ઇન્ટરનેશનલ વુમન્સ ડે
ઇન્ટરનેશનલ વુમન્સ ડે
આજના દિવસે મારે એટલું જ કહેવાનું કે સ્ત્રીઓનો દિવસ હોય, ખરો ? અને શું એક જ દિવસ એની ઉજવણી થાય ?
જો ખરા અર્થમાં સ્ત્રીઓનો દિવસ હોય, અથવા તો આપણી ભારતીય સંસ્કૃતિ જ્યાં એક તરફ નારીઓને દેવી માની તેની પૂજા કરવામાં આવતી હોય, અને બીજી તરફ ત્યાં નિર્ભયાકાંડ થાય, કે દહેજનો રાક્ષસ કોઈ કોડભરી કન્યાને ભરખી જાય. તેને આત્મહત્યા કરવા મજબૂર થવું પડે, એવું બને ખરું ?
હું આવા કોઈ દિવસમાં માનતી જ નથી. જ્યાં સ્ત્રીઓને સ્ત્રી હોવું એ ગુનો હોય, એવું ફીલ થતું હોય. ત્યાં આ દિવસ ઉજવવો કેટલા અંશે વાજબી ?
વર્ષો પહેલા સ્ત્રીઓ જોહર કરતી. અને આજેય કરે જ છે. પોતાનું આત્મસન્માન, શોખ, ખુશીઓ... ના જાણે શું શું જીવનરૂપી અગ્નિમાં હોમી દે છે. સહનશીલતાના નામે ઈમોશનલ બ્લેક્મઈલિંગ ક્યાં સુધી ?
ના... હું કોઈને ઝાંસીની રાણી બની લડવાનું કે ઝગડો કરવાનું હરગીઝ નથી કહેતી.
આજના દિવસે મારી તમામ બહેનો, માતાઓ, દીકરીઓને એક જ વિનંતી કે ખરા અર્થમાં તમારે ઇન્ટર નેશનલ વિમન્સ ડે ઉજવવો હોય, તો કોઈપણ વ્યક્તિ તમારું આત્મસન્માન ના જાળવી શકે, તેને તમારા દિલમાંથી વિદાય આપી દો. મનેય ખબર છે કે આપણું દિલ તેની પાછળ જ પાગલ થશે જેના જીવનમાં આપણી કોઈ વેલ્યુ જ નથી. પણ એકવાર તમે પ્રયત્ન તો કરી જુઓ.
મારા મત મુજબ માનસિક શાંતિ જ સર્વશ્રેષ્ઠ છે. જે બની ગયું તે ભૂલી જાઓ. માફ કરી દો. પણ હવે તો આગળ વધો. અને એટલા તેજસ્વી તો બનો જ કે તમારું આત્મગૌરવ આપોઆપ સચવાય. માન અને સ્વમાન આપોઆપ મળે. તમારી સરળતાને સસ્તાઈમાં લેવાઈ ના જાય.
ટૂંકમાં કહું તો તેજસ્વી કોડિયું બની જીવન પ્રકાશિત કરો. સૂર્ય બની ખુદ પણ બળવું અને બીજાનેય દહન કરીએ તેમ નહિ. સ્વતંત્રતાને નામે સ્વછંદતા નહિ. સમજે તેને આટલું કાફી છે.`
