Prashant Subhashchandra Salunke

Drama Classics

5.0  

Prashant Subhashchandra Salunke

Drama Classics

કાળી બિલાડી

કાળી બિલાડી

9 mins
919


શ્રીમંત પરિવારના જશોદાબેન સ્વભાવે ખૂબ રૂઢીચુસ્ત હતા. તેઓ ખૂબ જ ધાર્મિક હતા. તેમણે ઘરમાં એક કાળી બિલાડી પાળી હતી. આખા ઘરમાં આ કાળી બિલાડી બેરોકટોક ફરતી રહતી. આ બિલાડી જશોદાબેનને જીવથી પણ વહાલી હતી જોકે આમપણ તેઓ સ્વભાવે ખૂબ પ્રેમાળ હતા જ પરંતુ વહુ સેન્ડી સામે આવતા જ તેમનો મિજાજ બદલાઈ જતો. એકના એક દીકરાએ પરણીને ઘરમાં લાવેલી વિદેશી વહુ “સેન્ડી ડેવ્હ” એમને દીઠી ગમતી નહોતી. સેન્ડીનો જન્મ મૂળ ભારતનો પરંતુ તે નાનપણમાં જ માબાપ સાથે વિદેશમાં જઈ વસી હતી. સુહાસ જોડે તેની ફેસબુક પર મુલાકાત થઇ અને વોટ્સએપ પર તે બન્નેનો પ્રેમ પાંગર્યો. એકદિવસ જયારે સેન્ડી તેના માતાપિતા સાથે ભારત પાછી આવી હતી ત્યારે સુહાસને તેની જાણ થઇ. સુહાસ તેને મળ્યો અને બન્નેએ મંદિરમાં જઈ લગ્ન કરી લીધા હતા. જશોદાબેનને જયારે આ વાતની જાણ થઇ ત્યારે તેમને ખૂબ આઘાત લાગ્યો હતો. જયારે સુહાસ સેન્ડીને ઘરે લઇ આવ્યો હતો ત્યારે જશોદાબેન ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.

સુહાસ જયારે પણ સેન્ડી વિષે વાત કરતો ત્યારે જશોદાબેન અકળાઈને બોલતા, “સુહાસીયા, વિદેશીઓથી માંડમાંડ આઝાદ થયેલા ભારત દેશમાં તું એ વિદેશી લાડીનો ગુલામ થયો છું. યાદરાખ તું બ્રાહ્મણ છું... બ્રાહ્મણ... ખબર નહીં કંઇ જાતની અને કયા ગોત્રની છોકરી ઉઠાવી લાવ્યો છે તે.”

સુહાસ, “પણ મમ્મી....”

જશોદાબેન, “ચૂપ.. બેશરમ... મારે તારી સેન્ડી કે કેન્ડી વિષે કશું જાણવું નથી અને સાંભળ કાલે ઘરમાં તારા પિતાજીનું શ્રાદ્ધ છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ હું પાંચ બ્રાહ્મણોને જમાડવાની છું. તો ધ્યાન રાખજે કે તારી સેન્ડી કોઈ ગરબડ ન કરે. આપણી જાતિની હોત તો મદદરૂપ લાગી હોત પણ આ...”

સુહાસ ચુપચાપ ત્યાંથી જતો રહ્યો.

જશોદાબેન અને મહાદેવભાઈનું લગ્નજીવન ખૂબ જ સુખી હતું પરંતુ જાણે કોઈકની નજર લાગી ગઈ હોય તેમ મહાદેવભાઈનું અકાળે અવસાન થયું હતું. તેમની યાદમાં જશોદાબેન ભાદરવા મહિનાના શ્રાદ્ધપક્ષમાં ખૂબ દાન-પુણ્ય કરતા. તેઓએ પાંચ બ્રાહ્મણોને જમાડવાનો નિયમ રાખ્યો હતો.

આજેપણ તેમના ઘરે પાંચ બ્રાહ્મણો જમવા આવવાના હતા તેથી સવારથી જ જશોદાબેન રસોડામાં વ્યસ્ત હતા. ખીર-પૂરી, લાડુ જેવા વિવિધ પકવાનો તેમણે બનાવ્યા હતા. સુહાસ પણ માતાની ઈચ્છા પૂરી કરવામાં કોઈ કચાશ રાખતો નહીં. તે પણ સવારથી જ માતાને નાનામોટા કામમાં મદદરૂપ થઇ રહ્યો હતો.

