જૂનું ઘર
જૂનું ઘર
આજે સવારથી જ મન ભારે હતું. મકાન શિફ્ટ કરવાનું હતું એટલે આજે ઓફિસ પણ નહતી ગઈ. મનમાં કોઈ પ્રકારની હલચલ ચાલી રહી હતી. કંઈ શુઝ નહતી પડતી એટલે ઓફિસમાં કામ કરતા વિશાલ ભાઈને મદદ માટે બોલાવી લીધા. થોડી જ વારમાં વિશાલ ભાઈ આવી ગયા પણ એ કંઈ ખોવાયેલા લાગતા હતા. મેં પૂછ્યું," શું થયું વિશાલભાઈ ? કઈ તકલીફ છે ?" વિશાલભાઈ જવાબ આપ્યો," મેડમ, થોડા દિવસથી શહેરમાં મન નથી લાગતું. તમે રજા આપતા હો તો બે ત્રણ દિવસ માટે મારા ગામ જઈ આવું." હું આમેય ડિસ્ટર્બ તો હતી જ અને એવામાં વિશાલભાઈ એ રજા માંગી એટલે મને થોડો ગુસ્સો આવી ગયો. મે એમને થોડા કડક સ્વરમાં જવાબ આપ્યો" હજી હમણાં બે મહિના પહેલા તો તમે રજા લઈને તમારા ગામ ગયા હતા. આમ ઘડી ઘડી ગામ જવા માટે રજા લેતા રહેશો તો તમારી પ્રગતિ કઈ રીતે થશે. જીવનમાં આગળ જોતા શીખો. આ શહેરે તમને શું નથી આપ્યું. તમામ પ્રકારની સુખ સુવિધા અને સગવડ બધું જ તો છે અહીં પછી શું દાટ્યું છે નાનકડા ગામમાં કે ઘડી ઘડી તમારું મન ત્યાં જવા માટે ઝંખે છે ? અને આમેય મારુ મકાન શિફ્ટ થાય છે માટે મને તમારી જરૂર પડશે. મહેરબાની કરીને હમણા રજાની વાત ના કરશો." મારી વાત સાંભળીને વિશાલભાઈનું મોઢું પડી ગયું પરંતુ મારી પોતાની દ્વિધામાં અટવાયેલું મારું મન કદાચ તેમની વ્યથા સમજી ન શક્યું. અને અમે બંને અમારા કામે વળગી ગયા.
બધોજ સામાન પેક થઈ ગયો હતો અને હવે માત્ર ટ્રકની રાહ જોવાઈ રહી હતી. મને એક એક ક્ષણ મને ભારે લાગવા માંડી. આ પ્રકારની મિશ્ર લાગણીનો અનુભવ કદાચ જીવનમાં પહેલી જ વાર થયો. ખુશી એ વાતની હતી કે વર્ષો જૂનું મારુ એક સપનું કે આ વિશાળ ધરતી ના કોઈ એક ખૂણામાં મારું પોતાનું એક ઘર હોય એ સપનું આજે સાકાર થઈ રહ્યું હતું. ખુશ કેમ ન હોય ? એ નાનકડા ઘર ને મારી મહેનતથી બનાવ્યું હતું અને સુંદર સપનાઓથી સજાવ્યું હતું. કલરથી માંડીને ફર્નિચર, પડદા અને તમામ વસ્તુઓ મેં મારી પસંદગીની કરાવી હતી. પછી મન આમ ઉદાસ શા માટે ? શું હતું જે હાથમાંથી છૂટી રહ્યું હતું ? બધો જ સામાન તો પેક થઈ ગયો હતો પછી શું બાકી રહી ગયો હતો પચાસ વર્ષ જૂના ભાડાના મકાનમાં. એ ભાડાનું મકાન જેમાં બા અને દાદા એ પોતાનો અંતિમ શ્વાસ છોડ્યો, એજ ઘર જેમાં મમ્મી અને પપ્પા એ એમની બે દીકરીઓને ધામધૂમથી પોતાના સાસરે વિદાય કરી. છેલ્લા