ઈંડુ
ઈંડુ


"પેકઅપ્પ" દરરોજ કરતા એક કલાક પહેલાજ શૂટિંગ એણે સમેટી લીધી. જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકને આજે ઘરે પરત થવાની અનેરી ઉતાવળ હતી. તનતોડ મહેનત કરાવતા માલિક આજે અત્યંત ખુશ મિજાજમાં હતા. એ ખુશી પાછળનું કારણ સ્ટુડિયોમાં હાજર દરેક સ્ટાફ સભ્ય સારી રીતે જાણતું હતું. આજે મધર્સ ડે હતો. બીજીજ ક્ષણે અતિઆધુનિક મોડેલવાળી કિંમતી કાર શહેરના રસ્તાઓને હંફાવી રહી. બે અઠવાડિયા પહેલાથીજ આજના વિશિષ્ટ દિવસ માટેની ભેટ ખરીદી લીધી હતી. શહેરની સૌથી પ્રતિષ્ઠિત હોટેલમાં ઓર્ડર પ્રમાણે માતાની પસન્દગીનાં મેન્યુ તૈયાર કરવાના આદેશ અપાય ચૂક્યા હતા. નોકરોને આખો બંગલો ફૂલોથી સુગન્ધિત અને સુશોભિત કરી રાખવાની સૂચનાઓ આગળથીજ આપી દીધી હતી. આજના દિવસની દરેક મિટિંગ અને ઇન્ટરવ્યૂ રદ કરાવી નવી તારીખોની ગોઠવણ કરી નાખવાની જવાબદારી સેક્રેટરીને કડક શબ્દોમાં મળી ચૂકી હતી. આજે આખો દિવસ કોઈ કામ નહીં. આજનો આખો દિવસ ફક્ત અને ફક્ત માતાને સમર્પિત. સ્ટીઅરિંગ ઉપર ફરી રહેલા હાથ જોડે ગાડીના ડેસ્ક ઉપર ગોઠવાયેલી પોતાની માતા જોડેની સેલ્ફી તસ્વીરને આંખો વારેઘડીએ નિહાળી રહી હતી. મન પૂછી રહ્યું હતું. જો એ ન હોત તો જીવી શક્યો હોત ખરો ? એક બાળક માટે માંજ સર્વસ્વ. જીવનની દરેક સંઘર્ષભરી પળો એના ખોળામાં જઈ કેવી ઓગળી જતી ! આજે આ સફળ દિગ્દર્શક, ફિલ્મકાર અને નિર્દેશકને ભલે આખું વિશ્વ જાણતું હોય પણ એની પાછળ છુપાયેલા અતિસંવેદનશીલ હૃદયને તો ફક્ત એજ જાણે છે, સમજે છે, ટેકો આપે છે, બળ પૂરું પાડે છે, પ્રોત્સાહિત કરે છે. બાળપણથી લઇ યુવાની સુધી, યુવાનીથી લઇ પરિપક્વતા સુધી પોતાના દરેક ડર, ચિંતા, તાણ, મૂંઝવણ એજ ખોળામાં તો ઠાલવ્યા હતા. કોઈ મશ્કરી ઉડાવે, રેગિંગ કરે ત્યારે એનીજ ગોદમાં તો સુરક્ષા મળતી, હિંમત મળતી. "તું શું કરી શકીશ ?" દુનિયાના આ વાક્યને માએ ફક્ત થોડુંજ બદલ્યું હતું. પણ એ બદલાયેલા વાક્યએ તો એનું જીવનજ બદલી નાખ્યું હતું. " તું શું ન કરી શકીશ ?" પોતાની દરેક ઉડાનમાં પાંખતો માતાજ બની હતી. તાવ હોય કે માંદગી, ખુશી હોય કે પીડા, ઉત્સાહ હોય કે નિરાશા, સફળતા હોય કે નિષ્ફ્ળતા દરેક પરિસ્થિતમાં એ સદા એની સાથેજ હતી. દિગ્દર્શક પિતા તરફથી સફળતા માટેનું દરેક માર્ગદર્શન સહેલાઈથી મળ્યું હતું. આધુનિક સગવડો, અતિ ઉચ્ચ ભૌતિક જીવન શૈલી, બેન્કના ઉભરાતા ખાતાઓ, મહેલ જેવું ઘર કે પછી વાહનવ્યવહારના મોંઘામાં મોંઘા સાધનો.