Piyush Pandya

Romance

4.3  

Piyush Pandya

Romance

જિયો... દિલ સે..

જિયો... દિલ સે..

17 mins
15.8K


જ્યારથી કોફીકાફેમાં ઘૂસ્યો ત્યારથી જ નજર એક જગ્યાએ ટકી જ રહી. એક જાડી નૉવેલને પકડી રાખેલ હાથની આંગળીઓ પર. બસ એજ રાહમાં કે ક્યારે એ આંગળીઓ પાના પલટાવવા નૉવેલ નીચી કરે અને એનો ચહેરો હું જોઈ શકું અને મારો શક જેને યકીનમાં બદલી શકું, એજ ચહેરાને ઓળખીને!

“હા, કદાચ હું એને ઓળખું જ છું, એનાં હાથની આંગળીનો પરથી, એજ ફેવરીટ નેઈલ પોલીશનાં રંગો જે એનાં નખોને શોભિત કરે છે. અને હા, અને એના નૉવેલ પકડવાનાં અંદાજ થકી. પણ એનાં ટેબલ પર હોટકોફીનો ગ્લાસ કેમ છે? એને તો હોટકોફી ક્યારેય પસંદ જ ન હતી! હા, ક્યારેક બ્લડપ્રેશર ઘટી જતું ત્યારે જ એ હોટકોફી પસંદ કરતી. પણ બની શકે કે આ એજ નથી! પણ આમ આજે મને અચાનક શું થઈ ગયુ છે? કેમ આમ વિચારી રહ્યો છું એની બાબતમાં? આટલાં વર્ષો વીતી ગયા, પણ આજે અચાનક એની યાદ કેમ આવી રહી છે?”  

એક મિનિટ માટે હું સમસમી ગયો મારા વિચારોથી અને હું આજે જુઠ્ઠું કેમ બોલી રહ્યો છું પોતાની સાથે જ? એક પણ સમય એવો નથી વીત્યો આટલાં વર્ષોમાં કે ક્યારેય એની યાદ ના આવી હોય ! હરેક પળ એને યાદ કરી જ છે. મારી દરેક પ્રાર્થનામાં એના લગ્નજીવનમાં એની ખુશી જ માંગતો રહ્યો છું. અને એ પણ કે જ્યારે બે કલાકથી પણ ઓછો સમય એકમેક સાથે વિતાવ્યો હોય. આજે પણ એ સમય મને જિંદગી જીવવાની તાકાત આપી રહ્યો હોય એમ કેમ લાગે છે? એનો એજ અંદાજ મુક્ત હાસ્ય, વાતવાતમાં ગીતોનો ગણગણાટ એની જિંદગીની બાબતમાં એ બિલકુલ હકારાત્મક હતી અને એની વાત કરવાનાં અંદાજ પરથી ક્યારેક તો હું પોતે ડરી જતો કે સાચે જ એ જે બોલી રહી છે એ ના કરી બેસે, અને એનો ડર હંમેશાને મને સતાવ્યા કરતો.

એ દિવસે એ કેટલું રડી હતી કે જ્યારે આખા દિવસમાં એકવાર પણ મેં એની સાથે વાત નહોતી કરી ! અને જ્યારે મેં ફોન કર્યો તો એજ તૂટેલા ભાંગેલા અવાજમાં “તો તમે મારી સાથે વાત નહી કરશો ને? તો હવે તમને મારી સાથે વાત કરવાનું પસંદ નથી?” બસ એક જ વાત રટ્યા કરતી.. અને હું પણ મારા ખરાબ મૂડની સજા કોણ જાણે એને કેમ આપી રહ્યો હતો? આવું તો એકવાર નહીં પણ કંઈ કેટલી વાર કર્યું એની સાથે પણ એણે તો સમજવું હતું ને કે પુરુષ હંમેશા ખુશમિજાજ, હસતો કાયમનો તો હોતો નથી એની જેમ ! પણ એ તો દુ:ખમાં પણ હસી લેતી જેમ આવતીકાલનો સૂરજ તો ઊગવાનો જ નથી અને કાયમ કહેતી રહેતી ‘જિયો દિલસે... જિયો બિનધાસ્ત!’

બસ એનાં જ વિચારોમાં અટવાયેલો હતો અને અચાનક નજર ટેબલ પર પડી. ‘અરે.. આ ટેબલ ખાલી કેમ થઈ ગયું! શું એ ચાલી ગઈ? અને હું પણ તો કેવો બુદ્ધુ, બસ ખ્યાલમાં જ પુલાવી ખીચડી પકાવતો રહ્યો! ‘ઊફ, હવે શું કરીશ એક તો એ પણ તો ખબર ના પડી કે એજ હતી કે નહી!’ એકવાર એ જ્યાં બેઠી હતી એ ટેબલ તો જોઈ લઉં, અરે ટેબલ પર તો એજ નૉવેલ પડી છે જે એ વાંચી રહી હતી! ‘શું એ ભૂલી ગઈ હશે કે ઈરાદાપૂર્વક છોડી હશે!’ અને ટેબલ નજીક જઈ નૉવેલ હાથમાં લીધી અને બુકમાર્કનું પાનું ઊથલાવીને વાંચવા માંડ્યો ફક્ત એ જાણવા કે એશું વાંચી રહી હતી.

