Piyush Pandya

Comedy

3  

Piyush Pandya

Comedy

“ગમ્મત ગુલાલ... એ, ફાગણીયો આયો રે....”

“ગમ્મત ગુલાલ... એ, ફાગણીયો આયો રે....”

6 mins
14.5K


સવાર સવારમાં લીલાભાભી ઘરમાં ઝાડૂ મારતા હતા અને ચંપક છત્રી પેપરમાં મશગૂલ...

સાંભળો છો, આજે હોળી છે તો દુકાનેથી સમયસર આવી જજો અને આવતીકાલે તો દુકાન બંધ રાખી છે ને?” લીલાભાભી એ કટાક્ષ કર્યો પણ ચંપક છત્રીનું તો મોઢું જોવાજેવું થઈ ગયું. હા... મને ખબર છે.. કાલે તારો મનગમતો તહેવાર છે અને ગયા વર્ષની જેમ મારી વલે થવાની છે એમને? પણ આ વખતે હું એવી ભૂલ નહીં કરું કોઈને ગોત્યો એ જડ્યો જઈશ જ નહીં ને, એ તો એ વખતે મારી મુર્ખામી હતી કે તને કહીને સંતાયો હતો.

ગમનલાલ સાંભળતા હતા અને અઘવચ્ચેથી બોલ્યા.. અરે આ મુર્ખાને કોણ સમજાવે તહેવારો તો જીવનમાં રંગત પુરે અને મોજમસ્તી લાવે... પણ તું તો મૂરખપંડિત જ ને !હજી ગમનલાલ ન વાત પતી નથી ને જમનાબા એમને ટોકતાં, “ચંપકને ધૂળેટી રમવાની ઈચ્છા ના હોય તો ના રમે.. એવું થોડું છે કે બધા તહેવાર બધાંને ગમતા જ હોય!

લે, એમા ના ગમવા જેવુ શું છે?” ગમનલાલની હરકતનો જમનાબા એ જવાબ આપ્યો. “સારું, તો પછી તમે જ કહોને કે શું ગમવા જેવુ છે!ગમનલાલ હવે જમનાબેનનો તાર્કીક ઈશારો જાણી ગયા અને લાગ્યું બહુ બોલવામાં સાર નથી એટલે ઊભા થઈને ઓટલે જઈ બેસી ગયા. અને ચંપક છત્રી ઉપડ્યા દુકાને જવા. પણ વાનરોની ટોળી પેઠી ઘરમાં. હરીયો, જગલો, રમલો અને વામનીયો.

અરે, લીલાભાભી કાલની તૈયારી કેવી છે? ચંપકે કંઈ કહ્યું?”

ના રે, ગઈ વખત મેં એમની પોલ ખોલી દીધી તો આ વખતે જરા મુશ્કેલ પડશે.. વામનીયાભાઈ..”

તો એમ વાત છે, કાલે ખબર પડશે ચંપકને કે આ વાનરટોળી એની કેવી ખબર લેય છે!અને જગલો, હરીયો અને રમલો ખડખડાટ હસી પડે છે.

તહેવાર કોઈપણ હોય પરંતુ એની રંગત જ કંઈક અલગ હોય છે, હોળી અને ધૂળેટીનો તહેવાર તો માન્યતામાં પણ અમાન્યતા છાજે એવી પણ કોઈ જાતનો છોછ જ નહીં. તમે રંગબેરંગી ગુલાલની છોળો ઊડાડતાં, આવી એક દિવસની મસ્તી જો જિંદગીમાં ન હોય તો આ જિંદગી જીવવી નકામી કેમ ખરું ને! વાનરટોળી..” લીલાભાભીનું વાક્ય સાંભળતા વાનરટોળી જોમમાં આવી ગઈ અને હરખઘેલી થતાં તૈયારીઓ કરવા જતી રહી.

