" હવે મારું કોણ? "
" હવે મારું કોણ? "
જે દિવસે મેં ભુજ શહેર છોડ્યું તે જ દિવસે સંકલ્પ કર્યો કે, નિવૃત્તિ પછી એવું કોઈક કાર્ય કરવું કે જેથી સમાજનું ઋણ અદા કરી શકું. અને શરૂઆત થઈ- "ઋણાબંધ." આજે આ સંસ્થામાં હજારથી વધુ શરણાર્થીઓની સેવા થઈ રહી છે. અનવર સાથે ઘટેલી ઘટનાએ મને આ કાર્ય કરવાની પ્રેરણાથી આપી. ભૂકંપ હોનારતની ખાસ કામગીરી માટે મારે અહીં આવવાનું બન્યું.
રાહત કેમ્પમાં પ્રથમ મુલાકાત વખતે દયામણું મોં કરી તે એટલું જ બોલ્યો હતો, 'હવે મારું કોણ ? તે પછી અવાજ વગરનું હસતો રહ્યો. કોણ કોને સહારો આપે ? સૌની વ્યથા સરખી ! આ બધામાં અનવર સાથેની ઘટનાએ મને હચમચાવી દીધો-
'શું કુદરત આટલી ક્રૂર થઈ શકે !'
તે સવારે અનવર ઘરની બહાર નીકળીને રુબીનાને 'બાય... બાય... કરે છે ત્યાં જ ધરા ધ્રુજી. હજી તે કંઈ સમજે ત્યાં જ- મમ્મી-પપ્પા ડોક્ટર પત્ની રુબિના અને વ્હાલસોયી દીકરી પળવારમાં ભૂકંપનાં કાટમાળમાં ઢગલો થઈ જાય છે. બેહોશ થયેલો અનવર હોશ આવતાં જ એકાએક બોલી ઉઠ્યો; 'હવે મારું કોણ?' તે પછી આજ રટણ કરતો રહ્યો. કેમ્પમાં પણ તે એક ખૂણે અવાજ વગરનું હસતો રહેતો. હું અનવરની કેમ્પમાં ખાસ સંભાળ રાખતો. મહિના પછી મારે પરત ફરવાનું થયું. તે સમયે પણ તે અવાજ વગરનું ધીમું ધીમું હસતા હસતા બોલ્યો... 'હવે મારું કોણ ?! આંખમાં આંસુ સાથે ભારે હૈયે મેં ત્યાંથી વિદાય લીધી. સમય સરતો રહયો. મારે તે પછી ક્યારેય તે તરફ જવાનું થયું નહીં. પણ અનવર મારા મનમાં હંમેશા રહયો.
વાતને આજે બે દાયકા પસાર થવા આવ્યા કોણ જાણે કેમ પણ આજે વહેલી સવારથી જ અનવરની ખૂબ યાદ આવી રહી છે- 'ક્યાં હશે અનવર?' હું વિચારી રહ્યો હતો ત્યાં-
'હલ્લો સર, હું અગ્નેય બોલું છું.' ઋણાબંધ માંથી ફોન આવ્યો.
'હા, બોલ બેટા '
સામેથી મળેલા સમાચારથી હું ઝડપથી "ઋણાબંધ" તરફ ગાડી હંકારતો રહયો. ગાડીની તેજ ગતિએ જ વિતેલા વર્ષોની યાદો ચલચિત્રોની જેમ મારા મસ્તિષ્કમાં ફરીથી તાજી થતી રહી. હું વિચારતો રહ્યો; 'શું ખરેખર તે અનવર જ હશે ? કે પછી -?