“અરે... આ નૉવેલ મારી છે. ઉતાવળમાં આજ ટેબલ પર હું ભૂલી ગઈ હતી.”  મારા કાનને ભેદતો એક અવાજ સંભળાયો આ અવાજથી તો હું ખાસ પરિચિત જ છું. જે હંમેશાને મારા કાનમાં ગુંજતો રહેતો જાણે એક મંદમંદ હાસ્ય, હરેક વખત જેમ મંદિરમાં થતો ઘંટારવનો અવાજ. મધુર કંઠથી નીકળેલી વેદરુચાઓ જેવો અવાજ મારા કાનોમાં પડ્યા. જેને સાંભળવાને હું આતુર હતો. પણ આટલાં વર્ષોથી હિમ્મત ના જુતાવી શક્યો. એજ ઘટના પછી ‘અકસ્માતે એને ઘટનાં જ ગણી શકાય ને!’ ઘણીવાર હિમ્મત ભેગી કરી ફોન કરવાની કોશિશ પણ કરી હતી અને એમ જ પૂછવાને માટે “કેમ છો તમે!, ઠીક તો છો ને?”

બસ આ બે પળમાં જ જ્યારે એની બાજુ પલટીને જોયું તો મારી આંખોની સામે ઘડિયાળનાં કાંટા પાંચ વર્ષ પાછળ ફરી ગયા. પણ આ એજ પાંચ પાંચ વર્ષોમાં હું એ હું પોતે જ ના રહ્યો... મારી સાથે હતી મારી વીતી રહી, રહીસહી જિંદગી! અને હા સાથે તો હતા ફક્ત એના અને એના જ વિચારો.

એજ આંખો કે જેની ગહેરાઈમાં કોઈ પણ ડૂબી જાય, પણ આજે એણે કાજળ નથી કર્યું. એજ કમાન આકારનાં આકર્ષક ખભા. એજ ગુલાબી હોઠ અને એજ ફેવરીટ સ્ટાઈલ પેન ઘુસાડીને કરેલી હેરસ્ટાઈલ, કપાળમાં નાની સરખી લાલ બિંદી, કાયમને માટે રહેતો નો-મેકઅપ લૂક!

અરે, આજે પણ તો સાડી જ પહેરી છે અને અનાયાસે મને યાદ આવી ગઈ અમારી પહેલી મુલાકાત. પણ આજે અચંબિત હતો એને જોઈને. પહેલી મુલાકાતમાં સાડી પહેરીને આવી હતી. કહેવાની તો કોઈ વાત જ ન હતી કે ‘સાડીમાં તમે ખરેખર ખૂબ જ સુંદર લાગો છો.’  વિચારતો હતો એ વખતે જ્યાં સુધી નજરે નજર ના જોયા ત્યાં સુધી, મારું તો અનુમાન હતું કે ક્યાંક તો જિન્સ-ટોપ, ક્યાં તો લેગિંસ-કુરતિ પહેરીને આવશે પણ આમ સાડીમાં જોઈને હું તો ડઘાઈ જ ગયો હતો અને અચાનક મારાથી તો બોલાઈ પણ ગયુ હતું કે “સાડી?”

પણ આજે ખૂબ જ દુર્બળ દેખાઈ રહી છે. તબિયત તો ઠીક હશે ને? બસ આવા વિચારોમાં અટવાયેલો હતો અને ક્યારે એણે મારા હાથમાંથી નૉવેલ ઝૂંટવી લીધી તે ખબર જ ના પડી. મને જોઈ એનાં ચહેરાનાં હાવભાવ કેમ ના બદલાયા! પણ એ તો એકપળમાં જ મારા ચહેરા પરનાં આશ્ચ્રર્ય, હર્ષ, ઊલ્હાસ અને તડપ એકસાથે જ જોઈ લીધા હશે!

હું સારી રીતે જાણું છું એની એજ આદત લોકોનાં ચહેરા વાંચવાની અને આ વખતે પણ મારા હાલહવાલ તો એનાથી છુપા તો રહ્યા જ નહીં હોય ને! પણ આજે આટલી શાંત કેમ છે? અને એક આછી પાતળી મુસ્કુરાહટ સાથે બસ “હેલ્લો” જ કહી શક્યો! શું મને મળીને એને ખુશી ના થઈ? કે પછી પાંચ વર્ષ પહેલા જે ઘટના બની ચૂકી હતી એનાથી હજી પણ નારાજ છે. મારાથી?