એક પિતા તરફથી એ દરેક વસ્તુ મળી હતી જે એક ધનવાન બાળકને વારસાગત મળતી હોય. પણ શું એ પર્યાપ્ત ખરું ? કેટલીવાર આપઘાત કરવાના વિચારો મન પર હાવી થયા હતા. તરુણાવસ્થાના એ માનસિક યુધ્ધો અસહ્ય હતા. મિત્રોના જીવન કરતા પોતાનું જીવન જુદું હશે એ વિચાર મનને ધ્રુજાવતો, ભયાવહ કરતો. કશુંક તો હતું જે સામાન્ય ન હતું કે પછી સામાન્ય હતું પણ અસામાન્ય ઠરાવવવામાં આવ્યું હતું ? પોતાના ઉપર ઉઠતી દરેક આંગળીઓ, પોતાના વ્યક્તિત્વને કેન્દ્રસ્થાને રાખી રચાતા વ્યંગ, ટૂચકાઓ, અપમાન. જીવવું શક્ય જ ન હતું. ' ગે ' એકજ શબ્દમાં શું એનું આખું અસ્તિત્વ સીમિત થઇ શકે ?શું એ સ્વપ્નાઓ ન સેવી શકે ? શું એને ઉડવાનો અધિકાર ન હોય ? શું એને હસવાનો, ખુશ રહેવાનો હક નહીં ? જો તરુણાવસ્થાના એ ભાવાત્મક કટોકટીભર્યા સમયમાં એને માતાનો માનસિક ટેકો ન મળ્યો હોત તો ? જો એમણે સ્નેહથી તરબોળ માતૃત્વભર્યા આલિંગનમાં એને ન કહ્યું હોત, " એમને જે કહેવું હોય એ કહેવા દે. તું એમની વાત ન સાંભળ. તું તારા મનની વાત સાંભળ. તારા સ્વપ્નો પાછળ ભાગ. જો જે સફળતા કઈ રીતે તારી પાછળ ભાગતી આવી પહોંચશે." તો આજે એ એક સફળ ફિલ્મ નિર્માતા બની શક્યો હોત ? આજે સફળતા ખરેખર એની પાછળ ભાગતી આવી પહોંચી હતી. આજે એ ખુશ હતો. સંપૂર્ણ હતો. ફક્ત અને ફક્ત માતૃત્વના એ ઠંડા છાંયડાને કારણેજ. કોઈએ સાચુંજ કહ્યું છે, ' મા તે મા. બીજા બધા વગડા ના વા '. વિચારોના વમણમાં ક્યારે એ ઘર પહોંચી ગયો ખબર જ ન પડી.
દિકરાના મધર ડે સરપ્રાઈઝથી માતાનું હૃદય ભાવવિભોર થઇ ઉઠ્યું. માતાના આલિંગનમાં શાંત અને સુરક્ષિત અનુભવી રહેલું મન અચાનક ધબક્યું. ધડામ કરતા સ્કૂલ બેગ પટકાયાનો અવાજ કાનને અને વાતાવરણને વિક્ષેપ પહોંચાડી રહ્યો. શાળાથી પરત થયેલ તરુણ દિકરાનો ચ્હેરો ક્રોધમાં બળબળી રહ્યો હતો. કોઈ ને કશું પણ કહ્યા વિનાજ એ ઓરડામાં ધસી ગયો. એના શરીરના હાવભાવો આજે કંઈક જુદાજ હતા. એક પિતાના હૈયામાં એકીસાથે હજારો વિચારો ફરી વળ્યાં. " તું ચિંતા ન કર હું જોઉં છું. " થોડા સમય પછી ઓરડાનું બારણું ધીમે રહી ઊઘડ્યું. પરિસ્થિતિ તપાસી બહાર આવેલ માતા એ આશ્વાસન ભર્યો હાથ એના ચિંતિત ખભે ગોઠવ્યો. " શાળામાં આજે મધર્સ ડે ની ઉજવણી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ એનું રેગિંગ કર્યું. પણ તું ચિંતા ન કર. આપણે આચાર્ય ને મળી વાત કરીશું. સૌ ઠીક થઇ જશે. એને થોડો સમય આપ. " માતા એ હાથમાં થમાવેલ ઈંડુ એ ફાટી આંખે જોઈ રહ્યો. એના ઉપરના અક્ષરોની કોતરણી મનને તિર જેમ ખૂંચી ગઈ. ' સરોગેટ ચિક ' મનમાં ઉપડેલી અસહ્ય વેદનાનો સામનો કરવા એના ખભા ઉપર હજી પણ માતાના વાત્સલ્ય સભર હાથ ફરી રહ્યા હતા. પરંતુ ઓરડાની અંદર વ્યથાથી વીંધાઈ રહેલ મન પાસે ન કોઈ હાથ હતા અને ન માતૃત્વનો ઠંડો છાંયડો...!
(*સરોગેટ = ઉછીના ગર્ભથી જન્મેલ )