જનેતા
જનેતા
એ લાંબા સમયથી આમજ ગુફા બહાર ઉભી હતી. હતાશ, નિરાશ અને ઢળી પડેલી નજર જોડે. એનું શરીરજ નહીં એનું મન પણ દરેક યાતનાઓ ભોગવવા માટે તૈયાર બેઠું હતું. ભેગું થયેલું ટોળું એનો જીવ લેવા બેઠું હતું. એ ટોળામા ફક્ત પુરુષોજ ન હતા. ઘણી બધી સ્ત્રીઓ પણ હતી. સ્ત્રીને એક પછી એક સજા આપવા માટે ભેગા મળેલ દરેક હાથ તત્પર હતા. સ્ત્રીના ચહેરાના હાવભવો જડ હતા છતાં એની આત્માને અનુભવાઈ રહેલ અપરાધભાવની નગ્ન ચાડી ખાઈ રહ્યા હતા. ટોળું એની લાંબી ચુપકીદીથી ઉગ્ર થઇ ચૂક્યું હતું. એમના વતી આપવામા આવેલી સૂચનાઓ અને આદેશોનું સ્ત્રી પાલન કરશે કે નહીં એ અંગે જાણવાની ઉત્કંઠા પરાકાષ્ઠાએ પહોંચતાજ હાથમા થામેલ પથ્થરના પ્રહારો સ્ત્રીની દિશામા જ્વાળામુખી સમા ઉડવા લાગ્યા.
"બોલ, માનશે કે નહીં ?"
"બોલ, કરશે કે નહીં ?"
પોતાનાં પેટ ઉપર સ્ત્રીએ રક્ષણ કાજે હાથ સખ્ત કરી ગોઠવ્યા. એના જડ ચ્હેરા ઉપર ઉભરાઈ રહેલું હૂંફાળું પાણી ધાર સ્વરૂપે પેટ સુધી પહોંચી ગયું. ક્રોધથી વિફરેલું ટોળું એના પ્રાણની આહુતિ માગી રહ્યું હતું. પેટની અંદર તરફથી એક નાનકડો અતિ સૂક્ષ્મ ધબકાર અનુભવ્યો જ કે સ્ત્રીનાં મનમા ચેતના જન્મી. તરતજ પોતાનું શરીર સંકેલી એ ગુફાનાં અંદરનાં વિસ્તાર તરફ દોડતી પ્રવેશી ગઈ.
પાછળ પીછો કરી રહેલું ટોળું ગુફાનાં પ્રવેશ ઉપર થંભી ગયું. એમના પગ જાણે ત્યાંજ જડાઈ ગયા. અથાક પ્રયાસો છતાં એક ડગ કોઈ આગળ ભરી શક્યું નહીં. જાણે કોઈ અદ્રશ્ય શક્તિ એ ગુફાનું રક્ષણ કરી રહી હતી.
ગુફાનાં અંદર તરફના વિસ્તારમા કાળા ઘટ્ટ અંધકારને ચીરતી સ્ત્રી પોતાના પેટ ઉપર હજી પણ સુરક્ષા કાજે ચુસ્ત હાથનો ઘેરો બનાવી આગળ વધી રહી હતી. એ અંધકારભર્યા સન્નાટામા એને પોતાના હૃદયનો ધબકવાનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ટોળાથી જીવ બચાવવા અહીં અંદર પ્રવેશવાના પોતાના નિર્ણય ઉપર એને શંકા જન્મી રહી હતી. જાણે મૃત્યુના મુખમા ધપી રહી હોય એમ એનું ધ્રુજી રહેલું શરીર પરસેવે રેબઝેબ હતું.
"ડર નહીં. અહીં તું સુરક્ષિત છે."
અચાનક ગુફામા ગુંજેલા અવાજ જોડે પ્રકાશની એક તેજ કિરણ આખી ગુફાને ઝળહળાવી રહી. ડરના માર્યે સ્ત્રી ગુફાના પથ્થર ઉપર સ્તબ્ધ જડાઈ ગઈ.
"કોણ છે ત્યાં ?" સ્ત્રીના હાંફેલા અને ધ્રુજતા સ્વરમા થાક અને ભય એકીસાથે ઉભરાઈ આવ્યા.
"હું છું. ઇસાની જનેતા."
સ્ત્રીનાં શરીરનાં એકએક રૂંવાડામા કંપારી છૂટી ઉઠી. જાણે ખુબજ ઊંચા તાપમાને તાવ આવ્યો હોય એમ એકીજોડે એને ટાઢ અને ગરમી અનુભવાઈ. હાથ, પગ અને હૈયુંજ શું ? આખું શરીર થરથરવા લાગ્યું.