એણે પણ તો “ હેલ્લો” કહેતા હંમેશાની માફક મારી સામે હાથ પસારયો અને મેં એને હંમેશાની જેમ એને હગ આપવા મારા હાથ ફેલાવ્યા પણ એ તો મારા ફેલાયેલા હાથ જોઈને થંભી જ ગઈ અને હું ઝંખવાઈ ગયો. પણ મારા હાવભાવ સાવ કુદરતી જ હતા.

“કેમ છો? અને અહીં કોફીકાફેમાં કેવી રીતે?”

“બસ આનંદમાં, મારા ઈશ્વરના આશીર્વાદ છે. તમે કેમ છો?”

“હું પણ ઠીક છું. પણ અહીં કેવી રીતે?”

“ઘણી વખત, સાંજ ના સમયે હું અહીં આવું છું. શાંત જગ્યા છે, શોરબકોર ઓછો હોય છે તેથી વાંચવામાં ખલેલ નથી પડતી. આસાની રહે છે.”

“ઘરે બધા કેમ છે? ખબર છે! ક્યારનો અહીં બેઠો બેઠો તમને જ જોઈ રહ્યો હતો અને લાગ્યું કે તમે જ છો, પણ અહીં તમે હશો જ કેવી રીતે! બસ મથામણ માં હતો અને ઊભો થઈ ને તમને મળવા આવ્યો તો જોયું ટેબલ ખાલી! અને હા, કામકાજ કેમ ચાલી રહ્યું છે?” એકસાથે બધું જ કહી ગયો જાણે સમય હાથમાંથી સરી ના રહ્યો હોય અને અંધારું પણ તો ગહેરાઈ ગયુ હોય એમ લાગ્યું. સવા આઠ વાગી રહ્યા હતા.

“બસ બધું જ ઠીકઠાક છે અને એજ પેન્ટિંગનું કામ બરાબર ચાલે છે. તો આવી જવું જોઈતું ને વાત કરવા માટે!”

એજ સહજતા વાત કરવામાં, એજ અંદાજ ધીરેથી હસીને વાત રજૂ કરવાની આદત. કેવી રીતે આજે જૂનીપુરાની યાદો તેજ આંધીની જેમ વળી આવી? “ઊફ !”

“શું વાત કરો છો! હજુ પણ પેન્ટિંગ કરો છો? બધા કેવા દિવાના હતા તમારા પેન્ટિંગ ના !”

“હા, આ એક જ તો શોખ છે જે મારો પોતીકો છે. અને આમ પણ એની આદત બની ગઈ છે. તો છૂટે જ કેવી રીતે!”

“આજકાલ જૉબ એજ કંપનીમાં કે પછી ચેઈન્જ કરી?તમારા હસબન્ડ કેમ છે? ક્યાં છે?”

“જૉબએ જ જૂની કંપનીમાં, સારું લાગે છે મને ત્યાં કામ કરવાનું અને ત્યાંનું ફ્રેંડલી એટ્મોસ્ફીયરને પસંદ કરુ છું એટલે જૉબ કંટીન્યુ છે. પણ, મારા ડીવોર્સ થઈ ગયા છે. તો પછી મને ખબર નથી કે એ ક્યાં છે?”

મારા પગતળેથી તો એનાં છૂટાછેડાની વાત સાંભળી ને ધરતી જાણે ખસકી રહી હોય એમ લાગ્યું, પણ મારા અંદર ઊમટેલા સૈલાબનેના રોકી શક્યો અને એનો હાથ કલાઈથી પકડી લીધો. પણ એતો જાણે પહેલેથી જ જાણતી ના હોય કે હું આમ જ કરીશ અને કોઈ પણ જાતની પ્રતિક્રિયા વગર ત્યાં જ રોકાઈ રહી.

“બોલો, શું જાણવા માંગો છો? અને હા તમને એતરાજ ના હોય તો આપણે ચાલતા ચાલતા વાત કરીએ! મારી કાર થોડી દૂર પાર્ક કરેલ છે.” અને હું જાણે બીના નાવિકની નાવની જેમ એની સાથે જ વહી નીકળ્યો.

“આ બધું કેવી રીતે બની ગયું?”

મારા દિમાગમાં ઘણા સવાલો એક સાથે ઉત્પન્ન થવા લાગ્યા. હું એને કંઈ જ કહેવા માટેનો ઈંતજાર પણ ના કરી શક્યો અને ફરી પૂછી બેઠો. ‘શું હું સંવેદના હીન થઈ ગયો છું ! મારી વારે ઘડીયે એક જ વાત એને પૂછવી, ‘શું એને તકલીફ નહીં મહેસુસ થતી હોય? પણ, હું તો એની તકલીફ ને જાણવા માંગતો હતો અને સહભાગી થવા માંગતો હતો. મારા મનમાં વિડંબણા સાથે એક ગહેરો ઘાવ છૂપો રહ્યો અને વિષાદ ભરીને વિચારતો રહ્યો કે એજ સમયે કેમ હું એને સાથ ના આપી શક્યો જ્યારે એક મિત્રની એને સૌથી વધારે જરુરીયાત હતી. મને તો ક્યારેક કહ્યા કરતી હતી કે એની દરેક વાતો કહ્યા વગર જ સમજી લેતો હોઉં. મને પૂર્વાભાસ થઈ જતો એની બાબતમાં તો ખરેખર હું એનાથી એટલો જ દૂર થઈ ગયો છું? હું એટલું પણ ના જાણી શક્યો કે એ કેટલી મુસીબતમાં હશે!’

