જીવનના ખેલ
જીવનના ખેલ
દેવિકાબેનની નજર ચારે બાજુ ફર્યા કરતી. એમણે તો કેટલીએ વાર એમના દીકરાને કહ્યું હતું,"પુષ્પાન્ત હવે મારી ઉંમર થઈ, કોઇ સારૂ પાત્ર તારા ધ્યાનમાં હોય તો મને કહે હું ધામધુમથી તારા લગ્ન કરાવીશ."
"મમ્મી એ જવાબદારી તારી છે. મારે શું ? હું તો આખો દિવસ ઓફિસમાં હોઉ. મારાથી વધુ સમય તો તારે જ એની જોડે રહેવાનું છે. તું જે છોકરી પસંદ કરીશ એ છોકરીને જોયા વગર પણ મારી હા જ છે."
"બેટા, મને પગે વા છે સવારે વહેલા ઉઠીને તારૂ ટિફીન બનાવતાં મને ઘણી તકલીફ પડે છે."
"મમ્મી મેં કેટલીએ વાર તને કહ્યું છે કે હું કેન્ટીનમાં જમી લઈશ."
"મને ખબર છે કે તને બહારનું ખાવાનું માફક નથી આવતું. મારે તો તને સાચવે એવી છોકરી લાવવી છે. તું રાતના સુતા પહેલાં જાતજાતના તેલથી મને માલિસ કરી આપે છે. તારી મારા પ્રત્યેની લાગણી હું સમજી શકુ છું. ઘરમાં મારો સમય જતો નથી એટલે તો હું મંદિરમાં દરરોજ સેવા આપવા જઉં છું."
તે દિવસે પ્રશ્નોતરીનો કાર્યક્રમ હતો. મહારાજશ્રીનો પ્રશ્ન પુરો થાય કે તરત એ છોકરી જવાબ આપી દેતી.
."યમુનાષ્ટ શા માટે કરવામાં આવે છે ?"
"મહાપ્રભુજીના માતા પિતાનું નામ શુુંં ?"
"ગુંસાઈજીના લાલાઓના નામ ?"
દેવિકાબેન મનમાં વિચાર કરતાં હતાં કે દીકરાને આવી પુષ્ટીમાર્ગની અભ્યાસી છોકરી મળી જાય તો મારૂ જીવન સુધરી જાય. જ્યારે ઈનામની જાહેરાત થઈ ત્યારે પ્રથમ નંબર એ છોકરીનો આવ્યો કે જેનું નામ હતું પુષ્ટી શાહ. દેવિકાબેનના આનંદની સીમા ના રહી. પોતાની જ નાતની છોકરી હતી. ત્યારબાદ તો એમણે એ દીકરી બાબતે તપાસ કરાવી.
ટુંક સમય સમયમાં જ પુષ્પાન્ત અને પુષ્ટીના લગ્ન થઈ ગયા. જો કે પુષ્પાન્ત એમ.આર. હતો એની બોલવાની કળા અદભૂત હતી. તેથી તો એ જે દવાની ભલામણ કરતો એ દવાનો બજારમાં ઉપાડ રાતોરાત વધી જતો. એટલું જ નહીં કેટલાક ડૉક્ટરો તો એને દીકરાની જેમ રાખતાં. પુષ્પાન્તને એની મમ્મી પ્રત્યે પુષ્કળ પ્રેમ હતો. એની મોટીબહેન તો નજીક જ રહેતી હતી. ભાઈબહેન વચ્ચે પણ એટલો જ પ્રેમ હતો. બહેન પણ કંઇક સારી વાનગી બનાવે તો ભાઈને મુકીને ના ખાય. જ્યારે ભાઈબહેનના પ્રેમની વાત નીકળે કે દરેક જણ પુષ્પાન્ત અને એની બહેન પૌરવીનું ઉદાહરણ આપતાં.
પુષ્ટીએ જોયું કે દરરોજ રાતે આવીનેે એનો પતિ એની સાસુના પગ દબાવે છે. એની બહેન જો આવી હોય તો પતિ પણ હુકમ કરવાનું ચાલુ કરી દે. કંઇક ગરમ નાસ્તો બનાવ. પૌરવી બહેનને બટાકાવડા બહુ જ ભાવેે. હા,આજ તો એ જમીને જ જશે.
