હું પણ મા છું
હું પણ મા છું


છેલ્લા એક અઠવાડિયાથી જંગલની આસપાસના ગામોમાં હાહાકાર ફેલાયો હતો.
ન જાણે ક્યાંથી એક દિપડો નરભક્ષી બન્યો હતો. વનવિભાગને માહિતી મળતાં આખી ટીમ સાબદી કરવામાં આવી હતી. ચારે તરફથી જંગલ અને એને જોડાયેલાં ગામમાં સઘન શોધખોળ આદરવામાં આવી હતી.
વનવિભાગની સહુથી બાહોશ ઓફિસર ચાંદનીને આ કપરા કામની જવાબદારી સોંપવામાં આવી હતી. ચાંદનીએ સંપૂર્ણ આયોજન કરીને જંગલ તરફ પ્રયાણ કર્યું.
જંગલની જમણી બાજુથી બાતમી આવી હતી કે એ માદા દીપડો છે. અને એ બાજુના ગામની સીમમાં જ છુપાયેલો છે.
મિશન દીપડો ચાલુ થયું. ધીરે ધીરે ટીમે જે લોકેશન ધારવામાં આવ્યું હતું એને ઘેરવાનું ચાલુ કર્યું. વધુ ને વધુ નજીક ઘેરો બનાવતાં બનાવતાં એક ખેતર જ્યાં દીપડી હતી ત્યાં ટીમ જાળ અને પાંજરા સાથે પહોંચી ગઈ. હવે તો દીપડાનો ખૂંખાર અવાજ પણ સંભળાઈ રહ્યો હતો.
ચાંદની ટીમ સાથે સાવ નજીક પહોંચી જ્યાંથી દ્રશ્ય ચોખ્ખું દેખાતું હતું. પણ એ તો સાવ અલગ હતું.
ખેતરની એક બાજુ એક સ્ત્રી એના બાળક સાથે ધ્રૂજતી ઊભી હતી. એ પોતાના ભોગે સંતાનને બચાવવા તત્પર હતી. એના હાથમાં દાતરડું હતું અને એ વારંવાર ઉગામીને દીપડીને ડરાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહી હતી.
સામે છેડે દીપડી પંજો ઉગામીને હુમલો કરવા તૈયાર હતી.
અને..
ચાંદનીની નજર એની પાછળ છુપાયેલ દીપડાબાળ પર પડી. ટીમ પણ હક્કાહક્કા હતી. સમજાઈ ગયું કે દીપડી એકલી હોત તો ક્યારનો શિકાર કરી ચૂકી હોત પણ સાથે પોતાનું બાળ હતું એટલે એ મા પણ અસુરક્ષિતતા મહેસુસ કરતી હતી.
લગભગ દસ મિનિટ એકદમ ઉત્તેજનાપૂર્ણ વીતી. અંતે દીપડીના નબળા પડતા માનસનો ચાંદની અને ટીમે લાભ લીધો અને દીપડી જાળમાં સપડાઈ ગઈ. એને પાંજરામાં ઉતારતી વખતે પોતાના બાળ સામે જોઈને એણે બહુ ધમપછાડા પણ કર્યા.
સામે છેડે ફસાયેલી ગભરાયેલી સ્ત્રીએ પણ નિરાંતનો શ્વાસ લીધો. પોતાના બાળકને ગળે વળગાડીને એ પાંજરા નજીક આવી.
ચાંદનીએ એને આશ્વાસન આપ્યું.
ટીમે મિશન દીપડી સફળતાપૂર્વક પાર પાડ્યાનું એલાન કર્યું.
ક્યારની દૂર ઉભેલી મિડિયા ટીમ હવે દોડતી પહોંચી. દીપડીના પાંજરાના ચોતરફથી ફોટા પડાયા. ચાંદનીમે’મ અને ટીમની બહાદૂરીના અહેવાલ તૈયાર થવા લાગ્યા.
ચાંદની હાશકારો અનુભવતી પાંજરાની સામે ગોઠવાઈ.
“હાશ! હવે ઘેર જઈને નાનકાને મળાશે.”
પેલી સ્ત્રી એનાં બાળક સાથે મેડમનો આભાર વ્યક્ત કરી રહી હતી.
ત્યાં જ ચાંદનીની નજર પાંજરાની પાછળ બાંધેલા તરફડતા બાળદિપડા પર પડી. અને તરત જ એ અધૂરી નજર પાંજરામાં પૂરાયેલી દીપડી પર પણ.
અને..
બે લાચાર આંખો પોતાને નિરખી રહી હોય એવું લાગ્યું.
જાણે કેમ દીપડી કહી રહી હતી,
“મેડમ, હું પણ મા છું.”