ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ-૧૧...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે
ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ-૧૧...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે
વામનીયો : ચંપક, મારી પાછળ પાછળ આવ... આ ઘર તો મારું જાણીતું જ છે...
ચંપક : એમ કોનું છે?
વામનીયો : લતાફોઈનું...
અને વામનીયો ચંપકને લઈને અગાસી પર પહોંચે છે...
ચંપક : આ તુ મને ક્યાં લઈ આવ્યો?
વામનીયો : અગાસી પર... જો ધ્યાનથી સાંભળ તારે આ પાણીના નીકાલનો પાઈપ પકડીને પાઈપને અડીને છજ્જુ છે ત્યાં ઠેકી જજે અને ત્યાં બારી છે એ બારીમાંથી ઘુસીને સામે એક રૂમ છે તે જ લીલાભાભીનો છે અને અત્યારે ત્યાં જ હશે...
ચંપક : ક્યારેય આવી રીતે ચડ્યો નથી... પણ આજે તો ગમે તે થાય... આ પાર યા પેલે પાર...
અને ચંપક પાઈપ પકડીને છજ્જા પર ચઢી જાય છે અને બારીમાંથી રૂમમાં જોઈ ચોક્કસાઈ કરે છે કે રૂમમાં કોઈ હાજર તો નથી ને....
આ બાજુ વરઘોડો દૂધારાશેરીમાંથી બહાર નીકળે છે અને કમલાકાકીને શંકા પડે છે... વામનીયો અને હરીયો નથી દેખાતા... ચોક્ક્સ દાળમાં કંઈક કાળું છે અને તે વરરાજાનાં ઘોડા પાંસે આવે છે... ભુરીયો ચોક્ક્નો થઈ જાય છે અને ઘોડાપર બેઠેલા હરીયાને પરસેવો વળવા માંડે છે...
વરઘોડામાં બધા મસ્તીમાં છે પણ કમલાકાકી એમની મસ્તીમાં વરરાજાનાં ઘોડાની આજુબાજુ આંટા મારે છે... અને મનમાં નક્કી કરે છે ઘોડાપર ચંપક તો નથી જ બેઠો... અને જેવા ઘોડાની નજીક જવા જાય છે ત્યાં ભુરીયો એમને રોકે છે અને જાનૈયાઓ સાથે જોડાવવાનું કહે છે...
પણ કમલાકાકીની સોય ઝડપથી ફરવા માંડે છે... અને પાક્કુ કરી લેય છે કે ઘોડા પર બેઠેલો ચંપક તો નથી જ અને વરઘોડામાંથી છટકી પહોંચે છે સીધા મોટીશેરી...
આ બાજુ ચંપક ખાત્રી કરીને બારી ઠેકીને રૂમમાં પ્રવેશે છે... પણ ઘર મોટું અને એવડો માણસ મોટો અને તેમનાં મહેમાન પણ વધારે એટલે આવન જાવનથી જ તે એક રૂમથી બીજા રુમમાં નથી પહોંચી શક્તો...
હાંફળી ફાંફળી... કમલાકાકી પહોંચે છે કચરાશેઠની શેરીમાં એટલે મોટીશેરીમાં અને લતાબેનને પકડીને કહે છે...
કમલાબેન : લતા, કચરાશેઠનાં ઘરમાં ચોર ઘુસ્યા છે...
લતાબેન : (પરીસ્થિતી સમજી જાય છે અને કહે છે) શું વાત કરો છો ભાભી, તમને હજી ટીખળ કરવાની આદત ગઈ નથી આવડા મોટા મેળાવડામાં ચોર ઘુસવાની હિમ્મત કરે પણ ખરા...
કમલાબેન : અરે હું સાચું કહું છું કચરાશેઠનાં મકાનમાં ચોર ઘુસ્યા છે...
લતાબેન : રહેવા દો ને ભાભી નાહકનો ફજેતો શું કામને કરો છો...
કમલાબેનને લાગે છે કે અહીં દાળ ગળવાની નથી એટલામાં કચરાશેઠને આવતા જોઈ એમની તરફ જાય છે અને...
કમલાબેન : નમસ્તે મોટાભાઈ...
કચરાશેઠ : આવો કમલાબેન... પધારો... આસન ગ્રહણ કરો... કેમ જાન સાથે ના લાવ્યા!
કમલાબેન : અરે શેઠ, તમારા ઘરમાં ચોર ઘુસ્યા છે એ કહેવા આવી છું મે નરી આંખે જોયા છે એમને ઘુસતા...
કચરાશેઠ કમલાબેનની વાત સાંભળીને તરત જ ઘર તરફ જાય છે અને ઘરમાં ચોક્કસાઈ કરવા લાગે છે અને પોતાના ખાસ માણસોને પણ ચોરને પકડવાનાં કામમાં લગાવીને પોતે લીલાનાં રૂમ બાજુ જાય છે.