પુષ્ટીને કામ કરવુ ગમતું નહી. ખરેખર તો એને મહેમાનોની અવરજવર જ ગમતી નહીં. લગ્નબાદ આઠેક મહિના બાદ એ પિયર ગઇ. થોડા મહિનાઓ બાદ એ પાછી આવી ત્યારે સરસ મજાની ઢીંગલી જેવી પુત્રી લઈને આવી. પણ એ એની પાસે જ રાખતી. દેવિકાબેન રમાડવા જાય તો એમના હાથમાંથી ઝુંટવીને કહી દે, "મારી દીકરીછે તમારે અડવાનું નહીં."
થોડા દિવસ બાદ દેવિકાબેને જ કહ્યું,"પુષ્પાન્ત, તમે જુદા રહો. દરરોજ દરરોજના અપમાન મારાથી સહન નથી થતાં."
પુષ્પાન્તે વિચાર્યું કે એકવાર મહારાજશ્રીને વાત કરવી જોઇએ કારણ એ વ્યક્તિ એને સમજાવવામાં સમર્થ છે.
જ્યારે મહારાજશ્રીએ સમજાવવાનું ચાલુ કર્યું કે તરત પુષ્ટીએ કહી દીધું, "તમે તમારૂ કામ કરો. મને સલાહ આપશો તો હું કાલથી મંદિર નહીં આવું. હીંડોળા ભરવામાં કે સાંજી પુરવામાં પણ હું મદદ નહીં કરૂ" તેથી તો કોઈ જ પુષ્ટીને સમજાવતું નહીં.
જો કે પુષ્પાન્તે કહ્યું પણ ખરૂ કે, "મમ્મી,એને કાઢી મુકુ" પણ દેવિકાબેને એવું આખરી પગલું ભરવાની ના કહી.
આખરે મન વગર પણ પુષ્પાન્ત જુદો રહેવા ગયો એ દિવસે એ એની મમ્મીને વળગીને ખૂબ રડ્યો. એ તો એટલે સુધી બોલ્યો, "આજે મારા શરીરનું એક અંગ કપાઈ ગયુ"
દિવસો વિતતા ગયા. પુષ્ટી સમયસર ટિફીન બનાવતી નહીં. એ કેન્ટીનમાં જ જમી લેતો. સાંજે એ આવે ત્યારે અચૂક ઘરે તાળુ હોય. એને તો જમીને ડૉક્ટરોને મળવા જવાનું હોય. જેથી એ સીધો એની મમ્મી પાસે જઈને ત્યાં જ જમી લેતો. પુષ્ટીને પણ ખ્યાલ આવી ગયો હતો કે પુષ્પાન્ત એના મમ્મીને મળવા જાય છે એ વાત એનાથી સહન જ થતી ન હતી.
એવામાં બળેવનો તહેવાર આવ્યો ત્યારે પતિ ઘરમાં હોવા છતાં પણ બહારથી તાળુ મારી બારીમાંથી બોલી, "આ જે આખો દિવસ તાળુ નહી ખુલે. મેં કહેલું જ છે કે તારે તારી બહેન કે તારી મા જોડે સંબંધ રાખવાનો નથી. આજે બહાર નીકળીને સીધો તારી બહેન પાસે રાખડી બંધાવા જતો રહીશ."
એ આખો દિવસ એની આંખોમાં પાણી આવતાં રહ્યા. કેટલીયે વાર ઈચ્છા થતી કે પુષ્ટીને કાઢી મુકુ. પણ એની દીકરીને ભવિષ્યમાં સારૂ ઘર ના મળે. સમાજમાં માના ખરાબ વર્તનને કારણે સંતાને ભોગવવુંં પડતું હોય છે. પુષ્પાન્ત ઘણીવાર ડૉક્ટરની રજા લઈ હોસ્પિટલમાં જ સૂઈ રહેતો. જો કે કયારેક એની દીકરી ડોલી પૂછી લેતી, "મમ્મી, રાત પડે બધાના પપ્પા ઘેર આવી જાય છે. મારા પપ્પા કેમ નહીં?"
દિવસો જલદીથી પસાર થતાં રહેતાં હતાં. દીકરી કોલેજમાં આવી ત્યારે સાકારના પ્રેમમાં પડી. પણ સાકારે સ્પષ્ટ કહી દીધું, "ડોલી, મેં તપાસ કરી કે તારી મમ્મી લડાઇ ઝગડા કરી જુદી રહી. પણ હું મારા માબાપને બહુ જ પ્રેમ કરૂ છું. તારે તો દાદા પણ ન હતા. તમે ક્યારેય વિચાર્યું કે બા એકલા જિંદગી કઈ રીતે વિતાવતા હશે ?"