શેરીનાં નાકે, ચકલે, સાયંકાળે હોળી પ્રગટી અને લીલા સાથે ચંપક છત્રી એ પણ હોળીપૂજા મનભાવથી કરી અને ઘરે પરત આવતાં લીલાએ વાત છેડી, “જુઓ કાલે ધુળેટી છે, તમે જો સામેથી જતા રહો તો એ વાનરટોળી તમને કંઈ વધારે થોડા રંગે..!”

ના... ના, એ બળદીયા જેવા બળદેવકાકા અને પેલી ઘરખોદુ કમલાકાકી સાથે મહોલ્લા શેરીની તોફાની ટોળી અને વામનીયો, જગલો, હરીયો અને રમલો, તને તો ખબર જ છે ને ગઈ વખતે મારા કેવા ભૂંડા હાલહવાલ કર્યા હતા. અને ચાંપલી, તું પણ તો એ લોકોને જ સાથ આપતી હતી ને!લીલાનો કાન અમળાવતા બોલ્યા.

મારે તો સાથ આપવો જ રહ્યો ને! એ વાનરટોળીની હું પણ તો સદસ્ય છું જ ને...અને લીલા ખડખડાટ હસી પડે છે અને હસતાં હસતાં જ... જુઓ કાલે તમારી કેવી વલે થાય છે!”

સવાર પડી અને વાનરટોળી બહાર ભેગી થઈ ગઈ અને બળદેવકાકા એ હાક કરી, “અરે... એય વામનીયા, તે છાણમાટીનો ગારો તૈયાર કર્યો કે નહીં અને પેલી કૂંડી પાણીથી ભરી કે નહીં?”

હા... કાકા, બધીજ તૈયારી થઈ ગઈ છે..” વામનીયો અને ટોળીએ જવાબ આપ્યો અને હરખપદુડી કમલાકાકી વચ્ચે ટપકી, “મેં તો હોળીની રાખોડી પણ ચાળીને તૈયાર કરી જ રાખી છે. આજે તો ચંપકીયાની બરબરની ધૂળેટી ઊજવવી જ છે.અને શેરી આખામાં ધૂળેટી રમાવવાની શરૂ થઈ ગઈ.

ઢોલ અને ત્રાંસાનાં અવાજે અને સાથે સૂરમાં દરવાજાઓનો ખખડાટ, નાના ટેણીયાઓથી માંડી મોટાં સહુ અને છોકરીઓથી માંડી ઘરની વહુઓ સુધીનાં બધાંજ ગુલાલની છોળો શેરીમાં ઉડાડતાં બહાર નીકળી પડ્યા અને આખી શેરી, “હોળી આવી રે... હોળી..” આવીની બૂમો પાડતાં એક્બીજાને રંગતા આનંદ મનાવવા લાગ્યાં.

ચંપક છત્રી તો એનાં ઘરનાં વાડામાં આવેલ કુવા પાસેના ચીકુનાં ઝાડપર જ ચડી બેઠો ને ડરનો માર્યો સંતાઈ ગયો. આ બાજુ વાનરટોળી ચંપકને શોધતી તેનાં ઘરે આવી પહોંચી.

અરે.. જમનાબા ચંપકને બહાર કાઢો આજે તો હોળી છે.” અને શેરી આખી બૂમો પાડતી ધમાલે ચઢી.

ચંપકને ધૂળેટી રમવું નથી ગમતું તો એ ના રમે, તમે તમારે એકબીજાની સાથે રમો અને એય.. લીલા, જા તારે ધૂળેટી રમવી હોય તો તું જા..કહી જમનાબા એ બધા ને ધમકાવ્યા પણ લીલા.. પણ બા તેઓ તો ક્યારનાં વાડામાં કૂવા પાસેની ચીકુડી પર જઈ ચડ્યા છે તો એમનું ધ્યાન કોણ રાખશે જો હું ધૂળેટી રમવા જઉં તો..” વાતવાતમાં લીલાભાભી એ તો ભાંડો ફોડ્યો જાણીને વામનીયો, રમલો, જગલો, હરીયો સાથે બળદેવકાકા પણ ઘરમાં ઘુસ્યા અને પહોંચ્યા વાડામાં અને બળદેવકાકાએ બૂમ મારી... એય ચંપકીયા... નીચે ઊતરે છે કે પછી અમે આવીયે તને ઉતારવા.”  અને ચંપકને થયું કે આ વખતે પણ લીલા એનો રંગ બતાવતી ગઈ. જોઈ લઈશ એને એમ મનમાં બબડતો અને બૂમ પાડી કહ્યું, “હું જ આવું છું નીચે પણ આ વખતે ગઈ વખત જેવી ધૂળેટી નહીં રમું...