“પાંચ વર્ષ વીતી ગયાં. બસ બધું જ ખતમ થઈ ગયું.”
“ હમ્મ”
“તમે ક્યાં રહો છો? તમારા પિતાનાં ઘેરે?”

મારા આ સવાલનો જવાબ ‘ના’ જ હશે, એનો મને પહેલેથી જ અણસાર તો હતો પણ, ઔપચારિકતા ખાતર મેં પૂછી જ નાંખ્યો.

“ મે તો જાણો જ છો કે મને સેલ્ફ ડીપેંડન્ટ રહેવું જ વધારે પસંદ છે.  બસ અહીં નજીકમાં જ રહું છું.”

‘મારા ઘરની આટલી નજીકમાં રહેતી હોવા છતાં ક્યારેય પણ મને એનો સામનો કેમ ના થયો? શું હું મારી પોતાની પરેશાનીથી એટલો ઘેરાઈ ગયો હતો કે આસપાસ નું કંઈજ ના જોઈ શક્યો?’

“કેટલું ભાડું છે?”

“ના... ભાડે નથી... પોતાનું જ ખરીદી લીધું એક વર્ષ પહેલા જ.”

સાંભળીને ટાઢક વળી, જેટલી ફોરેન ટ્રિપ મારીને ના વળી હોય એટલી, આટલી ખુશી તો ક્યારેય પોતાની મનપસંદ કાર ખરીદીને પણ ના મળી હોય એટલી. કેવી રીતે બીજાની ખુશીમાં આપણે આનંદની અનૂભુતી પ્રાપ્ત કરી લેતા હોય છે. પણ, હું તો હંમેશા એને મારી પોતાની જ માનતો હતો. હા કોઈ સંબંધ ના રહ્યો અમારી વચ્ચે પણ પોતીકું માનવા માટે મારું દિલ સંબંધોનું મહેતાબ પણ તો ના હતું... થોડા મારા શબ્દો અને થોડી ખામોશી કાર પાર્કિંગ તરફનો રસ્તો ક્યારે પસાર થઈ ગયો એની તો ખબર જ ના પડી અને અમે પાર્ક કરેલી કાર સુધી પહોંચી ગયા.

“ઓ.કે. સી યુ અનધર ડે એન્ડ અધર ટાઈમ.”

“અરે, હજી કોઈ વાત જ નથી થઈ અને તું જઈ રહી છે?”

“હા, જવું તો જરૂરી છે. એક પેઈન્ટિંગ અધૂરી પડેલી છે તો એને પૂરી કરવી છે, અને કાલે ઓફીસ પણ તો જવાનું છે.”

“તો ફરી ક્યારે મળી શકીશું?”

“જ્યારે તમે કહો ત્યારે...”

“તારો ફોન નંબર!”

“ભૂલી ગયા કે પછી ડીલીટ કરી નાંખ્યો! મારો નંબર એજ છે.”

“ઓ. કે. આઈ વીલ કોલ યુ લેટર.. ઘણો સમય વીતી ગયો તારી સાથે વાત કરતા.... ગુડ નાઈટ.”

મન તો ન હતું કે એને જવા દઉં, પણ એને જવા દીધી જાણે મારા શરીરમાંથી મારો આત્મા જ જતો રહ્યો હોય એવું લાગી રહ્યું. એ કારમાં બેઠી અને કાર સ્ટાર્ટ કરીને ચાલી નીકળી પણ હું ત્યાંજ થંભી ગયો અને એકીટસે એને જતા જોતો રહ્યો. પણ, આજે એને મહેસુસ કરી રહ્યો હતો એના જવા પછી પણ...

(પરત ફરીને કોફીકાફે શૉપ.. અને પૂછ્યું તો જાણવા મળ્યું કે પાછલાં ચાર વર્ષોથી રોજ આવે છે, એક હોટકોફી પીવે છે અને નૉવેલ વાંચતી રહે છે. રોજ સાંજનાં છ વાગ્યે આવે અને આઠ વાગ્યે જતી રહે છે... હંમેશા એકલી જ આવે છે.)