પચાસ વર્ષથી અમારા પરિવારના દરેક સારા નરસા પ્રસંગનું સાક્ષી, એ ભાડૂતી મકાન જેની એક એક નિર્જીવ દીવાલોમાં યાદો હજી પણ જીવંત હતી. એ મકાન ભાડાનું હતું પણ એમાં વસેલી યાદો તો અમારી માલિકીની જ હતી ને, એને કઈ પેટીમાં પેક કરું ? વિતેલા જીવનના એક એક દ્રશ્ય નજર સામે આવતા ગયા. કેવા રાત્રે મોડે સુધી અમે બધા બેસીને સુખદુઃખની હળવી પળો માંણતા. ક્યારેક તો બધા સાથે બેસીને પત્તા અને કેરમ જેવી રમતો રમતા અને ક્યારેક ભજનોની રમઝટથી ઘરની દીવાલો ગુંજી ઊઠતી. અરે જ્યારે વેકેશનમાં બહેનો સાસરેથી આવતી ને ત્યારે તો મજા પડી જતી. આખું ઘર નાના બાળકોના અવાજથી ગુંજી ઊઠતું. રાત્રે બધા અગાસી પર જઈને મસ્તી તોફાન કરતાં સૂઈ જતા હતા. ઓછી સગવડોમાં પણ સંતોષ હતો અને દરેક નાની-નાની પળોમાં પણ આનંદ કરી લેતા હતા. એ બધી પળો ને કયા પટારામાં ભરુ ?
ત્રણે બહેનોમાંથી સૌથી નાની હું, શરૂઆતથી કરીયર ઓરીયનટેડ હતી. નાનપણથી જ પપ્પા મમ્મીનો આર્થિક સંઘર્ષ જોઈને બસ મનમાં એક જ ધૂન હતી કે એમના માટે એક સુંદર મજાનું ઘર બનાવું,પોતાની માલિકીનું. એ સપનું આજે સાકાર થઈ રહ્યું હતું એનો અમને બધાને ગર્વ તો હતો જ પણ એ સપનું જોયું તો આ ઘરમાં રહીને જ ને ? તેને કઈ રીતે છોડી ? હું વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જતો ટ્રક આવીને ઊભી રહી. જેમજેમ ટ્રકમાં સામાન ગોઠવવા મંડાયો તેમ તેમ મારા હૃદયના ધબકારા વધવા માંડ્યા. કહે છે ને કે પરિવર્તન સંસારનો નિયમ છે અને દરેક અંતમાં નવી શરૂઆત છૂપાયેલી છે. બસ મારા જીવનમાં પણ એ ઘડી આવી ગઈ હતી. વિશાલભાઈએ આવીને કહ્યું," મેડમ દરેક રૂમમાં નજર કરીને એક વાર ધ્યાનથી જોઈ લો ને, કશું રહી તો નથી થતું ને ? હું કશું જ ન બોલી શકી ગળામાં ડૂમો ભરાઈ ગયો. સીધા ઘરની બહાર જઈને ગાડીનો દરવાજો ખોલ્યો અને પાછળ ફરીને નજર ભરીને એકવાર એ ઘર સામે જોઈ લીધું. બધી જૂની યાદો સમેટીને દિલના એક ખૂણામાં જતનથી પેક કરી દીધી અને આગળ વધી ગઈ. થોડી આગળ ગઈ અને મનમાં કંઈક વિચાર આવ્યો. મેં તરત જ પર્સમાંથી ફોન બહાર કાઢયો અને વિશાલ ભાઈનો નંબર લગાડ્યો અને એમને કહ્યું," વિશાલભાઈ તમારે તમારા ગામ જવું હતું ને, તો આજે સાંજની જ ટિકિટ કઢાવી લો અને મન ભરીને બધાને મળી આવો. અહીંયા કોઈ કામની ચિંતા ના કરતા." કદાચ એમના મનની વ્યથા હવે હું સમજી ગઈ હતી.