આ બધું ચાલતું જ હતું કે ત્યાં સેન્ડી રસોડામાં આવી.

રસોડામાં ચાલતી રસોઈની ધમાલ જોઈ તે બોલી, “વોટ આર યુ ડુઈંગ? ટમેં લોકો આ શું કરો છો?”

આ સાંભળી કામવાળી કાંતામાસી બોલ્યા, “સુહાસભાઈ ગમે તે કહો પણ તમે બૈરું બાકી મસ્ત લાવ્યા છો. શું ફાંકડું ગુજરાતી અને હિન્દી બોલે છે. કાલે બારણા પર એક ભિખારી આવ્યો હતો. મેડમ પાસે જમવાનું માંગતો હતો. તો મેડમ તેને કહે કે ટમાટર ખા.. ટમાટર...”

સુહાસ હસીને બોલ્યો, “ટમાટર???”

કાંતામાસી ગેલમાં આવી બોલ્યા, “હા, બિચારો મેડમને કહે, સારું ત્યારે ટમાટર આપો. તો મેડમ વળી તેને કહે.. ટમાટર ખા.. ટમાટર...”

સુહાસ અવાકપણે સેન્ડીને જોઈ રહ્યો.

સેન્ડીએ એક ગરમાગરમ પૂરી ઉઠાવી મોઢામાં નાખતા કહ્યું, “હા, સબકો ટમાટર હી ખાના ચાહીએ...”

જશોદાબેને અકળાઈને કહ્યું, “બસ કર કાંતા.. એ તો આપણું કોઈ પુણ્ય કે તેને આટલુંયે બોલતા આવડે છે. એ ભિખારીને કમાકર ખા.. એવી સલાહ આપતી હતી. સુહાસ હવે તારી આ ચિબાવલીને કહે કે અહીં રસોડામાં બધે મોઢું મારતી ના ફરે હજી નૈવેધ બાકી છે અને તે... હટાવ એને અહીંથી નહીંતર છૂટું વેલણ મારીશ. પછી મને કંઇ કહેતો નહીં....”

સુહાસ બોલ્યો, “સેન્ડી તું અંદર જા...”

સેન્ડી, “પણ આ શો થઇ રહ્યા છે?”

સુહાસ, “સેન્ડી આજે મારા પિતાજીનું કાગવાસ છે.”

સુહાસે સેન્ડીને આગળ સમજાવ્યું.

સેન્ડી બોલી, “ઓહ! માય ગોડ! વોટ એ ટેકનોલોજી! મતલબ અહીંયા આપેલો ભોજન ત્યાં સ્વર્ગમાં પિતાને મળે છે..”

જશોદાબેન રોષે ભરાઈને બોલ્યા, “વાહ! મારી વોટ્સએપ રાણી.. જુઓ તો કેવો જ્ઞાનનો પ્રકાશ સર્વત્ર ફેલાવ્યો. આહાહા... આખો ઓરડો તેના તેજથી ઝગારા મારી રહ્યો છે.”

સુહાસે સેન્ડીને સમજાવતા કહ્યું, “સેન્ડી, શ્રાદ્ધપક્ષમાં દરેક સનાતનધર્મી પોતાના પિતૃઓને યાદ કરે છે. આ સોળ દિવસ દરમિયાન એ દરેક આત્માઓની ક્ષમાયાચના કરવી - જેના કારણે આપણું અસ્તિત્વ છે જેની સંપત્તિ પર આપણો અધિકાર છે. આ નિમિત્તે આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ. સંતાનોને પણ તેમના પૂર્વજો વિશે માહિતી મળે છે. દરેક માતાપિતા તેમના પૂર્વજોના કર્મોથી સંતાનને વાકેફ કરાવે છે અને શ્રદ્ધાથી તેમને યાદ કરી તર્પણ કરે છે. આ દિવસ નિમિત્તે બ્રાહ્મણ ભોજન, કાગવાસ, ગોગ્રાસ કે ગરીબોને દાન, વસ્ત્રદાન વગેરે કરવું, તે જ સાચું શ્રાદ્ધ છે.”