અરે.. તું નીચે તો આવ..બળદેવકાકા એ બૂમ પાડી અને ચંપકનાં મનમાં ફાળ પેઠી કે મરી ગયો આ વખતે પણ આ બળદીયોકાકો સાથે જ છે અને ચંપક ના કાકા પહેલા વચન આપો કે ગઈ વખત જેવી ધૂળેટી નહીં રમો..અને બળદેવકાકા એ ચંપક ને જાંસા માં લેવા હા...હા... વચન આપુ છું બસ, નીચે ઉતરીને ગાલ પર થોડું ગુલાલ અને માથે ટીકો કરાવતો જા, શુકન નો...અને ચંપક જેવો ઝાડ પરથી ઉતર્યો અને વામનીયા આણી ટોળીએ એને ઝાલ્યો અને બે હાથ અને બે પગ થી પકડી ટીંગાટોળી કરતાં લાવ્યા ઘરની બહાર....

જુઓ.. બળદેવકાકા તમે ફરી ગયા તમે મને વચન આપ્યુ હતુ ને...

હા... તો! બૂરા ના માનો આજ તો હોળી છે, ખેલો હોળી... ના.. વચન.. ના કોઈ આણ બસ ઉડવો ગુલાલ અને ખેલો હોળી...

બળદેવકાકા આગેવાનની જેમ આગળ અને આખી શેરી વાનરટોળીની પાછળ પણ ચંપક તો નિહથ્થો પકડાયેલો શત્રુદેશનાં સૈનિકની જેમ લાચાર...

વાનરટોળીએ ચંપક છત્રીને છાણમાટીનાં ગારામાં ઘસેડ્યો અને આખી શેરી છાણમાટીનાં ગારાથી ચંપક છત્રી સાથે હોળી રમવા લાગી. ત્યાંથી ઉંચકીને ચંપકને નાખ્યો પાણી ભરેલા હોજમાં અને હજી ભીનો થયેલો ચંપક બહાર આવે ત્યાંતો કમલાકાકી એને દુશ્મન જેવો ન ભાખતી હોય તેમ રાખોડાથી ભરેલો ટોપલો દઈ માર્યો ચંપક છત્રીનાં માથાપર. ચંપક તો મનમાં જ આજે મારું ન થવાનુંય થઈ ગયું અને દૂરથી લીલાને અટ્ટાહાસ્ય રેલાવતી જોતો રહ્યો.

અરે આવી રીતે કંઈ રમાતી હશે હોળી?” અહીં ચંપકનો ગુસ્સો ફાટ્યો અને દોડ્યો બળદેવકાકા તરફ અને જાણે કુસ્તીનાં ખેલમાં પછાડતો હોય એમ બળદેવકાકાને પકડ્યા કમરથી અને પછાડ્યા છાણમાટીનાં ગારા પર અને કમલાકાકીનાં હાથમાંથી ટોપલો છીનવીને બાકી બચેલો રાખોડો પણ દઈ માર્યો. અને ઈશારો કરી બોલ્યો, “કેમ કેવી રહી હોળી – ધૂળેટી બળદેવકાકા?”