રાતભર હું સુઈ જ ના શક્યો. પથારીમાં સૂવા તો પડ્યો પણ જાણતો હતો કે આજે મને ઊંઘ તો નહીં જ આવશે. અનાયાસે આજે મને એકલતા વધારે લાગવા માંડી. વારેઘડીયે મોબાઈલ ઉઠાવીને વિચારુ છું કે એક મૅસેજ કરી દઉં પણ પોતાની જાતને એમ કરતાં રોકી રહ્યો. બસ, એજ વિચારીને કે એને બહુ જ તકલીફ આપી ચૂક્યો છું હવે વધારે એને તકલીફ આપવા નથી માંગતો. મારી આંખો સામે વારેવારે એજ ઘટના તરી રહેતી હતી. આ એજ ઘટના જેનાંથી મારી જિંદગી જ બદલાઈ ગઈ હતી. મારું બધું જ બદલાઈ ગયું હતું પણ એવો અંદાજ તો સહેજ પણ ના હતો કે એની જિંદગીમાં પણ આટલું મોટું તોફાન આવી ગયુ હશે. એવું તો શું ઘટિત થયું હશે? એ તો ઘણો જ પ્રયત્ન કરી રહી હતી એનું લગ્નજીવન કાયમ રહે તે માટે! હા, સાસરામાં થોડીક પરેશાની તો પહેલેથી જ હતી પણ એનો પતિ તો એને ખૂબ જ પ્રેમ કરતો હતો.. તે છતાં પણ?

કાશ, એ દિવસે એ બીના ના ઘટી હોત તો કમસેકમ એની આવી મુશ્કેલીમાં તો એની સાથે ઊભો રહી શક્યો હોત. એ દિવસે અચાનક મારી પત્ની કોફીશોપમાં આવી ધમકી હતી અને એને શું ન કહેવાનું કહ્યું હતું. એને ગાળો પણ તો મારી પત્નીએ દીધી હતી ત્યાં બેઠેલા લોકોમાં તો તમાશો જ બની ગયો હતો. એને રોકવાની તો પૂરી કોશિશ કરી હતી પણ હું નાકામિયાબ જ રહ્યો. પછી તો જબરદસ્તી મારી પત્નીનો હાથ પકડી એને ઘેર લઈ ગયો. હા, પરેશાની તો અમારા લગ્નજીવનમાં પહેલેથી જ હતી પણ એને ક્યારેય જતાવ્યું જ ના હતું. એની સામે તો હંમેશા મારી પત્નીની તારીફ જ કરતો રહ્યો. બસ, હું ઘરની વાત બહાર પાડવા નહોતો માંગતો અને મને તો એમ હતું કે બધું જ ઠીક થઈ જશે.

જ્યારે પરેશાની વધતી જ ગઈ ક્યારેક લગ્નજીવનમાં, ક્યારેક ઘરમાં તો ક્યારેક નોકરીમાં. પછી તો હું તેનાથી દૂર થતો ગયો મને એમ લાગતું હતું કે જો એની સાથે વાતોનો સિલસિલો ચાલુ રાખીશ તો એ મારામાં છુપા દર્દને ઓળખી જશે અને મહેસૂસ કરી લેશે તો એ દર્દ હું એની સાથે વહેંચવા નહોતો માંગતો. એ પોતે જ એની પોતાની મુશ્કેલીઓ થી ઘેરાયેલી તો પહેલેથી જ હતી, અને એની સાથે વાત કરી એની જ પરેશાની માં વધારો કરતો રહું. પણ હા, એણે હંમેશા એની પોતાની પરેશાની, દુ:ખ કે દર્દ મારી સાથે સહભાગે વહેંચતી રહી, મને જતાવતી રહી. ક્યાંક એમને એનો પોતાનો સમજતી હતી એ પણ ખાસ. પણ મેં એને ખૂબ જ હેરાન કરતો રહ્યો ક્યારેક વાત કરતો બંધ થઈ જતો તો ક્યારેક બેરુખી દેખાડતો રહેતો. રુબરુમાં મુલાકાત કંઈ ખાસ વધારે તો ના હતી ફક્ત બે જ વાર! અને એમાં પણ બીજી મુલાકાતમાં તો તમાશો જ ઊભો થઈ ગયો. તમાશાને તો તેડું થોડું હોય!

એ દિવસે મારી પત્નીને બહાર લઈ જતાં વિચાર્યું પણ નહીં કે હું ક્યારેય હવે ફોન કરવાની હિમ્મત પણ નહી જુતાવી શકીશ. જાણું છું કે એ સ્વાભિમાની છે અને હવે ફરી ક્યારેય મારી સાથે વાત ના કરશે. અને એ બાબતમાં પૂછશે પણ નહીં, જેમ આજે ના પૂછ્યું કે હું કેમ છું! શું એ હજી પણ નારાજ છે, મારાથી એજ વાત પર?  પાંચ વર્ષ વીત્યા પછી પણ મારા જ જખમ મને ઊરેચી રહ્યા ના હોય!!

