Piyush Pandya

Comedy

3  

Piyush Pandya

Comedy

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ-૮...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ-૮...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે

5 mins
7.2K


બધા જ ચા પીને છુટા પડે છે અને ચંપકના લગ્નની તૈયારીમાં લાગી જાય છે... અને આયોજન પ્રમાણેનાં કામકાજમાં પણ... બીજે દિવસે સવારે

ચંપક : બા મને ૫૦૦ રુપિયા જોઈએ છે પણ બાપુજીને ના કહેતી કે મારે જરૂર છે...

જમનાબેન : કેમ શું કામ પડ્યું આટલા બધા રૂપિયાનું?

ચંપક : મારે થોડી ખરીદી કરવી છે...

જમનાબેન : તો હું અને તારા બાપુજી જવાના જ છીએ તો અમને જ યાદી આપી દે અમે ખરીદી લાવીશું...

ચંપક : બા, ક્યારેક તો મને સમજો... મારે જોઈતી વસ્તુ હું જ ખરીદી લાવું કે નહીં...

જમનાબેન : હા સારું ભાઈ... તુ તારી રીતે જ ખરીદી કરી આવ.. બસ

અને જમનાબેન ૫૦૦ રૂપિયા ચંપકને આપે છે...

રુપિયા લઈને ચંપક હરીયા સાથે દરજીની દુકાને જાય છે... અને ચંપકે લગ્ન માટે સિવડાવેલો કોટ અદ્દ્લ હરીયાનાં માપનો તૈયાર કરાવડાવે છે... અને વરઘોડામાં પહેરવાનાં ચંપક જેવા જ વસ્ત્રો હરીયા માટે તૈયાર કરાવડાવે છે સાથે બૂટ પણ... અને સોનીની દુકાનેથી એક સોનાની વીંટી લીલા માટે ખરીદે છે...

આ બાજુ લગ્નનાં દિવસની તૈયારીયો પુરજોશથી શરુ થઈ ગઈ.. અને ચંદરવો પણ બંધાઈ ગયો... સરિતા પણ જમાઈરાજા સાથે આવી પહોંચી છે... અને જોતજોતામાં પીઠી ચોળવાનો દિવસ પણ આવી ગયો...

મહોલ્લાની બધી સ્ત્રીઓ જમનાબેનને ત્યાં ભેગી થાય છે...

પહેલા ગણપતિ સ્થાપન ને માંડવા મુહર્ત... અને પછી પીઠી..

કમલાકાકી તો હરખઘેલી ફુલફટાક તૈયાર થઈને આવી ગઈ... વારાફરતી જમનાબેન, સરીતા અને મહોલ્લાની સ્ત્રીઓ ચંપકને પીઠી ચોળે છે… અને કમલાકાકીનો વારો આવે છે...

કમલાકાકી : કેમ ચંપકીયા, આજે તો તુ પીળી પીઠીમાં પણ લાલઘુમ લાગે છે...

ચંપક : હા કાકી, શું કરે... લોકો નારદવેડામાંથી બહાર નથી આવતા, તો મારું તો બનવાનું તો બની જ જાય ને...

કમલાકાકી : કેમ લીલાની બોવ યાદ આવે છે કે પછી... તારી ટેક નું શું થયું? વિચાર માંડી વાળ્યો કે શું?

ચંપક : કાકી તમને વધારે જાણવાનો અભરખો છે ને... લગ્ન પહેલા તો હું લીલાને મળી જ લઈશ પછી જ ફેરા ફરીશ એપણ પાક્કું...

કમલાકાકી : તો, એમ વાત છે...  હું પણ જોઈશ તુ ફેરા કેવા ફરે છે... ચત્તા કે ઊંધા...

ચંપક : તો પછી થઈ.... અને કમલાકાકીના હાથમાં તાળી આપે છે...

કમલાકાકી પીઠી ચોળીને લગ્નનાં ગીતોગાવા બેસી જાય છે... અને અહીં ચંપક ઠંડીમાં પણ પરસેવે રેબઝેબ થઈ જાય છે... વિચારે છે આનાથી સંભાળીને રહેવુ પડશે, આ વિલનકાકી કોઈ કરતબ ના દેખાડે તો સારું અને મનમાં મહાદેવને વિનંતી કરવામાં લાગી જાય છે...

બધું આયોજન પ્રમાણે જ ગોઠવાઈ ગયુ જાણીને ચંપક મનમાં હરખાય છે પણ કમલાકાકીનાં પેટમાં તેલ રેડાયું હોય છે કે  આમ તો ચંપકીયો પરણવાને કેમ તૈયાર થઈ ગયો... લીલા સાથે મુલાકાત થઈ ગઈ કે નહી એની મથામણમાં...

કમલાબેન : વામનીયા.. કાલે તો તારા મિત્ર ચંપકનો વરઘોડો નીકળવાનોને ... કેવી છે તમારે મિત્રોની તૈયારી?

વામનીયો : બા, તમને કેમ વધારે પડતી જાણવાની ઈચ્છા છે… અમારા મિત્રનાં લગ્ન હોય તો અમારી તૈયારી તો હોય જ ને..

કમલાબેન : એટલે ... ચંપક ઘોડે ચડવાનો તો એણે લીધેલી ટેક પૂરી થઈ ગઈ?