જશોદાબેને ખુશ થતા સેન્ડીને કહ્યું, “લે લેતી જા.... વાહ બેટા... ”

સેન્ડીએ બીજી એક પૂરી ઉઠાવતા કહ્યું, “માથાજી, ટમારી પુરીઓ ગુડ હોય છે.”

જશોદાબેને વેલણ ઉગામ્યું.

સુહાસે કહ્યું, “રહેવા દે ને બા... પહેલા એક ખાધી જ હતી ને..”

જશોદાબેન, “તું એને સમજાવી દે કે મને માતાજી ના બોલાવે..”

સુહાસ, “તો બિચારી તને શું કહીને બોલાવે?”

જશોદાબેન, “કંઈપણ.. પણ માથાજી... સોરી.... માતાજી નહીં...”

બપોરે બ્રાહ્મણો આવ્યા. સેન્ડી એક ખૂણામાં ઊભી રહી ધ્યાનથી બધું જોઈ રહી હતી જેથી આવતા વર્ષે તે જશોદાબેનને મદદરૂપ થઇ શકે.

જમવાનો સમય થઇ ગયો હતો.

જશોદાબેને સહુ પહેલા કાળી બિલાડીને એક ટોપલા નીચે ઢાંકી અને પછી મહાદેવભાઈની તસવીરને સુખડનો હાર પહેરાવ્યો. સુહાસે તસવીર સામે ધૂપ અગરબતી કરી. સુહાસે ઇશારાથી સેન્ડીને નજીક બોલાવી. ત્રણેય જણાએ શ્રદ્ધાપૂર્વક મહાદેવભાઈની તસવીરને નમસ્કાર કર્યા.

જશોદાબેને સુહાસને દૂધ-ભાતનો પડીયો આપ્યો જે સુહાસ અગાશી પર મૂકી આવ્યો. આ દરમિયાન બ્રાહ્મણો પણ આવવા લાગ્યા. જશોદાબેને આદરપૂર્વક તેમને આસન પર બેસાડ્યા. પાંચ બ્રાહ્મણોની પૂજા કરી જશોદાબેને તેમને જમવાનું પીરસ્યું. બ્રાહ્મણોએ પેટ ભરીને ભોજન ગ્રહણ કર્યું. ભોજન બાદ તેઓએ આશીર્વાદ આપી વિદાય લીધી. બ્રાહ્મણો ગયા પછી જશોદાબેને બિલાડીને ટોપલામાંથી બહાર કાઢી અને પછી તેને પણ દૂધ-ભાત ખવડાવ્યા.

***

આ વાતને મહિનાઓ વીતી ગયા. સેન્ડી પણ હવે ગુજરાતી સારું એવું બોલતા શીખી ગઈ હતી. સુહાસે જશોદાબેન માટે ત્રણ મહિના માટેની ચાર-ધામની યાત્રાની ટીકીટ બુક કરાવી, જશોદાબેન ચારધામની યાત્રાએ જવા નીકળતા જ હતા કે એક દુ:ખદ ઘટના બની જશોદાબેનની વહાલી બિલાડી મરણ પામી. જશોદાબેન ખૂબ દુઃખી થયા.

સુહાસે જશોદાબેનને સમજાવતા કહ્યું, “બા, યાત્રાએ આમ દુઃખી મને ન જવું જોઈએ. તું ચિંતા ન કરીશ તું યાત્રાએથી જેવી પાછી આવીશ તેવો હું તારા માટે બીજું બિલાડીનું બચ્ચું લઇ આવીશ.”

જશોદાબેન બોલ્યા, “બેટા, બિલાડીનું મરવું કોઈ અપશુકન તો નથી ને?”

સુહાસે કહ્યું, “બા, જન્મ-મરણ તો કુદરતનો નિયમ છે.”

સુહાસની આ વાત સાંભળી જશોદાબેન ચોંકી જતા બોલ્યા, “અરે! એક મહિના પછી તો ભાદરવો મહિનો છે. શ્રાદ્ધમાં હું ઘરે હાજર ન રહું એ કેવું કહેવાય? ના.. ના.. મારે નથી જવું તીર્થયાત્રાએ.”

