જીવન વસંત
જીવન વસંત


વસંત વિહારના બગીચામાં વાસંતી બેન છોડવાઓ ને પાણી પાઈ રહ્યા હતાં, ત્યારે અચાનક તેમની પાસે રમતી વિધિએ તેમને પૂછ્યું," દાદીમા, તમારું કોઈ નથી? તમે એકલા કેમ રહો છો?"
એક બાળકીનો મૂંઝવણભર્યો સવાલ સાંભળી દાદીમાએ કહ્યું કે "કેમ તમે બધાં છો ને, અને આ મારા છોડવાઓ ને હું મારા બાળકની જેમજ ઉછેરું છું."નાનકડી વિધિને આવો જવાબ આપ્યા પછી વાસંતી બેન તેના અતીતમાં ખોવાઈ ગયા.
તેમનો ભર્યો - ભર્યો સંસાર, બંને બાળકોની માયાજાળમાં ગૂંથાયેલા વાસંતી બેન અને વિપુલ ભાઈ. જ્ઞાતિમાં તેમનું નામ ગૌરવથી ઉચ્ચારાય. જ્ઞાતિમાં, આજુબાજુમાં દરેક જગ્યાએ તેમના સંબંધોમાં મીઠાશ. કોઈ ને કોઈ તેમને મળવા આવ્યા કરે. જરૂરિયાતમંદને તેઓ મદદ કરતાં રહે. બે - બે દિકરાઓના મા-બાપ હોવાનું ગૌરવ થયા કરે. તેમની પ્રતિષ્ઠાના કારણે દિકરાઓના લગ્ન પણ પૈસાપાત્ર કુટુંબમાં થયાં. વિપુલ ભાઈ - વાસંતી બેનને હવે નિરાંતે જીવવાનો વારો આવ્યો. અત્યાર સુધી અનેક જવાબદારીઓ સકુશળ નિભાવી. સમયે - સમયે સંબંધો સાચવ્યા. અને જ્યારે તેમનો પોતાના સંતાનો સાથેનો સંબંધ ન સચવાયો ત્યારે બંનેને ઊંડો આઘાત લાગ્યો.
ઘરની અંદર કંકાસે ક્યારે પગપેસારો કરી લીધો તે તેમને ખબર જ ન પડી. અને અંતે એક દિવસ એવો આવ્યો કે વિપુલ ભાઈ - વાસંતી બેને પોતાની જિંદગી સ્વમાનભેર જીવવાનું નક્કી કર્યું. અને પોતાના વતનમાં જઈ તેમણે પોતાનું નવજીવન શરૂ કર્યું. તેમના બાગકામના શોખ દ્વારા તેમણે નાનો એવો બગીચો તૈયાર કર્યો નાના બાળકો રમી શકે તે માટે હીંચકો તેમજ લપસણી મુકાવ્યા ફૂલોની ક્યારીઓ બનાવી. વૃક્ષો વાવ્યા. તેમનું કાળજી પૂર્વક જતન કર્યું અને તેમનું આ સહજીવન નવપલ્લિત બની ગયું. વૃક્ષની જેમ જ. વૃક્ષની છાયાની જેમ આસપાસમાં તેઓ ઘણાની છત્રછાયા બની ગયાં. રોજ સાંજે બગીચામાં બંને આવે છોડવાઓને પાણી પીવડાવી ને તેની સાથે વાતો પણ કરે. આજુબાજુમાં નાના મોટા છોકરાઓ રમે. ક્યારેક તો તેઓ બાળકોને વાર્તા પણ કરે. આમ તેઓ બધાના દાદા - દાદી બની ગયાં. આમ તેઓ વાનપ્રસ્થાશ્રમની મજા માણી રહ્યા હતાં ને અચાનક વિપુલ ભાઈ બિમાર પડ્યા. અને આ બિમારીમાંથી ઊભા થયા નહીં. અને વાસંતી બેનનો સાથ છોડી ગયા. અને તેના મીઠા સંસ્મરણો મૂકી ગયા. વાસંતી બેન આવી ગયા દિકરાઓના ઘરે. વારાફરતી બંને દિકરાઓ ના ઘરે આવ - જા કરતા. પણ મનોમન તેને થતું કે તેમની કોઈ ના કોઈ કારણસર ઉપેક્ષા થતી રહે છે.
સ્વમાનભેર જીવનારા વાસંતી બેનને સતત મળતી ઉપેક્ષાએ એકલવાયું જીવન જીવવા માટે મજબૂર કર્યા. તેઓ ફરીથી પોતાના "વસંત વિહાર" માં આવી વસ્યા. તેમના બાગકામના શોખને સજીવન કર્યો. આજુબાજુમાં રહેતા બાળકોનો સુંદર સહવાસ તેમના માટે બની ગયો સુંદર ઉપવન સમો. અને તેમાં ખોવાઈ ગયા વાસંતી બેન વસંત બનીને.