આખી રાત આંખોમાંજ વીતી ગઈ. સવારની બેસબૂરીથી રાહ ના જોઈ રહ્યો હોવ અને સવાર પડતાં જ પહેલા “ગૂડ મોર્નિંગ”નો મૅસેજ મોકલ્યો. આખો દિવસ રાહ જોતો રહ્યો પણ એનો રીપ્લાય ના આવ્યો. આ બાજુ કામમાં મન નહોતું લાગી રહ્યું અને સાંજનાં પાંચ વાગી રહ્યા હતા તો પણ મારી નજર મોબાઈલ પરથી હટતી જ ન હતી. પણ, આજે મન પણ જાણે કંઈક કહી રહ્યું હતું કે એનો રીપ્લાય નહીં જ આવે. અને સાચું જ છે તો આવી બનેલ ઘટના પછી કોઈપણ સ્વાભિમાની સ્ત્રી શું કામને લાગણી રાખે? અને એ તો સ્વાભિમાની અને લાગણીશીલ બંનેનું મિશ્રણ. મને ખબર હતી એજ કે એને મારી ફિકર ખૂબ જ રહેતી પણ કદાચ મારા લગ્નજીવનમાં મુશ્કેલી ના લાવવા માંગતી હોય? એવું પણ તો બની શકે.

અરે હાં... કોફી શૉપના વેઈટરે એ જ તો કહ્યું હતું ને કે રોજ સાંજે છ વાગ્યે રોજ જ આવે છે એમની કોફી શૉપ પર... અને પાંચ વાગ્યે હું ત્યાં પહોચી ગયો. દિલ જોરથી ધબકી રહ્યું હતું અને મનમાં સંશય જરૂર હતો કે એ આવશે કે નહીં આવશે? એકએક મિનિટ એક એક સદી જેવી વીતી રહી હતી. “તું આવશે ને?” અને મારી નજરને કોફી શૉપના દરવાજે ટકાવી બેસી જ રહ્યો.

“હલ્લો, કેમ છો! મને ખબર જ હતી કે તમે અહીં જ મળશો. સોરી, સવારે તમારા મૅસેજનો રીપ્લાય ના આપી શકી સવારથી જ મારો મોબાઈલ બગડેલો છે.”

અને પાછળ ફરીને જોયું તો એક આકર્ષક કાળા રંગની સાડી લપેટીને ઊભી હતી. થોડીવાર માટે તો હું મંત્રમુગ્ધ બની તેને જોતો જ રહ્યો પછી થોડી પોતાની જાત ને સંભાળીને થોડુંક હાસ્ય રેલાવી દીધું આજે લાગ્યું કે એ મને ખૂબ જ સારી રીતે જાણે છે. ક્યારેય કશું પણ ભૂલતી જ નથી, એની યાદશક્તિ પણ તો બહુ જ તેજ છે ને!

“બેસો... બેસો ને...” કહી ખુરશી હટાવી એને સન્માન આપવાની માત્ર કોશિશ જ કરી. “શું લેશો, કોફી?”

“યસ, કોલ્ડ કોફી વીથ આઈસક્રીમ..”

“રોજ તો હોટ કોફી પીઓ છો ને! અને આજે?”

“તમને કેવી રીતે ખબર? ઓહ્હ.. તો વાત એમ છે, કે મારી જાસૂસી પણ થઈ ગઈ? કાલે રાત્રે કેટલા વાગ્યે ઘર પહોંચ્યા?” આમ બોલીને તેનાં ચહેરા પર મુશ્કુરાહટ છવાવા માંડી અને એની આજ મુશ્કુરાહટ પરતો પહેલા જ દિવસથી હું ફિદા હતો જ ને...

“કંઈક જાણવા માંગું છું, આખી રાત સૂઈ જ નથી શક્યો બસ વિચારોમાં તમે, તમે અને તમે જ.”

“અહ્હો, તો બોવ જ અધીરા થઈ ગયા લાગો છો. મિ. પેશનવાલ... ચાલો તમે પૂછો હું જરૂરથી જણાવીશ, જે તમે જાણવા માંગો છો તે.”

“તમે મારો સવાલ તો જાણો જ છો, બસ કહેતા જાવ હું આજે તમને જ સાંભળવા માંગું છું.”