સેન્ડી બોલી, “માતાજી, તમે ચિંતા ન કરો. મને બધું બરાબર યાદ છે. હું બાપુજીના શ્રાદ્ધમાં કોઈ કમી નહિ રહેવા દઉં તમે સહેજપણ ચિંતા ન કરતા.”

જશોદાબેન સુહાસને બોલ્યા, “બેટા, આપણા બ્રાહ્મણના ખોરડા કદાચ નાના હોય પણ મન અને મહેમાનગતી તો મોટા જ હોય. આ ચિબાવલીની વાત પર મને બિલકુલ ભરોસો નથી તું મને વચન આપ કે તું વ્યવસ્થિતપણે પિતાજીનું શ્રાદ્ધ કરીશ અને આદરસત્કાર તથા રિવાજોના પાલન સાથે પાંચ બ્રાહ્મણોને જમાડીશ.”

સુહાસે કહ્યું, “હા... બા.. હું તને વચન આપું છું.. બસ..”

પુત્ર અને પુત્રવધુને આશીર્વાદ આપી જશોદાબેને ચારધામની યાત્રાએ પ્રયાણ કર્યું.

***

એક મહિના પછી શ્રાદ્ધપક્ષ આવ્યું. સુહાસે પાંચ બ્રાહ્મણોને ઘરે જમવા માટે બોલાવ્યા. સેન્ડી સવારે જલ્દી જલ્દી ઉઠીને તૈયારીઓમાં લાગી ગઈ હતી. બધું બરાબર ચાલતું હતું તે છતાંયે સેન્ડીને કંઇક ખૂટે છે એમ લાગ્યા કરતું હતું. રસોઈ તૈયાર થઇ ગઈ. બ્રાહ્મણોના આવવાનો સમય પણ થઇ ગયો હતો. સેન્ડીએ સુહાસને મહાદેવભાઈની તસવીર પર સુખડનો હાર પહેરાવવા આપ્યો. સુહાસ તસવીરને હાર પહેરાવી જ રહ્યો હતો કે ઓચિંતી કોઈ વાત યાદ આવતા સેન્ડીએ ચીસ પાડતા કહ્યું, “યાદ આવ્યું! સાંભળો છો? માતાજી પૂજા પહેલા કાળી બિલાડીને ટોપલી નીચે રાખતા અને જયા સુધી બ્રાહ્મણોનું ભોજન ન થાય ત્યાં સુધી એ કાળી બિલાડી ટોપલી નીચે જ રહેતી અને જેવા બ્રાહ્મણો ભોજન ગ્રહણ કરી જતા રહેતા ત્યારે જ માતાજી કાળી બિલાડીને ટોપલા નીચેથી કાઢી તેને દૂધ અને ભાત ખવડાવતા.”

તસવીરને હાર પહેરાવતા અટકી ગયેલા સુહાસે આશ્ચર્યથી કહ્યું, “એમ?”

સેન્ડીએ કહ્યું, : “હા, બ્રાહ્મણોને જમાડતા પહેલા તમે કાગડાને દૂધ-ભાત ખવડાવતા અને બ્રાહ્મણોના જમ્યા પછી માતાજી કાળી બિલાડીને દૂધ-ભાત ખવડાવતા હતા!”

સુહાસે કહ્યું, : “પણ હવે આપણી પાસે તો કાળી બિલાડી નથી! હવે શું કરવું?”

સેન્ડીએ કહ્યું, : “ગમે તેમ કરીને તમે કાળી બિલાડીની વ્યવસ્થા કરો. મેં માતાજીને વચન આપ્યું છે કે તેમની ગેરહાજરીમાં હું બાપુજીનું શ્રાદ્ધ વ્યવસ્થિતપણે પાર પાડીશ. જો બિલાડી નહીં મળે તો મને એમ લાગશે કે મેં મારું વચન પાળ્યું નથી. કાંઈક કરો.”

સુહાસે કહ્યું, “પણ અહી કોઈની પાસે બિલાડી નથી. હવે હું ક્યાંથી બિલાડીની વ્યવસ્થા કરું?”

સેન્ડી, “માત્ર બિલાડી નહીં. કાળા રંગની જ બિલાડી.”

સુહાસે કહ્યું, “કાળા રંગની?”

