સમયમાં ખુશ્બુના આવા બીજી જ્ઞાતિના પ્રેમની જાણ તેના મમ્મી, પપ્પાને થતાં તેમણે ખુશ્બુના લગ્ન બીજે નકકી કરી દીધા. સગાઈના દિવસે ખુશ્બુ ક્યાંય નહીં દેખાતા તેના પિતા રાજેશભાઇએ તેની શોધખોળ આદરી. ખુશ્બુની પથારીમાંથી તેની મમ્મીને એેક ચિઠ્ઠી મળી. જેમાં લખ્યું હતું,
“હું અજયને ખૂબ જ પ્રેમ કરું છું. મને ખબર છે કે આપણો સમાજ અમારા લગ્નનો સ્વીકાર નહીં કરે. વળી, મમ્મી આપ તો જાણો છો કે મને બાળપણથી જ અભિનેત્રી બનવાની ઈચ્છા છે. અજય મારી સાથે લગ્ન કરી મારું અભિનેત્રી બનવાનું સપનું પૂરું કરશે. તમે મારી શોધખોળ ના કરશો.”
રાજેશભાઇના પગ તળેથી જમીન સરકી ગઇ ! તેમણે કયારેય કલ્પના પણ ન’હોતી કરી કે તેમનો કાળજાનો કટકો તેમને આવો તીવ્ર આઘાત પહોંચાડશે. ખુશ્બુ તો અજય સાથે મુંબઈ આવી ગઈ. બંને જણા એેક હોટલમાં રોકાયા. બીજા દિવસે અજય તેને ફરવા લઇ ગયો તથા એેક મોટાં માણસ સાથે ખુશ્બુની મુલાકાત કરાવી.
ખુશ્બુ જયારે પણ અજયને નિકાહ માટે કહેતી ત્યારે તે કોઇને કોઇ બહાનું કાઢતો. હવે, તેને પોતાના પરિવારની યાદ આવી પરંતુ પોતાના મમ્મી, પપ્પા સાથે કયા મોંઢે વાત કરે ? વળી, અજયે તેનો ફોન લઈ લીધો તથા નંબર પણ બદલી નાખ્યો એટલે ખુશ્બુના પરિવારજનો તેનો કોઈ પણ સંપર્ક ના કરી શકે. બસ, દિવસ રાત તે અજયની હવસનો શિકાર બનતી.
એેક દિવસ અજય ખુશ્બુને કોઈ ફિલ્મ નિર્માતાને સોંપી પોતે ત્યાંથી નીકળી ગયો. તે નિર્માતાને ખુશ્બુના અભિનયમાં ઓછો અને શરીરમાં વધુ રસ હતો. તેણે ત્યાંથી ભાગવાના પ્રયત્ન કર્યા પરંતુ સઘળાં નિષ્ફળ ! આખી રાત તેનું શરીર દર્દભરી ચીસો સાથે પીંખાતું રહ્યું.
બીજા દિવસે અજય તેને લેવા આવ્યો. ખુશ્બુએ તેને થપ્પડ મારી તો અજયે પણ તેની પર હાથ ઉપાડી કહ્યું,
“અભિનેત્રી બનવા માટે આવું બધું કરવું પડે અને હા... હવે, મારી પાસે પૈસા નથી એટલે જ્યાં સુધી તું કોઈ અભિનેત્રી નહીં બનું ત્યાં સુધી તારે આ કામ કરવું પડશે. મેં તારા ફોટાઓ બધે ફરતાં કરી દીધા છે. તું ગ્રાહકોને ખુશ કરીશ તો આ કામમાં સારી કમાણી છે.”
ખુશ્બુ નિશ્ચેતન બની સાંભળી રહી પછી તો રોજ નવાં લોકો તેના શરીર સાથે રમવાં લાગ્યાં. તે નર્કની યાતના ભોગવવા લાગી.
એેક દિવસ અજય બહાર ગયો ત્યારે ફોન ભૂલી ગયો. ખુશ્બુએ હિંમત ભેગી કરી પોતાના પિતાને ફોન કરી રડતાં કહ્યું,
“હેલો પપ્પા, મને બચાવી લો.”
ત્યાં તો ઈમરાને આવી ફોન ઝૂંટવી લીધો.
ખુશ્બુના મમ્મી - પપ્પા સમજી ગયાં કે ખુશ્બુ મોટા સંકટમાં છે. તેમણે પોલીસની મદદ લીધી અને પોતાની દીકરીને શોધવા મુંબઈ પહોંચી ગયાં. સાત દિવસની સખત શોધખોળને અંતે તેમનો કાળજાનો કટકો તેમને મળ્યો. માતા, પિતા તથા લાડકવાયી દીકરીનું એેક વર્ષ બાદ મિલન થયું. આંખોમાં આવેલા ચોંધાર આંસુએ એેકબીજા સાથે વાતો કરી લીધી.
