N.k. Trivedi

Abstract Inspirational

4.4  

N.k. Trivedi

Abstract Inspirational

જિદ

જિદ

5 mins
381


"શું! તમે આમ જિદ પકડીને બેઠા છો."

"હું, હું જિદ પકડીને બેઠો છું. તમને બધાને મારી વાત દખલગીરી અને વધારે કહું તો જિદ લાગે છે.આ મારી વાત જિદ નહીં પણ હકિકત છે. છોકરાઓએ પણ આપણી વાત માનવી પડે. જેમ એ બધી બાબતમાં ખોટા નથી હોતા તેમ આપણે, હું પણ બધી બાબતમાં ખોટો નથી હોતો. આ, આજની બાબતમાં તો નહીં જ. દીકરીને ભણાવી, ગણાવીને મોટી કરી. બધી જ સુખ, સગવડતા આપી અને અચાનક આવી ને કહે પપ્પા હું પ્રેમ લગ્ન કરવા માગું છું અને તે પણ પર જ્ઞાતિમાં. તું જ કહે, હું કેવી રીતે હા, કહીને તેની વાત સ્વીકારી લઉં."

"તમારી વાત નો હું વિરોધ નથી કરતી. પણ અત્યારે સમય બદલાયો છે. સમય પ્રમાણે આપણે પણ બદલાવું પડશે. દીકરીએ પસંદગી કરી હશે એ સારી જ હશે. એક વખત પાસે બેસાડીને વાત તો જાણી લઈએ. કોઈ નિર્ણય એમ તાત્કાલિક ન લઈએ તો સારું. એક જ દીકરી છે તો તેની વાત પણ આપણે સાંભળવી જોઈએ. મારી એવી ઈચ્છા છે કે આપણે મેનાની સાથે વાત કરીને તેની પસંદગી વિશે જાણી લઈએ."

"ના, મારે મેનાને કઈ પૂછવું પણ નથી કે કોઈ વાત જાણવી નથી."

"આ, તમારી જિદ નથી તો શું છે. પછી નહીં બનવાનું બની જશે ત્યારે વાત નહીં સાંભળવાની જિદ માટે અફસોસ થશે."

"તે, ભલે થાય. હું કોઈ કાળે તેને પ્રેમ લગ્ન માટે સંમતિ નહીં આપું. જે કાંઈ પરિસ્થિતિ ઊભી થશે એ ભોગવી લઈશ."

અંતે, મેના એ તપન સાથે ભાગીને લગ્ન કરી લીધા. માતાને ફોનથી જાણ કરી દીધી અને કિશોરભાઈએ મેના સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા. લગ્ન પછી તપન સાથે આશીર્વાદ લેવા આવી હતી ત્યારે કિશોરભાઈએ મેનાનો હાથ પકડીને ઘર બહાર ધકેલી દીધી હતી અને કહ્યું હતું અમારા માટે તું મરી ગઈ છો હવે પછી આ ઘરનું આંગણું ન ચડતી.

કિશોરભાઈના પત્ની શોભાબેન મનમાં દુઃખી થઈને દીકરીને આંગણું તજતા જોઈ રહ્યા હતા. દબાતા અવાજે કિશોરભાઈને કહ્યું પણ હતું જે થવાનું હતું એ થઈ ગયું. મેના આપણું એક જ સંતાન છે તેને માફ કરીને પરિસ્થિતિને સ્વીકારી લો તો સારું. નહીંતર આગળ ઉપર પસ્તાવાનો વારો આવશે.

મારી જિદ, મારી જિદનું ગીત ગાયા કરો છો પણ તારા લાડ પ્યારે જ આ પરિસ્થિતિ ઊભી કરી છે. એમ કહીને ઘરમાં ચાલ્યા ગયા હતા.

કિશોરભાઈને એમ લાગતું કે એ જે કાંઈ વર્તન કરે છે એ તેની જિદ નથી પણ શિસ્ત માટે જરૂરી છે. આ જ ખ્યાલથી ઓફિસમાં પણ તેનું વર્તન જિદ ભરેલું રહેતું. હું, કહું એ સાચું અને તે જ પ્રમાણે કામકાજ થવું જોઈએ. ઓફિસમાં પણ બધાં કિશોરભાઈના આવા સ્વભાવ અને વર્તનથી નારાજ હતા. કિશોરભાઈથી બધાં દૂર દૂર રહેતા એટલે કોઈ સાથે કિશોરભાઈને આત્મીય સંબંધ જેવું કંઈ રહ્યું નહોતું. 

