જાતિવાદની ભરણી
જાતિવાદની ભરણી
જ્યાં આજે શહેરો અને ઘણાં ખરાં ગામડાઓ વીસમી સદીનાં બદલાતાં સમય સાથે કદમ મીલાવી તેની સાથે તાલથી તાલ મેળવીને વિકાસનાં પંથ પર પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે અમૂક અંતરિયાળ વિસ્તારનાં સુક્ષ્મ ગામડાઓ આજે પણ ધર્મ અને જાતિવાદની લઘુતાગ્રંથી માંથી બહાર નથી આવ્યાં, આજે પણ આવાં ગામડાંઓમાં નિમ્નત્તર જ્ઞાતિનાં લોકોને ત્યાંના અમુક ઉચ્ચ જ્ઞાતિનાં લોકો પછાત કહીંને જ સંબોધે છે . સાથે જ આ લોકોને તેઓની સમકક્ષ ના થવા દેવાની એક સંકુચિત વિચારસરણીને તેઓ અનુસરતાં હોય છે.
જાતિવાદનાં નામે બલી ચડી જતાં એ પછાત વર્ગમાં જન્મેલાં મંજી અને મોગરી પણ ગામની પંચાયતનાં હાથે ચડી ગયાં હતાં. વર્ષો સુધી ઠેકેદારોની જમીનને પરસેવે પોષીને કાળી મજૂરી કરતાં મંજીએ પોતાનાં સંતાનો માટે સારા ભવિષ્યની કલ્પનાને સાકાર કરવાં મજૂરી છોડી જમીનનો એક એવો ટૂકડો ખરીદ્યો જે પથરાળ હતો, સમાજનાં ઠેકેદારોએ એને મૂર્ખ ગણી છોડી દીધો કે થાકશે એટલે ફરી મજૂરી કરવાં અહિંયા જ આવશે , જાશે ક્યાં ! પણ મંજી અને મોગરીનાં અથાગ પરિશ્રમથી એ પથરાળ જમીન પર લીલોંછમ પાક લહેરાવા લાગ્યો. આ જોઈ સમાજનાં એ મોભીઓનાં હૈયે જાણે આગ લાગી અને પંચાયત બોલાવી મંજી અને મોગરીને અમાનવીય સજા ફટકારવામાં આવી જેથી ફરી પછાત વર્ગના એક પણ વ્યક્તિની આ ભેડ ચાલથી અલગ ચાલ ચાલવાની હિંમત પણ ના થાય. આવાં ગામડાંઓમાં પંચાયતનો નિર્ણય જ અંતિમ હોય છે ના તો પોલીસનો ભય હોય છે ના તો આવાં અપરાધો ચોપડે ચડે છે.
મંજી અને મોગરીનાં બે માસૂમ અને નિર્દોષ બાળકોનો વિચાર પણ એ લોકોએ ના કર્યો મંજી અને મોગરીને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા અને જ્યાં સુધી એનાં પ્રાણ પંખેરું ઉડી ના ગયાં ત્યાં સુધી એમનાં પર પથ્થરોથી પ્રહારો કરવામાં આવ્યાં અને બે માસૂમ બાળકોને અનાથ કરી એનાં ભવિષ્યને રગદોળી નાખવાંમા આવ્યાં.
જ્યાં સવારે છ વર્ષનાં મંટુની આંખમાં ભણીગણીને મોટાં અફસર બનવાનાં સપનાઓ રમતાં હતાં ત્યાં સાંજ ઢળતાં ઢળતાં એજ આંખોમાં શૂન્યતા ભરાઈ ગઈ હતી. કંઈપણ સમજવાની પરિસ્થિતિમાં ના હોવાં છતાં પણ મંટુ પોતાની બે વર્ષની બહેનને ખંભા પર ઊંચકી એક અજાણી દિશામાં ચાલવા માંડ્યો.
આજે છ વર્ષનો માસૂમ મંટુ અચાનકજ બે વર્ષની માસૂમ બાળકીનો પિતા બની ગયો હતો. એવો પિતા જેને પોતાની બહેનને માતા-પિતા બંનેનો પ્રેમ આપવાનો હતો. કૂદકે ભૂસકે વિકાસ સાધતા દેશમનાં આ અંતરિયાળ ખૂણામાં હસતાં રમતાં પરિવારનાં સપનાઓ કચડી નાખવામાં આવ્યા. જાતિવાદની સંકુચિત માનસિકતાનાં કારણે ઘણાં ઘરોમાં આજે પણ અંધકાર છે લોકોની આ માનસિકતાને નિવારવામાં હજુ પણ સમય લાગશે દેશનો સાચો વિકાસ તો ત્યારે જ થશે જ્યારે જાતિવાદની ભરણીને તોડી સમાજને આ સંકુચિત માનસિકતા માંથી બહાર કાઢવામાં આવશે.