“હમ્મ, બસ એજ દિવસની વાત શરુ કરું છું, જ્યારે તમને છેલ્લીવાર મળી હતી. એ દિવસે તમારા ગયા પછી હું પણ ઘરે જતી રહી અને ઘરે પહોંચીને એમને ફોન કર્યો કે જલદીથી આવી જાય. એમને જણાવવા માંગતી હતી કે હું પ્રેગ્નન્ટ છું. બસ, એમને ખુશખબર આપવા માંગતી હતી કે જેનો ઈંતેજાર તેઓ પાછલાં ત્રણ ત્રણ વર્ષથી કરી રહ્યા હતા. તેઓ ઘરમાં આવી પહોંચ્યા અને જોયું તો ઘણા પરેશાન હતા પણ મને એમ લાગ્યું કે ઓફીસમાં કોઈ બીના બની હશે અને ઘણીવાર તેમને પૂછ્યા પછી તેઓ પોતાની મુશ્કેલી કહેવા તૈયાર થયા અને ઊભા થઈને એક ફાઈલ લઈને આવ્યા અને ફાઈલ મારી આગળ ધરીને બોલ્યા, ‘મને આઝાદ કરી દે.. આ કાગળો પર સહી કરીને, કોર્ટ આપણા છૂટાછેડા છ મહિનામાં જ મંજૂર કરી દેશે. મેં બધાજ પેપર્સ તૈયાર કરાવી દીધા છે.  મારી જિંદગીમાં પાછલાં બે વર્ષથી કોઈ છે અને હવે હું એની સાથે જ રહેવા માંગું છું... અને હા એ પ્રેગ્નન્ટ પણ છે. મારા બાળકની માતા બનવાની છે તો હું એની સાથે જલદીથી લગ્ન કરી લેવા માંગું છું. હું નથી ઈચ્છતો કે કોઈ એને ના જાયજ કહે એની તરફ આંગળી પણ ઉઠાવે. અને હા, તેં જ તો કહ્યું હતું ને કે જ્યારે સંબંધથી બહાર જવા માંગો તો કહી દેજો હું એક સવાલ પણ નહીં જ કરીશ તો તું તારી આ વાત પર કાયમ રહીશ અને કોઈ સવાલ નહીં કરે કારણકે મારી પાસે તારા કોઈપણ સવાલ ના જવાબ નથી. અને મમ્મી-પપ્પા પણ મારા આ ફેસલાથી ખૂબ જ ખુશ છે. તું તો જાણે જ છે ને કે તેમને એક બાળક હોવાની કેટલી વાંછના છે. તારે જે સામાન રાખવો હોય એ રાખી લેજે. અને હા, એલિમોની માં જે જોઈએ તે આઉટ-ઑફ કોર્ટ સેટલમેંટ કરી લેશું. તું જે માંગે તે આપવા તૈયાર છું ફક્ત મારા સિવાય.’ આમ કહી એમણે છૂટાછેડાનાં પેપર્સ મારી સામે ધરી દીધા...”

“તો શું તેં એમને આટલું જ કહેવાથી છૂટાછેડા આપી દીધા? તું પણ તો પ્રેગ્નન્ટ જ હતી ને, એ જાણવા છતાંય પણ તારા પતિ એ તને છોડી દીધી!” મારું તો મગજ જ બહેર મારી ગયું હતું એની આ વાત સાંભળી ને.

“હાં, સહી કરી દીધી, એમણે ધરેલા તમામ કાગળો પર, જ્યારે કોઈ મારી સાથે રહેવા જ ના માંગતું હોય અને છેલ્લા બે વર્ષથી બીજા કોઈની સાથે રાત ગુજારતું હોય એવી વ્યક્તિને મારી સાથે ક્ષુલ્લક સમ્બંધોથી બાંધી રાખીને શું કરું?”

“તેં એ પણ ના વિચાર્યું કે એક અજન્મા બાળકની સાથે એકલી આ સમાજમાં કેવીરીતે જીવી શકીશ?”

“એ મારે વિચારવાનું હતું અને એવા બંધનમાં એમને બાંધવા પણ યોગ્ય ન હતું, જેથી કરીને મેં એમને જણાવ્યું જ નહી કે હું પ્રેગ્નન્ટ છું.”

“ના જણાવ્યું? કેમ? એમનો પણ તો જાણવાનો હક્ક તો હતો જ ને.”

“હા, જાણવાનો હક્ક હતો એમનો પણ આ વાત જણાવી હું અમારા લગ્નનો સોદો કરવા નહોતી માંગતી... મારા અજન્મા બાળકની દુહાઈ આપી એમનો સાથ ખરીદવા નહોતી માંગતી.. તમે તો જાણતા જ હતા ને કે તેઓ મારે માટે શું માયનામાં હતા. એમને કેટલો પ્રેમ કરતી હતી પણ તમે જ કહો પ્યારમાં સોદો કરવો ઉચિત રહેતે?”

“ઓહ્હ, ક્યાં ક્લાસમાં છે? છોકરો છે કે છોકરી?”

અત્યાર સુધી ધીરજ અને સૂકી આંખોથી જે વાત બયાન કરતી હતી ત્યાં એકાએક આંસૂઓનું પૂર ઊમટી પડ્યું. એનાં હાથને મારા હાથમાં લેતા પાણીનું ગ્લાસ એની તરફ ધર્યું અને પાણી પીતા પીતા પણ હીબકા ભરતી રહી અને મારુ દિલ પણ બીજા એક વજ્રઘાત માટે તૈયાર નહોતું.

“જે દિવસે છૂટાછેડા માટે કોર્ટમાં ફાઈનલ જજમેંન્ટની તારીખ હતી અને કોર્ટ પહોંચતા પહેલા જ રસ્તામાં મને અકસ્માત નડ્યો અને એ હાદસામાં હું મારા અજન્મા બાળકને પણ ગુમાવી બેઠી.”