કિશોરભાઈને આજે બાલ્કનીમાં બેઠા એકલા એકાંતમાં બધું જ યાદ આવી રહ્યું હતું. મનમાં અફસોસની લાગણી ઊભી થતી હતી. મનમાં જિદના પરિણામનો એક ડંખ ઊભો થતો હતો. કિશોરભાઈ ઊભા થઈને શોભબેનના ફોટા પાસે ગયા અને સ્વાગત કહ્યું કે શોભા તને તે દિવસે મેં જિદ કરીને યાત્રામાં ન મોકલી હોત તો તું આજે મારી સાથે હોત. કિશોરભાઈ એકીટશે શોભાબેનના ફોટા સામે જોઈ રહ્યા જાણે શોભાબેન કિશોરભાઈને કઈક કહેતા હોય......કે આજે તમને જે અહેસાસ અને અફસોસ થાય છે એ તે સમયે થયો હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત. મેં તો તે દિવસે યાત્રામાં જવાની ચોખ્ખી નાં પાડી હતી. મારુ મન કોણ જાણે કેમ યાત્રામાં જવા માટે તૈયાર નહોતું થતું. આ વાત મેં તમને પણ કરી હતી. ત્યારે તમે એ મનનો વહેમ કહીને પરાણે યાત્રામાં મોકલી હતી. મારી અનિચ્છા હોવા છતાં તમારી જિદ પાસે નમતું જોખવું પડ્યું હતું. મારો ભય સાચો પડ્યો અમારી ટ્રેનને એક્સિડન્ટ થયો અને મૃતકોમાં મારુ નામ લખાઈ ગયું.

હા, એ મારી જિદ હતી અને તારી, મારી જિદ સામે નમતું જોખવાની ટેવે મને ન ભરી શકાય એવા નુકસાનમાં ઉતારી દીધો. તું મારાથી દૂર દૂર સદાને માટે ચાલી ગઈ. આજે તો મેના પણ બહુ યાદ આવે છે. પણ જે દીકરીને હાથ પકડીને ઘરમાંથી કાઢી મૂકી હોય એ દીકરીને ક્યાં મોઢે ફોન કરું. આજે હું સાવ એકલો થઈ ગયો છું, એકલો પડી ગયો છું.

આજે પણ તમે એ જ ભૂલ કરો છો. જે ભૂતકાળમાં કરતા હતા. એ આપણી દીકરી છે. આજે પણ એ મને અને તમને ભૂલી નથી. મારી અંતિમ વિધિમાં તેને ન આવવા દીધી તેનું દુઃખ તેને જરૂર છે. પણ કોઈ જાતનો મનમાં ડંખ નથી. તમે દિલથી યાદ કરશો તો એ જરૂર દોડી આવશે અને તમારી એકલતામાં સહારો બનશે. હજી સમય છે પરિસ્થિતિને સુધારવાની.

શોભા, આજે પણ તું મારી સાથે છો. હવે જિદ રાખ્યા વગર હું મેનાને ફોન જરૂર કરીશ. તું હતી ત્યારે તારી વાત નહોતો માનતો આજે માની ને હું પ્રાયશ્ચિત કરીશ.

કિશોરભાઈને શોભાબેન સાથે માનસિક વાતચિતથી મનમાં થોડીક શાંતિ થઈ અને મનથી નક્કી કરી નાખ્યું કે મેના ફોન કરે કે ન કરે હું જરૂર મેનાને ફોન જરૂર કરીશ.

કિશોરભાઈ ઊંડા વિચારમાં ડૂબેલા હતા ત્યાં મોબાઈલમાં રિંગ વાગી. નંબર જોઈને કિશોરભાઈનું હૃદય ધબકાર ચૂકી ગયું....કિશોરભાઈએ શોભાબેનના ફોટા સામે જોઇને ફોન ઉપાડ્યો....

"હલ્લો, બેટા મેના....પપ્પા બોલું છું."

"પપ્પા...પપ્પા તમે કેમ છો ?"

"સારું છે બેટા. તારા આ પપ્પાને માફ કરીશ ને ? બેટા, મને મારી જિદના પરિણામનો અહેસાસ થઈ ગયો છે. બેટા, મને માફ કરજે."

"શું, પપ્પા. તમે પણ. દીકરી માટે તો માતા, પિતા પૂજનીય હોય છે. માફી તો મારે, મારા આવા અચાનક અને તમારા માટે દુઃખદ બનેલા પગલાં માટે માંગવી જોઈએ. પપ્પા, તમે મને માફ કરી દીધી છે ને?"

"હા, બેટા.... કિશોરભાઈનું હૃદય ભરાઈ આવ્યું આથી વિશેષ આગળ ન બોલી શક્યા. સામે મેના પણ ચોધાર આંસુથી રડી રહી હતી."

"પપ્પા, હું અને તપન અત્યારે જ ત્યાં આવવા નીકળીએ છીએ. તમને જોયાને વરસો થઈ ગયા, હવે મન અધીરું થઈ ગયું છે."

કિશોરભાઈ એટલું જ બોલી શક્યા... "બેટા રાહ જોઉં છું. મારે પણ તને જલ્દી મળી લેવું છે."

કિશોરભાઈને પોતાની જિદનો પહાડ બરફ ઓગળે એમ ઓગળતો લાગ્યો. સ્વગત શોભાબેનને ઉદ્દેશી બોલ્યા, શોભા આ પહાડ પહેલા હું ઓગળી શક્યો હોત તો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract