હુંફ
હુંફ
છેલ્લા પાને નીમાના મૃત્યુના સમાચાર વાંચતા જ મન બેચેન બની ગયું હતું. નીમા આટલી જલ્દીથી એની જીવનલીલા સંકેલી લેશે એવું કાેણ માની શકતું હતું ? છતાંય હકીકત હતી કે નીમા મૃત્યુ પામી હતી. અને નીમાના મૃત્યુનું સૌથી વધુ દુ:ખ જો કોઈને હોય તો મને હતું. નીમા મારી નાનપણની સહેલી. જ્યારથી અમે સમજણાં થયા ત્યારથી અમે લગભગ સાથે જ રહ્યા હતાં. હજીયે મારી સમક્ષ છાપાનું છેલ્લું પાનું હતું અને બીજી જ પળે હું આવેશમાં આવી ફોન પાસે દોડી ગઈ. ફોન નીમાના પતિ નૈસર્ગે જ ઉપાડ્યો હતો. એટલે મારો ગુસ્સો સાતમાં આસમાને ચઢેલો. નૈસર્ગે ફોન ઉપાડતાં જ મને રડમસ અવાજે કહ્યું, " શુભાંગી , તારી બહેનપણી...." અને આગળ એનો અવાજ રુંધાઈ ગયો હતો. મેં એની વાત વચ્ચેથી કાપતાં કહ્યું," નૈસર્ગ, નીમાનું મૃત્યુ કુદરતી નથી થયું. નૈસર્ગ, તેં નીમાનું ખૂન કર્યું છે. ખૂન...ખૂન, માત્ર તલવાર કે ધારિયા કે ઝેર આપીને નથી થતું. આ રીતે પણ ખૂન થઈ શકે છે.તેં જે રીતે નીમાને મારી કાઢી છે એની સજા પૃથ્વી પરની કોર્ટ નહિ આપે પણ....ઈશ્વરને ત્યાં તો તારે જવાબ જરૂર આપવા પડશે." નૈસર્ગ આગળ કંઈ પણ બોલે એ પહેલા મેં ફોન પછાડી મૂકી દીધો. હું નીમાના મૃત્યુને કારણે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
નીમા ભણવામાં અત્યંત તેજસ્વી હતી. દરેન દરેક ક્ષેત્રમાં આગળ પડતી. ઘણીવાર હું કહેતી, " નીમા, ભગવાન ભાગ્યે જ કોઈનામાં એક સાથે આટલા બધા ગુણ મૂકે છે. " નીમા હસી પડતી અને કહેતી ," પણ શુભાંગી, ભગવાને રુપ તો તમારા નાગર ને જ આપ્યું છે, અમને નહીં , અને તું જાણે છે કે રૂપની તો ચારે બાજુ બોલબાલા હોય છે. " " નીમા, રૂપની બોલબાલા હોય છે જરૂર, પણ સૌથી જરૂરી તો બુદ્ધિ છે. તું ભલે રૂપાળી નથી પણ કદરૂપી પણ નથી. સરેરાશ યુવતી જેવી છું. પણ તારામાં રહેલી બુદ્ધિમત્તા અદભુત છે. જિંદગી જીવવા માટે એકલું રૂપ નહીં, બુદ્ધિ પણ જોઈએ.
નીમા એનાં માતા-પિતાનું એક માત્ર સંતાન હતી. અત્યંત સમૃદ્ધ કુટુંબમાંથી આવતી હતી. નીમાના કુટુંબમાં નીમાનો પડતો બોલ ઝીલવો હંમેશ માટે નોકર ચાકર ખડેપગે રહેતા. નીમાએ જ્યારે એમ.એ.માં ગુજરાતી વિષય સાથે સુવર્ણચંદક મેળવ્યો ત્યારે મારા આનંદનો પાર ન હતો.મેં હસતાં હસતાં કહેલું , " નીમા, તું આટલી બધી બુદ્ધિ ક્યાંથી મેળવે છે ? આટલી બધી મહેનત પછી પણ હું માંડ સેકન્ડ ક્લાસ મેળવી શકી છું"
મેં અને નીમાએ સાથે જ એમ.ફિલ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ એ સમય દરમિયાન જ નીમા નૈસર્ગના પરીચયમાં આવી. નૈસગ એની જ જ્ઞાતિના , એના જેટલા જ સમૃદ્ધ કુટુંબનો એકનો એક યુવાન હતો. બંને અવારનવાર મળતા રહેતા હતા. આખરે એમનો પ્રેમ પરિણયમાં ફેરવાયો. અને નીમાએ એમ. ફીલ કરવાનો વિચાર પડતો મૂકયો. મારા પણ લગ્ન થઈ જવાથી મેં પણ એમ ફીલ નો વિચાર પડતો મૂકેલો.