એ રડી રહી હતી અને અંદરો અંદર હું તૂટી ગયો હતો એની વાતોથી તો એને કેવીરીતે સંભાળી શકું, મારા પોતાનાં હાથ કાંપી રહ્યા હતા. મારું મનોબળ પણ ચકનાચૂર થઈ ગયું હતું. બસ હું મારી જાતને કોસી રહ્યો હતો એજ કે એજ વખતે હું એને સાથ ના આપી શક્યો. આટલું બધું અઘટિત બની ગયું અને હું મારી જ દુનિયામાં? હું એનાં સુધી પહોંચી કેમ ના શક્યો?

ધીરેથી એણે પોતાનો હાથ મારા હાથમાંથી છોડાવીને પર્સમાંથી રૂમાલ કાઢ્યો અને પોતાનાં આંસુ લૂછ્યા સાથે મારા પણ...

આજે પણ એની એજ હિમ્મત પોતાને સંભાળવાની અને મને પણ સંભાળી શકવાની તે જોઈ હું તો દિગ્મૂઢ જ બની ગયો...

“હું પણ તમને કંઈક કહેવા માંગું છું.”

“જી... કહો ને.” જરાક ભારી અવાજમાં કહ્યું.

“એ દિવસે જે હંગામો થયો પછી અમે ઘરે પહોંચ્યા, મારી પત્ની તો ખૂબ જ ક્રોધિત હતી એણે તો એમજ વિચારી લીધું કે આપણી વચ્ચે કંઈક અનૈતિક સંબંધ હતો. હું એને ઘણી જ સમજાવી અને સમજાવવાની કોશિશ કરતો રહ્યો. છેવટે હું હારી ગયો પણ એ ના જ માની અને એ એના પિયર જતી રહી. બસ, એક જ વાત લઈને કે મારી સાથે રહેવા નથી માંગતી. બે વર્ષ... બે વર્ષ સુધી તેને મનાવવાની કોશિશ ચાલતી રહી. બધાં ઘરવાળા એને મનાવવા ગયા પણ આખરે અમારા છૂટાછેડા થઈ જ ગયા. પ્લીઝ, તમે પોતાને દોષિત ના માનતા પણ સાચી વાતતો એજ છે કે અમારે એકબીજા સાથે ક્યારેય બનતું જ ન હતું. એને નાની નાની વાતોમાં પણ કોઈ કારણ મળતું કે તરત જ છૂટાછેડાની જ વાત કરતી અને આખરે એક દિવસ એને સજ્જડ બહાનું પણ મળી ગયું.

“હા, બહાના જ બની રહે છે એકબીજાથી છૂટા પડવા માટે પણ સંબંધ ક્યાં તૂટવા માટેનાં હોય જ છે. ડોન્ટ વરી, હું કોઈ ના ગમને મારી બાજુ ફરકવા પણ નથી દેતી, જો એમજ કરતી તો હું આજે જીવિત જ ના રહી શકત ને! હજી મારી અંદર ઘણા જ રંગ બાકી છે કૅન્વાસ પર ઊતારવા માટે... કેમ સાચી વાત ને!”

બસ આટલું કહીને એ હસવા લાગી જાણે ઘનઘોર વાદળોમાં છૂપાયેલો ચાંદ નીકળી આવ્યો ના હોય.

“આજે જે તમારી આપવીતી સાંભળી, અને તમને જે કહ્યું એનાથી દિલ પરથી બોજ ઊતરી ગયો. તમને સાંભળીને ઉદાસ પણ છું જ પણ તમારી હિમ્મત ગમમાં પણ હસી શકવાની તાકત મને પણ શિખવાડી ગયું આજે. તમારી આંખોમાં જોયું તો હવે આંસુનું એક ટીપું પણ નહી, હતા બસ રંગો હજાર, હરએક પરિસ્થિતિમાં જીવવાની ચાહત અને એક અતૂટ વિશ્વાસ જિંદગી જીવવાને નામ... જિયો દિલસે!

“એક રિક્વેસ્ટ છે તમને...”

“ હા... કહો ને”

“પ્લીઝ... હવે ક્યાંક ખોવાઈ ના જતાં... હું આ દોસ્તી ખોવા નથી માંગતો...”

એણે મારા હાથ પર હાથ મૂક્યો જાણે કોઈ પ્રૉમિસ કરતી હોય એમ અને એટલી જ સહજતાથી મારી વાતો પર હસીને ગણગણવા માંડી... એક જુનું પુરાણું ગીત અને મારુ અનહદ પસંદિદા...

“જિંદગી.... કૈસી હૈ પહેલી હાયે.... કભી વો હસાયે... કભી વો રુલાયે.....”


Rate this content
Log in

Similar gujarati story from Romance