જોકર
જોકર
"જો તો ખરી કેવો લાગે છે આ લાલ ઝભલામાં?" દાદીએ જાતે સીવેલું ઝભલું પહેરાવી, તેને જન્મ આપીને થાકી ગયેલી માની સામે લઈને ગયાં. ગોરો વાન, મખમલી શરીર, કાલા ભમર વાળને જોઈ તેની મા તો પ્રસવની વેદના ભૂલીને ખોવાઈ ગઈ તેનામાં! તેણે ધીમેથી આંખ ખોલી, માને જોઈને તેના મોં પર હાસ્ય રેલાયું, આંખ ફરી બંધ કરી દીધી.
એટલામાં જ તેના ફોઈ બાજુમાં આવીને જે બોલ્યા છે ત્યારપછી એ ક્યારેય હસ્યો નથી. "આમ તો કેવો રૂપાળો છે મારો ભત્રીજો, અદ્દલ મારા ભાઈ જેવો. પણ નાક જરાક લાંબુ છે, જોકર જેવું." કહી ખડખડાટ હસીને તેને હાથમાં લીધો હતો. પછી જે તેણે પોક મૂકી હતી!
પહેલે દિવસે જ ફોઈએ નામ પાડી દીધું હતું તેમાં દાદીએ બનાવેલી ત્રિકોણ ટોપીએ સિક્કો મારી દીધો. નામ માત્ર હાસ્યને પાત્ર, "જોકર." પછી તો ઘર કે ઘરની બહાર તેનું સાચું નામ, જગદીશ ભૂલાઈ જ ગયું.
"આ દુનિયા એક સરકસ છે. આપણે સૌ તેના કલાકાર છીએ..." આ ફિલોસોફી વાંચ્યા પછી જગદીશે સ્વીકારી લીધું કે તેને આ જીવન-સર્કસમાં ખૂબ અગત્યનો રોલ મળ્યો છે. જોકરનો. જે બીજાને હસાવી પુણ્યનું કામ કરે છે. બસ પછી તો તેણે બીજા પર ગુસ્સે થવાનું બંધ કરી દીધું. બધાની સાથે બોલવાનું ટાળવા લાગ્યો. કોઈ જોકર કહીને બોલાવે તો હસી લેતો. દેખાવને કારણે શાળામાં ભાગ્યે જ ગયો. માંડ બારમુ પત્યું કે બેંકમાં પટાવાળાની નોકરી સ્વીકારી લીધી. નોકરી પર સોંપાતા કામો બધા હોંશે હોંશે કરે એટલે સૌનો માનીતો બની ગયો. કોઈ મજાક કરે ત્યારે શરમાઈને સાંભળ્યું ન સાંભળ્યું કરી ત્યાંથી ખસી જતો.
એક-બે લગ્નના સંબંધની વાત આવી પણ તેણે સામે ચાલીને ના પાડી દીધી,"હું તો અપમાન સહી લઉ છું, પણ પારકીને ક્યાં રગદોળું."
"જુવાનીમાં તો સૌ કોઈ સગા, પણ ઘડપણે ઘરવાળી ભલી!" મા કહી કહીને થાકી પણ તે ન માન્યો. જુવાનીએ કોઈની રાહ જોઈ છે?
નાહીને આજે સવારે માથું ઓળવા અરીસા પાસે આવ્યો ત્યારે અરીસો પણ હસ્યો," એય, માથામાં વાળ કેટલા છે? તું દસ મિનિટથી પાથી પડી રહ્યો છે. જોકર..!"
ખબર નહીં તેણે અરીસાની વાત સાંભળી લીધી કે શું? પહેલીવાર ગુસ્સાથી અરીસા તરફ જોયું. તરત નિરાશ થઈ ગયો. ગુસ્સો ઓગાળવા ગાતો બહાર નીકળી ગયો,” કલ ખેલમેં હમ હો ન હો…”
રોજ બાંકડે બેસતાં બે-ચાર નવરાઓએ જગદીશને ટોક્યો, "લાલ બુશર્ટમા સરસ દેખાય છે." જવાબમાં તે ખાલી હસ્યો. પાછળથી હાસ્યની છોળોનો ધીમો અવાજ આવ્યો. "જોકર", જો કે તેના માટે આ નવું તો હતું જ નહીં!
બજારમાં ચાની લારીએ ઉભા પડોશમાં રહેતા કાકાએ બૂમ પાડી, "જગલા,અડધી ચા વધારાની પડી છે. આવ."
ચાની તલપે જોરથી ડગલાં ભરતો રસ્તો ઓળંગતો હતો ને રસ્તામાં પડેલી કેળાની છાલ પર પગ પડ્યો, "એ... જાય.., જોકરના ખેલ તો જૂઓ." થોડી બૂમો સંભળાઈ. જગદીશ ચત્તોપાટ પડ્યો.
તે જોઈ લોકો હસતાં લોટપોટ થઈ ગયાં. હસતાં કળ વળી એટલે કોઈ પરગજુએ જોયું કે જગદીશ હજી ઊભો નથી થયો.
જગદીશની પાસે આવીને એ પરગજુએ જોયું તો જગદીશ આંખ મીંચીને પડ્યો હતો. તેને હલાવી જોયો કોઈ પ્રતિભાવ ન મળતા માથું ઉંચકી જોયું તો તે લાલ રંગે રંગાયું હતું. "માથામાં જોરથી માર વાગ્યો છે, લાગે છે જોકરનો ખેલ પૂરો થઈ ગયો છે!"
જે લોકો હજી પાંચ મિનિટ પહેલા જગદીશ પર હસતા હતાં તે એકદમ ગંભીર થઈ ગયા. "જતાં જતાં પણ બધાને હસાવતો ગયો, તેનું કામ કરતો ગયો. જોકર!"