વામનીયો : બા બસ હવે, આ ઉંમરે આવુ વિચારવું, કોઈનું બુરું વિચારવુ યોગ્ય નથી...

કમલાબેન : હાય.. હાય.. હું ક્યાં કોઈનું બુરું વિચારું છું?

વામનીયો :તો આ તુ કરે છે શું? મારા કોટના ગજવામાં ભુલમાં ચીઠ્ઠી રહી ગઈ હતી તે વાંચીને તેં જ તો જમનાબાને ત્યાં જઈને ફોસલાવીને મંદિરે મોકલ્યા હતાને... મને બધી જ ખબર છે... બા...

કમલાબેન : લે હવે તુ પણ મને બદનામ કરે છે... ઘોર કળીયુગ આવી ગયો છે... કળીયુગ.

વામનીયો : બા, હું તને બદનામ નથી કરતો પણ હા, સાવચેત જરુર કરું છું કે તુ ચંપકના લગ્નમાં શાંતિથી ભાગ લઈશ ... કોઈ ખટ્પટ ના કરીશ...

કમલાબેન : હા... હા... બધાને મારી સાથે જ વાંધો છે તો હું નહી જ આવું.. બસ!!

વામનીયો : ના.. બા, મેં ક્યા એવું કહ્યું કે તુ ના આવ... પણ તારા સ્વભાવ પ્રમાણે તુ ખટપટ કરવાનું છોડી દે બસ એટલું જ તો કહ્યુ...

કમલાબેન : હા... હા.. હું જાણું છું કે ચંપકીયો તારો ખાસ મિત્ર છે... બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના...

વામનીયો : હા એ તો છે જ અને એક વાત તમને જણાવી દઉં કે કંઈ પણ થઈ જાય કે કંઈપણ કરવું પડે... ચંપકના લગ્ન તો અમે લીલાભાભી જોડે કરાવી ને જ જંપીશુ...

કમલાબેન : હા તો હું પણ જોવ છું તમે કેવા ફેરા ફરાવો છો... તમારા બધાનાં ફેરા હું ઊલ્ટા ફેરાવી ને જ દમ લઈશ...

અહીં વામનીયો એની બાની વાત સાંભળીને થોડો ઘભરાય છે અને ચંપકને ખોળતો તેના ઘરે આવે છે... અને ભુરીયા ને હરીયો, જગલો અને રમલાને તેડવા મોકલી આપે છે..

થોડી જ વારમાં બધા મિત્રો ચંપકના ઘરે ભેગા થાય છે...

હરીયો, જગલો અને રમલો : કેમ વામનીયા અચાનક શું થયું?

ચંપક : હા, વામનીયા... બધું તો આયોજન પૂર્વક થઈ રહ્યું છે તો આમ અચાનક...

વામનીયો : કંઈ નહી દોસ્તો, મારી બા ભૂંરાટે ભરાઈ છે અને એ મારી પાસે વાત કઢાવવા માંગતી હતી પણ મે કોઈપણ ભોગે એને તાગ આવવા દીધો નથી, પણ મારી બાથી સાચવીને આપણે રહેવું પડશે...

હરીયો : કેમ એવું શું કર્યુ છે તારી બા એ...

વામનીયો: એને ચંપકે લીધેલી ટેકની ખબર છે અને એ દિવસે ચંપક અને લીલાભાભીની મંદિરની મુલાકાત પર એણે જ પાણી ફેરવ્યું હતું.

જગલો : ઓહ્હ... એ કેવી રીતે?

વામનીયો : લીલાભાભીની ચીઠ્ઠી વાંચીને મેં કોટના ગજવામાં મુકી હતી અને ભૂલમાં એ ફાડવાની રહી ગઈ તો મારી બાએ એ ચીઠ્ઠી વાંચી લીધી હતી અને પછી એણે જ તરકટ કર્યુંં હતું...

રમલો : ઓહ્હ... વિલનકાકી...

વામનીયો : એમ કહેશો તો પણ મને ખોટું નહી લાગે મેં ઘણું સમજાવી પણ એ ચંપકની ટેક તોડાવવા આકાશ પાતાળ એક કરી નાંખશે એની મને ખાત્રી છે...

રમલો : તો આપણે પણ કંઈ ગાંજ્યા જઈએ એવા નથી...

વામનીયો : રમલા, તુ મારી બાને ઓળખતો નથી હજુ, એ જે ધારે તે કરીને જ જંપે...

ચંપક : તો પછી કરવું છે શું એની વાત કરો...

વામનીયો : થોડુક સાવચેત રહી ને કામ કરવું પડશે, હા જગલા તારે મારી પર પૂરી નજર રાખવી પડશે.. અને કોઈપણ શંકા જણાય કે તરત જ તારે અમને જણાવી દેવાનું આમેય હું એનો જ છોકરો છું તો થોડા ગુણ તો એના મારામાં પણ ઊતરવાનાં જ તો એની બધી જ ચાલ મને ખબર પડી જ જશે ... હા..હા...હા...

ચંપક : હા.. એજ બરાબર રહેશે...

ભૂરીયો બધા માટે ચા અને નાસ્તો લઈ ને રૂમ માં પ્રવેશે છે અને બધા ચા નાસ્તો કરી ને  છૂટ્ટા પડે છે...


Rate this content
Log in

Similar gujarati story from Comedy