જસ્ટિસ
જસ્ટિસ
"ના, હું એ સ્વીકારવા તૈયાર નથી કે આ એક આત્મહત્યા છે. એની પાછળ કોઈ સાતિર ષડયંત્ર છૂપાયું છે. એ ન ભૂલતા કે આ દેશ ગાંધીનો છે જેણે સત્ય ખાતર પ્રાણ ત્યાગ્યા. આ દેશ ભગત સિંહનો છે. જેણે સત્ય ખાતર ફાંસી વધાવી. આ દેશનું લોહી અન્યાય નિહાળી ઉકળે છે. એનું નીડર કાળજું અન્યાય સામે કદી ઝૂક્યું નથી, ન કદી ઝુકશે. એ ન્યાય માટે ક્રાંતિ કરશે. આ કેસ સી બી આઈ ને સુપર્ત કરો. સત્ય મેવ જયતે. જસ્ટિસ ફોર અવર સ્ટાર. "
ટાઈપ કરેલી કોમેન્ટ એણે બીજી વાર વાંચી લીધી. જોડણીની કોઈ ભૂલ ન હતી. એક જાગ્રત નાગરિક તરીકેની ફરજપૂર્તિ કોમેન્ટના દરેક શબ્દમાં એને ઊંડી અનુભવાઈ રહી હતી. સત્ય અને ન્યાયના પડખે ઊભી પોતાની નીડરતા અને બહાદુરી ઉપર મનોમન ગર્વ લઇ એણે સોશ્યલ મીડિયાના પોસ્ટ નીચે કોમેન્ટ એન્ટર કરવા માટે આંગળી આગળ વધારીજ કે પડખેના મકાનમાંથી આવી રહેલા અવાજો વધુ તીવ્ર બની કાનમાં ગુંજી રહ્યા.
" નહીં, નહીં, મને માફ કરી દો...."
" થોભ. આજે જોઉં કોણ તને બચાવશે..."
" નહીં આમ ન કરો...આ...વાગે છે...આ દુઃખે છે...."
સાથે સાથે બાળકોના ભેંકારા કાનને ત્રાસ આપી રહ્યા. મોબાઈલમાંથી ઉપર ઉઠેલી નજરમાં છલોછલ તિરસ્કાર અને કંટાળો પ્રતિબિંબ પાડી રહ્યા.
" ચાલુ થઇ ગયું. રોજનુંજ નાટક માંડ્યું છે. "
મનોમન બબડાટ કરી એણે પડખેની બારી જોરથી વાસી અંદર તરફથી લોક કરી નાખી. બારી બંધ થતાંજ પડખેના મકાનમાંથી સંભળાઈ રહેલો શોર અને ઓહાપો શયનખંડમાંથી આખરે અલોપ થયો. એક ઊંડો હાશકારો ભરાયો. મન નિરાંત થયું. શાંત વાતાવરણમાં ફરીથી પોતાના કાર્ય ઉપર ધ્યાનનું કેન્દ્રીકરણ શક્ય બન્યું. પોતાની કોમેન્ટ આખરે સોશ્યલ મીડિયાના પોસ્ટ નીચે એન્ટર કરી એણે એક જાગ્રત નાગરિક તરીકેની ફરજ પૂર્તિને આખરી સ્પર્શ આપ્યો. ચ્હેરો ગર્વથી ખીલી ઉઠ્યો.
થોડા દિવસો પછી સોસીયલ મીડિયામાં છવાયેલા અન્ય સમાચારથી એ ફરીથી વિચલિત થઇ ઉઠ્યો.
પડખેના મકાનમાં રહેતી સ્ત્રીએ આત્મહત્યા કરી લીધી હતી. ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ નોંધાયો હતો.
એની આંગળીઓ ફરીથી જાગ્રત નાગરિક તરીકેની ફરજપૂરતી માટે વિહ્વળ થઈ ઊઠી. સોશ્યલ પોસ્ટ નીચે એક ભાવુક કોમેન્ટ લખી એણે #જસ્ટિસ ફોર વિમેન # સ્ટોપ ડોમેસ્ટિક વાયોલન્સ ટાઈપ કરી પોતાની ફરજપૂર્તિને આખરી સ્પર્શ આપ્યો અને ચ્હેરો ફરીથી ગર્વથી ખીલી ઉઠ્યો.