હું અને નીમા અવારનવાર મળતા રહેતા હતા. લગ્ન બાદ પણ અમારી મિત્રતામાં કંઈ ફેર પડ્યો ન હતો. નૈસર્ગનો ધંધો રાતદિવસ વધતો જતો હતો. ઔદ્યોગિક સામ્રાજ્યમાં નૈસર્ગનું બહુ મોટું નામ હતું. નીમાના લેખો , વાર્તાઓ વાંચી હું ખુશ ખુશ થતી હતી. નીમાની દરેક વાર્તા અને લેખમાંથી જિંદગીની ભારોભાર ખુશી છલકાતી હતી. નીમા જ્યારે મળતી ત્યારે હું કહેતી ," નીમા તું ખુબ સરસ લખે છે. તું મારી બેનપણી હોવાનું ગૌરવ હું હંમેશા અનુભવું છું. પણ ક્યારેક તું ગરીબી વિશે લખ, જિંદગીના દુઃખ વિશે લખ. "
નીમા મારી વાત સાંભળી હંમેશા હસતી " શુભાંગી , મેં જિંદગીમાં ક્યારેય ગરીબી જોઈ નથી, અનુભવી નથી, પછી હું કઈ રીતે ગરીબી વિશે લખી શકું ? અને દુઃખ તો મારા જીવનમાં વિધાતા લખવાનું ભૂલી ગઈ છે. નૈસર્ગ જેવા પતિ મળે પછી શું દુઃખ હોય ? અને તું તો જાણે છે કે અમારા પ્રેમલગ્ન છે અને બંને જણાએ એકબીજાને વિચારો જાણી સમજીને નિર્ણય લીધો છે. હું આજે પણ મારા નિર્ણય બદલ ગૌરવ અનુભવું છું કે મેં યોગ્ય પાત્ર પસંદ કર્યું છે." નીમા , તું એટલી બધી લાગણીશીલ છું કે તને ક્યારેય કોઈ ઠેસ લાગશે તો તું સહન નહી કરી શકે, મને તો બીક હતી કે નૈસર્ગ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે એટલે એની જિંદગી આંકડા વચ્ચે જિવાતી હશે. જ્યારે તું ક્લાસિક .."
રાતના ઘણી વાર જમ્યા બાદ ચાલતાં ચાલતાં હું નીમાને ત્યાં પહોંચી જતી ત્યારે મોટે ભાગે નીમા લખતી કે વાંચતી હોય. ઘડિયાળના નવના ટકોરા પડતાં છતાંય નૈસર્ગ ઓફિસેથી આવ્યો ન હોય.પણ નીમા તો હસીને મને કહેતી, " શુભાંગી, જિંદગીની દરેકે દરેક પરિસ્થિતિમાંથી મનુષ્યે ખુશી શોધવી જોઈએ. નૈસર્ગ જો ઓફિસે થી છ વાગે આવી જાય તો હું આટલું બધું લખી ના શકું. " કહેતા એ મુક્તપણે નિર્દોષ હાસ્ય હસી લેતી અને ત્યારબાદ થોડી ગંભીર થતાં કહેતી, "શુભાંગી , નૈસર્ગ એના ધંધા પાછળ પુષ્કળ મહેનત કરે છે. ઘેર થાકેલો આવે છે અને હું ફરિયાદ કરું તો નૈસર્ગની જિંદગીનો ઉત્સાહ તૂટી જાય. શુભાંગી ઘણીવાર તો નૈસર્ગ ઓફિસમાં કામ હોય તો રાત્રે એક કે બે વાગે આવે છે. ત્યારે હું પણ ફરિયાદ કર્યા વગર હસીને એનું સ્વાગત કરું છું. એટલું જ નહીં, પરંતુ રાત્રે બે વાગ્યે પણ હું એના માટે ગરમ રોટલી બનાવું છું. અને હંમેશ અમે સાથે જમીએ છીએ. " નિમાના દરેકે દરેક વાક્યમાં દાંપત્યજીવનનું સુખ છલકાતું હતું. નીમાને એક પુત્ર હતો જે દહેરાદુન સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને ભણતો હતો. નીમાની માતા નાનપણમાં મૃત્યુ પામી હતી. નીમાને એના પિતા પત્યે અનહદ લગાવ. એની હું સાક્ષી હતી. લગ્ન બાદ પણ નીમા દરરોજ એક વખત એના પપ્પાને મળવા જતી. અને ફોન તો દિવસમાં એકાદ-બે વાર કરી લેતી. હું ઘણીવાર હસીને કહેતી ," નીમા, તું નસીબદાર છું. સાસરીયામા રહેવા છતાંય તું તારા પપ્પાની આટલી નજીક રહી શકે છે. જો કે હું જાણતી હતી કે નીમાના પપ્પા પણ સાહિત્ય રસિક છે અને નીમા એના લખેલા લેખ