શેરીની બારીઓમાંથી પાણીની બાલ્દીઓ રેડાવા લાગી અને વાનરટોળી ઝુમતી નાંચતી ત્રાંસા અને ઢોલ-નગારાનાં તાલે નાચવા લાગી. આખી સેના હોળી રમીને થાકીને શેરીમાં વચ્ચોવચ્ચ અડીંગો જમાવ્યો અને શરૂ થઈ ઠંડઈ, પકોડાની જયાફત. ત્યાં વામનીયો ઊભો થઈને.

ચંપક અને લીલાભાભી હવે આપણને હોળીનું ગીત સંભળાવશે...અને હરીયો હરખાઈને હા... એજ.. ગીતાદત્ત અને મુકેશજીએ ગાયું હતું તે અને અધૂરામાં પુરું બળદેવકાકાએ સૂર પુરાવતા. ‘અવિનાશ વ્યાસનું ગીત.અને બળદેવકાકા તો દોડીને ઘરેથી ઢોલક પણ લઈ આવ્યાને મારી ઢોલક પર થપાટ....

લીલા સાથે ચંપકે સૂરમાં સૂર પુરાવતા ગીત ગાવાનું ચાલુ કર્યુ.

લીલા :  લાલ રંગનાં લહેરણીયાને, માથે લીલી ચોળી,

                   હાલને દેવરીયા સંગે, રંગે રમીએ હોળી...

ચંપક :  તોરો મોરો રંગનીરાળો, હું કાળો તું ધોળી,

                   હાલને ભાભલડી સંગે રંગે રમીએ હોળી... લાલ રંગના..

ચંપક :  રાતો ચૂડલો, રાતી ઓઢની, રાત આંખલડી,

                    ભાભી તારે તાણેવાણે રુંપની વાંસલડી,

          અંગે અંગે રંગી કોણે જોબનની રંગોળી,

લીલા :             હાલને દેવરીયા સંગે રંગે રમીએ હોળી.... લાલ રંગના..

           બાંકી પાઘડી મૂંછો વાંકડી આખ્યું મસ્તીખોર,

                      આંખેઆંખ પરોવી કહેતું કોના ચિત્તનો ચોર,

           તારે મનડે કિધુ કેસર દીધું ધોળી..

ચંપક :               હાલ ને ભાભલડી સંગેરંગે રમીએ હોળી...

ચંપક અને લીલા :  લાલ રંગનાં લહેરણીયાને, માથે લીલી ચોળી,

                       હાલને દેવરીયા સંગે, રંગે રમીએ હોળી..

ધૂળેટીનાં આ દ્રશ્યો ખૂબજ રંગીન લાગે પણ કુંવારાઓ તો ઠીક પરણેલાઓ બહું જ રંગીન લાગે. ખેંચ્યા એમને બાવડેથી. ક્યાંક દુપટ્ટા હાથમાં આવ્યા. ત્યારે પડેલા તમાચાઓ પણ બહું જ રંગીન લાગે, પડોશણની મસ્ત જવાનીને રંગતા પત્ની ત્યાં જો જોઈ ગઈ અને માર્યા ધબાકા તોયે એ ધબાકા ધૂળેટીનાં રંગીન લાગે, આમતેમ દોડતાં કાબર ચિતરા બહું વ્હાલા લાગે જાણે સમીસાંજનાં આ ભુલકાઓની ટોળી મેઘધનુષ્ય સમ લાગે. નિકળ્યા હતા સફેદ ટોપી, કફની અને પાયજામામાં પાછા ફર્યા તો એ કાકાઓ પણ બહુંજ રંગીન લાગે. પકડવું – પકડાવવું, લપસવું – લપસાવવું, ભિંજાવવું તો ક્યારેક ખરડાવવું. ભાગવું તો ક્યાંક કોઈકને ભગાવવું એવા દ્રશ્યો જોતાં જાણે આ ધૂળેટી બહું જ રંગીન લાગે.’ 

આપ સૌને હેપ્પી હોળી... હેપ્પી ધૂળેટી...


Rate this content
Log in

Similar gujarati story from Comedy