સેન્ડી, “હા જેમ કાગડા કાળા હોય તેમ આ બિલાડી પણ કાળી હોવી જ જોઈએ.”

સુહાસ. “સેન્ડી, બિલાડી મળવાના ફાંફા છે તેમાં આ કાળી બિલાડી મને ક્યાંથી મળશે? વળી બ્રાહ્મણોના આવવાનો સમય પણ થઈ ગયો છે.”

સેન્ડીએ કહ્યું, “હું તેઓને રોકી રાખીશ પણ તમે જલ્દી બાજુના ગામમાં જાઓ ત્યાં જરૂર કોઈકની પાસે કાળી બિલાડી હશે.”

સુહાસે કીક મારી બાજુના ગામમાં બાઈક હંકારી મુક્યું. એક પછી એક બધા બ્રાહ્મણો આવી ગયા. સેન્ડીએ હાથ જોડી તેમને વિનંતી કરતા કહ્યું, “સુહાસ, કાળી બિલાડીને લઈને આવતા જ હશે. તમે કૃપા કરી થોડીક રાહ જુઓ.”

લગભગ એક કલાક પછી સુહાસ હાંફતો હાંફતો આવી પહોંચ્યો. તેના હાથમાં કાળી બિલાડી હતી. એક ગામવાળાને પુરા ૧૦૦ રૂપિયા આપી તે એ કાળી બિલાડી ત્રણ કલાક માટે લઇ આવ્યો હતો. સેન્ડીએ ફટાફટ કાળી બિલાડીને ટોપલા નીચે મૂકી. ત્યારબાદ મહાદેવભાઈના ફોટાને સુખડનો હાર પહેરાવી પ્રણામ કર્યા. સુહાસ કાગડા માટે દૂધ-ભાત અગાશી પર મૂકી આવ્યો. હવે, બ્રાહ્મણોને જમવાનું પીરસવામાં આવ્યું. જમતા જમતા બ્રાહ્મણોએ બિલાડી અંગે પૂછ્યું ત્યારે સુહાસે તેની માતા જશોદાબેનના નિયમ વિષે તેમને કહી સંભળાવ્યું.

જશોદાબેન એક સમજદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હતાં, એમના આ કાર્યમાં જરૂર કોઈક ભેદ હોવો જોઈએ એમ વિચારી એક બ્રાહ્મણ બોલ્યો, “બેટા, તારા માતાજી જેવા ધર્મમાં માનનાર વ્યક્તિ અમે આજદિન સુધી નથી જોયા. તેઓ ધર્મ વિષે ઘણું બધું જાણે છે. જેમ શ્રાદ્ધમાં કાગડાનું મહત્વ છે એટલું જ મહત્વ કાળી બિલાડીનું પણ છે. બ્રાહ્મણોને ભોજન આપ્યા બાદ જ્યાં સુધી તમે કાળી બિલાડીને જમાડો નહીં ત્યાં સુધી તમારું તર્પણ સ્વીકારાતું નથી.”

સુહાસે ગર્વભેર સેન્ડી તરફ જોયું. સેન્ડી શરમાઈને નીચું જોઈ ગઈ.

***

આ ઘટના બાદ આખા શહેરમાં આગની જેમ કાળી બિલાડી અને શ્રાદ્ધમાં તેના મહત્વ વિષેની વાત ફેલાઈ ગઈ. સોશિયલ મીડિયામાં તો કાળી બિલાડીની પરંપરાના સમાચાર વાયરલ થઇ ગયા.

એ દિવસ પછી બધા લોકો શ્રાદ્ધમાં પૂજા પહેલા કાળી બિલાડીને ટોપલી નીચે રાખતા થયા. જેમની પાસે કાળી બિલાડી હતી તેઓ એક કલાકના ૧૦૦૦ રૂપિયે લેખે ભાડું લેવા માંડ્યા! કેટલાક લોકોએ બારણા પર પાટિયું પણ માર્યું “શ્રાધ માટે કાળી બિલાડી અમારે ત્યાં મળશે.”

***

ચારધામની યાત્રા કરી જયારે જશોદાબેન પાછા આવ્યા ત્યારે આવતાવેંત એમણે પૂછ્યું “બેટા, તારા બાપુજીનું શ્રાદ્ધ બરાબર કર્યું હતું ને? કોઈ કમી તો નહોતી રહી ગઈ ને?”