કે વાર્તાઓ વિશે કલાકો સુધી એના પપ્પા જોડે ચર્ચા કર્યા કરતી.ક્યારેક એના પપ્પા એને યોગ્ય માર્ગદર્શન પણ આપતા. નીમાની જિંદગી ખૂબ સરળતાથી વહી જતી હતી. એટલે સુધી કે, દરેક વ્યક્તિ નીમાના સુખની ઈર્ષ્યા કરતું. નીમા પોતે જ વિશાળ બંગલાની વ્યવસ્થા સંભાળતી. નીમાએ ઘરમાં કામકાજ માટે નોકર ચાકર રાખેલા.પરંતુ હંમેશ કહેતી ," હું ક્યારેય મારા બગીચા માટે માળી નહીં રાખું. હું જાતે જ બાગ કામ કરું છું. જેથી હું પ્રકૃતિની વધુને વધુ નજીક રહું છું. જો શુભાંગી, મારો દરેકે દરેક છોડ મારી સાથે આત્મીયતાથી બંધાયેલ છે. "
નીમાનો બાગ ખરેખર ખૂબ સુંદર હતો. નીમા કહેતી, " મારા બગીચામાં જેટલા ફુલ ઊતરે છે એટલા ફૂલો તો હું માળી રાખું તો પણ ના ઉતરે. અને ખરેખર બાગ ખૂબ સુંદર હતો. એ બાગ પાછળ પુષ્કળ મહેનત કરતી. ફોરેનથી ઝાડપાનના સ્પ્રે મંગાવતી. અને એની અસરથી લગભગ બારે માસ દરેક ઝાડ પર ફૂલો આવતા. નીમાનો બેઠક ખંડ ફૂલોની સુવાસથી મહેંકી ઊઠતો, તે ઊપરાંત નાના નાના કુંડાઓમાં બાેનસાઈ કરી વૃક્ષો તો એના બંગલાની શોભામાં અનેરો વધારો કરતા અને નીમાના વાળમાં હંમેશા ગજરો તો હોય જ. નીમા કહેતી," આ તો મારી જિંદગીના પ્રતીક છે. " ટુંકમાં નીમાના સુખી જીવનથી હું સંપૂર્ણપણે સંતુષ્ટ હતી.
પરંતુ એક દિવસ સમાચાર આવ્યા કે નીમાના પપ્પા નું અવસાન થયું છે. હું નીમા પાસે ગઈ. ત્યારે એની આંખો રડી રડીને સૂઝી ગઈ હતી. હું જાણતી હતી કે નીમા એના પપ્પા સાથે જે રીતે લાગણીથી જોડાયેલી હતી એ કારણે એને સખત આઘાત લાગ્યો હશે. એને આશ્વાસન આપવા માટેના કોઈ શબ્દની એને અસર નહીં થાય એ હું જાણતી હતી.અને આ આઘાતનો પણ દરેક આઘાતની જેમ એક જ ઉપાય હતો અને તે સમય. કારણ સમય જતાં દુઃખ ઓછું થાય એ નિયતિ નો નિયમ છે. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ નીમા વાસ્તવિકતા સ્વીકારી લેશે અને એનું દુઃખ પણ ઓછું થઈ જશે.
ત્યારબાદ હું આવનાર નીમાને મળવા જતી હતી. પણ જ્યારે જવું અને જોઊં ત્યારે નીમાની હાલત વધુને વધુ બગડતી જતી હતી. મેેં તાે નીમાને સમજાવતા કહેલું ," નીમા ,નામ એનો નાશ એ તો પ્રકૃતિનો નિયમ છે. તારે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. તું બુદ્ધિમાન છું.તું તારું લખવાનું ,બાગકામ બધું જ ચાલુ રાખ. ધીમે ધીમે તારું દુઃખ ઓછું થતું જશે. " હું લગભગ દરરોજ નીમાને ત્યાં જતી પણ નીમા દિવસે-દિવસે સુકાતી જતી હતી. નીમાના મેં પર જાણે હાસ્ય વિલાઈ ગયું હતું. હવે નીમાના બાગમાં પહેલાં જેટલા ફૂલો થતાં ન હતા. નીમા હવે માથે ફૂલો નાંખતી ન હતી. નીમાના ફ્લાવરપોર્ટ ફૂલો વગર એક ખૂણામાં પડી રહેલા, જેના પર ધૂળ જામી ગઈ હતી. નૈસર્ગના આવવાના સમયમાં કોઈ જ ફેર પડ્યો ન હતો. મેં નીમાને કહ્યું હતું ," નીમા, તારું દુ:ખ હું સમજી શકું છું, તું અને નૈસર્ગ થોડા દિવસો માટે બહારગામ ફરી આવો. " નીમાને મારી વાત ગમી ગઈ હતી. પણ બીજે દિવસે નીમાએ કહ્યું, " શુભાંગી, નૈસર્ગ પાસે સમય જ નથી. એક દિવસ હું મોડે સુધી નીમાને ત્યાં રોકાઈ હતી. ખાસ તાે નૈસર્ગની રાહ જોવા માટે જ. નૈસર્ગ આવતાં જ મેં કહ્યું, " નૈસર્ગ, નીમાની હાલત તો જો, તારી પાસે સમય ન હોય તો પણ તું નીમા માટે સમય કાઢ." પણ નૈસર્ગ બાેલ્યાે, "શુંભાંગી, બહારગામ જાઉં તાે ફાઈવસ્ટાર હાેટલમાં જ રહેવા ટેવાયેલો છું. હું એટલો ખર્ચ ધંધો બગાડીને ફરવામાં કરુ એના કરતાં તો એટલો સમય અને ધન ધંધામાં રોકુ તો મારા ધંધાનો વિકાસ થાય. અત્યારે તો ફરવા જવાની વાત જ ના કરીશ. હજી બે વર્ષ ફરવા જવાનું શક્ય નથી.પછી કંઈક વિચારીશું. " આમ છતાં પણ મેં નૈસર્ગને ઘણો સમજાવ્યો હતો. ત્યારે એ મને કહેવા લાગ્યો, " શુભાંગી , મેં તો તને મારી મજબૂરી ની વાત કહી દીધી. પણ એમ કર તું અને નીમા ફરી આવો મને વાંધો નથી. " મેં નીમાને કહેલું, " નીમા, જ્યારે નૈસર્ગ તૈયાર નથી થતો અને તારી તબિયત પણ ખરાબ છે તો હું તારી સાથે આવીશ. વાતાવરણ બદલાશે તો તને સારું પણ લાગશે. " ત્યારે નીમા મારા ખભે માથું મૂકીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા બોલી હતી, " શુંભાંગી,મેં ક્યારેય પતિ પાસે કંઈ પણ અપેક્ષા રાખી નથી. પતિની પણ પત્ની પ્રત્યે કંઈક ફરજ છે. પત્ની પતિના પ્રેમ અને હૂંફની ક્યારેક તો અપેક્ષા રાખે જ ને? "
નીમા વધુ ને વધુ બીમાર રહેવા લાગી હતી. નૈસર્ગ નીમાને પુછતો," નીમા તેં દવા લીધી? સારામાં સાર ડોક્ટરને બતાવજે. દવા બાબત કોઈ કચાશ ના રાખીશ. પણ નીમાના માેં પર કોઈપણ જાતના ભાવ ન હતા. ન તો દુ:ખ કે ન તો હર્ષ. નીમાની હાલત મારાથી જોવાતી ન હતી. અને નીમાએ મૃત્યુના થોડા દિવસ પહેલાં મારા હાથમાં એક ડાયરી મૂક્તાં કહ્યું, ," શુંભાંગી, તારી ઈચ્છા હતી ને કે હું ગરીબી વિશે લખું, દુ:ખ વિશે લખું, મેં આ ડાયરીમાં ઘણું બધું લખ્યું છે. અત્યાર સુધી તો હું ગરીબી અનુભવી શકી ન હતી. પણ હવે હું ગરીબી અનુભવી ચૂકી છું. ગરીબી માત્ર પૈસાની નથી હોતી. ગરીબી મેં પ્રેમની અનુભવી છે. મારી છેલ્લી વાર્તાઓમાં માત્ર ગરીબી અને દુઃખ જ છે. મનુષ્યએ જીવવા માટે જરૂરી હવા, પાણી અને ખોરાક છે એ વૈજ્ઞાનિકો કહે છે પણ એ લોકો એ વાત ભૂલી જાય છે કે મનુષ્યને જીવવા માટે પ્રેમ અને હૂંફની પણ જરૂર છે. " એ વખતે મેં નીમા સામે જોયું હતું. એની આંખોમાં કરુણાનો સાગર છલકાતો હતો.
મેં ઘડિયાળમાં જોયું, નીમાને ત્યાં બેસણાંનો સમય થઈ ગયો હતો.
મને ઊઠવાની ઈચ્છા થતી ન હતી. બાજુમાં નીમાની ડાયરી પડેલી એમાં લીટી દોરેલું વાક્ય હતું ," ઈશ્વર, તું મનુષ્યને ગમે તેટલી આર્થિક ગરીબી આપજે, પણ એક પત્ની ને એના પતિના પ્રેમથી વંચિત રાખી ગરીબીનો અભિશાપ ન વરસાવીશ. " અને અનાયાસે મારી આંખાેમાંથી બે આંસુ ટપકી નીમાના લખાણ પર પડ્યાં.