જે સાફ કરે એજ ખરડાય ?
જે સાફ કરે એજ ખરડાય ?


મોહિનીએ ધીમે રહી ઓરડાની બારી ઉઘાડી. સૂર્યાસ્તની ગુલાબી -નારંગી કિરણો ધીમે ડગલે ઓરડામાં પ્રવેશી. એ કિરણો વચ્ચેથી સુભાષને મોહિનીનું સાડીમાં લપેટાયેલું શરીર વધુ મોહ પમાડી રહ્યું. પથારી ઉપરથી સાડીનું પલ્લું શણગારી રહેલ મોહિની ઉપર જડાયેલી સુભાષની આંખો મોહિની પરના એના વિશ્વાસની સાક્ષી આપી રહ્યા હતાં. આજે વર્ષો પછી એણે પોતાના મનનો ભાર કોઈની જોડે વહેંચ્યો હતો. હૈયામાં દબાવી રાખેલ વરાળ આજે મોહિની આગળ શબ્દો બની હૂંફાળી બહાર નીકળી રહી હતી. મોહિની એની વેદના શબ્દ સહ ધ્યાનથી સાંભળી રહી હતી. " ક્યારેક લાગે છે મોહિની કે, પિતાજીએ આ બધી જવાબદારીઓ મારા જ માથે શા માટે નાખી દીધી ? સૌથી વ્યસ્ક હોવાની સજા જ તો વળી. જમીન, મિલ્કત, કાગળિયાઓ, સરકારી દસ્તાવેજોએ મારા વાળ ક્યારે ધોળા કરી નાખ્યા એની જાણ પણ ન થઈ. આખી યુવાની કોર્ટ કચેરીના ધક્કાઓ ખાવામાં અને વકીલો પાછળ ચક્કર લગાવવામાંજ ખર્ચાઈ ગઈ. મારી જાત માટે પણ સમય બચાવી ન શક્યો. આ કેસ, પેલો કેસ, આ દસ્તાવેજ ને પેલું દસ્તાવેજ. પિતરાઈ ભાઈ બહેનો તો છોડો પોતાનાજ ભાઈ બહેનો જોડે માનસિક સંઘર્ષ. એક કહે આમ તો બીજો કહે પીપળો. જુદા જુદા મંતવ્યો અને કદી અંત ન પામનારા મતભેદો. આટઆટલી ગધ્ધામજૂરી વેઠ્યા પછી પણ ભૂંડો તો હુંજ પડ્યો. મારુ જીવન જેમની પાછળ ખર્ચી નાખ્યું એ બધા મારુ મોઢું પણ જોવા નથી ઈચ્છતા. માન સન્માન તો દૂરની વાત...." સળવળતા હૈયામાંથી નીકળી રહેલી ચિનગારીઓ હાથના આવેગ જોડે પડખેની ટ્રિપોય ઉપરના ચાના પ્યાલા સાથે આવી ઠોકાઈ.
જોતજોતમાં ગરમ ચાનો કપ ઊંધો વળ્યો. ટીપે ટીપે ઈલાયચીની સુગંધ પ્રસરાવતું પ્રવાહી ચળકતા સ્વચ્છ લાકડાના માળ ઉપર રેડાઈ વિસ્તૃત થવા લાગ્યું. બારી તરફથી અતિવેગે ટ્રિપોય તરફ ધસી આવેલી મોહિનીના ચ્હેરા ઉપર ઓચિંતો ગભરાટ વ્યાપી ગયો. ગંદકી એનાથી સહેવાતી નહીં. સ્વચ્છતાની ટેવથી વિવશ મોહિનીએ ત્વરિત પ્રત્યાઘાત સ્વરૂપે,વિચાર્યા વિનાજ ટ્રિપોય ઉપર શણગારાયેલું સફેદ, સ્વચ્છ બારીક ગૂંથણી વાળું કાપડનું આવરણ ખેંચી કાઢ્યું. બીજીજ ક્ષણે એ સફેદ કાપડ ચાના ડાઘ જોડે ભોંય ઉપર ફરી વળ્યું. પોતાની ભૂલનું ભાન થતાંજ મોહિની પશ્ચાતાપ જોડે એ ગંદા કાપડને હેરતથી તાકી રહી. " કેવી વક્રતા સુભાષ ! જે ગંદકી સાફ કરે એજ ખરડાય ? " સુભાષ મૂંઝાયો. આ શબ્દો એના માટે હતાં કે કાપડ માટે ? મોબાઈલમાં ગોઠવેલ ટાઈમર અચાનકજ ઓરડામાં ગૂંજી ઉઠ્યો. સુભાષ સમયની કટોકટી જોડે અત્યંત ઝડપે પથારી છોડી ઊભો થઈ ગયો. એક પછી એક વસ્ત્ર ચઢાવી એણે શ્વાસવિહીન ઓરડાની બહારનો માર્ગ પકડ્યો. " નીકળું છું. કાલે મળીશ. ઘરમાં મારી રાહ જોવાઈ રહી હશે. " મોહિનીનો ચહેરો જોવાનો પણ સમય ક્યાં હતો ? ધીમે ધીમે ગાઢ થઈ રહેલ ઓરડાના અંધકારમાં એકલી અટુલી મોહિની હજી પણ એ ગંદા કાપડને મૌન નજરે તાકી રહી હતી. પડખેના કક્ષમાંથી શરૂ થયેલા મુજરાના સંગીત અને ઘુંઘરૂના તાલથી વાતાવરણને હળવો હળવો નશો ચઢવો શરૂ થઈ ગયો હતો.