"બીબી મરિયમ. આપ ?"
પ્રકાશની ઝળહળતી કિરણની પેલે પાર કશું જોઈ શકવાની સ્ત્રીની ક્ષમતા ન હતી. એની ચકાચોંધ પ્રકાશથી વીંધાયેલી આંખોમા કશુંજ દેખાઈ રહ્યું ન હતું.
"હા, હું મરિયમ."
એ રૂહાની સ્વર કાનમા પડતાજ સ્ત્રીને વર્ષોથી જાણીતી , કુરાનમા વાંચેલી અને વડીલો દ્વારા વારંવાર સંભળાવવામા આવેલી બીબી મરિયમની દરેક વાત, દરેક કિસ્સો આંખો આગળ તરી આવ્યો.
"પણ આપ... !"
સ્ત્રીનાં અવાજની દ્વિધા આગળ શબ્દ ધપાવવા અસફળ થઇ.
"કોણ છે આ લોકો ?"એ રૂહાની સ્વર નિઃશંક ગુફા બહાર ભેગા થયેલા ટોળાનાં અનુસંધાનમા હતો.
સ્ત્રીનો અવાજ રડમસ થઇ રહ્યો. અત્યાર સુધી ન વહેવા દીધેલા તમામ આંસુ ધોધમાર બહાર નીકળી આવ્યા.
"મહેરબાની કરી મને બચાવી લો. નહીંતર એ લોકો મને જીવતી ન છોડશે. મને બહુ ડર લાગે છે." સ્ત્રીના અવાજમા લાચારી, વિવશતા અને આજીજી સંમિશ્રિત થઇ.
"ડર નહિ. હું સમજી શકું છું. હજારો વર્ષો પહેલા મને પણ આવોજ ડર અનુભવાયો હતો. જયારે મને જાણ થઇ હતી હું મા બનીશ. એક પયગમ્બરની મા. જે સૃષ્ટિ ઉપરનાં અજ્ઞાન અને જાહીલીયતનાં અંધકારને દૂર કરવા જ્ઞાનનો પ્રકાશ લઇ જન્મ લેશે. મારી કોખે. એક એવી સ્ત્રીની કોખે જેને કદી કોઈ પુરુષે સ્પર્શીજ ન હતી." સ્ત્રીનાં ગળામા ડૂમો ભરાઈ આવ્યો. એ રૂહાની સ્વર જાણે એના શરીરનાં દરેક અંગને સ્પર્શી રહ્યો. એના પેટ ઉપર ચુસ્ત ગોઠવાયેલા હાથ થોડા ઢીલા થયા. શ્વાચ્છોશ્વાસ થોડા હળવા થયા.
"આપને તો ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હશે ? પુરુષ વિના જ એક બાળકને જન્મ આપવો ? એક એવા સમાજમા જ્યાં સ્ત્રીનું ચરિત્ર અને જીવન કાંચ સ્વરૂપ આંકવામા આવે છે." સ્ત્રીનાં ગળાનો ડૂમો જાણે બમણો થયો. એ રૂહાની સ્વરને સામો પ્રશ્ન કરવાની હિંમત ભેગી કરી હતી કદાચ એટલેજ.
રૂહાની સ્વર મંદ મંદ હસી પડ્યો.
"અહમ ! એક સ્ત્રી કઈ રીતે પુરુષ વિના મા બની જાય ? પણ હું બની. એક પયગમ્બરની મા. મારો ખુદા મારી જોડે હતો. દરેક ડગલે ને પગલે. મારી પાછળ વિફરેલા ટોળાઓ, મારા ચરિત્ર ઉપર ઉંચકાયેલી આંગળીઓ, મને બદનામ કરનારા શબ્દો. એ બધાંની મેં અવગણના કરી. કેમ કે હું જાણતી હતી કે હું સાચી છું. મારે તો ફક્ત મારી ફરજ અને મને સોંપવામા આવેલ જવાબદારી સાચા હૃદયથી નિભાવવાની હતી. ખુદાએ મારી કોખે બક્ષેલી ભેટની સુરક્ષા કરવાની હતી અને એને સૃષ્ટિ ઉપર પહોંચાડી દેવાનું હતું. અને મેં એજ તો કર્યું. ટોળાઓને તો ખુદાએ સંભાળી લીધા. જો મેં એ ટોળાઓ થી હાર માની ફરજથી પાછળ હઠ કરી હોત તો ?"
રૂહાની અવાજનો પ્રશ્નાર્થ સ્ત્રી તરફ ઉઠ્યો. થોડી ક્ષણો માટે સ્ત્રી મૌન રહી. ઊંડું મનોમંથન કર્યું. અને પછી અત્યંત ધીમા સ્વરે જાણે કોઈ ઊંડું જ્ઞાન ગ્રહણ કરી રહી હોય એમ એનો મંદ સ્વર ધીમો ધીમો પકડ જમાવા લાગ્યો.
"તો....તો....કદાચ....આપ એક અપરાધી જેવું જીવન જીવ્યા હોત...કોઈ પણ અપરાધ ન કર્યો હોવા છતાં.... તો...પયગમ્બર ઈસા- ઈસા ઈબ્ને મરિયમ તરીકે કુરાનમા અને સમાજમા સન્માન ન પામ્યા હોત. માતૃત્વનાં હોદ્દાને અનન્ય ગર્વસભર હોદ્દો ન મળ્યો હોત. સૃષ્ટિ અજ્ઞાનનાં અને જાહીલીયતના અંધકારમા ડૂબી રહી હોત અને દુનિયાને પયગમ્બર ઈસા જેવાં પયગમ્બર ન મળ્યાં હોત.."
સ્ત્રીનાં અવાજ અને વિચાર જેવા સ્પષ્ટતાને સ્પર્શ્યા કે ગુફામા ઝળહળી રહેલો પ્રકાશ આલોપ થઇ ગયો. ફરીથી ગાઢ અંધકાર ચારે દિશામા ફરી વળ્યું. સ્ત્રીએ ચહેરા ઉપર ટાઢો પડી ચુકેલો પરસેવો હાથ વડે સાફ કરી નાખ્યો. પોતાનાં પેટ ઉપર એણે ગર્વસભર હાથ ફેરવ્યો અને આત્મવિશ્વાસ જોડે ગુફાની બહારની દિશા તરફ ડગ ઉપાડ્યા. દરેક ડગ જોડે જાણે જીવન એને ગળે વળગાડી રહ્યું હતું. જેવી એ ગુફાનાં પ્રવેશદ્રાર બહાર નીકળીજ કે એની રાહ જોઈ રહેલું ટોળું એની દિશામા ધપી આવ્યું અને દરેક હાથમા થમાયેલ પથ્થર એના પેટ ઉપર વરસવા લાગ્યા.
ઝબકીને જાગી ઉઠેલી મરિયમ પરસેવે રેબઝેબ હતી.
"અરે, મરિયમ. ઉઠી ગઈ બેટા. ઝોહર પઢી લે. પછી જમી લઈએ. અબ્બુ પણ આવતાજ હશે."
અમ્મીનાં શબ્દો કાન ઉપર પડ્યાજ ન હોય એમ મરિયમ હજી પણ પોતાના ઊંડા વિચારોમા ખોવાયેલી હતી. એનો હાથ એના પેટ ઉપર ચુસ્ત ગોઠવાયો હતો.
"શું થયું ? કોઈ સ્વપ્ન જોયું ?" અમ્મીએ એને શબ્દો વડે ઢંઢોળવાનો પ્રયાસ કર્યો.
"સ્વપ્ન ? નહીં. વાસ્તવિકતા."
દીકરીના શબ્દો ઉકેલવમા નિષ્ફ્ળતા મળી. એના ચહેરાના હાવભાવો ધ્યાનથી નિહાળવા તેઓ એની નજીક પહોંચ્યા.
"મરિયમ....."
અમ્મી આગળ કઈ પૂછે એ પહેલાજ મરિયમે એમની આંખોમા આંખો પરોવી. થોડા દિવસોથી સતત રડેલા એના ચહેરા ઉપર મક્કમતા છવાઈ ગઈ.
"હું હવે એ ઘરમા કદી પરત ન થઈશ. પહેલા દહેજ માટે ને હવે દીકરો છે કે દીકરી એ માટે. ખુદાએ મને નકામી યાતનાઓ મૂંગે મોઢે સહન કરવા જન્મ નથી આપ્યો. એવા પુરુષ જોડે રહેવું મને મંજુર નથી. મારો જીવન ધ્યેય એના હાથની નકામી મારપીટ સહન કરવાનો ન જ હોય શકે. મને અને મારા બાળકને એની જરૂર નથી. મને મારો ખુદા કાફી છે."
વારંવાર સાસરેથી પરત ફરતી દીકરીને સમજાવી મનાવીને સાસરે પરત કરવા ટેવાયેલી અમ્મી આ વખતે કશુંજ બોલી શકી નહીં. મરિયમની આંખોમાથી ડોકાઈ રહેલ રૂહાની પ્રકાશે એમની સામાજિક વ્યવહારુતાને પોતાની ચકાચોંધથી મૂંગી કરી નાખી.