સુહાસે ગર્વભેર કહ્યું, “બા, તારી હોશિયાર વહુએ કોઈ કમી રહેવા નહોતી દીધી.”

જશોદાબેન બોલ્યા, “કોણે? આ ચિબાવલીએ?”

સુહાસ, “હા બા તને વિશ્વાસ નહીં પડે પણ શ્રાદ્ધને લગતી એકે એક વસ્તુ તેણે મોઢે કરી રાખેલી, અણીના સમયે કાળી બિલાડીની વાત પણ તેણે જ યાદ દેવડાવી નહીંતર...”

જશોદાબેન ચોંકીને બોલ્યા, “કાળી બિલાડી... એ કેમ?”

સેન્ડીએ કહ્યું, : “માતાજી, તમે ટોપલી નીચે કાળી બિલાડી ઢાંક્યા પછી જ પૂજા કરતા હતા ને? ત્યારબાદ બ્રાહ્મણોને વિદાય આપ્યા પછી તેને દૂધભાત ખવડાવતા હતા. બસ તમારો આ રિવાજ અમે જાળવી રાખ્યો.”

સુહાસે હસતાં હસતાં કહ્યું, “બા, બાજુના ગામમાંથી ૧૦૦ રૂપિયા આપી હું કાળી બિલાડી ભાડેથી લઇ આવ્યો હતો.”

જશોદાબેને માથા પર હાથ મૂકી કહ્યું, : “અરે! ચિબાવલી, તને ખબર છે એ કાળી બિલાડીને પૂરીઓ ખૂબ ગમતી. જો હું તેને ટોપલા નીચે ઢાંકીને ન રાખું તો તે જમી રહેલા કોઈ પણ બ્રાહ્મણની થાળીમાંથી પૂરી ઉઠાવીને ભાગી જાય અને તું એને રિવાજ સમજી બેઠી?” થોડુક અટકી તેઓ બોલ્યા, “સુહાસ જોયું? આવી નાની મોટી ગેરસમજને લીધે જ આપણી શ્રેષ્ઠ હિંદુ પરંપરાઓમાં કુરિવાજોની શરૂઆત થઇ છે.”

સેન્ડી ચુપચાપ માથું નીચું રાખીને ઉભી હતી. તેને જોઈ જશોદાબેન બોલ્યા, “વહુ બેટા આમ આવો....”

સુહાસ અને સેન્ડી બંનેને તેમના કાન પર ભરોસો થયો નહીં.

જશોદાબેન લાડથી બોલ્યા, “બેટા, મને એ વાતનો આનંદ છે કે વિદેશમાં રહી હોવા છતાયે તું આપણા રીત રિવાજોને શીખવાનો પ્રયત્ન કરી રહી છું.”

સેન્ડી દોડીને જશોદાબેનના ગળે વળગી પડી.

જશોદાબેન બોલ્યા, “બેટા, મને તારું આ સેન્ડી નામ બિલકુલે ગમતું નથી. શું આ જ તારું સાચું નામ છે?”

સેન્ડી, “ના... “

જશોદાબેન, “તો તારું સાચું નામ શું છે?”

સેન્ડી, “સંધ્યા દવે”

જશોદાબેને અચંબો પામી કહ્યું, “તો આ સેન્ડી ડેવ્હ શું છે?”

સંધ્યાએ હસતાં હસતાં કહ્યું, “યુ નો ઈટ ઇઝ અ સ્ટાઈલ.”

જશોદાબેને સેન્ડીને લાડમાં એક ધબ્બો મારતા કહ્યું, “ચિબાવલી, અમથી આટલા દિવસ ગાળો ખાધીને?”

સહુ કોઈ હસી પડ્યા.

જશોદાબેન જોડે હસી હસીને વાતો કરી રહેલી સંધ્યાને જોઈ સુહાસે નિરાંતનો શ્વાસ લેતા વિચાર્યું, “પૂરીનું તો ખબર નહીં પરંતુ સાસુ-વહુ વચ્ચેની તકરારને લઇ ભાગવામાં જરૂર સફળ થઇ છે એ કાળી બિલાડી.”


Rate this content
Log in

Similar gujarati story from Drama