હું અને તું...
હું અને તું...
મને સવારે સમયસર ઉઠાડે, મારી દૈનિક દરેક જરૂરિયાત તથા સમય સાચવવા દોડે, મારી ચા-પાણી થી માંડી ભોજન સુધી અને કપડાંથી માંડી ઓફિસના કાગળો સુધી દરેક વસ્તુનું બારીકાઈથી ધ્યાન રાખે છે એ તું છે, મારો દરેક કાર્યના સમય સાચવવા અહીંથી તહીં દોડધામ કરે છે એ તું છે, બાળકને સ્કૂલ મોકલવાથી માંડી નાસ્તાની વ્યવસ્થા માટે દોડે એ તું છે, ગરમા ગરમ ભોજન પીરસી ખાતા કેવું બન્યું છે એ પૂછી મારા ચહેરાનું સ્મિત જોઈ સંતોષ પામી લે એ તું છે, ઘરના દરેક વ્યક્તિને એક તાંતણે જોડી રાખી ઘરને હસતું ખેલતું બનાવે એ તું છે....શું મારા જીવનમાં એ સ્ત્રી તારી કોઈ જોડ ખરી?
...
પરિવારને ખુશ રાખવા સવારે વહેલા ઉઠી રાતે મોડા સૂવું એ હું છું, પોકેટમાં પાંચ રૂપિયા હોય તો પણ પરિવાર માટે ખર્ચી હરખાઉ એ હું છું, ઘરની નાનામાં નાની આર્થિકથી લઇ દરેક જરૂરિયાત સંતોષવા પોતાની જાત ઘસી નાખતો એ હું છું. વ્યવસાયિક જીવનમાં ગમે તેટલો થાક હોય ગમે તેટલો બોજ હોય એ અંદર રાખી પરિવારમાં હસતો આવી બધાને ખુશ રાખતો એ હું છું, ઘણી વખત ઘર કંકાશમાં પીસાઈ સુડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિમાં પણ દરેકને ખુશ રાખવા મથતો એ હું છું, ટૂંકમાં સદાય બીજા માટે જ જીવે પોતાની ઈચ્છાઓને મારીને એ હું છું, હું પુરુષ..શું તારા જીવનમાં મારી કોઈ જોડ નથી??
...
...ઘર પરિવાર રુપી ગાડીના બે પૈડાં છે, હું અને તું. આ પૈડાં એકબીજાને સમજી એકબીજાની લાગણીઓ સમજી પોતાની ફરજો જવાબદારીઓ સમજી, સંબંધોનું મૂલ્ય સમજી, એક બીજાના પૂરક બને તો બન્ને શ્રેષ્ઠ છે.