સાકારે જ હકીકતમાં તપાસ કરી હતી. બોલ્યો, "ડોલી,ભલે તારી મમ્મી બા જોડે સંબંધ ના રખે તું તો રાખી શકે ને ?તારા પપ્પા ક્યાં સુધી છાનામાના એમની મમ્મીને મળતાં રહેશે ? જો તારી મમ્મી તારા મામાને રાખડી બાંધવા જઈ શકતી હોય તો તારા પપ્પાને શા માટે દર બળેવે રાખડી બંધાવા જાય તો મનાઈ કરે છે ?અમારા ઘરમાં બધા સંપીને રહે છે. તારી મમ્મીને કારણે મારા ઘરના તારો ક્યારેય સ્વીકાર નહીં કરે."
તે દિવસે ડોલી બહુ જ રડી. એને પપ્પા યાદ આવી ગયા પણ એ તો કોઈ હોસ્પિટલમાં રાત રોકાઈ ગયા હશે.
બીજા દિવસે પપ્પા આવ્યા ત્યારે એણે કહ્યું, "ચાલો,આપણે બાને મળવા જઈએ. થોડા પૈસા પણ લઈ લેજો બાને આપવા."
એ રાત્રે ડોલી પાછી ના આવી. એની બા પાસે જ રહી. એણે જોયું કે એના પપ્પા દરરોજ રાત્રે બા ના પગે માલિશ કરી આપતાં. સામે પક્ષે બા અઢળક આશીર્વાદ આપતાં. મા દીકરાનો પ્રેમ જોઈ એની આંખમાં આંસુ આવી ગયા. એની મમ્મી તો કહેતી હતી કે, "બાનો સ્વભાવ બહુ જ ઝગડાળુ છે. હું તને ત્યાં નહીં જવા દઉં" એને તો એમ જ કે મમ્મી કહે એ બ્રહ્મવાક્ય. એટલે તો એ બા પાસે જવાન બદલે મમ્મી સાથે રજાઓમાં મંદિરમાં માળાજી બનાવવા જતી. બુહારી કરતી.
સાકારના પ્રેમમાં પડ્યા પછી એને વાસ્તવિકતા સમજાઇ ગઇ હતી. પુષ્ટીમાર્ગનું જ્ઞાન હોવું એ એક વાત છે. પણ કોઈ ધર્મ તમને એવું નથી શીખવાડતો કે માબાપને તરછોડવા. ગણેશજીએ પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાને બદલે માબાપની પ્રદક્ષિણા કરી.
ડોલીએ ઘરમાં બોલવાનું તો બંધ કરી જ દીધું હતું. મોટાભાગનો સમય બાને ત્યાં જ વિતાવતી. પુષ્ટી બેચેન બનવા લાગી. એને ડોલી વગર ગમતું ન હતું. આખરે એ ડોલીને મળવા આવી. સાસુ એ તો એને પ્રેેમથી બોલાવી. પણ એણે તો ડોલી સામે જોઈને કહ્યું,"બેટા,ઘેર ચલ મને તારા વગર નથી ગમતું."
"કેમ ના ગમે ? બા પણ એના દીકરા વગર રહે જ છે ને ? તું પણ ટેવાઈ જા." પુષ્ટી સ્તબ્ધ થઈ ગઈ એણે આવું વિચાર્યું પણ ન હતું. મમ્મી હવેથી તું મામાને પણ રાખડી બાંધવા ના જઇશ. એ દિવસે હું પણ તને ઘરમાં પુરીને બહારથી તાળુ મારી દઈશ."
પુષ્ટી રડતી રહી. આખરે બોલી, "હું હવેથી અહીં જ રહેવા આવી જઇશ. મમ્મી મને માફ કરશો ને ?"
"બેટા, માબાપ તો સંતાનને હમેશ માફ કરતા જ હોય છે."પુષ્ટી બહાર નીકળી ત્યારે પુષ્પાન્તે કહ્યું,"મમ્મી,કહેવત છે કે જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે." આ સાંભળી ડોલી તથા એના પપ્પાને બા ખડખડાટ હસી પડ્યા.