ચોર ચોરનો શોરબકોર સાંભળીને વામનીયો ગભરાઈ જાય છે અને મનમાં ચોક્કસ મારી બા આવી પહોંચી અને એણે જ આ આગ લગાડી લાગે છે અને ચંપક શોરબકોર સાંભળીને કોઠી પાછળ સંતાઈ જાય છે.
દરેક રૂમની ચોક્કસાઈ કરતાં કચરાશેઠ અને તેમના માણસો ચંપક જે રૂમ માં સંતાયો હતો એ રૂમ માં પ્રવેશે છે અને ત્યાં...
કચરાશેઠનો માણસ : શેઠ, આ કોઠી પાછળ કોઈ સંતાયેલું લાગે છે...
કચરાશેઠ : જે કોઈ સંતાયું હોય એ બહાર આવી જાય...
અને આ સાંભળી ચંપક બંધ છત્રી ઊંચી કરીને કોઠી પાછળથી બહાર નીકળે છે...
કચરાશેઠ : અરે... ચંપકકુમાર... તમે અત્યારે અહીં શું કરો છો...
અને અવાજ સાંભળીને લીલા ત્યાં આવી પહોંચે છે...
ચંપક : વાત એમ છે બાપુજી... એટલામાં લીલા અધવચ્ચેથી ...
લીલા : બાપુજી, આવો તમને હું વાત કરું છું....
ચંપક અને તેમના બાપુજીને પોતાના રૂમમાં લઈ જાય છે એટલામાં જશોદાબેન પણ આવી પહોંચે છે...
બાપુજી.. વાત એમ છે કે તેઓ મને મળવા આવ્યા છે.
કચરાશેઠ : અત્યારે... તે કેવી રીતે... વરઘોડો તો નીકળી ચુક્યો છે... અને હવે તો પહોંચવાની તૈયારી હશે... ને વરરાજા અહીં તો... મને કંઈ સમજાતું નથી...
લીલા : બાપુજી, વાત એમ છે કે એમણે ટેક લીધી હતી કે લગ્ન પહેલા એક્વાર તેઓ મને મળવા માંગતા હતા અને મારી સાથે પરિચય હેતુ વાત કરવા માંગતા હતા અને આ વાત એમણે એમના બા અને બાપુજીને પણ કરી હતી પણ એમના બાપુજીએ વાતને નકારી કાઢી હતી.... પછી તેઓનાં મિત્ર લલ્લુ એટલે વામનીયાભાઈએ મારો સંપર્ક કરી મને આ વાત જણાવી હતી અને એ દિવસે સોમવારે હું મહાદેવ મંદિરે એમને મળવા જ જતી હતી મેં જ એમને તેડવ્યા હતા... પણ તમે અને બા પણ મારી સાથે મંદિર આવ્યા અને તેમનાં બા અને બાપુજી પણ મંદિર આવી પહોંચ્યા તો એ દિવસે શક્ય જ ના બન્યુ કે તેઓ મારી સાથે વાત કરી શકે...
તેઓ પરાણે લગ્ન કરવા રાજી થયા એમ નથી.. તેઓ તેમના બાપુજીની ઈચ્છા અનુસાર જ લગ્ન કરવા માંગે છે પરંતુ લગ્ન પહેલા એક વખત મને મળી ને સમજવા માંગે છે... અને તે એમનો અધિકાર છે અને સાથે મારો પણ...
કચરાશેઠ : અરે એક વખત મને કહ્યું હોત તો હું વાત કરી ને તમારા બંનેની મુલાકાત ગોઠવી આપતે...
લીલા : કદાચ એ અમોને વડીલો પ્રત્યેનાં આદરને લીધે કરવી યોગ્ય ના લાગી... પણ જો તમે મંજુરી આપો તો અમે બંન્ને એકાંતમાં વાત કરી શકીયે....
ચંપક : હા બાપુજી, લીલા કહે છે તે એકદમ સત્ય છે... મારે લીલાને મળવુ એક ઘેલછા નથી પણ અમારા બંનેની જીવનની નવી રાહ પર એક સાથે ચાલતા પહેલા એક્મેક સાથે બંનેની જીંદગીની વાત કરવી છે... જો તમો મંજુરી આપો તો...
કચરાશેઠ : અરે.. ચંપકકુમાર... તમે લીલા સાથે આ રૂમમાં જ વાત કરો... હું અને તમારી બા બહાર જ ઊભા છીએ...
કચરાશેઠ અને જશોદાબેન બંનેને એકલા છોડીને રૂમની બહાર જાય છે અને જશોદાબેન રૂમ નો દરવાજો બંધ કરે છે...
